Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

વર્તન શુદ્ધ હશે તો જયજયકાર થશે : યુવાદિને સ્વામીશ્રીની શીખ

યુવાની એટલે તરવરાટ. યુવાનીમાં નિયંત્રણ આવે તો એનો તરવરાટ શક્તિનો સ્રોત બની ઊઠે છે, અને આ પ્રતીકાત્મક સંદેશ સાથે તા. ૫-૧-૨૦૦૬ના રોજ સુરત ખાતે સ્થાનિક શહેરના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ યુવક મંડળના હજારો યુવકોએ યુવાદિનની શાનદાર ઉજવણી કરી હતી.
આજે સવારે સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શન કરીને પ્રાતઃપૂજામાં પધારી રહ્યા હતા ત્યારે ૨,૫૦૦ યુવાનો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની ધજાઓ ફરકાવતાં જયનાદો સાથે સ્વામીશ્રીને વધાવી રહ્યા હતા. સ્વામીશ્રીના હાથમાં પણ ધ્વજ આપવામાં આવ્યો. સ્વામીશ્રીએ સ્વામિનારાયણ નામની દિગંતવ્યાપી ધ્વજા ફરકાવી અને સમગ્ર વાતાવરણ ઊર્જાનો સ્રોત બની ઊઠ્યું. સ્વામીશ્રીના એક લટકે હજારો હાથ અને હૈયાં થનગનવા લાગ્યાં હતાં.
યુવાદિન નિમિત્તે આજે પ્રાતઃપૂજામાં મંચ પરની પિછવાઈ વિશિષ્ટ રીતે શણગારવામાં આવી હતી. પ્રાતઃપૂજામાં મધુર કંઠે ભક્તિકીર્તનો ગાઈને યુવકોએ સ્વામીશ્રીને પ્રસન્ન કર્યા હતા.
સંધ્યા સત્સંગસભામાં યુવાદિન નિમિત્તે સંસ્કૃતિના 'સંદેશ'ની જીવંત રજૂઆત કરી હતી. વેદકાળથી માંડીને સ્વામીશ્રીના આધુનિક યુવાનોએ જે સંસ્કારની ગંગોત્રી જીવંત રાખી છે એવા યુવકો અનુક્રમે લક્ષ્મણ, ભરતજી, અર્જુન, દાદાખાચર, વીર ભગુજી, વુિપલભાઈ પટેલ (મંગલનિધિ સ્વામી), ગંભીરસિંહ રાઠોડ, દિનેશ ગઢાળી વગેરે નવયુવાનોના સંયમ, તપ, ત્યાગની આત્મકથાનક જેવી ગાથા જે તે યુવક, જે તે પરિવેષમાં આવીને મંચ આગળ રજૂ કરી જતા હતા. સતીષ બારેવડિયા લિખિત આ આત્મકથનનો સંવાદ પત્યા પછી છેલ્લે યુવાનોએ 'નવયુવાનો શ્રીજીનો સંદેશ લઈ ફરીએ...' એ વિષયક નૃત્ય રજૂ કર્યું. ત્યારબાદ એક વિશિષ્ટ હાર સ્વામીશ્રીને અર્પણ કરવામાં આવ્યો. આ હાર વિશિષ્ટ એટલા માટે હતો કે યુવકો તથા યુવતીઓએ દશ પ્રકારના નિયમો લીધા હતા. એ નિયમોનો આ હાર બનાવવામાં આવ્યો હતો. કુલ ૩૭૪૮ યુવક યુવતીઓએ વિવિધ પ્રકારના નિયમો લીધા હતા.
આજના દિવસે યુવા આશાસ્પદ ઉદ્યોગપતિઓ હિતેશભાઈ (પ્રમુખ જેમ્સ), નીરવભાઈ (રામકૃષ્ણ એક્સપોર્ટ), પ્રકાશભાઈ (કે.આયુષû એન્ડ કંપની)એ તેમજ મંચસજ્જા કરનારા જયદીપભાઈએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા.
અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું, ''શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જે બોલ્યા એ પ્રમાણે જ વર્ત્યા છે. એમને અંદર અને બહાર જીવનની એકતા હતી. જેને અંદર અને બહાર જુદું જીવન હોય એને દુરાત્મા કહ્યા છે. એટલે આજે યુવકોએ જે વેષભજવ્યો છે એ ગૌણ ન થવો જોઈએ. જે નિયમો લીધા છે એ બરાબર પાળવા જોઈએ, બીજાને પણ પïળાવવા. યોગીજી મહારાજ કહેતા વરસમાં પાંચ તો સત્સંગી કરવા. પાંચ તો પ્રકાશના ગ્રાહક કરવા. આ નિયમો દરેકે લેવા જોઈએ. એનાથી જીવનમાં પવિત્રતા આવે ને ભગવાનની પ્રસન્નતા થાય. થઈ શકે એવું છે, પણ મનની મોળપ છે. ગુણાતીત સ્વામીએ કહ્યું કે માણસ ધારે તે કરી શકે એવું એના આત્મામાં બળ છે.
નિયમ લીધા છે એમાં अर्थं साघयामि वा देहं पातयामि। - ભગવાનના નિયમ પાળતાં, ભજન કરતાં દેહ પડી જશે તો ધામમાં જવાશે, એક વખત પડવાનો છે એ હકીકત છે, પણ ભગવાનનાં વચનોમાં દેહ પડી જાય તો પણ શું? આવી મજબૂતાઈ હોય તો થાય છે. મન જ આઘુંપાછુ _ કરાવે છે. એટલે મન જીત્યું એ મરદ કહેવાય. આદર્શ સત્પુરુષ આપણી સામે છે. એમની સામું જોઈ ચાલીશું તો આપણી ફત્તેહ છે, ડંકો વાગશે. તો આ લાભ લઈ લેવો. 'ગગન ભરી દેવાની' વાત કરો છો પણ બોલીને નહીં, વર્તન એવું કરવું છે કે જય જયકાર થઈજશે.
બધા યુવકો દર વરસે એક સત્સંગી યુવક વધારજો. લોસ ન થવો જોઈએ. નફો થવો જોઈએ. નામું લખવું. સુરતનું યુવકમંડળ, બાળમંડળ, બધા મંડળ સર્વોપરિ છે ને સર્વોપરિ થાય એ પ્રાર્થના.''
આજના યુવાદિનનો માહોલ અસાધારણ હતો. યુવાહૈયાંઓ ઉપર સ્વામીશ્રીના દિવ્ય પ્રભાવનો એક અદ્‌ભુત પરિચય લઈને સૌ વિખરાયા.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |