Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

તીર્થભૂમિ ગઢપુરમાં પ્રમુખસ્વામી મહારાજ

ભગવાન સ્વામિનારાયણે જ્યાં ૩૦ વર્ષ સુધી બિરાજીને રજે રજને તીર્થત્વ આપ્યું છે તે ગઢપુર તીર્થમાં, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ઉન્મત્ત ગંગાના તટ પર ટેકરા પર સંગેમરમરનું ભવ્ય મંદિર રચીને ભગવાન સ્વામિનારાયણના મંદિર- નિર્માણના સંકલ્પની પૂર્તિ કરી છે. આ મંદિરના પરિસરની વિકાસ યોજના કરીને પ્રમુખસ્વામી મહારાજે આ તીર્થને આમૂલ અભિનવ સ્વરૂપ આપી રહ્યા છે. તા. ૧૪-૦૪-૨૦૦૬ થી તા. ૧૮-૦૪-૨૦૦૬ દરમ્યાન સ્વામીશ્રીએ અહીં બિરાજીને ગઢપુરવાસીઓને અને આજુબાજુ નાં ગામનાં હરિભક્તોને સત્સંગનો લાભ આપ્યો હતો. સ્વામીશ્રીના સાંનિધ્યમાં નિત્ય સવાર-સાંજ યોજાતી સત્સંગસભાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો અહીં ઊમટતા હતા.
તા. ૧૬-૦૪-૦૬ના રોજ મંદિરના વિશાળ સભાગૃહમાં યોજાયેલ રવિસભામાં સંતોના પ્રવચન, કીર્તનગાન અને શિવલાલ શેઠઆધારિત યુવાસંવાદ રજૂ થયા બાદ આશીર્વચન ઉચ્ચારતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે ''શ્રીજીમહારાજે ગઢડા મધ્ય પ્રકરણના ૫૯મા વચનામૃતમાં કહ્યું છેઃ 'ચાર વેદ, અઢાર પુરાણ, ષટ્‌શાસ્ત્રમાં એ જ વાત છે કે ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે.' આ દેહે બધું થવાય પણ અંદરનું અજ્ઞાન કાઢવું અને હું આત્મા છુ _, બ્રહ્મરૂપ છુ _- એ જ્ઞાન તો ગુણાતીત સંત મળે ત્યારે થાય. શાસ્ત્રોનું વાંચન કરવાથી પણ મોક્ષ થતો નથી. બધાં શાસ્ત્રો વાંચો, હિમાલયમાં તપ કરો, પંચાગ્નિ તાપો, વ્રત-દાન-પુણ્ય કરો તો એ પુણ્ય થશે, સત્કર્મ થશે ને જગતમાં પ્રસિદ્ધિ પણ થશે, પણ એનાથી મોક્ષ નથી. ભગવાન ને સંત મળે ત્યારે જ મોક્ષ છે આવું શ્રીજીમહારાજનું વચન વચનામૃતમાં છે. માટે, વહેવાર કરવો, પણ હું અક્ષર-આત્મા-બ્રહ્મ છુ _ એમ માનવું. આ જ્ઞાન પચી જાય પછી સંસારમાં કોઈ બાધ થશે નહીં. કથાવાર્તા, કીર્તન, ભજન કરી કરીને કરવાનું આટલું જ છે કે આ જ્ઞાન દૃઢ થાય. પોતાને દૃઢ થાય ને બીજાને દૃઢ કરાવીએ એ મોટામાં મોટી સેવા છે. એક જીવને ભગવાનને માર્ગે ચઢાવે તો બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય, પણ અભાવ, અવગુણ કરીને એક જીવને ભગવાનને માર્ગેથી પાડે તો બ્રહ્માંડ ભાંગ્યા જેટલું પાપ પણ લાગે છે. તો આવો અવસર આવ્યો છે તો સાવધાન થઈને પ્રભુ ભજી લેવા.''
તા. ૧૮-૦૪-૨૦૦૬નાં રોજ સૌની ભાવભીની વિદાય લઈને સ્વામીશ્રી ગુણાતીત જન્મભૂમિ ભાદરા પધાર્યા હતા.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |