Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

કોલકાતામાં ઊજવાયો ૩૨મો પાટોત્સવ મહોત્સવ

તા. ૧૨ ડિસેમ્બર, ૨૦૦૫ના દિવસે કોલકાતા મંદિરની પ્રતિષ્ઠાને ૩૩ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં હતાં. શહેરના હરિભક્તોએ આ નિમિત્તે ભક્તિભાવપૂર્વક પાટોત્સવનું આયોજન કર્યું હતું.
અહીંના સત્સંગી હરિભક્તોએ ૭૦૦થી વધારે વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવ્યો હતો. સિંહાસન અડધું ઢંકાઈ જાય, એટલો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો આ અન્નકૂટ હતો, થાળગાન બાદ વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું.
૩૨મા પાટોત્સવ નિમિત્તે સૌ પર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું હતું, 'આજે ભગવાનના પાટોત્સવ નિમિત્તે અહીં અન્નકૂટનો ઉત્સવ કર્યો છે. જીવનમાં ભક્તિભાવ હોય તો આવા ઉત્સવો થાય છે. આપણો ભક્તિભાવ વધે એટલા માટે આ ઉત્સવો હોય છે. ૩૨ વરસ થઈ ગયાં. આપણને થાય કે મંદિરમાં જવાની શી ઉતાવળ છે? જઈશું. રાહ જોવા બેસીએ તો મેળ ના ખાય. એટલે ભક્તિ-સત્સંગ કરવામાં વિલંબ ન હોય. એનો તો તત્કાળ લાભ લેવો જોઈએ. શરીરનો કોઈ નિર્ધાર નથી, ક્ષણિક-નાશવંત છે. એને પડી જતાં વાર લાગતી નથી. ક્યારે જશે? કયા વારે જશે? ખબર નથી પરંતુ મૃત્યુ નિશ્ચિત છે. મોટા થઈ પછી મંદિર જઈશું એમ માની બેસી રહીએ તો પછી રહી જવાય. એટલે જેટલો બને તેટલો વધારે ને વધારે લાભ લેવા આ મંદિરો થાય છે. મંદિરો આપણા આત્માને ઢંઢોળે છે.
દુનિયા માટે ઘણું કરો, તો પણ કોઈ પૂછતું નથી. જગતના જીવો માટે ગમે તેટલું કરો એને આપણી કિંમત નથી. ભગવાનને આપણી કિંમત છે. ભગવાનના વિચારો-ભાવનાઓ વિશાળ છે, એટલે થોડું કરીએ, તો પણ મહાન માની લે છે. એટલે જ દરરોજ સવારે પૂજા કરવાની, મંદિરે આવવાનું. આપણે તીર્થો કરવા દરરોજ જઈ શકવાના નથી. એટલે જોગી મહારાજ કહેતા, ઘરમંદિર કરો. ઘરની અંદર દરરોજ તીરથ થઈ જાય. ભગવાન જ્યાં બેઠા એ તીર્થ. એ ઘરની અંદર બેઠા તો એય તીરથ. દરરોજ સમય કાઢી દર્શન કરવા. અડસઠ તીરથનાં દર્શન અહીં થાય. મહિમા સમજાય તો આ તીરથ જ છે.
ઘરેથી અહીં(મંદિરે) આવવા જેટલાં પગલાં ભરો તો એક એક પગલે અશ્વમેધ યજ્ઞનું ફળ થાય. જુગાર-દારૂની પાર્ટીઓ-જલસામાં જાઓ તેમાં કંઈ ફળ નથી અને આ તો મહાફળ છે. ભગવાનની ઇચ્છાથી આ ફળ ઘરબેઠા મળે છે તો લઈ લેવું.''
આજ રોજ સવારે સ્વામીશ્રી લક્ષ્મીનારાયણ મંદિરે દર્શન કરવા પધાર્યા હતા.
મંદિરના પ્રમુખ કરમશીભાઈ પટેલ, કોલકાતા ગુજરાતી વૈષ્ણવ સમાજના પ્રમુખ ઉમેદભાઈ વોરા, મંદિરના ઉપપ્રમુખ નારાયણભાઈ સેદાણી તથા ઉષાકાન્તભાઈ પારેખ, પૂર્વ ટ્રસ્ટી કૃષ્ણલાલ અડાલજા તથા ટ્રસ્ટીઓ નગીનભાઈ અને રાજેન્દ્રભાઈ રાજા તથા મનહરભાઈ મહેતાએ તેમજ વૈષ્ણવ સમાજના ટ્રસ્ટી મનહરભાઈ માણેકે હાર પહેરાવીને સ્વામીશ્રીનું અભિવાદન કર્યું હતું.
સ્વામીશ્રીએ સૌ ભાવિકોને આશીર્વાદ પાઠવ્યા હતા.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |