Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સુરતમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયની અદ્ભુત પ્રસ્તુતિ

તા. ૭-૧-૨૦૦૬ના રોજ સુરત ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલય દ્વારા પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં વિશિષ્ટ કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. છાત્રાલય દિને ચારિત્ર્ય અને મૂલ્યનિષ્ઠ જીવનનો સંદેશ આપતી આ અદ્‌ભુત પ્રસ્તુતિ માણીને પ્રમુખસ્વામી મહારાજે વિદ્યાર્થીઓને ખૂબ અભિનંદન આપ્યાં હતાં.
વહેલી સવારથી જ છાત્રાલય દિનનો માહોલ મંદિરના પરિસરમાં છવાઈ ગયો હતો. સવારે પ્રાતઃપૂજા માટે પધારેલા સ્વામીશ્રીનું સ્વાગત સૌએ બુંગિયા ઢોલના ઢમકાર સાથે કર્યું. નૃત્યના વેશમાં સજ્જ ચાર છાત્રો આ ઢોલની દાંડીની સાથે સાથે નૃત્ય કરતાં જતા હતા. ઠેર ઠેર હાથમાં બોર્ડ લઈને વિદ્યાર્થીઓ ઊભા હતા. જેમાં લખ્યું હતું, 'હું કોણ છુ _ ?' આત્મખોજની ઝંખના વ્યક્ત કરતા છાત્રોના નૃત્યના ઠમકારે સભામંડપ સુધી સ્વામીશ્રી પધાર્યા. પૂજામાં પણ વિદ્યાર્થીઓએ કીર્તન ગાયાં. પ્રાતઃપૂજા પછી સ્વામીશ્રીએ સારોલ તથા ટીચકિયા (વ્યારા) ગામના સ્વામિનારાયણ મંદિરોની મૂર્તિપ્રતિષ્ઠા પરિસરમાં આવેલા હૉલમાં કરી હતી.
છાત્રાલય દિન નિમિત્તે સંધ્યા સત્સંગ સભામાં છાત્રોએ વિવિધ કાર્યક્રમોથી સૌને દંગ કરી દીધા. 'પ્રગટ' વિષયક એક પરિસંવાદ દ્વારા વિદ્યાર્થીઓએ શંકા અને સમાધાનના સ્વરૂપમાં મંચ ઉપરથી શાસ્ત્ર, ગ્રંથ અને સત્પુરુષનાં પ્રમાણો સાથે અખિલેશ્વર સ્વામીએ લખેલી સચોટ દલીલો છાત્રોએ રજૂ કરી.
અંતે સૌ પર પ્રસન્નતાભર્યા આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું : ''છોકરાઓ કેવું ભણે છે ? શું ભણે છે ? એ માબાપો જાણતાં નથી. અત્યારના વાતાવરણમાં ફરવું, ખાવુંપીવું, મોજશોખ કરવા, ફ્રેન્ડશીપો કરવી, ગમે તે પીવું. કૉલેજોમાં જીવન કેવી જાતનું હોય એ આપણે જાણીએ છીએ. અહીં યોગીજી મહારાજની દયાથી છાત્રાલય થયું છે. યોગીજી મહારાજ છાત્રાલયને બ્રહ્મવિદ્યાની કૉલેજ કહેતા. એન્જિનિયર, ડૉક્ટર ને બીજી ઘણી ઘણી કૉલેજ ભૌતિક જ્ઞાન આપે છે. તેનાથી પૈસા કમાઈએ ને શરીરે સુðખી રહીએ, પણ એની સાથે સાથે આત્મા-પરમાત્માનું જ્ઞાન થાય ને છેલ્લો જન્મ થાય એવું જ્ઞાન છાત્રાલયમાં મળે છે. જ્યારે વિદ્યાનગરનું છાત્રાલય થયું ત્યારે યોગીજી મહારાજ બોલ્યા હતા કે અહીં ભણશે એ છોકરાઓ જ્ઞાની થશે ને હજારોને સત્સંગ કરાવશે. એમાં આ યુવકોનો નંબર લાગી ગયો છે. એવું અદ્‌ભુત જ્ઞાન ભગવાનની દયાથી યુવકોએ સમજાવ્યું.
હવે જ્યાં જ્યાં જે મળે એ દરેકને વાત કરજો. ગુણાતીતાનંદ સ્વામી કહેઃ'૨૦૦ને બ્રહ્મવિદ્યા ભણાવી છે ને હજારોને ભણાવવી છે.' આવું જ્ઞાન તમારા દ્વારા કરાવજો. છાત્રાલયનું તમે ગૌરવ વધાર્યું છે. આવું જ્ઞાન લઈને તમે નીકળશો તો ભગવાન રાજી થશે. શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજના આશીર્વાદ વરસશે. તમારા દ્વારા સત્સંગ અદ્‌ભુત થશે.'' આજનો છાત્રાલયદિન સૌ માટે અવિસ્મરણીય બની રહ્યો.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |