Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ઝાડેશ્વર-ભરૂચમાં પ્રમુખસ્વામી મહારાજના આગમનની વિશિષ્ટ વધામણી

નર્મદા તટે તીર્થભૂમિ ઝાડેશ્વર ખાતે શ્રી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના વિશાળ પરિસરમાં પ્રમુખસ્વામી મહારાજ પધાર્યા ત્યારે તેઓના પુણ્યવંતા આગમનને આ ક્ષેત્રના ભક્તોએ અનોખી પ્રેરક જીવનશૈલીથી વધાવ્યું હતું. તા. ૨૦-૧૨-૨૦૦૫ના રોજ સંધ્યા સત્સંગસભામાં પ્રમુખસ્વામી મહારાજની સ્વાગતસભા યોજાઈ ત્યારે એ ભક્તોની દાસ્તાનથી પ્રેરણાની એક દિવ્ય નર્મદા સમાંતર વહેતી થઈ હતી.
મંદિરના વિશાળ સભાગૃહમાં વિવેકસાગર સ્વામીએ આજથી હરિલીલામૃતમાંથી માલકમ સાહેબના આખ્યાનનું નિરૂપણ શરૂ કર્યું હતું. સ્વામીશ્રીના પધાર્યા પછી સ્થાનિક યુવકોએ 'આનંદનો અવસરિયો મહેંકી રહ્યો....' એ ગીતના આધારે સ્વાગતનૃત્ય રજૂ કર્યું. આ નૃત્યની વિશેષતા એ હતી કે એમાં ભાગ લેનારા ઘણા યુવકો એવા હતા કે જેઓએ ૮૫ કલાકના સતત નિર્જળ ઉપવાસ કર્યા હતા અને છતાં રોજ મોડી રાત સુધી તેઓ નૃત્યની પ્રૅક્ટિસમાં પણ આવતા હતા. નૃત્ય પછી સમગ્ર સત્સંગમંડળ વતી ઝાડેશ્વર(ભરૂચ)ના સંતો તેમજ મોતીભાઈ પટેલે ને નીતિનભાઈ પટેલે પુષ્પહાર પહેરાવી સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા.
ત્યાર પછી શરૂ થઈ સ્વાગત રૂપે પ્રેરકગાથાઓ. સ્વામીશ્રીના સ્વાગતમાં સ્થાનિક યુવકોએ અને યુવતીઓએ વિશિષ્ટ તપ-વ્રત કર્યાં હતાં. અભયસ્વરૂપ સ્વામીએ આ ગાથાઓ વર્ણવી.
ભરૂચ ક્ષેત્રના સત્સંગમંડળના ઘણા એવા સભ્યો છે કે જેઓ સ્વામીશ્રીને રાજી કરવા માટે વિવિધ વ્રત, તપ, નિયમો લઈને ઉદાહરણરૂપ શુભ કાર્ય કરી રહ્યા છે. તાજેતરમાં સ્વામીશ્રી ભરૂચ પધાર્યા ત્યારે આ કર્તવ્યનિષ્ઠ અને અને ભક્તિનિષ્ઠ સેવકોની દાસ્તાન સાંભળતાં જ સ્વામીશ્રીની સહજ પ્રસન્નતા સૌ પર વરસી ગઈ.
C.I.D.માં સબ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ ભાવસાર કોઈ પણ પ્રકારના સંકોચ વગર વર્ષોથી સંતઆશ્રમનાં સંડાસ-બાથરૂમ ખૂબ ચીવટથી સાફ કરે છે. ભજન-કીર્તન કરતાં કરતાં બે કલાક તેઓ પરિશ્રમપૂર્વક આ સેવા કરે છે એ સૌને માટે પ્રેરણારૂપ બની રહે છે.
એક સ્થાનિક કંપનીમાં ઉચ્ચ પગારથી હોદ્દો ભોગવતા ભાવેશભાઈ ચૌહાણ ઝાડેશ્વર મંદિરમાં નીલકંઠવણી મહારાજની સેવામાં સ્વૈચ્છિક રીતે જોડાયા છે. નોકરી કરતાં કરતાં તેઓ આ ભક્તિમાં જોડાયા છે. રોજ સવારે ૩-૩૦ વાગે જાગે, પરવારી ૪-૩૦ વાગે મંદિરે આવે, ૫-૦૦થી ૬-૦૦ સુધી નીલકંઠવણીને જગાડે, નવડાવે, એમ વિવિધ સેવાઓ કરે. ત્યારબાદ મંગળા તથા આરતીમાં જોડાય. ૬-૨૦થી ૭-૩૦ સુધી ઠાકોરજીના હાર બનાવે. એક દિવસ તેમની ઘડિયાળનું એલાર્મ ન વાગ્યું, આથી તે દિવસે ભક્તિ ન થઈ શકી. તેમણે પ્રાયશ્ચિત્ત રૂપે એક ઉપવાસ કરી દીધો !
સજોદ ગામના ઉત્સાહી કિશોર સ્વયંસેવક સહદેવભાઈ પ્રજાપતિએ સજોદથી ઝાડેશ્વર-ભરૂચ મંદિર સુધી કુલ ૨૮ કિલોમીટરનું અંતર દંડવત્‌-યાત્રા કરવાનું નક્કી કર્યું. ચૈત્રના ભારે તાપમાં કોઈ પણ સગવડ વગર કોઈને પણ સાથે રાખ્યા વગર તેઓ ઘરેથી નીકળી પડ્યા. પોતાનો સામાન ચાલતાં જઈ અડધો કિલોમીટર દૂર મૂકી પાછા વળે, પછી મૂળ સ્થાને આવી દંડવત્‌ કરતાં કરતાં સામાન સુધી પહોંચે. એમ આગળ વધે ! એક વખત તો સવારે ૧૦-૦૦ વાગ્યાથી બીજે દિવસે સવારે ૪-૦૦ વાગ્યા સુધી દંડવત્‌-યાત્રા અનિવાર્ય સંજોગોને લીધે કરી. આમ, સતત ૯ દિવસ સુધી કુલ ૧૯,૧૮૧ દંડવત્‌ સાથે હરિનવમીએ સવારે યાત્રા પૂર્ણ કરી.
ભરૂચના શંકરભાઈ પટેલ એક આદર્શ વૃદ્ધની જીવનશૈલી જીવે છે. ઈ.સ. ૧૯૮૮થી દરરોજ તેઓ ૧૦ વખત જનમંગલ નામાવલી તથા ૬૦ માળા કરે છે. જીવનચરિત્રોમાંથી ૨૦ પાનાંનું વાંચન કરે છે. સાથે સાથે રોજ અધ્યયનપૂર્વક વચનામૃત અને સ્વામીની વાતોનું વાંચન કરે છે, તેમાંથી પ્રશ્નો કાઢે, જવાબની ડાયરી બનાવી તેમાં તે પ્રશ્નોના જવાબ લખે. દરરોજ સ્વામીશ્રીના બે-ત્રણ લખેલાં પ્રવચનો વાંચે, રોજ જેટલી કાંઈ લખેલી ડાયરીઓ છે તે ક્રમમાં વાંચે છે. ઉપરાંત નિયમિત રીતે માનસી કરે છે. ચેષ્ટાગાન કરે છે. તેઓના આ આધ્યાત્મિક જીવનને લીધે ઘરથી અલિપ્ત રહી ભજન-ભક્તિ કરી શકે છે.
બધા જ વડીલો આવી જીવનશૈલીને અનુસરે તો!?
કીમ ક્ષેત્રના નિર્દેશક તરીકે સેવા આપતા પદ્મકાન્તભાઈ ભાવસાર શહેરમાં રહીને જાણે વનમાં જીવન વિતાવી રહ્યા છે! સને ૧૯૭૨થી તેમણે બજારની ખાણીપીણી બંધ કરી છે. છેલ્લાં ૨૭ વર્ષથી એકપણ ફિલ્મ જોઈ નથી. ટી.વી., રેડિયો તો પહેલેથી જ નથી. છાપું કદી વાંચતા નથી. જીવનમાં વધુ આધ્યાત્મિકતા દૃઢ કરવા તેઓ તથા પરિવાર પાંચ વર્ષથી મંદિરમાં નીલકંઠવણી અભિષેક મંડપની ખૂબ નિયમિત રીતે કરે છે.
મંદિરની મૂર્તિપ્રતિષ્ઠાના દિવસથી જ નિયમિત રૂપે મંગળા આરતીનાં દર્શનનો નિયમ રાખનારા ભરૂચના દીક્ષિતભાઈ પટેલ ક્યારેક મંગળા આરતી ચુકાય તો ઉપવાસ કરે છે. સાથે સાથે તેઓ પાંચ સમયની માનસી નિયમિત રીતે કરે છે. એક વાર નોકરીમાં અનિવાર્ય સંજોગોને લીધે લાંબા સમય સુધી રોકાવું પડ્યું અને નિત્યપૂજા શક્ય ન બની તો તેમણે અઢી દિવસ નિર્જળ ઉપવાસ કર્યા!
જયેશ કાશીભાઈ પટેલ અને મહેશ જાદવ નામના ભરૂચના બે કિશોરોએ ૭ કિલોમીટરની પદયાત્રા કરીને ૧૫ દિવસ સુધી મંગળા આરતી કરી.
માંડવા ગામના દિનેશ અને સુરેશ નામના યુવકોએ ૧૦ કિલોમીટર ગબડયાત્રા કરી. સ્નેહલ ઉપાધ્યાય અને ચંદ્નકાન્તભાઈએ લંગડી લેતાં લેતાં યાત્રા કરી. ૬૦ વર્ષના છોટુકાકાએ પાછા પગે આ યાત્રા કરી. અંકલેશ્વરના કૌશિકભાઈએ ૭ દિવસના સજળ ઉપવાસ સાથે ૧૬ કિલોમીટર પદયાત્રા કરી. કૈલાશ પરમારનાં પાંચ વર્ષીય સુપુત્રી ને સિતાંશુભાઈનાં અઢી વર્ષનાં સુપુત્રીએ ૮૫ કલાકના સજળ ઉપવાસ કર્યા. અંકલેશ્વરના ૐ ટાવર મંડળના ૯ કિશોરો ઠાકોરજી અને સ્વામીશ્રીનાં દર્શન કરવા માટે એક પગે લંગડી કરીને ૧૬ કિલોમીટર અંતર કાપીને આવ્યા હતા. દીપ્તેશ લીંબાચિયા, કલ્પેશ પટેલ, જયમીન પટેલ, કૌશિક ગજ્જર, જયેશ ટેલર, બ્રિજેશ ટેલર, ભાવેશ લીંબાચિયા, શૈલેષ પારેખ તથા નવીનભાઈ લીંબાચિયા વગેરે કિશોરોએ લંગડી દ્વારા ૧૬ કિલોમીટર કાપ્યા હતા. એ જ રીતે તેઓની સાથે આવેલી કેટલીક મહિલાઓએ પદયાત્રા તો વળી બે મહિલાઓએ ઊંધા પગે ચાલીને પદયાત્રા પૂરી કરી હતી.
સ્વામીશ્રીની પ્રસન્નતાથી ધન્ય થયેલા આ આબાલવૃદ્ધ હરિભક્તો સૌને માટે પ્રેરક ઉદાહરણરૂપ બન્યાં છે.
અંતમાં સૌ પર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું હતું કે 'આજે ભૌતિકવાદ ખૂબ વધ્યો છે એમાં આવા નિયમો રાખવા, ઉપવાસ કરવા એ બહુ મોટી વાત છે. ભૌતિકવાદને લઈને આવા નિયમોમાં શ્રદ્ધા ન રહે, ઘસારો લાગે, પણ ભગવાન શ્રીજીમહારાજે અક્ષરધામમાંથી પધારી, ધર્મનું સ્થાપન કરી આપણને આ નિયમો આપ્યા છે. શ્રીજીમહારાજના વચનમાં વિશ્વાસ હોય તો એ નિયમો પાળી શકાય. શ્રદ્ધા ન હોય તો કામ ન થાય. ખેડૂતને શ્રદ્ધા છે તો ખેતી થાય છે. કાર્યમાં શ્રદ્ધા હોય તો માણસને સફળતા મળે છે. ઉદ્યોõગપતિ પહેલાં કરોડો રૂપિયા ઉદ્યોગમાં નાખે છે, કારણ કે એને વિશ્વાસ છે કે આમાંથી બે-ત્રણ ગણા મળવાના છે. બૅન્કમાં લાખો રૂપિયા મૂકે છે, કારણ કે વ્યાજ સહિત પાછા આવશે એવો વિશ્વાસ છે એમ ભગવાનની આજ્ઞા પાળવામાં પણ વિશ્વાસ જોઈએ તો જ કાર્ય થાય.
ભગવાન અને સંતનાં વચન આપણા કલ્યાણ માટે છે. એમાં શાંતિ છે. જેણે જેણે વચન પાળ્યાં છે એનું કામ થઈ ગયું છે. આપણે જ્યારે ભગવાનના આશ્રિત થયા છીએ તો શિક્ષાપત્રીમાં ત્યાગી, ગૃહી બધાના નિયમો છે. એ નિયમોનું પાલન કરીએ તો સુખિયા થઈએ. શિક્ષાપત્રી સર્વજીવના હિત માટે લખી છે.'
ત્યારબાદ ભૌતિકવાદના વધી રહેલા અતિરેકને કારણે ઉદ્‌ભવતી સામાજિક સમસ્યાઓ પર માર્ગદર્શન આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે 'આજે કૌટુંબિક ભાવનાઓ રહી નહીં. કોઈ કોઈની મર્યાદા રહી નહીં. ટી.વી.માં બધા સામે બેસે ને ખરાબ જુ એ પછી ક્યાંથી મર્યાદા રહે ? અંદરોઅંદર વહેવાર થાય છે, સસરા-વહુને થાય છે, અનેક જાતના બળાત્કારો થાય છે, એનું કારણ શું ? ટી.વી. જુએ છે એ જ! ટી.વી. ન જોવું એવું નિયમ રાખીએ તો ઘરમાં શાંતિ રહે અને આપણને પણ શાંતિ રહે. સીતાજી જેવાં ભક્તે પણ એક જ આજ્ઞા લોપી તો રાવણને ત્યાં જવું પડ્યું, યુદ્ધ થયું ને કેટલી બધી ઉપાધિ આવી! ભગવાનની આજ્ઞા નાની હોય કે મોટી હોય, પણ જો આપણે પાળીએ તો આપણને શાંતિ થાય.
યોગીજી મહારાજની એક આજ્ઞા છે કે રવિવારની સભામાં આવવું. પણ કેટલાક કહેઃ 'મારે તો પાર્ટીનો ટાઇમ છે!' પણ આ કોની આજ્ઞા છે ? કેવા મહાપુરુષ બોલ્યા છે? એનાં વચન પર વિશ્વાસ રાખો. રવિવારની સભામાં છેલ્લા આવીએ તોય નકામું. પહેલેથી આવી જવું. કથા સાંભળવી, આરતી કરી પ્રસાદ લઈને જવું. લોકો બહારના શૉ હોય તો આગળ જઈ બેસે. અશ્લીલ જોવાનું હોય એમાં તરત તૈયાર થઈ જાય. પણ સત્સંગસભામાં 'મોડા મોડા જઈશું, શી ઉતાવળ છે ? સંતો બેઠા જ છે,' એવું થઈ જાય છે.
ઘરમાં કચરો-પૂંજો દરરોજ કાઢવો પડે. મંદિર રોજ સાફ થાય તો કેટલું સુંદર લાગે! એમ અંતર સાફ કરવા નિત્ય સત્સંગ કરવો જોઈએ. દરરોજ સવારે ઊઠીએ એટલે પહેલામાં પહેલા ભગવાનને યાદ કરવા. ભગવાને આવું સરસ શરીર આપ્યું. ભગવાને એવું બનાવ્યું છે કે એની કિંમત જ ન થાય. ખાઈએ એ પચે, જરૂરી તત્ત્વ અંદર રાખે ને કચરો ઝાડા-પેશાબ વાટે નીકળી જાય. ભગવાન છે તો આપણું તંત્ર ચાલે છે. ભગવાન અંદર બેઠા છે એ આપણને પ્રેરણા કરે છે. એ તત્ત્વ અંદરથી ચાલી ગયું તો તંત્ર બંધ થઈ જાય છે. આવું શરીર ભગવાને શા માટે આપ્યું છે?
ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવા શરીર આપ્યું છે. વેપાર, નોકરી, ધંધો કરો, દેશ-પરદેશ જાવ બધું જ કરો, પણ કરોડ કામ બગાડી મોક્ષ સુધારવાની વાત સ્વામીએ કરી છે. ખાવું-પીવું, મોજશોખ એ કંઈ જીવન છે ? તો પછી આપણામાં ને પશુમાં શું ફેર ? માટે નિયમ, આજ્ઞા, ઉપાસના દૃઢ કરવી જોઈએ. નિયમિત રીતે શિક્ષાપત્રીનું વાંચન કરવું, એનો વિચાર કરવો કે આમાં મારાથી કંઈ ભૂલ થાય છે ? કંઈ વચન લોપાય છે ? તો પાછા વળવું. નિયમમાં રહી ભક્તિ કરીશું તો મહારાજ-સ્વામી રાજી થશે. આજે જે ભાઈઓ શ્રદ્ધા સહિત ભક્તિ કરે છે તેમને મહારાજ બળ આપશે, શાંતિ આપશે ને સુખિયા કરશે. ઘરેથી ચાલીને અહીં આવે તો ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફળ મળે. પેલા ગબડયાત્રા કરીને આવ્યા છે, બીજાએ માળા-ઉપવાસ કર્યા છે, એ બધાને મહારાજ ખૂબ સુખિયા કરે ને એવું બધાના જીવમાં બળ મળે એ પ્રાર્થના.''
તા. ૨૧-૧૨-૨૦૦૫ના રોજ ભરૂચથી ૧૫ કિલોમીટર દૂર આવેલા અંદાડા ગામથી દિવ્યેશ અને રાહુલ નામના બે બાળકો પદયાત્રા કરીને અહીં પહોંચ્યા હતા. વળી, પદયાત્રા દરમ્યાન તેમણે ૫૦ સ્વામીની વાતો મોઢે કરી હતી. સ્વામીશ્રીએ બંને ઉપર રાજીપાના આશીર્વાદ વરસાવ્યા હતા.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |