Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

રાજકોટમાં પ્રમુખસ્વામી મહારાજનો અમૃતલાભ

સૌરાષ્ટ્રની પાટનગરી સમા રાજકોટ શહેરમાં એક સપ્તાહ સુધી બિરાજીને પ્રમુખસ્વામી મહારાજે રાજકોટવાસીઓને અધ્યાત્મના મહાસાગરમાં હિલોળા લેતા કર્યા હતા. સ્વામીશ્રીનો આધ્યાત્મિક લાભ લેવા માટે રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા કલામંડિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના વિશાળ સભાગૃહમાં, હજારો હરિભક્તોની મેદની નિત્ય સવાર-સાંજ છલકાતી રહી હતી. સ્વામીશ્રીના સાંનિધ્યમાં પારાયણની સાથે સાથે સ્થાનિક બાળ-યુવામંડળોના વિશિષ્ટ પ્રેરક કાર્યક્રમો પ્રસ્તુત થયા હતા.
ભાદરાથી વિદાય લઈ રાજકોટ પધારતાં પહેલાં સ્વામીશ્રી તા. ૨૨-૦૪-૨૦૦૬ના રોજ યાગરાજ તીર્થ ડાંગરા પધાર્યા હતા. અહીં મુક્તરાજ જાગા સ્વામીના સ્મૃતિસ્થાને દર્શન કરીને ઉપસ્થિત હરિભક્તો ઉપર આશીર્વાદ વરસાવ્યા હતા.
સ્વામીશ્રીના રાજકોટ ખાતેના તા. ૨૨-૦૪-૦૬ થી તા. ૨૯-૦૪-૦૬ના રોકાણ દરમ્યાન સાત દિવસ વિવિધ દિન રાખવામાં આવ્યા હતા. સંધ્યા સભામાં વિવેકસાગર સ્વામીએ વચનામૃત પર પારાયણ કરીને મનનીય નિરૂપણનો લાભ આપ્યો હતો.
તા. ૨૨-૦૪-૦૬ના રોજ સ્વામીશ્રીના આગમન નિમિત્તે 'પ્રાપ્તિદિન' ઉજવાયો. સંધ્યા સભામાં રાજકોટ શહેરના મેયર ધનસુખભાઈ ભંડેરી તથા ધારાસભ્યો ટપુભાઈ અને જાણીતા સામાજિક કાર્યકર પ્રવીણભાઈ મણિયારે સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા. મેયર ધનસુખભાઈએ આ પ્રસંગે સભાને સંબોધતાં સ્વામીશ્રીના ગુણાનુવાદ ગાયા બાદ પ્રવીણભાઈએ સંબોધનમાં કહ્યું, 'પ્રમુખસ્વામી એટલે હરતું ફરતું પ્રેમનું મંદિર. તેઓ જ્યાં જ્યાં જાય ત્યાં કોઈપણધર્મ કે સંપ્રદાયના લોકો તેઓનાં દર્શનમાત્રથી ધન્યતા અને પુણ્યતા અનુભવે છે. હિન્દુત્વનાં, હિન્દુ સંસ્કૃતિનાં સાચાં દર્શન વિશ્વને થાય એ માટે તેઓ વિચરે છે. આજની સદીને ભારતની સદી બનાવવા માટે તેઓએ ભગીરથ પ્રયત્ન કર્યો છે. પ્રમુખસ્વામી જેવા સંતો માનવતા ભરેલો હિન્દુત્વનો સંદેશ દેશપરદેશમાં ફેલાવી રહ્યા છે અને ઉચ્ચ જીવનની પ્રેરણા આપતા રહ્યા છે.'
ત્યારબાદ શિશુ, બાળકો, કિશોરો તથા યુવકોએ જુદાં જુદાં સ્વાગત કીર્તનોનું સંમિશ્રણ કરતું એક સ્વાગતગીત રજૂ કરીને સ્વામીશ્રીને વધાવ્યા.
સ્વામીશ્રીએ સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં કહ્યું કે ''બધાં શાસ્ત્રોમાં એ જ વાત છે કે તમે દેહભાવને ટાળો અને આત્મભાવ કેળવો, દરેકમાં ભગવાનને જોતાં શીખો. દરેકને મદદરૂપ થાવ, પરોપકાર કરો. કારણ કે દરેકમાં ભગવાન છે. માટે આપણી બુદ્ધિ, શક્તિ, સંપત્તિ એ પણ ધર્મ માટે, બીજા માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે વાપરીએ, તો આપણું મમત્વ તૂટી જાય. આપણી સંપત્તિનું મમત્વ ન રહે. આ બધું ભગવાને આપ્યું છે અને ભગવાન માટે વાપરવું છે- આ વાત સમજીને જ્ઞાનમાં ઊંડા ઊતરીએ તો આ લોક ને પરલોકનું શ્રેય થશે.'
તા. ૨૩-૦૪-૦૬ના રોજ રવિસભામાં 'પ્રતીતિદિન' ઉજવાયો. સભામાં ભાજપના રાજ્યપ્રમુખ વજુભાઈ વાળા, રાજકોટ શહેરના ડૉક્ટરો અને બૅન્કના ચૅરમૅનો પણ ઉપસ્થિતિ રહ્યા હતા. યુવાનોએ આજની સભાના કેન્દ્રીય વિષયને લક્ષમાં રાખીને પ્રાપ્તિનો મહિમા દૃઢાવતા સંવાદ રજૂ કર્યા.
અંતે, આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું, ''આપણને બહુ મોટો લાભ ને બહુ મોટી પ્રાપ્તિ થઈ છે અને એને લઈને જ આજે બધો આનંદ છે અને બધાને કેફ વર્તે છે. મીરાંબાઈને ભગવાનની પ્રાપ્તિ થઈતો તેમણે ગાયું: 'મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ' રાજાની રાણી હતાં, તો પણ બજાર વચ્ચે કરતાલ લઈ મીરાંબાઈ આ કીર્તન બોલતાં. શ્રીજીમહારાજે વચનામૃત લોયા-૩માં વાત કરી છે કે જેને પ્રાપ્તિનો મહિમા સમજાયો છે તેને ભગવાન અને સંતને અર્થે શું ન થાય? જે કાંઈ સુખ છે એ ભગવાન અને સંતને લઈને છે.
આજના કૉલેજિયનને સત્સંગ કરાવવો કઠણ, મંદિરમાં આવવાનું કહેવું કઠણ, પણ યોગીજી મહારાજે એવું હેત કર્યું કે ભણેલા ગણેલા યુવકો સાધુ થયા. એમનો સંકલ્પ હતો કે ૭૦૦ સાધુ કરવા છે તો આજે સારી ડિગ્રી, સુખી - સંપન્ન, કુટુંબ-પરિવાર મૂકીને યુવકો અહીં આવે છે. યોગીજી મહારાજમાં પ્રતીતિ આવી ગઈતો યુવકોએ પાછુ _ વળીને જોયું નથી. જેને જેને પ્રતીતિ થઈ છે એને સત્સંગમાં અમૂલ્ય શાંતિ છે, અમૂલ્ય લાભ મળ્યો છે ને સુખિયા થયા છે.''
તા. ૨૪-૦૪-૨૦૦૬ના રોજ 'પ્રસન્નતાદિન'ની સંધ્યાસભામાં સત્પુરુષને પ્રસન્ન કરવાનો નિર્દેશ વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવ્યો. ત્યારબાદ બ્રહ્મપ્રકાશ સ્વામી લિખિત 'પડવું જ નથી...' સંવાદ રજૂ કરવામાં આવ્યો. વિશેષ માર્ગદર્શન આપતાં સ્વામીશ્રી કહે, ''આપણે જાણીએ છીએ કે દરેકમાં ભગવાન રહ્યા છે, તો એ દૃષ્ટિ ક્યારે થાય? બ્રહ્મરૂપ થઈએ ત્યારે, મોટાપુરુષનો રાજીપો થાય ત્યારે એ દૃષ્ટિ આપણને થઈ જાય કે બધામાં ભગવાન રહ્યા છે. પછી એકબીજાનો અવગુણ ક્યાંથી આવે ? હંમેશાં એ જ વિચાર કરવાનો કે હું શું કરવા આવ્યો છુ _ ને શું થાય છે? ભગવાનને રાજી કરવા માટે અવળા સ્વભાવ મૂકવા ને સવળા સ્વભાવ કરવા. કથાવાર્તા, કીર્તન કરીને આપણે સમજણદૃઢ કરી સુખિયા થવું.''
તા. ૨૫-૦૪-૨૦૦૬ના રોજ સાંજે 'પ્રસારદિન' નિમિત્તે યુવકોએ સંવાદ 'સપનાં થયાં સાકાર' રજૂ કર્યો. સભામાં ઉપસ્થિત સાંસદ ડૉ.વલ્લભ કથિરિયા તથા ઇન્ડિયન ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી નિરંજન શાહે સ્વામીશ્રીના આશિષ પ્રાપ્ત કર્યા. ડૉ. વલ્લભભાઈ કથિરિયાએ પ્રાસંગિક ઉદ્‌બોધન કરતાં કહ્યું, 'આ દેશમાં સાચા અર્થમાં સુરાજ્ય સ્થપાય, સુસંસ્કારી સમાજનું નિર્માણ થાય, અને આ દેશ શ્રેષ્ઠ બને એ સ્વપ્ન સાકાર કરવા માટે પ્રમુખસ્વામી મહારાજ સતત પ્રયત્નશીલ છે. દિલ્હીમાં તેઓએ અક્ષરધામ અર્પણ કર્યું. ગૌરવની વાત છે કે આવા પૂજનીય સંત આપણી વચ્ચે છે. આપણી ફરજ છે કે એમણે જે સમાજનિર્માણની કલ્પના કરી છે, એના તરફ આપણે આગળ વધીએ અને આપણે પણ એમના પ્રયત્નોમાં જોડાઈએ.'
છેલ્લે સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં કહ્યું, ''શ્રદ્ધા સર્વેષાં માતા.' સાચા પુરુષોનાં વચનમાં વિશ્વાસ અને શ્રદ્ધા- એ સર્વે સદ્‌ગુણોની માતા છે. શાસ્ત્રીજી મહારાજને ભગવાન સ્વામિનારાયણના વચનમાં વિશ્વાસ હતો તો નીકળી પડ્યા ને પ્રયત્ન થયો તો ભગવાન સ્વામિનારાયણે આપેલા અક્ષરપુરુષોત્તમના જ્ઞાનનો પ્રચાર થયો. યોગીજી મહારાજ પણ જૂનાગઢથી આવ્યા. તેઓ જ્યાં જાય ત્યાં સત્સંગ વધારવો છે એવી નાના-મોટા દરેકને વાત કરતા. બધાને વિશ્વાસ આવતો ગયો ને જોગી મહારાજની રવિવારની સભાની આજ્ઞા કરી. શ્રદ્ધા ને વિશ્વાસ હોય તો ભગવાન મદદ કરે. પણ આપણા મનમાં ડગમગાટ કે ઢચુંપચું હોય કે આપણી વાત કોઈ સમજશે કે નહીં સમજે, એવા શંકાશીલ થયા તો કોઈ કામ ન થાય. ગાંધીજીને શ્રદ્ધા હતી કે મને સ્વરાજ મળવાનું છે. તો ધીરે ધીરે વલ્લભભાઈ, જવાહરલાલ જેવા અનેક નેતાઓ મળી ગયા. સમાજમાં પણઆવી શ્રદ્ધા વિશ્વાસ હોય તો એકલો માણસ હજારોને ભેગા કરી શકે છે. સાચી વાત દરેકને અસર કરે છે. સાથે સાથે પોતાનું જીવન પણ એવું જોઈએ. આપણને સમર્થ પુરુષ મળ્યા છે તો એમાં વિશ્વાસ રાખી એવો સત્સંગ કરવો અને બીજાને પણ સાચી વાત સમજાવવી.''
તા. ૨૬-૦૪-૨૦૦૬ના રોજ સંધ્યાસભામાં 'પુરુષાર્થદિન' નિમિત્તે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્વામીશ્રીએ કરેલા પુરુષાર્થનો સંવાદ રજૂ થયો અને ત્યારબાદ સ્વામીશ્રીની સાથે ફરતા સંતોએ સ્વામીશ્રીએ કરેલા પુરુષાર્થના પ્રસંગો કહ્યા. ત્યારબાદ સ્વામીશ્રી ઉપસ્થિત હરિભક્તોને સમીપદર્શનનો લાભ આપી ઉતારે પધાર્યા. આજે 'તોતાદ્રિ રામાનુજપીઠ'ના આચાર્ય સ્વામી ધવલનારાયણ મહારાજ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા.
તા. ૨૭-૦૪-૨૦૦૬ના રોજ પૂજા બાદ સ્વામીશ્રીએ થાનગઢ ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની ભૂમિની માટીનું પૂજન કરીને ભૂમિપૂજન કર્યું. આ પ્રસંગે પ્રાતઃપૂજામાં દર્શને આવેલા હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડે સ્વામીશ્રીના આશિષ મેળવ્યા.
આજે સંધ્યાસભામાં પરિવર્તનદિન અંતર્ગત કાર્યક્રમોમાં સ્વામીશ્રીની કૃપાદૃષ્ટિથી જેઓનું પરિવર્તન થયું હતું તેવા વાસ્તવિક અનુભવોની વિશેષ રજૂઆત થઈ. સ્વામીશ્રીએ સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં કહ્યું, ''ભગવાન શ્રીજીમહારાજ આ પૃથ્વી પર પધાર્યા, ૫૦૦ સંતો કર્યા. દરેકનું જીવન શુદ્ધ ને પવિત્ર બને, ભગવાનનો આશરો, ભક્તિ કરીને ભગવાનના ધામને પામે એવા સંકલ્પ સાથે શ્રીજીમહારાજ પૃથ્વી પર પધાર્યા હતા. માણસ સદાચારી બને તો એને શાંતિ ને સુખ રહે. પણ અત્યારે ટી.વી., ફોન, ઈ-મેઈલ, ઈન્ટરનેટ એમાં એવું આવે છે કે જેનાથી માણસના સંસ્કાર હોય તેય જતા રહે. તમારે દારૂ કેમ પીવો, વ્યભિચારી કેમ થવું, જુગાર કેમ રમવો, ચોરીઓ કેમ કરવી, બીજાનું ખૂન કેમ કરવું, આ બધું એમાં આવે છે. આજના જમાનામાં કોઈના ઘરે ટી.વી. ન હોય તો બરાબર ન કહેવાય એવું લાગે છે! ઘરમાં ભગવાનનું મંદિર ન હોય પણ ટી.વી. હોય! આપણા સંસ્કાર ન જાય, એ માટે ઘરમાં ઘરમંદિર રાખો, ઘરસભા કરો તો એનાથી નાના બાળકોમાં પણ આવાં દૂષણો નહિ પેસે. માબાપે ઘરમાં એવું વાતાવરણ કરવું જોઈએ કે ઘરમાંથી જ સંસ્કાર મળે, પણ માબાપ જ ટી.વી. જોવા બેસે તો છોકરા તો તૈયાર થઈ જ જાય ને! બાપ, મા, બહેન, દીકરો, દીકરાની વહુ બધાં ટી.વી. જોવા સાથે જ બેઠાં હોય, એમાં અશ્લીલ જુએ પછી કેટલા સંસ્કાર રહે? ઘરની અંદર પણ ખોટું થાય. ટી.વી.નું એટલું દૂષણ છે, પણ માણસને એ સમજાતું નથી. સારું આવે છે એની ના નથી, પણ માણસને સારી વસ્તુ જોવાનું મન ન થાય. ટી.વી.માં કલાક બે કલાક જતા રહે, પણ ખબર ન પડે અને સભામાં બે કલાક થઈ જાય, તો થાય કે બહુ થયું. જેનાથી નુકસાન છે એ લાંબું નથી લાગતું. એટલે અત્યારે આને લઈને સંસ્કાર જાય છે. જે કંઈ પ્રશ્ન, કૌભાંડો, તોફાનો, ખૂનાખરાબી વધ્યાં છે તે આને લઈને છે.
એટલે ભગવાને જે નિયમ આપ્યા છે, એ આપણા સારા માટે છે. એનું જેટલું પાલન કરીશું, એટલું ઘર, કુટુંબ, સમાજ, રાષ્ટ્રમાં શાંતિ રહેશે ને મહારાજ-સ્વામી રાજી થશે. પેલામાં તો બધું બગડશે ને બેકાર થઈ જઈશું, એમાં કોઈ જાતનો લાભ જ નથી.
વચનામૃત, સ્વામીની વાતો, ભાગવત, ગીતા, રામાયણ વગેરે ગ્રંથો વાંચવા જોઈએ. પણ એ ગ્રંથો ઘરમાંથી ગયા છે ને બીજાં છાપાં, મેગેઝીન આવ્યાં છે. અશ્લીલ પુસ્તકો આવે ને ઘરમાં બધાં વાંચે, પણ એ નાખી જ દેવું જોઈએ. આપણાં શાસ્ત્રો ઘરમાં રાખવાં તો છોકરા ને આપણે વાંચીએ. બાળકો માટે બાળપ્રકાશ આવે છે. બીજાં પુસ્તકો છે. આવું બધું આપણા ઘરમાં વસાવવું જોઈએ. ઘરમાં નટ-નટીઓના નહિ પણ ભગવાનના ફોટા રાખવા. સંસારનો ચકરાવો એવો છે કે સત્સંગ કરીએ છીએ, છતાંય કુસંગે કરીને આપણું ભૂંડું થાય છે. કુસંગ કરે ને પછી કહે, 'અમારા પર દયા કરો' ભગવાન આશીર્વાદ આપે, પણ કુસંગ મૂકો નહિ તો ક્યાંથી થાય? શ્રીજીમહારાજે લખ્યું અમારા આશ્રિતે ક્યારેય કુસંગ કરવો નહિ. અગ્નિમાં હાથ નાખો, એટલે દઝાવાના છીએ.''
આજે હરિભક્તોએ શ્રી હરિકૃષ્ણ મહારાજના ષોડશોપચાર પૂજનનો લાભ લીધો હતો.
તા. ૨૮-૦૪-૨૦૦૬ના રોજ સભામાં 'પ્રભાવદિન'ની ઉજવણી અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળકો દ્વારા નૃત્ય અને 'પ્રભાવક કોણ?' સંવાદની રજૂઆત થઈ.
અંતે આશીર્વાદની વર્ષા કરતાં સ્વામીશ્રીએ કહ્યું, ''કથાવાર્તા સાંભળવાનું કારણ એ છે કે આપણા જીવમાં ભગવાન, સંત, સત્સંગ, નિયમધર્મ, આજ્ઞા-ઉપાસના દૃઢ થાય. આ દૃઢ થાય, એટલે આપણું કાર્ય સાર્થક થાય છે અને એ કરાવવા માટે જ મહારાજ-સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજનો અવતાર હતો. મહારાજ-સ્વામીનો યથાર્થ મહિમા સમજાય તો છેલ્લો જન્મ છે. સેવા, ભક્તિ, કથાવાર્તા કરીએ છીએ છતાં આપણને અધૂરું લાગ્યા કરે છે. એનું કારણ એટલું જ છે કે હજુ આપણને આ મહિમામાં કચાશ છે, પણ મહારાજે કહ્યું જે મારા કહેવાયા છે, એમાં રંચમાત્ર કસર રાખવી નથી. જોગી મહારાજે એ જ વાત કરી કે બધાને બ્રહ્મરૂપ કરવા છે.''
તા. ૨૯-૦૪-૨૦૦૬ના રોજ વિદાયદિને 'પ્રાર્થનાદિન' રાખવામાં આવ્યો હતો. સત્સંગના દરેક ક્ષેત્રોમાં વિકાસ થાય તે ભાવનાને રજૂ કરતી પ્રાર્થનાઓ મંદિરના પરિસરમાં રાખવામાં આવેલા બોર્ડમાં દર્શાવાઈ હતી. આ રજૂઆતો પર દષ્ટિદાન કરી સ્વામીશ્રી પ્રાતઃપૂજામાં પધાર્યા. આમ, સતત સાત દિવસ સુધી રાજકોટમાં સત્સંગની સરવાણી વહાવ્યા બાદ સ્વામીશ્રી જૂનાગઢ મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવમાં પધાર્યા હતા.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |