Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સુરતમાં પ્રમુખસ્વામી મહારાજનું દબદબાપૂર્વક સ્વાગત

સ્વામિનારાયણ અક્ષરધામના દિગંતવ્યાપી સર્જનની વિશ્વને ભેટ આપીને તેના સર્જક પ્રમુખસ્વામી મહારાજ સુરત ખાતે પ્રથમ વખત પધારી રહ્યા હતા ત્યારે તા. ૨૫-૧૨-૨૦૦૫ના રોજ સ્વામીશ્રીને સત્કારવા સુરતવાસી ૩૫,૦૦૦ હરિભક્તોનો સમુદા ઉમંગભેર ઊમટ્યો હતો.
તાપી તટે સુરતના વિશાળ સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં સંધ્યા સત્સંગસભામાં પ્રમુખસ્વામી મહારાજના ભાવભીના સત્કાર માટે હકડેઠઠ ભરાયેલી ભક્તમેદનીને સંબોધતાં વિવેકસાગર સ્વામીએ અક્ષરધામના સર્જન અને એના પ્રતિભાવોનો અદ્‌ભુત રસાસ્વાદ કરાવ્યો હતો. જયદીપ સ્વાદિયાના ભક્તિસંગીત દરમ્યાન સ્વામીશ્રી મંચ ઉપર પધાર્યા ત્યારે આકાશમાં આતશબાજી ચાલુ થઈ, સાથે સાથે જયદીપના કંઠમાંથી ધૂમધડાકા ફટફટાફટ ફટાકડાઓ ફોડાવો રે... એ ગીતના ગુંજન સાથે હરિભક્તોએ ગગનભેદી જયનાદો સાથે સ્વામીશ્રીના આગમનને વધાવ્યું હતું.
અભિનવ સજાવટ સાથે સુશોભિત વિશાળ મંચ પર ચાર પ્રવક્તા યુવકોએ સભાનું સૂત્ર સંભાળતાં અક્ષરધામની ગરિમાગાથા ગાઈ અને 'સમગ્ર વિશ્વને અક્ષરધામનું લોકાર્પણ કરીને સુરત શહેરને પાવન કરનાર પ્રમુખસ્વામી મહારાજનું સ્વાગતમ્‌. હિન્દુ ધર્મના જ્યોતિર્ધર પ્રમુખસ્વામી મહારાજનું સ્વાગતમ્‌.' શબ્દો સાથે યુવાનોએ સત્કારનૃત્યો રજૂ કર્યાં. છેલ્લી પંક્તિમાં વિશાળ હાર સ્વામીશ્રીના હાથમાં અર્પણ કરીને બાળકોએ વિશિષ્ટ સ્વાગત કર્યું. સ્થાનિક સત્સંગસમુદાય વતી ઘનશ્યામચરણ સ્વામી, ઉત્તમપ્રકાશ સ્વામી, ટ્રસ્ટીમંડળ વતી જગદીશભાઈ, એડીશનલ ડી.જી. રાયધર, ઈન્કમટેક્સના ચીફ કમિશનર જી.સી. શ્રીવાસ્તવ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. કોઠારી, ડી.પી. મોરે, જિલ્લા શિક્ષણાધિકારી ઝાંઝ રુકિયા, જિયો-ટેકનોક્રેટ મહેશભાઈ દેસાઈ, આઈ.જી. શ્રી પરમાર, ટેક્સટાઇલ ઉદ્યોગ વતી પન્નાભાઈ બચકાનીવાલા તથા શ્યામભાઈ ગુપ્તા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, જયંતીકાકા કનીપરવાળા, ઉદ્યોગપતિ સુનીલભાઈ પટેલ, 'દિવ્ય ભાસ્કર'ના નિવાસીતંત્રી જનકભાઈ નાયક વગેરે પ્રતિષ્ઠિતોએ સમગ્ર શહેર વતી સ્વામીશ્રીને સન્માન્યા.
અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું, ''સુરત શહેરનો આવો ભક્તિભાવ ભગવાન સ્વામિનારાયણના વખતથી જોવા મળે છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજનો લાભ પણ આ શહેરે લીધો છે. એવો સૌને પ્રેમ ભગવાન અને સંતમાં થયો છે માટે આપ બધા ખૂબ ભાગ્યશાળી છો. આજે વિશ્વમાં વિકાસની સાથે અશાંતિ વ્યાપી છે, કારણ કે સૌ ભૌતિક સુખ મેળવવા પ્રયત્ન કરે છે. વહેવાર-સંસાર છે, એટલે નોકરી-ધંધો કરવાની ના નથી, પણ એ જીવનની મુખ્ય, મહત્ત્વની બાબત નથી. મહત્ત્વમાં મહત્ત્વ ભગવાન અને સંતનું છે. ભગવાન ને સંત આ પૃથ્વી પર વિચરતા હોય છે, એની ઓળખાણ થાય, મહિમા સમજાય, એમાં આત્મબુદ્ધિ થાય તો છેલ્લો જન્મ થાય છે.
ભવ્ય મંદિરો થાય, સંતસમુદાય વધે, દુનિયામાં સત્સંગ વધે એ ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ. દિલ્હીનું અક્ષરધામ સર્વોપરિ થયું એ પણ તેમનો સંકલ્પ. ભગવાનની ઇચ્છા અને પ્રેરણાથી મંદિર થયું છે. કર્તા ભગવાન છે. જે લોકોએ પ્રશંસા કરી છે, એમાં ભગવાનની પ્રેરણા ને મહાન પુરુષનો સંકલ્પ, આ માણસનું કર્તવ્ય નથી. જેણે આ જગત રચ્યું છે, એવી રચના આપણે કરી શકીએ એમ નથી. અનંત બ્રહ્માંડની રચના ભગવાનનો એક સંકલ્પ કરી શકે એવી એમની શક્તિ છે. અણુમાં કેટલી બધી શક્તિ છે કે એ માણસને ખબર નહોતી, પણ શોધ્યું તો ખબર પડી કે એ અણુમાં દુનિયાનું સર્જન, પોષણ થઈ શકે એવી શક્તિ છે. ભગવાન અણુથીય અણુ(સૂક્ષ્મ) છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે એ અણુના કોટાનુકોટિ કટકા કરો તો એમાં પણ ભગવાનની શક્તિ છે. આઈન્સ્ટાઈને અણુમાંથી શોધીને એનું કેટલું મહત્ત્વ છે એ સમજાવ્યું. •ષિમુનિઓએ ઘણી સાધનાઓ કરીને કહ્યું કે ભગવાન જેવું તત્ત્વ છે, જેને આધારે દુનિયા ચાલે છે.
સર્વત્ર ભગવાન જોવાની દૃષ્ટિ હોવી જોઈએ. એ જ્ઞાન એવા તત્ત્વજ્ઞાની સત્પુરુષથી મળે. દરેકની અંદર ભગવાન રહ્યા છે. અણુ અણુની અંદર, વૃક્ષો, સ્થળ, પાણી, પૃથ્વીના રજકણોમાં ભગવાન રહેલા છે. ઝાડપાન, માણસોમાં, દેવોમાં, બધામાં ભગવાન રહ્યા છે, પણ આપણને જોવાની દૃષ્ટિ નથી. જ્યારે આપણને જોવાની દૃષ્ટિ થાય તો દિવ્યતા લાગે. 'જ્યાં જુ એ ત્યાં રામજી...' જોગી મહારાજને ભગવાન જોવાની દૃષ્ટિ હતી તો એમને ભગવાનનો અખંડ આનંદ આવતો. એવા પુરુષ મળે તો એ જ્ઞાન આપણને પણ થાય. 'સાચે સંત મિલે કમી કાહુ રહી...''

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |