Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ઝાડેશ્વર(ભરૂચ)માં બાળદિન દ્વારા બાળકોએ ભક્તિ અદા કરી

તા. ૨૪-૧૨-૨૦૦૫ના રોજ ઝાડેશ્વર(ભરૂચ) ખાતે ભરૂચ ક્ષેત્રનાં બાળમંડળોના બાળકોએ બાળદિન ઊજવીને સ્વામીશ્રી સમક્ષ ભક્તિ અદા કરી હતી.
આજે સવારે સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શનાર્થે પધાર્યા ત્યારે દેવદૂતના પરિવેશમાં બે બાળકોએ સ્વામીશ્રીનું અભિવાદન કર્યું અને 'બાળદિન'ની છડી પોકારી. આજે મંદિરના મધ્ય ઘુમ્મટ તળે સમૂહ બાળવર્તમાનવિધિ રાખવામાં આવ્યો હતો. ઘુમ્મટમાં બેઠેલા પ્રત્યેક બાળક ઉપર પુષ્પવૃષ્ટિ કરીને પુષ્પવર્તમાન ધરાવીને સ્વામીશ્રીએ સૌને આશીર્વાદથી કૃતાર્થ કર્યા. આજે ઘનશ્યામ મહારાજના ખંડમાં નિયમોની એક યજ્ઞવેદી મૂકવામાં આવી હતી. બાલિકામંડળે નિયમોના સંકલ્પ સાથે પોતાના દુર્ગુણોનો હોમ આ વેદિકા ઉપર કર્યો હતો.
સાંજે સ્વામીશ્રીના ઉતારાથી સભામંડપ સુધીના રસ્તે બાલિકામંડળે પુષ્પની રંગોળી પૂરીને વચ્ચે વચ્ચે શ્રદ્ધાના દીપ પ્રગટાવ્યા હતા. સંધ્યા સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીએ પારાયણની સમાપ્તિ કર્યા બાદ બાળદિન નિમિત્તેનો કાર્યક્રમ શરૂ થયો. પ્રારંભમાં વેદમંત્રોનું ગાન કરીને બાળકોએ 'હે પરમેશ્વર તુજ રચના કા કોઈ ના પાવે પાર....' ગીત પર નૃત્ય પ્રસ્તુત કર્યું. ત્યારબાદ સંવાદ દ્વારા શ્રીજીમહારાજે બાળકોને કેવા તૈયાર કર્યા હતા તે રજૂ કરવામાં આવ્યું. ત્યારપછી બાળસંસ્કારમાં મનને વશ કરીને રચનાત્મક કાર્યમાં જોડવાનો મુદ્દો કેન્દ્ર સ્થાને હોય છે, એે દર્શાવતી એક રમત રમાડવામાં આવી.

સ્વામીશ્રીના બાળમંડળમાં તૈયાર થયેલા વિરલાઓ ક્યારેય મનને વશ થતા નથી. એવા વિરલાઓનું સન્માન અત્યારે સ્વામીશ્રીના હસ્તે કરવામાં આવ્યું. અંકલેશ્વર બાળમંડળના મહર્ષિએ પોતાના પિતાનું વ્યસન છોડાવ્યું. વળી, અંકલેશ્વરમાં મંદિર ના થાય ત્યાં સુધી દર તેરસે તે મુંડન કરાવે છે! તો સ્થાનિક બાળમંડળનો સભ્ય નૈવીલ પટેલ કરાટેમાં રાજ્યભરમાં ચૅમ્પિયન છે. દેશભરની કરાટે સ્પર્ધામાં ભાગ પણ લે છે, પરંતુ ક્યારેય નિયમધર્મ લોપ્યા નથી. પ્રતીક ગોહિલે સ્વામીશ્રીની જન્મજયંતીએ પદયાત્રા દ્વારા ચાણસદ સુધી ૬૬ કિલોમીટર અંતર કાપીને ગુરુભક્તિ અદા કરી હતી.
૧૦ વર્ષનો રોનક ભરતભાઈ મિસ્ત્રી તથા ૧૨ વર્ષનો પ્રણવ પંડ્યા આ બંને બાળકોએ ૮૫ કલાકના સજળ ઉપવાસ કર્યા હતા. એ જ રીતે ૮ વર્ષનો જૈમિન માતુશ્રી જ્યારે રસોઈ બનાવી ન શકે એવી પરિસ્થિતિમાં હોય ત્યારે આ બાળક રસોઈ બનાવીને માતાપિતા અને બહેનને જમાડે છે. આવા કેટલાય બાળતારલાઓ આજે સ્વામીશ્રીના આશીર્વાદ મેળવવા સદ્‌ભાગી બન્યા. સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય સારું રહે અને જીવનો સત્સંગ થાય એ નિમિત્તે બાળબાલિકા કાર્યકર્તાઓએ ભેગાં મળીને કેટલાક વિશેષ નિયમ અને ભક્તિ અદા કર્યાં હતાં. જેમાં ૩૬,૩૮૧ માળા; ૧,૭૨,૨૧૩ પ્રદક્ષિણા; ૧૮,૭૧૬ દંડવત્‌ અને ૧,૫૦,૬૩૬ પંચાંગ પ્રણામ કર્યા હતા. આ વ્રત નિયમમાં હાર્દિક પટેલ અને અક્ષર ભટ્ટ નામના ૧૦ વર્ષના બાળકોએ ૧૧૪૦ દંડવત્‌, પ્રદક્ષિણા અને માળા કર્યાં હતાં. જ્યારે બાળકાર્યકર નગીનભાઈએ ૨૫૫૦ દંડવત્‌, ૨૫૫૦ પ્રદક્ષિણા અને ૭૫૦ માળા કરીને વિશેષ ગુરુભક્તિ અદા કરી હતી. આ બાળકો ઉપર સ્વામીશ્રીના આશીર્વાદની વર્ષા થઈ.
વળી, પ્રત્યેક બાળમંડળના સભ્યએ નૂતન સંકુલ નિર્માણ નિમિત્તે પોતાના મોજશોખનો ત્યાગ કરીને પૈસા બચાવવાનો નિર્ધાર કર્યો હતો. આ નિમિત્તે સહજાનંદ ઠાકર નામના બાળકે સ્વામીશ્રી પાસે જઈને બચતકુંભનું ઉદ્‌ઘાટન કરાવ્યું. આજના દિવસે શિશુમંડળથી માંડીને ૩૨ જેટલા બાળકોએ મુંડન કરાવ્યું હતું.
છેલ્લે આશીર્વચન ઉચ્ચારતાં સ્વામીશ્રીએ સૌ બાળકો ઉપર ખૂબ ધન્યવાદ અને આશીર્વાદની વૃષ્ટિ કરી હતી.
આજના દિવસે કેટલાક બાળકો પણ પદયાત્રા કરીને આવ્યા હતા. નવા કાશિયા અંકલેશ્વર બાળમંડળના જયેશ, અતુલ, મેહુલ, નરેન્દ્ર, જગદીશ, જયેશ, હિતેશ તથા અનિલ નામના બાળકો માળા કરતાં કરતાં ૧૧ કિલોમીટર પદયાત્રા કરીને આવ્યા હતા. એ જ રીતે નાહિયેરથી ૩ યુવકો અને ૫ મહિલાઓ ૧૧ કલાકમાં ૪૨ કિલોમીટરનું અંતર કાપીને પદયાત્રા કરીને આવ્યાં હતાં. એ જ રીતે આમોદથી ૪૫ કિલોમીટરનું અંતર કાપીને ૮ વ્યક્તિઓ પદયાત્રા કરીને આવ્યા હતા. આ સૌ ઉપર સ્વામીશ્રીના આશીર્વાદ વરસ્યા.
તા. ૨૫-૧૨-૨૦૦૫ના રોજ મંદિર સુધી પદયાત્રા કરીને આવેલાં ૮૬ બાળકો અને ૧૮૬ બાલિકાઓને સ્વામીશ્રીએ અંતરના આશીર્વાદ પાઠવ્યા. એ જ રીતે ઝઘડિયાથી ઝાડેશ્વર ૮ ભાઈઓ અને ૨ બહેનો પદયાત્રા કરીને આવ્યાં હતાં. તેઓને પણ અંતરના આશીર્વાદ આપ્યા. આજના દિવસે અહીંના સ્થાનિક અજયભાઈ મહેતાએ આખી રાત સ્વામીશ્રીના ઉતારાની બહાર બેસીને ૩૨૬ માળા અને ૧૦ જનમંગલ નામાવલીના પાઠ કર્યા હતા. તેઓની ભાવના એવી હતી કે પેટ માટે રાતપાળી નોકરી કરીએ છીએ, પરંતુ ઠેઠ માટે પણ કરવી જોઈએ.
આમ, છ દિવસ સુધી ભરૂચ ખાતે શ્રી નીલકંઠવણીના દિવ્ય સાંનિધ્યમાં ભક્તિરસની હેલી વરસાવી સ્વામીશ્રી સુરત પધાર્યા હતા.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |