Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

આણંદમાં વિશાળ નૂતન સભાગૃહનું ઉદ્ઘાટન

તા. ૧૯-૨-૨૦૦૬ના રોજ પ્રમુખસ્વામી મહારાજે આણંદ અને વલ્લભવિદ્યાનગરને જોડતા માર્ગ પર આવેલા અક્ષરફાર્મ ખાતે વિશાળ બી.એ.પી.એસ. સભાગૃહનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આણંદ અને વલ્લભવિદ્યાનગરના હરિભક્તોની સત્સંગ-પ્રવૃત્તિ માટે ખુલ્લા મુકાયેલા આ સભાગૃહના ઉદ્‌ઘાટનના અવસરે ચારુતર વિદ્યામંડળના ચૅરમૅન સી.એલ.પટેલ, કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી વાર્ષ્ણેય, એલીકોન કંપનીના માલિક પ્રયાસવિનભાઈ, મંત્રી સુંદરસિંહ ચૌહાણ તથા રામકૃષ્ણ એજ્યુકેશન ટ્રસ્ટના ચૅરમૅન કિરીટભાઈ વગેરે સહિત સ્થાનિક પ્રતિષ્ઠિતો તેમજ હરિભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વેદમંત્રોના ગુંજારવ વચ્ચે સ્વામીશ્રીએ મંચ પર દીપપ્રાગટ્ય દ્વારા સભાગૃહનું ઉદ્‌ઘાટન કરીને આરતી ઉતારી હતી.
આ ઉદ્‌ઘાટન સમારોહમાં આણંદના બી.એ.પી.એસ. બાળ-યુવાપ્રવૃત્તિના બાળકો-યુવકોએ 'મંગલ રૂપ તમારું...' ગીતના આધારે વંદના-નૃત્ય રજૂ કર્યું. ભગવત્‌ચરણ સ્વામીએ અહીં બંધાયેલા સભામંડપની વિગત વર્ણવી. ૨૦૦''ƒ૧૬૦'' એટલે કે ૩૨૦૦૦ ચોરસ ફૂટનો આ વિશાળ સભાગૃહ ૮,૦૦૦ વ્યક્તિઓની બેઠક ક્ષમતા ધરાવે છે. કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વાર્ષ્ણેયના વક્તવ્ય બાદ આ સભાગૃહના નિર્માણમાં યોગદાન આપનારા આર્કિટેક્ટ, એન્જિનિયર વગેરે સહયોગીઓએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા.
અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું : ''ભગવાન ભજવામાં પણ સુવિધાની જરૂર પડે છે. જેમ ફેક્ટરી-ઉદ્યોગોમાં સુવિધા હોય તો એ કાર્યસરળતાથી આગળ વધે છે. એમ મંદિરોમાં સારી સુવિધા હોય તો માણસોને સારી રીતે દર્શન થાય ને ભજન-ભક્તિનું સુખ આવે. એટલે ભગવાન શ્રીજીમહારાજે દરેકને ભગવાન ભજવાનું સુખ આવે એ માટે મંદિરોનું આયોજન કર્યું, તેમાં સભામંડપોનું આયોજન, સંતો ને હરિભક્તોને રહેવાની સુવિધા કરી. એ આયોજન પ્રમાણે શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજે ખૂબ કર્યું છે.
લોકો કહે છે કે ભગવાનની ભક્તિ કરવાનો સમય નથી. પણ નાહવા, ધોવા, ખાવાનો તો ઘણો ટાઈમ છે! વે'વાઈ આવે તો એની પાછળ ફરવું પડે, કારણ કે એમને દુઃખ થાય તો દીકરી આપી હોય તો મહા ઉપાધિ થાય. એટલે એના માટે સમય ના હોય તોય કાઢવો પડે છે. ઘણું અગત્યનું કામ હોય તો મૂકીને જવું પડે કે ખોટું લાગશે, પણ જે ભગવાને આપણને શરીર આપ્યું છે, હાથ, પગ, નાક, કાન, આંખ બધું આપ્યું, એવા ભગવાનને માટે આપણે ટાઇમ ન આપીએ તો કંઈ સમજ્યા જ નથી, મનુષ્યદેહની સાર્થકતા નહીં. ભગવાનનો ઉપકાર માનીએ કે આવો મનુષ્યદેહ આવ્યો જેનાથી આત્માનું શ્રેય થાય, સત્સંગમાં જવાથી કુટુંબ ને સમાજમાં શાંતિ થાય. તો ભગવાનનો ઉપકાર ભૂલીએ નહીં. જે ભગવાનને માનતા હોય એની પ્રાર્થના કરીએ અને એક ભાવના કે ભગવાન સૌનું ભલું કરો એ આપણી અંદર પ્રગટ થાય એવું બળ ભગવાન સર્વને આપે એ જ પ્રાર્થના.''
તા. ૨૦-૨-૨૦૦૬ના રોજ આ સભાગૃહમાં સાંજે સ્થાનિક બી.એ.પી.એસ. બાળમંડળ દ્વારા શાનદાર બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. વિવેકસાગર સ્વામીના વચનામૃત-નિરૂપણ બાદ કરમસદ બાળમંડળે 'કૂચ કરતાં ચાલ્યા જાય સહજાનંદી સૈનિક....' એ ગીતના આધારે કૂચગીત રજૂ કર્યું. આણંદ બાળમંડળે 'ખીલ્યાં રે ખીલ્યાં રે' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. ચોટદાર સંવાદો સાથે રજૂ કરાયેલા 'ચરણકમળનાં ફૂલ' સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ આ ક્ષેત્રના કેટલાક બાળતારલાઓને સ્વામીશ્રીના હસ્તે પારિતોષિકો આપવામાં આવ્યાં. આજના દિવસે આણંદના નગરપતિ જયરાજભાઈ પટેલ તથા પ્રમુખસ્વામી મૅડિકલ કૉલેજના ડીન શેખાવત પણ ઉપસ્થિત હતા. 'બી.એ.પી.એસ. અમૃત હર્બલ કેર' તરફથી આંબળા રસાયણ ટેબલેટનું ઉદ્‌ઘાટન કરાવવામાં આવ્યું હતું.
તા. ૨૨-૨-૨૦૦૬ના રોજ સંધ્યાસભામાં 'વચનામૃત' પારાયણ પૂરી થયા પછી આણંદના બાળયુવક મંડળે લોયા પ્રકરણના ત્રીજા વચનામૃતના આધારે 'માળાના મણકા' સંવાદ રજૂ કર્યો હતો. આજની સભામાં અમદાવાદના એડીશનલ કલેક્ટર માકડિયાએ ઉદ્‌બોધન કરીને સ્વામીશ્રીના ગુણાનુવાદ ગાયા હતા. આણંદ એજ્યુકેશન સોસાયટીના માનદમંત્રી આશાભાઈએ પણ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
તા. ૨૩-૨-૨૦૦૬ના રોજ સાયંસભામાં છાત્રાલયના કશ્યપ પંડિતે ડાયરો રજૂ કર્યો અને અન્ય છાત્રોએ 'યોગીરાજના યુવાનો' એ વિષયક સંવાદ રજૂ કર્યો હતો. આણંદ જિલ્લા કલેક્ટર ઝાલાવાડિયા, ડેપ્યુટી કલેક્ટર જિજ્ઞેશભાઈ પટેલ તથા ભૂતપૂર્વ એડીશનલ કલેક્ટર મહેન્દ્રસિંહ ઝાલા પણ અતિથિવિશેષરૂપે ઉપસ્થિત હતા.
તા. ૨૪-૨-૨૦૦૬ના રોજ અક્ષરફાર્મમાં સાયંસભામાં અડાસ યુવકમંડળે 'સ્વામિનારાયણ ચરણકમળમાં...' એ કીર્તનના આધારે નૃત્ય રજૂ કર્યું. સાથે સાથે, શાસ્ત્રીજી મહારાજે વરતાલથી મહાપ્રસ્થાન કરીને આણંદમાં ફૂલદોલનો ઉત્સવ ઊજવ્યો અને બોચાસણમાં મંદિર કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો, એ પ્રસંગના આધારે લખાયેલો સંવાદ પણ રજૂ કર્યો હતો.
તા. ૨૫-૨-૨૦૦૬ના રોજ વલ્લભવિદ્યાનગરના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયનો ૪૧મો વાર્ષિક ઉત્સવ ઉમંગભેર ઊજવવામાં આવ્યો હતો. છાત્રાલયના વિદ્યાર્થી પાર્થ ઘાસવાલા લિખિત 'આપના સહવાસથી જિંદગી ગુલશન બની....' એગઝલના ગાન પછી રુદ્રદત્ત રાણા લિખિત 'કથીરનાં કુંદન' એ સંવાદ રજૂ થયો હતો. આજના અતિથિવિશેષ તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બી.જી. પટેલ તથા ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ સી.એલ. પટેલ પણ ઉપસ્થિત હતા. કાર્યક્રમના ભાગરૂપે છાત્રાલયની વિવિધ પ્રવૃત્તિઓ તથા અભ્યાસનાં ક્ષેત્રોમાં યશસ્વી સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓને ત્યાગવલ્લભ સ્વામીએ પ્રમાણપત્ર તથા વાઈસ ચાન્સેલરે સ્મૃતિભેટ અર્પણ કરી બિરદાવ્યા હતા. આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ સૌને વિશેષ પ્રગતિ માટે પ્રેરણા આપી હતી.
તા. ૨૬-૨-૨૦૦૬ના રોજ વલ્લભવિદ્યાનગરથી વિદાય લઈ સ્વામીશ્રીએ નરસંડા ખાતે નવપ્રતિષ્ઠિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધારીને મંદિરને તીર્થત્વ આપ્યું હતું. વેદોક્તવિધિપૂર્વક પ્રત્યેક મૂર્તિનાં પૂજન- આરતી કરીને સ્વામીશ્રીએ અહીં પ્રાસંગિક સભામાં લાભ આપ્યો હતો. આ મંદિરના નિર્માણમાં યોગદાન આપનારા હરિભક્તોને સ્વામીશ્રીના આશિષ પ્રાપ્ત થયા હતા.
અહીંથી સૌ હરિભક્તોની વિદાય લઈને સ્વામીશ્રી નડિયાદ ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા હતા.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |