Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સારંગપુરમાં દિવ્યતા અને ભવ્યતાપૂર્વક ઊજવાયેલ શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિમંદિર રજત પાટોત્સવ અને દીક્ષામહોત્સવ

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિમંદિરનો રજત જયંતી મહોત્સવ સારંગપુર ખાતે હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ભવ્યતાપૂર્વક ઊજવવામાં આવ્યો હતો.
સારંગપુર એટલે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું પ્રિય સ્થાન. ભગવાન સ્વામિનારાયણના આ અતિ પ્રાસાદિક સ્થાનમાં તેમના સંકલ્પ મુજબ ભવ્ય મંદિર રચીને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એક વિરલ તીર્થધામની ભેટ ધરી છે. સને ૧૯૫૧માં ૮૬ વર્ષની ઉંમરે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ જ સ્થાનમાં પોતાની દેહલીલા સંકેલી હતી. ભગવાન સ્વામિનારાયણની પ્રાસાદિક ભૂમિ પર શાસ્ત્રીજી મહારાજના શ્રીવિગ્રહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો, તે પવિત્ર સ્થળે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે શિખરયુક્ત કલામંડિત સ્મૃતિમંદિરની સ્થાપના કરી છે. તા. ૧૮-૪-૧૯૮૧ના રોજ આ સ્મૃતિમંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતાપૂર્વક ઊજવવામાં આવ્યો હતો. તા. ૧૩-૦૪-૨૦૦૬ના રોજ આ સ્મૃતિમંદિરની સ્થાપનાને ૨૫ વર્ષ પૂર્ણ થતાં તેના રજત જયંતી મહોત્સવ પ્રસંગે હજારો હરિભક્તો ભક્તિભાવપૂર્વક ઊમટ્યા હતા. યોગાનુયોગ આ અવસરે પ્રમુખસ્વામી મહારાજનાં કરકમળો દ્વારા ૫૮ નવયુવાનોનો દીક્ષા સમારોહ પણ યોજાયો હતો.
સારંગપુરમાં પ્રાતઃ સમયથી શાસ્ત્રીજી મહારાજનાં સંસ્મરણો સાથે આ મહોત્સવનો આરંભ થયો હતો. વહેલી સવારે સ્મૃતિમંદિરે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની સંગેમરમરની મૂર્તિને વિધિવત્‌ પંચામૃત અને કેસરજળથી સ્નાન કરાવીને સંતોએ ભાવઅર્ઘ્ય અર્પણ કર્યું હતું. સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં સંતોએ શાસ્ત્રીજી મહારાજનાં પ્રશસ્તિ કીર્તનો ગાયાં હતાં. ત્યારબાદ સ્વામીશ્રીએ સ્મૃતિમંદિરે પધારીને આરતી ઉતારી શાસ્ત્રીજી મહારાજનાં ચરણોમાં ગુરુ-અર્ઘ્ય અર્પણ કર્યું હતું. શાસ્ત્રીજી મહારાજ મોગરાના હાર સાથે પાઘ ધારણ કરીને વિરાજમાન હતા, આગળ અન્નકૂટ ગોઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્વામીશ્રીએ સુરત પાસેના અમરોલી ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની ભૂમિનો પૂજનવિધિ પણ કર્યો હતો.
સારંગપુર ખાતે સંસ્થાના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિરના વિશાળ પ્રાંગણમાં આજના મહોત્સવનો મુખ્ય સમારોહ યોજાયો હતો. સમારોહમાં ૫૮ સુશિક્ષિત નવયુવાનોનો દીક્ષાવિધિ માણવા માટે હજારો હરિભક્તોથી વિશાળ સભાગૃહ છલકાતો હતો. ડૉક્ટર સ્વામી તથા મહંત સ્વામીના પ્રેરક સંબોધન પછી ૧૦-૨૦ વાગ્યે શ્વેતવૈકુંઠ સ્વામીએ વૈદિક દીક્ષાવિધિ કરાવ્યો. ઉપમંચ ઉપર દીક્ષાર્થી સાધકો તેઓના વાલીઓ સાથે બેઠા હતા. એ જ રીતે ભાગવતી દીક્ષાર્થી પાર્ષદો પણ બેઠા હતા. વેદોક્તવિધિ બાદ મંચ ઉપર વિરાજમાન કોઠારી સ્વામીએ દીક્ષાર્થીઓને કંઠી, ડૉક્ટર સ્વામીએ ઉપવસ્ત્ર, મહંત સ્વામીએ પાઘ, ત્યાગવલ્લભ સ્વામીએ ચંદનની અર્ચા, ઈશ્વરચરણ સ્વામીએ દીક્ષાર્થીના વાલીને પ્રસાદ અને વિવેકસાગર સ્વામીએ પુષ્પ અર્પણ કર્યાં. સ્વામીશ્રીએ પ્રત્યેક દીક્ષાર્થીને ગુરુમંત્ર આપીને ત્યાગાશ્રમના માર્ગે ચાલવા માટેના વિશેષ બળ, પ્રેરણા અને આશીર્વાદ આપીને પ્રસન્નતા વ્યક્ત કરી.
આજના શુભ પ્રસંગે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની પ્રેરણાથી ગુજરાતના તે સમયના પ્રખર વિદ્વાન અને પરમ ભગવદીય હરિભક્ત પ્રૉ. જેઠાલાલ ચીમનલાલ સ્વામિનારાયણે લખેલા 'શ્રીઅક્ષરપુરુષોત્તમ ચરિતમ્‌' ગ્રંથનું ઉદ્‌ઘાટન સંપાદક શ્રુતિપ્રકાશ સ્વામીએ કરાવ્યું. ૧૦,૭૮૬ શ્લોકોનો આ ગ્રંથ એક ઐતિહાસિક ગ્રંથ છે. જ્યારથી સ્મૃતિમંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારથી લગાતાર ૨૫ વર્ષ સુધી શ્રદ્ધાપૂર્વક સ્મૃતિ મંદિરની સેવા કરનાર સેવક પ્રગટ ભગતનું આજના પ્રસંગે સ્વામીશ્રીના હસ્તે સન્માન થયું.
અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું, ''આજે અહીં શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિમંદિરમાં પ્રતિષ્ઠા કરેલી એને ૨૫ વર્ષ પૂરાં થયાં છે. સાથે સાથે ભણેલા-ગણેલા યુવકોનો દીક્ષા મહોત્સવ પણ છે. યુવકોને સાધુ થવાનો ઉમંગ તો છે જ, પણ એમનાં માબાપને ઇચ્છા થાય એ મોટી વાત છે. ભણેલા-ગણેલા દીકરાને સાધુ થવાની ઇચ્છા થઈ તો એને પુષ્ટિ આપી છે. પૈસા કે બીજી વસ્તુ આપી શકાય, પણ દીકરા આપવા એ બહુ કઠણ છે. આશાઓને દૂર કરી દીકરાને અર્પણ કરવો એ બહુ મોટી વાત છે.
શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજનો સંકલ્પ કામ કરે છે એટલે ભણેલાગણેલા ને પરદેશના યુવકોને પ્રેરણા થાય છે. પૈસા ખર્ચીને લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા બધે છોકરાઓ જાય છે, છતાં એ મૂકીને સાધુ થયા એટલે જે રીતે રહેવું-ફરવું હોય એ તો અહીં બંધ થઈ જાય, પણ એવી વસ્તુ જાણે છે છતાં સાધુ થવા આવ્યા છે, એટલા માટે કે આ રસ્તો સાચો છે. એમને ધન્ય છે અને એમનાં માબાપને પણ ધન્ય છે કે પોતે રાજીખુશીથી સમર્પણ કરે છે. આમાં તો નાતજાતના ભેદ રહ્યા નથી. આદિવાસી ભાઈઓ પણ આવ્યા છે, ખાનદેશથી પણ આવ્યા છે.
ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, 'ભગવાનના ભજનમાં સુખ છે એવું ચૌદ લોકના બ્રહ્માંડમાં નથી.' એમની એવી દૃષ્ટિ હતી, એમને અનુભવ હતો. ચૌદ લોકનાં સુખ ક્ષણિક-નાશવંત છે. પૈસા, સમૃદ્ધિ, પુત્રપરિવાર આવે ને જાય. જ્યારે ભગવાનનું સુખ, કથાવાર્તાનું સુખ, સેવા-ભક્તિનું સુખ એ શાશ્વત છે. એવું સુખ ભગવાનનું મોટા સંતને આપવું છે, એ આપણને ભગવાનની દયાથી મળ્યું છે. એ સુખને માટે તમને બધાને આ સત્સંગ સમજાયો છે, જીવમાં દૃઢ પણ થયો છે, એનો મહિમા પણ સમજાયો છે તો દોડી દોડીને સમૈયા-ઉત્સવમાં અવાય છે. હમણાં જ આપણે ફૂલદોલનો ઉત્સવ થઈ ગયો ને વળી પાછો આ થયો, તો પણ મોટા પ્રમાણમાં હરિભક્તો આજે પધાર્યા છે. જીવનમાં વહેવાર પ્રધાન હોય તો મૂકીને આવી ન શકાય, પણ સત્સંગ પ્રધાન હોય તો ગમે એવું કામ હોય તો મૂકીને આવી જાય છે. હરિભક્તોમાં એ જોવા મળે છે, સંતોને પણ ધગશ છે, તો ગામોગામ ફરીને મંડળો ચલાવે છે ને તેથી સત્સંગ વધી રહ્યો છે ને વધશે.
આપણને જે વાત મળી છે તે સાચી છે. એમાં દૃઢ શ્રદ્ધા-વિશ્વાસ રાખીને કાર્ય કરીએ તો અંતરમાં ઉત્તરોત્તર શાંતિ થશે, સૌના દેશકાળ પણ સારા થાય; વ્યાવહારિક, સાંસારિક, રાજકીય પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય; વરસાદ પણ સારો થાય; ભગવાનની દયાથી સર્વત્ર શાંતિ શાંતિ થઈ જાય એ પ્રાર્થના. જેટલું ભજન કરીશું એટલી દેહની ને જગતની શાંતિ મળશે. ભગવાન પ્રધાન રાખીને કાર્ય કરીશું તો સુખ-સુખના ઢગલા છે.''
આજના દિવ્ય અવસરે સ્વામીશ્રીના પ્રેમ, પુરુષાર્થ અને સાધુ જીવનની પવિત્રતાની ત્રિવેણીમાં સ્નાન કરતાં કરતાં ત્યાગાશ્રમને પંથે આગળ વધવાના નિર્ધાર સાથે રુણુદીક્ષિત યુવાનોનાં દર્શનમાં માટે હજારો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
સારંગપુરમાં ભક્તિની ભરતી
સ્વામીશ્રીના સારંગપુરના રોકાણ દરમ્યાન નિત્ય ભક્તિ અને સત્સંગની છોળો ઊછળતી રહી. સ્વામીશ્રીના સારંગપુર નિવાસ દરમ્યાનની સ્મૃતિઓ :

 • સ્મૃતિમંદિરના રજતજયંતી મહોત્સવના ઉપક્રમે સ્વામીશ્રીના સાંનિધ્યમાં સારંગપુરના તાલીમાર્થી સંતોએ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. સ્વામીશ્રીના અલ્પાહાર તેમજ ભોજન દરમ્યાન 'સહજાનંદ' વર્ગના સંતોએ હિન્દીમાં સ્મૃતિસભર કાર્યક્રમ આપ્યો. જેનું નામ હતું : 'ચલો સ્મૃતિમંદિર બનાયેં.' સંતોએ શાસ્ત્રીજી મહારાજની બહુમુખી પ્રતિભાનો પરિચય કરાવવા માટે સ્મૃતિમંદિરનાં અંગ-ઉપાંગોનો પ્રતીકાત્મક ઉપયોગ કરીને એને શાસ્ત્રીજી મહારાજની પ્રતિભા સાથે જોડીને સુંદર કાર્યક્રમ આપ્યો. શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિમંદિર ઈંટચૂનાનું નથી. આ મંદિર તો ત્યાગ, સમર્પણ, નિષ્ઠા, સુહૃદભાવ, પક્ષ, દૃઢતા વગેરેનું સંયોજન છે. સતત ચાર સત્રમાં આ ભાવને દર્શાવતી પ્રતીકાત્મક હૃદયસ્પર્શી રજૂઆતો થયા પછી ધીમે ધીમે કાર્યક્રમ એની ચરમસીમાએ પહોંચ્યો હતો. છેલ્લે સૌ સંતોએ શાસ્ત્રીજી મહારાજને તથા સ્મૃતિમંદિરના સર્જક પ્રમુખસ્વામી મહારાજને પ્રાર્થના અને પુષ્પ-અંજલિ અર્પણ કરી. અને એ દરમ્યાન સંતો, હરિભક્તો, પાર્ષદોને સ્વામિનારાયણીય ધ્વજ આપી દેવામાં આવ્યા હતા. સંતોએ 'આજે યજ્ઞપુરુષને દ્વાર નોબત વાગે રે લોલ' એ કીર્તન ઉપાડ્યું. રેશમી વસ્ત્રથી મઢેલી દાંડીવાળો સુંદર ધ્વજ સંતોએ સ્વામીશ્રીના હાથમાં આપ્યો ને વાતાવરણમાં ભાવાનુકૂલન સર્જાયું. સ્વામીશ્રીની આંખો ભાવાર્દ્ર હતી. દર્શન કરી રહેલા સંતો ધ્વજ ફરફરાવતાં સ્વામીશ્રીની મૂર્તિમાં રમમાણ બની ગયા હતા. કીર્તનના તાલે તાલ દેતાં દેતાં સ્વામીશ્રી હાથ હલાવી રહ્યા હતા અને ધ્વજ ફરકાવી રહ્યા હતા. સ્વામીશ્રીના ફરકાવેલા ધ્વજનો પ્રતિઘોષ કક્ષમાં બેઠેલા પ્રત્યેક સંત, પાર્ષદ અને સાધક આપી રહ્યા હતા. સુકાની સ્વામીશ્રીના આદેશ ઝીલવા માટેની સમર્પિતતા, અસ્મિતા અને તત્પરતાનાં દર્શન થઈ રહ્યાં હતાં. વાતાવરણમાં અસ્મિતાનો પવન લહેરાઈ રહ્યો હતો.
  અંતે આ કાર્યક્રમ પ્રસ્તુત કરનારા સૌ સંતોને સ્વામીશ્રીએ પ્રસન્નતાભર્યા આશીર્વાદ આપ્યા.
 • તા. ૦૨-૦૪-૨૦૦૬ના રોજ પ્રાતઃપૂજા પછી સ્વામીશ્રીએ અમરેલીમાં પુનઃ પ્રતિષ્ઠિત થનાર ગુરુપરંપરાની પટમૂર્તિઓનું પૂજન તથા આરતી કરીને તેમાં દિવ્યતાનો સંચાર કર્યો હતો.
 • સંધ્યાસભામાં હિંમતનગર મંદિરના રજત જયંતી મહોત્સવના ઉપક્રમે સાબરકાંઠા ક્ષેત્રના હરિભક્તો તરફથી ષોડશોપચાર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કુલ ૩૪૧ હરિભક્તોએ શ્રી હરિકૃષ્ણ મહારાજની રજતતુલા કરી હતી.
 • ભગવાન સ્વામિનારાયણના જન્મજયંતી મહોત્સવના ઉપક્રમે સારંગપુરમાં એક સપ્તાહ સુધી શ્રીહરિ જયંતીપર્વ ઉજવાયું. તા. ૦૪-૦૪-૨૦૦૬ના રોજથી શ્રીહરિ જયંતી પર્વના પ્રારંભે પ્રાતઃપૂજામાં સંગીતજ્ઞ સંતોએ શ્રીજીમહારાજનાં જીવન ને ગુણકવનનો કાર્યક્રમ શરૂ કર્યોહતો.
 • તા. ૦૯-૦૪-૨૦૦૬ના રોજ પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીએ ડીસા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં સ્થાપિત થનાર શ્રીઅક્ષરપુરુષોત્તમ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી સીતારામ, શ્રી શંકરપાર્વતીજી તથા શ્રી હનુમાનજી, શ્રી ગણપતિજી અને વિસનગર મંદિરના શ્રી હનુમાનજી, શ્રી ગણપતિજીની મૂર્તિઓનું પ્રતિષ્ઠા પૂર્વપૂજન કરીને તેમાં દિવ્યતાનો સંચાર કર્યો.
 • તા. ૯-૪-૨૦૦૬ના રોજ આજની રવિસભામાં વિવેકસાગર સ્વામીના પ્રવચન પછી બોટાદ કિશોરમંડળે 'ભૂતલમાં પ્રગટ્યા તમે શાસ્ત્રીજી મહારાજ....' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. ત્યારબાદ 'યજ્ઞપુરુષ સુખકારી'ના કેટલાક સંવાદો રજૂ કર્યા.
  આશીર્વાદમાં સ્વામીશ્રીએ કહ્યું, ''શ્રીજીમહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે દયા કરી આપણને સત્સંગી બનાવ્યા તો ભજન કરીએ છીએ અને ભગવાન ભજવાનું સુખ આવે છે.
  શાસ્ત્રીજી મહારાજ કહેતા, 'મારો તો મંદિરો કરવા માટે જ અવતાર છે.' એમણે માન-મોટપ માટે કર્યું જ નથી. શ્રીજીમહારાજના સિદ્ધાંત મુજબ જ કર્યું છે. વચનામૃત કે શિક્ષાપત્રી બદલ્યાં નથી. વ્રત-ઉત્સવો પણ શ્રીજી-મહારાજની રીતે રીત, એ પ્રમાણે જ સંસ્થા સ્થાપી છે. કોઈને પણ આંગળી ચીંધવા જેવું કર્યું નથી. વચનામૃતમાં શ્રીજીમહારાજે આપેલું અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન એમણે બતાવ્યું છે. સાચો સિદ્ધાંત આપીને એમણે સમજાવ્યું કે આપણા માટે કોઈ ગમે તે બોલે સહન જ કરવું. આપણા સિદ્ધાંત સામે નિશાન રાખોõ. આપણો લીટો લાંબો કરવો. એટલે કે શ્રીજીમહારાજના ધર્મનિયમ, આજ્ઞા, ઉપાસના, સાધુતા રાખી ચાલશો તો સહેજે સહેજે લોકોને સાચી વાત સમજાશે. શાસ્ત્રીજી મહારાજે જે કાર્યઉપાડ્યું છે એમાં આપણે બધાએ ટેકા ધરવાના છે. એટલી આપણી સેવા ને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થશે.''
 • તા. ૧૧-૦૪-૨૦૦૬ના રોજ પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીએ કઠલાલના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની મૂર્તિઓનું પ્રતિષ્ઠા પૂર્વપૂજન કર્યું હતું.
 • સતત એક મહિનાના નિવાસ બાદ સ્વામીશ્રી તા. ૧૪-૦૪-૨૦૦૬ના રોજ સારંગપુરથી ગઢપુર જવા વિદાય લઈ રહ્યા હતા ત્યારે સ્મૃતિમંદિરમાં શાસ્ત્રીજી મહારાજનાં દર્શને પધાર્યા. અહીં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિરના આઠમા ધોરણના વિદ્યાર્થીઓને વાત્સલ્યથી જીવન-ઉત્કર્ષની શીખ આપીને વિદાય લીધી.
 • સારંગપુરથી બોટાદ પધારીને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પ્રતિષ્ઠિત કરેલ નૂતન મૂર્તિઓની આરતી ઉતારી સ્વામીશ્રીએ હરિભક્તોને દિવ્ય લાભ આપ્યો. અહીંથી સ્વામીશ્રી ગઢપુર તીર્થમાં પધાર્યા. ગઢપુરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનાં પ્રાસાદિક સ્થાનો- લક્ષ્મીવાડી, દાદાખાચરનો દરબાર વગેરેનાં દર્શન કરી સ્વામીશ્રી શ્રી અક્ષરપુરુષોત્તમ મંદિરે પધાર્યા.
 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |