Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

દક્ષિણ ગુજરાતમાં દિલની અમીરાતથી સર્જાયું એક વધુ અભિનવ મંદિર

દક્ષિણ ગુજરાતના સાગરકાંઠાનાં ગામોમાં પ્રમુખસ્વામી મહારાજનું વિચરણ અને સંતોના સતત પુરુષાર્થથી સત્સંગની ભરતી ઊભરાઈ રહી છે. આ ગામોમાં લોકો નિર્વ્યસની જીવન માટે પ્રતિબદ્ધ થઈને ભક્તિમય જીવન વીતાવી રહ્યા છે. સત્સંગની સતત થઈ રહેલ અભિવૃદ્ધિના પરિણામે તાજેતરમાં તીથલ મંદિર અંતર્ગત આવેલા અંબાચ-ડેઝાફળિયા ગામમાં નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કારધામ સાકાર થયું છે. આ મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠા પૂર્વવિધિ પ્રમુખસ્વામી મહારાજના કરકમળો દ્વારા તા. ૨૭-૧૨-૨૦૦૫ના રોજ સુરત ખાતે કરવામાં આવી હતી. આ ક્ષેત્રમાં વિચરણ કરી રહેલા વિવેકરત્ન સ્વામી, અમૃતમુનિ સ્વામી તેમજ નિર્દેશક દિલીપભાઈ અને અન્ય કાર્યકરોના પુરુષાર્થથી આ સાવ સામાન્ય અને પછાત ગામમાં સત્સંગની હરિયાળી છવાઈ છે. આ ગરીબ ગામના ભક્તોની દિલની અમીરાત નોખી છે. ગામના હરિભક્ત પ્રવીણભાઈને ત્યાં પ્રદીપભાઈ, વિનોદભાઈ વગેરે હરિભક્તોએ મંદિર કરવા માટે નાણાંનો સ્રોત ઊભો કરવા માટે કમર કસવાનો નિર્ણય કર્યો. પ્રવીણભાઈના મનમાં સંકલ્પ થયો કે સૌ સત્સંગીઓ ભેગા થઈને જો સામેના બીડનું ઘાસ કાપીએ તો મજૂરી તરીકે અને ઘાસ વેચવાના પૈસા મળે ને એમાંથી મંદિરનાં મંડાણ કરવાં. સાથેના હરિભક્તોએ કહ્યું, 'સામેનું ઘાસનું મેદાન જેમની માલિકીનું છે એ ભાઈઓ વચ્ચે વર્ષોથી ઝઘડા છે, એટલે કોઈ આપણને પગ મૂકવા નહીં દે.' છતાં દિલ્હી અક્ષરધામ સેવામાં ગયા, ત્યારે ત્યાં સૌએ સ્વામીશ્રી સમક્ષ એ સંકલ્પ રજૂ કર્યો અને સ્વામીશ્રીના આશીર્વાદથી સૌનાં હૈયામાં હામ આવી. જમીન માલિક પરિવારનો એક સભ્ય માથાભારે હતો અને ઘાસના મેદાનમાં ઘાસ કાપવાનો પ્રયત્ન કોઈ પણ કરે તો એને ધમકીથી ડરાવતો હતો. તેણે બે વર્ષ પહેલાં જ ધોળે દા'ડે પોતાની તામસી સ્વભાવનો પરિચય આખા ગામને આપી દીધો હતો. પરંતુ હૈયામાં મહારાજ પ્રત્યેની અપાર શ્રદ્ધાથી હરિભક્તો એ વ્યક્તિ પાસે પહોંચ્યા. શરૂઆતમાં તો હિંમત થતી નહીં, પરંતુ મહારાજ-સ્વામી તથા સ્વામીશ્રીને સંભારીને વાત માંડી અને જાણે કે ચમત્કાર સર્જાયો ! એણે તરત જ સંમતિ આપી, એટલું જ નહીં, સૌની આગતા-સ્વાગતા કરીને કહ્યું કે મંદિર બનાવવા માટે જો આ ઘાસનો ઉપયોગ થવાનો હોય તો, મંદિર માટે હું પણ સેવા આપીશ! નાના ગામના નાના હરિભક્ત સમુદાયે પછી તો રાતદિવસ જોયા વગર ઘાસ કાપવાની શરૂઆત કરી. દિવસના ચૌદ કલાક સુધી ઘાસ કાપવાની સેવા ભાઈઓ, બહેનો, બાળકો સૌ કરવાં લાગ્યાં. જે લોકો રોજે રોજની રોટી રળીને કમાતાં હતાં, એવા હરિભક્તો પણ એમાં જોડાયા. ભૂખ-તરસની પરવા કર્યા વગર સૌ ઘાસ કાપતા હતા. વળી, એ દરમ્યાન ઘણાને માંદગીઓ પણ આવી, પરંતુ એની પણ દરકાર કર્યા વગર સૌ ઘાસ કાપવા લાગ્યા. ૧૯ દિવસમાં પાંચ એકરનો પ્લોટ સૌએ મળીને સાફ કરી નાખ્યો. આ સંપૂર્ણ ઘાસ વેચી નાખ્યું. એ ઘાસના ૨૬ હજાર રૂપિયા ઊપજ્યા. બીજી બાજુ મંદિરનિર્માણની તૈયારી શરૂ થઈ. વિનોદભાઈ, વસંતભાઈ તથા અશોકભાઈ રમણભાઈ પટેલે જમીન દાનમાં આપી ને એ રીતે ૮-૧૨-૦૫ના દિવસે ખાતમુહૂર્ત પણ થઈ ગયું. હરિભક્તો સેવામાં ઊમટી પડ્યા. બાજુમાં જ નદી હતી. એમાંથી રેતી કાઢી ને પથ્થર પણ નદીમાંથી લાવતા થયા ને આ રીતે હરિભક્તોએ જાતમહેનત કરી. ઘણીવાર નોકરીમાં રજાઓ પડવાને કારણે પડતી મુશ્કેલીઓને ન ગણકારીને સૌએ સેવાકાર્ય ચાલુ રાખ્યું. અન્ય ગામોના મહેરામભાઈ અંબાલાલભાઈ પટેલે (વાપી), કલ્યાણજીભાઈ અજાગિયા (વલસાડ) વગેરે હરિભક્તોએ સિમેન્ટ, લોખંડ, પતરાંની પણ મદદ કરી. મૂર્તિઓની સેવા ખંબાચ ગામના બાલુભાઈ ભીખાભાઈ પટેલે કરી ને એ રીતે 'અથ'થી 'ઇતિ' સંપૂર્ણ જાતમહેનત સાથે મંદિર નિર્માણ કરી મહારાજ ને સ્વામીને પધરાવ્યા.
આજે તા. ૨૭-૧૨-૨૦૦૫ના રોજ પ્રાતઃપૂજા પછી સ્વામીશ્રીએ એ મંદિરની વિધિવત્‌ પ્રતિષ્ઠા કરી અને આરતી ઊતારીને અહીં આવેલા સર્વે હરિભક્તોને પ્રસન્નતાભર્યા આશીર્વાદ આપ્યા. સૌ ધન્યતાથી છલકાઈ ઊઠ્યા.
પાંડેસરામાં સંસ્કારધામ

તા. ૧-૧-૨૦૦૬ના રોજ સુરત જિલ્લાના પાંડેસરા સંસ્કારધામની મૂર્તિઓનું પણ વેદોક્તવિધિપૂર્વક પૂજન કરીને સ્વામીશ્રીએ પ્રતિષ્ઠા પૂર્વવિધિ કરી હતી. પાંડેસરામાં સંસ્કારધામ બને એ માટે એ વિસ્તારના હરિભક્તો છેલ્લાં સાત વર્ષથી વદ એકાદશીએ પ્રભાતફેરી કરતા હતા અને રાત્રે એક કલાક ધૂન કરતા હતા. આ સંસ્કારધામના નિર્માણમાં ગોવિંદભાઈ પટેલ, વજુ ભાઈ દુધાત, રમણભાઈ પંચાલ, મનહરભાઈ પરમાર, રાજુ ભાઈ મમરાવાળા, ચંપકભાઈ અજમેરી, રમેશભાઈ પ્રજાપતિ અને રમેશભાઈ સાવલિયા વગેરે હરિભક્તોનો દૈહિક તેમજ સત્સંગવૃદ્ધિ માટેનો ખૂબ ફાળો હતો.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |