Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સુરતમાં બાળકોએ 'બાળદિન' નિમિત્તે વિવિધ કાર્યક્રમો દ્વારા સ્વામીને રાજી કર્યા..

બાળકો એટલે કલ્પનાપ્રદેશમાં વિહરનારાઓ. જિજ્ઞાસાભરી કલ્પનાના પ્રદેશમાં વિહરતા બાળકો રાજા, કુંવર, પોપટ, મોર, વાનર, સિંહ, હાથી, રીંછ, ખિસકોલી વગેરે પાત્રોની સાથે મૈત્રી માણે છે અને એટલે જ આવાં માધ્યમો દ્વારા બોધ શીખવવાની પરંપરા પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્માએ પ્રસ્તુત કરેલી છે. આવા જ હેતુ સાથે તા. ૩૧-૧૨-૨૦૦૫ના રોજ સુરત ખાતે સ્વામીશ્રીના સાંનિધ્યમાં બાળદિનની વિશિષ્ટ ઉજવણીમાં 'વાર્તાઓના દેશમાં' વિહરતા બાળકોનો એક અનોખો માહોલ રચાયો હતો. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સુરત શહેરના હજારો બાળકો આજે સવારથી જ આ બાળદિનની ઉજવણી માટે થનગની રહ્યા હતા.
વહેલી સવારે સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શને જવા સંતઆશ્રમમાંથી બહાર આવ્યા ત્યારે 'બાળદિને આપનું સ્વાગત છે' એવું સૂચવતા સુરત શહેરના બાળસંચાલકોએ લેઝિમ દાવ શરૂ કર્યો. સ્વામીશ્રીની ઉપસ્થિતિ આ પ્રત્યેક બાળકમાં ઉત્સાહ અને શક્તિનો સંચાર કરી દીધો. હરોળબદ્ધ ઊભેલા બાળકો પર મંદ સ્મિતસભર દૃષ્ટિ કરતાં કરતાં સ્વામીશ્રી ઠાકોરજી સમક્ષ પધાર્યા. અહીં પણ ધનુર્માસ નિમિત્તે બાળકોને અનુરૂપ શણગાર સજવામાં આવ્યા હતા. ત્રણેય ખંડમાં નાનાં આધ્યાત્મિક ઉખાણાંઓ રજૂ કરીને બાળદિનનો પ્રારંભ કર્યો. મંદિરની પ્રદક્ષિણાથી માંડીને ઠેઠ સભામંડપ સુધીના રસ્તામાં ઠેર ઠેર આજે બાળકોનું જ સામ્રાજ્ય હતું. જબ્બર-ગબ્બર જેવા મિકીમાઉસ, ટેડિબેર, શીર્ષાસન કરી રહેલા જોકરના મપેટ આજુબાજુ ફરી સૌનું ધ્યાન કેન્દ્રિત કરતા હતા. હવા ભરેલા આ મપેટ સાથે સ્વામીશ્રીએ હાથ મિલાવી સૌને આનંદભીના કરી દીધા. અમૃતપથની આજુ બાજુ હજારો હરિભક્તોની આગળ હતા બાળકો. ધ્વજ ફરકાવીને સૌ બાળકો જયનાદો સાથે સ્વામીશ્રીનું અભિવાદન કરી રહ્યા હતા.
પ્રાતઃપૂજામાં બાળકોએ કીર્તનો, વાર્તાકથન અને નૃત્ય રજૂ કર્યાં. આ સૌ બાળકોને સ્વામીશ્રીએ પ્રસાદી આપીને આશીર્વાદ વરસાવ્યા. બપોરે ભોજન દરમ્યાન બાળકોએ 'નાનપણમાં ભગવાન ભજવા કે મોટા થઈને ?' એ વિષયક ડીબેટ રજૂ કરી. સૌની છટાદાર વાક્‌છટાથી સ્વામીશ્રી પ્રસન્ન થયા. સાંજે ભ્રમણ દરમ્યાન પણ બાળકોએ સ્વામીની વાતો ઉપર એક છટાદાર ક્વિઝ રજૂ કરી હતી.
સંધ્યાસભામાં બાળકોએ 'રવિવારની રજા રજા...' ગીત રજૂ કર્યા બાદ નૃત્યમંચ ઉપર 'અમે ફૂલડાં ખીલ્યા રે...' એ ગીતની કડી પર બાળપુષ્પોએ નૃત્યનો પ્રારંભ કર્યો અને ત્યાં ને ત્યાં જ રોકાઈને ફૂલ હિલોળવા માંડ્યા. ત્યાં વળી વારાફરતી ખિસકોલી, બિલાડી, બતક, રીંછ, સિંહ, વાઘ, હાથી વગેરે પણ હતા. આ બધા પ્રાણીઓની વચ્ચે કલ્પિત અને તરંગ નામના બે બાળકો વિહરવા લાગ્યા. વાર્તાઓના દેશની આ રંગીન કાલ્પનિક સૃષ્ટિનો પ્રદેશ અહીં રચાઈ ગયો. એમાં વળી વાર્તાઓના દેશના અધિપતિ રાજાનો પ્રવેશ થયો. છડી પોકારાઈ. બાળકોએ 'વાર્તાના દેશ'માં વિહરવાની ઇચ્છા વ્યક્ત કરી. અને તે સાથે એક પછી એક વાર્તાઓની અદ્‌ભુત ગૂંથણી સાથે નાટ્યાત્મક રજૂઆતોનો આરંભ થયો. માત્ર બાળકો જ નહીં, સૌ કોઈ આ વાર્તાના પ્રદેશમાં વિહાર કરીને આનંદિત થઈ ઊઠ્યા.
આજના પ્રસંગે શહેરના મેયર શ્રી કનુભાઈ માવાણી, સ્ટેન્ડિંગ કમિટિના સભ્ય કાંતિભાઈ બદર, દિનેશભાઈ જોધાણી, નાનુભાઈ વાનાણી તેમજ ગોધાણી જેમ્સના રમેશભાઈ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત હતા. મેયરશ્રીએ સંબોધનમાં કહ્યું, 'પ્રમુખસ્વામી મહારાજ નાના બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને જાગ્રત કરીને ચારિત્ર્યનું ઘડતર કરવાનું જે કાર્ય કરી રહ્યા છે, એ સમાજની સૌથી મોટી સેવા છે.' આ પ્રસંગે સાંસદ કાશીરામ રાણાએ પોતાની લાગણી અભિવ્યક્ત કરતાં કહ્યું, ''બાળદિન પ્રસંગે પ્રમુખસ્વામીની આર્ષદૃષ્ટિનો પરિચય પણ થયો. નાના બાળકોમાં સંસ્કાર, સદ્‌વિચાર સિંચીને સારા નાગરિકોની ખોટ પૂરવાનું કાર્ય પ્રમુખસ્વામી મહારાજ કરી રહ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજે દિલ્હીમાં અક્ષરધામનું ઉદ્‌ઘાટન કર્યું. સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મપરિષદમાં વ્યાખ્યાન આપીને વિશ્વમાં હિન્દુ ધર્મનો વાવટો ફરકાવ્યો હતો. એ જ રીતે પ્રમુખસ્વામીએ દેશ અને દુનિયામાં મંદિરોની શૃંખલા રચીને ભગવાન સ્વામિનારાયણનો સંદેશો પહોંચાડીને સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મની મહાન સેવા કરી છે.''
સભાના અંતે બાળકોને બાળદિન નિમિત્તે ઉત્તમ રજૂઆતો બદલ અભિનંદન આપીને સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં કહ્યું: 'આજના બાળકોના કાર્યક્રમમાંથી ઘણી પ્રેરણા લેવાની છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બાળકો ઉત્તમ સંસ્કાર સાથે ભણી-ગણી તૈયાર થાય અને પોતાના કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, દેશની સેવા કરી, પરમાત્માની ભક્તિ કરી, પોતાના આત્માનું કલ્યાણ કરી સુખી થાય.''
સભાની સમાપ્તિ પછી શહેરના ઉપસ્થિત કોર્પોરેટરોને પણ સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |