Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

પ્રમુખસ્વામી મહારાજનું સન્માન કરીને ધન્ય થતી નવસારી નગરપાલિકા અને અન્ય સંસ્થાઓ

લોકકલ્યાણાર્થે વિશ્વભરમાં વિચરતા પ્રમુખસ્વામી મહારાજની આધ્યાત્મિક પ્રતિભા અને અભૂતપૂર્વ કાર્યોથી અભિભૂત થઈ દેશ-પરદેશની અસંખ્ય નામાંકિત સંસ્થાઓ તેઓનું સન્માન કરી કૃતાર્થતાની લાગણી અનુભવતી રહી છે. તાજેતરમાં જ નવસારી પધારેલા સ્વામીશ્રીને સન્માનવા નવસારી નગરપાલિકા અને અન્ય સંસ્થાના આગેવાનોએ સ્વામીશ્રીને સન્માનપત્ર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. તા. ૨૫-૫-૨૦૦૬ના રોજ નવસારી પધારેલા અને સાત દિવસ બિરાજેલા સ્વામીશ્રીનાં દર્શન અને તેમની અમૃતવાણીનો લાભ લેવા ભાવિકો મોટી સંખ્યામાં ઊમટ્યા હતા.
દક્ષિણ ગુજરાતના આ લીલાછમ પ્રદેશમાં વૃક્ષોની ઘટાઓની વચ્ચે સ્વામીશ્રીના આગમન સાથે શીતળ આધ્યાત્મિક સંસ્પર્શનો સૌને દિવ્ય અનુભવ થયો. પ્રાકૃતિક સુંદરતાથી છલકાતા નવસારીના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં આહ્‌લાદક અને ખુશનુમા વાતાવરણમાં સ્વામીશ્રીના સાંનિધ્યમાં યોજાતી સત્સંગ સભાઓ પ્રેરણાની ગંગોત્રી તુલ્ય બની રહી હતી.
તા. ૨૫-૫-૦૬ના રોજ નવસારી સત્સંગમંડળે દબદબાપૂર્વક સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું. બાળકોએ દેવબાળના રૂપમાં પારંપરિક રીતે નૃત્ય કરીને સ્વામીશ્રીના આગમનને વધાવ્યું હતું. સ્વામીશ્રીના પ્રથમ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઊમટ્યા હતા.
આજે સંધ્યાસભામાં ઉપનિષદદિન યોજાયો હતો. શાસ્ત્રોમાંથી પસંદ કરાયેલા શ્લોકો અને ઇન્દ્રજિત ચૌધરી લિખિત 'આવો આવો ને મારા સ્વામી, કરીએ તમારું સ્વાગતમ્‌'- ગીતના આધારે નૃત્ય રજૂ થયું. ત્યાર પછી ઉપનિષદમાં વર્ણવેલા આત્મજ્ઞાનનો મહિમા દર્શાવતો સંવાદ રજૂ કરવામાં આવ્યો.
છેલ્લે સ્વામીશ્રીએ આશીર્વાદ વરસાવતાં જણાવ્યું, 'આપણો આત્મા સત્ય છે અને પરમાત્માની ભક્તિ કરવાની છે. કથાવાર્તા દ્વારા વસ્તુ સમજવાની આટલી છે કે આ જગત નાશવંત છે ને પરમાત્મા સત્ય છે. ભગવાન સર્વશક્તિમાન છે એટલું સમજવાનું છે, એમને પામવાનું છે. બ્રહ્મરૂપ ન થઈએ ત્યાં સુધી સાધના અધૂરી છે પરંતુ આપણને ભગવાનનો આશરો થયો છે, ભગવાનની ઓળખ થઈ છે, તો ક્યારેક એની દૃઢતા પણ જરૂર થશે. તો સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખીને એમની આજ્ઞા પ્રમાણે આપણે જીવન જીવીશું તો સર્વપ્રકારે સુખિયા થવાશે.'' ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી સી.ડી. પટેલ ખાસ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા.
તા. ૨૬-૫-૦૬ના રોજ સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન બોરીફળિયા-ઓંજલ ગામની મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ થઈ. સ્વામીશ્રીએ આરસના અક્ષરપુરુષોત્તમ મહારાજ, રાધાકૃષ્ણ દેવ તથા હનુમાનજી-ગણપતિજી અને ગુરુપરંપરાની ચિત્રપ્રતિમાઓમાં પ્રાણ પૂર્યા અને આરતી કરી. ગુજરાત સરકાર દ્વારા અત્રે આયોજિત કૃષિ મહોત્સવને સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત થાય તે માટે રાજ્યના કૃષિમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અત્રે સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા.
સંધ્યાસભામાં ગ્રામ્યદિન નિમિત્તે બીલીમોરા તથા અમલસાડ વિસ્તારનાં બાળકોએ 'હમ સનાતન હિંદુ હમારી...' ગીત આધારિત નૃત્ય રજૂ કર્યું. તેમજ ભગવાન માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરીને સત્સંગ ઇતિહાસમાં પ્રસિદ્ધ દૂબળી ભટ્ટનો સંવાદ રજૂ થયો. સભામાં ઉપસ્થિત ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ભોજક, કલેક્ટર શ્રી વી.પી. પટેલ તથા શ્રી આર.ડી.સી. પટેલે સ્વામીશ્રીના આશિષ મેળવ્યા.
અંતે સ્વામીશ્રીએ આશીર્વાદ વરસાવતાં કહ્યું, 'વૈદિકકાળમાં •ષિમુનિઓએ સાધનાઓ કરી ભગવાનનો સાક્ષાત્કાર કર્યો અને તેમણે જણાવ્યું કે આ જગતના કર્તા ભગવાન છે. આ જગત એમ ને એમ ચાલતું નથી, પણ એનું ચાલકબળ ભગવાન છે. આ ઝાડ, પાન, પર્વત, ગુફાઓ, ઝરણાં, પશુ-પંખી, મનુષ્યો આ સમગ્ર સૃષ્ટિ પ્રભુએ રચી છે. ભગવાને આપણને બુદ્ધિ-શક્તિ આપી તો આ સઘળાં કામ થાય છે. એમની પ્રેરણાથી જ માણસ વિકાસ કરી શક્યો. ભગવાનનું કાર્ય આપણા સુખ માટે જ છે. એટલે ભગવાનનો આશરો કરી ભજન કરવું જોઈએ.'
સભામાંથી વિદાય લીધા બાદ મુલાકાત કક્ષમાં ગુજરાત રાજ્યના ડાયરેક્ટર જનરલ પોલીસ શ્રી પાંડે સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા. તેઓની સાથે ડી.એસ.પી. એમ.ડી. શ્રી સોલંકી તથા કલેક્ટર શ્રી પટેલ, ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ભોજક પણ ઉપસ્થિત હતા. તદુપરાંત ભરૂચના ગોસેવક અને કતલખાને જઈ રહેલા ઢોરોને જાનના જોખમે બચાવતી સંસ્થાના રાજ્ય પ્રમુખ સાજણભાઈએ સ્વામીશ્રીના આશિષ મેળવ્યા.
તા. ૨૭-૫-૦૬ના રોજ સ્વામીશ્રીએ પ્રાતઃપૂજા બાદ દક્ષિણ ગુજરાતના મીણકચ્છ અને ગણદેવા(ભૂરી ફળિયા) ગામનાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓની પૂજા કરીને આરતી ઉતારી. સાથે આ મંદિરોના સુવર્ણ કળશનું પણ પૂજન કર્યું. બંને ગામના ઉપસ્થિત આગેવાન હરિભક્તોને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. આજે સ્વામીશ્રીનાં દર્શને આવેલા પ્રસિદ્ધ જાદુ સમ્રાટ કે. લાલ અને જુનિયર કે. લાલ સ્વામીશ્રી સમક્ષ જાદુ રજૂ કરી તેમણે તેમની કળા પાવન કરી હતી.
નગરપાલિકા દ્વારા સન્માનઃ
સ્વામીશ્રીના દિવ્ય કાર્ય અને વ્યક્તિત્વથી પ્રભાવિત નવસારી તથા અન્ય નગરપાલિકાઓએ સ્વામીશ્રીનો સન્માન સમારંભ યોજ્યો હતો. તા. ૨૭-૫-૨૦૦૬ના રોજ સંધ્યાસભામાં યુગવિભૂતિ સ્વામીશ્રીનું સન્માન કરીને ધન્ય થવા નગરપાલિકાના અગ્રણીઓ ઉપસ્થિત હતા. વિવેકસાગર સ્વામીના સંબોધન બાદ બોરપાડા-ડાંગનાં બી.એ.પી.એસ. આદિવાસી કેન્દ્રના બાળકોએ આદિવાસી નૃત્ય રજૂ કર્યું. ત્યાર પછી સાંસદ કાનજીભાઈએ ગાંધીજીએ દાંડીયાત્રા વખતે શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ લીધા હતા, એ સ્મૃતિપૅનલનું અનાવરણ સ્વામીશ્રીના સાંનિધ્યમાં કર્યું. સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે, 'આદિવાસી વિસ્તારમાં વ્યસનમુક્તિનું સૌથી મોટું કામ જો કોઈએ કર્યું હોય તો આ સ્વામિનારાયણ સંપ્રદાયે. સરકારના કાયદા અને ખાખી વરદીવાળા જે નથી પળાવી શક્યા, એ ભગવાં વસ્ત્રવાળાઓએ કર્યું છે. અને એનાથી આદિવાસીઓમાં જબરદસ્ત ક્રાંતિ આવી છે. આ ક્રાંતિ લાવવામાં પ્રમુખસ્વામી મહારાજનું યોગદાન સૌથી મહત્ત્વનું છે. આદિવાસી સમાજે તેઓનું આ •ણ કોઈ સંજોગોમાં ભૂલવું ન જોઈએ.'
તેઓના પ્રવચન પછી નવસારી નગરપાલિકા ઉપરાંત ૧૪ સંસ્થાઓ દ્વારા સ્વામીશ્રીનું સન્માન કરવામાં આવ્યું. પ્રવક્તા અને રાજ્યના યુવા ભાજપના ઉપાધ્યક્ષ દિનેશભાઈએ સન્માનવિધિ પૂર્વે જણાવ્યું કે, 'હિંદુ સંસ્કૃતિ કાયમ જીવિત છે અને એમાં પણ પ્રમુખસ્વામી મહારાજે પોતાની દૃષ્ટિ, શાણપણ અને વિજ્ઞાનને ઉમેરીને સુંદર સ્થાપત્ય સાથે દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ આપ્યું છે. અત્યાર સુધી ભારતને લોકો જુદી રીતે ઓળખતા હતા. પરંતુ પ્રમુખસ્વામી મહારાજના આ કાર્યને લીધે જગત હવે ભારતને અક્ષરધામ દ્વારા ઓળખશે. સદીઓ જૂની હિંદુ સંસ્કૃતિના સ્થાપત્ય દ્વારા ઓળખશે.'
ત્યારબાદ સન્માન વિધિ કરતાં નવસારી નગરપાલિકાના કાર્યપાલક અધ્યક્ષ નીતીનભાઈ કંસારાએ સન્માન પત્રનું વાંચન કર્યું. નવસારી નગરપાલિકાનાં અધ્યક્ષા મીનાક્ષીબહેન દેસાઈ વતી નગરપાલિકાના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ દરબારે આ સન્માનપત્ર ઠાકોરજીને અર્પણ કર્યા પછી સ્વામીશ્રીને અર્પણ કર્યું. પછી વારાફરતી અન્ય નગરપાલિકાઓ અને જાહેર સંસ્થાઓએ સન્માનપત્ર અર્પણ કર્યાં. વિજલપુર નગરપાલિકા વતી પ્રમુખ લખસિંઘ શિયરા તથા તેમના સહયોગી સાથીઓએ સ્વામીશ્રીને સન્માનપત્ર અર્પણ કર્યું. નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શીલાબહેન પટેલ વતી ઉપપ્રમુખ છગનભાઈ હળપતિ તથા કાર્યકરોએ સન્માનપત્ર અર્પણ કર્યું. ચેમ્બર આૅફ કોમર્સ વતી પ્રમુખ દિનેશભાઈ જોષી તથા સાથીઓએ, કબીલપુર ગ્રામપંચાયતના સરપંચ નીરુબહેન જોગી વતી શ્યામસુંદર ઘોડેલા તથા સાથીઓએ, રોટરી ક્લબ વતી પ્રમુખ દિનેશસિંહ ઠાકોર તથા સાથીઓએ, માનવકલ્યાણ ટ્રસ્ટ વતી મંત્રી વિરાટભાઈ કોઠારી તથા સાથીઓએ, સયાજી વૈભવ લાઈબ્રેરી વતી સંસ્થાના પ્રમુખ મહાદેવભાઈ દેસાઈ તથા મંત્રી જયુભાઈ મહેતાએ, હેલ્થ સેન્ટર-યોગાસન સંસ્થાના પ્રમુખ ઠાકોરભાઈ દેસાઈ તથા રમેશભાઈ નાયકે અગ્રવાલ સમાજના પ્રમુખ ઓમપ્રકાશ અગ્રવાલ તથા સાથીઓએ, વેજલપુર શહેર ભાજપના પ્રમુખ કિશોરભાઈ ભટ્ટ, મહામંત્રી વિલાસભાઈ સિંધે તથા સાથીઓએ, યુવા ભાજપ વતી રાજ્યના યુવા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ દાસા તથા નવસારી જિલ્લાના પ્રમુખ કનકભાઈ બારોટે આહ્‌વા ડાંગ જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ મંત્રીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં સન્માનપત્ર અર્પણ કર્યાં. કચ્છ કડવા પાટીદાર સમાજ વતી શિવગણભાઈ તથા ભરતભાઈ પટેલ, પ્રજાપતિ સમાજ વતી ટ્રસ્ટી બાલુભાઈ લાડ તથા અરવિંદભાઈ મિસ્ત્રી અને જાયન્ટ્‌સ ક્લબના સદસ્યોએ પણ સન્માનપત્ર અર્પણ કરીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા. સ્વામીશ્રીનું ભવ્ય સન્માન કરીને પ્રત્યેક નગરપાલિકા તથા સંસ્થાઓના સભ્યો કૃતાર્થતાની લાગણી અનુભવી રહ્યા હતા.
સન્માનવિધિ પૂર્ણ થયા બાદ સ્વામીશ્રીએ સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં કહ્યું, 'આજે જે સન્માન સમારંભ યોજાયો છે, એમાં નવસારી નગરપાલિકા અને અન્ય સંસ્થાઓએ જે ભાવ-પ્રેમથી સન્માન કર્યું છે, એ માટે ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને જશ છે. આપણે તેમનું સન્માન કરીએ કે જેમણે આ પૃથ્વી પર પ્રગટ થઈ એક ઉચ્ચ સંદેશો આપ્યો. આપણું જીવનધોરણ ઉચ્ચ અને સંસ્કારી બને તેમજ આત્મકલ્યાણના માર્ગે ચાલીને ફરી જન્મમરણ ન થાય, એવી રીતનો સિદ્ધાંત આપ્યો. આ ભગવાનનું કાર્ય છે અને એ આપણામાં પ્રેરણા કરીને કરાવે છે. સમાજ કલ્યાણ કે ધર્મનું કાર્ય કરીએ છીએ, એમાં ભગવાનની પ્રેરણા છે તો કામ થાય છે. આ સંપ્રદાયમાં શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ એવા પ્રતાપી સંત થયા છે. ભારતમાં એવા ઘણા સંતો થયા છે. એમણે ચીંધેલા માર્ગે ચાલીએ તો સુખિયા થવાય.'
આજનો સમારોહ નવસારી નગરના ઇતિહાસમાં એક અવિસ્મરણીય સમારોહ બની રહ્યો.
તા. ૨૮-૫-૦૬ના રોજ નવસારી ખાતે સંધ્યાસભામાં રામાયણદિન અંતર્ગત કુટુંબભાવનાનું મૂલ્ય કેન્દ્રવર્તી વિચારમાં હતું. વિવેકસાગર સ્વામીના વચનામૃત નિરૂપણ બાદ નવસારી યુવકમંડળે 'સંતસ્વરૂપે વનમાળી જોયા રે મેં તો...'- ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું હતું. ત્યાર બાદ રામાયણમાં દર્શાવેલા ભ્રાતૃભાવના સંદેશને રામ-ભરતમિલાપના સંવાદ દ્વારા રજૂ કરવામાં આવ્યો. રામાયણના આ આદેશો અને આદર્શોને અત્યારે સ્વામીશ્રી ભીડો વેઠીને ગામોગામમાં ચરિતાર્થ કરાવી રહ્યા છે એ ભાવને દૃઢાવતા પ્રસંગો સંવાદરૂપે રજૂ થયા.
અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું, 'પિતાની આજ્ઞા પુત્રે પાળવી જોઈએ એ વાત રામાયણમાં આવે છે. આપણી સંસ્કૃતિમાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ- એમ મહિમા વ્યક્ત થયો છે. આપણી સંસ્કૃતિ એટલી સુંદર છે કે એનું પાલન કરે તો શાંતિ, શાંતિ ને શાંતિ. પરંતુ સંસ્કૃતિથી અજ્ઞાત છોકરાઓ ભણીગણીને તૈયાર થઈ મોજશોખ ને પૈસા ઉડાવે છે. પશ્ચિમની સંસ્કૃતિના આંધળા અનુકરણમાં ઠેર ઠેર બિહામણું અને ક્લેશમય દૃશ્ય થઈ ગયું છે. વ્યભિચાર, હિંસા, દારૂ ને સિગારેટના સેવન પાછળ આપણી સંસ્કૃતિ ભૂલ્યા છીએ. પરંતુ આપણી સંસ્કૃતિમાં કહેલા ગુણો માતાપિતાની સેવા, ભાઈ-ભાઈ વચ્ચેનો પ્રેમ, વડીલોનો આદર, સહનશીલતા, ચારિત્ર્ય વગેરેને આત્મસાત્‌ કરીએ તો ક્યારેય અશાંતિ નહીં થાય.'
તા. ૨૯-૫-૦૬ના રોજ બાળદિન યોજાયો હતો. સવારથી જ સ્વામીશ્રીને પ્રસન્ન કરવા માટે અવનવા કાર્યક્રમો રજૂ કરતા નાનાં નાનાં બાળકોએ સંધ્યાસભામાં પોતાની ભક્તિ અદા કરી. સ્વામીશ્રી બાળકોમાં ધ્રુવ જેવી ટેક દૃઢાવી રહ્યા છે, તેનો સંદેશ બાળભક્ત ધ્રુવના સંવાદ દ્વારા રજૂ થયો. બાળકોની વિવિધ રજૂઆતો બાદ આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું, 'ધ્રુવજીએ નાની વયે તપ કરી ભગવાનને પ્રસન્ન કર્યા. અત્યારે કળિયુગમાં તપ કરવું બહુ કઠણ પડે. કારણ કે અત્યારે બધે જ ખાવાપીવાના ને મોજશોખનાં સાધનો નજર પડે છે. એ અનેક જાતનાં પ્રલોભનો હોય ત્યાં મન સ્થિર ન થાય. તપ તો કદાચ ન થાય પણ રામનવમી, જન્માષ્ટમી એવા ભગવાનના જન્મદિવસે પણ ઉપવાસ થતો નથી. ઊલટાનું જન્માષ્ટમી આવે તો લોકો જુ ગાર રમવા બેસી જાય! એમાં ભગવાનની પ્રસન્નતા ન થાય.' બાળકોને બાળસહજ શૈલીમાં જીવનનાં પાયાનાં મૂલ્યોને દૃઢાવતાં આશીર્વચન કહીને સ્વામીશ્રીએ સૌને પ્રેરણાપીયૂષ પાયાં.
સ્વામીશ્રીના દિવ્ય વિચરણ અને માર્ગદર્શનથી નવસારી અને દક્ષિણ ગુજરાતમાં સત્સંગની અભિવૃદ્ધિ દિન-બ-દિન થઈ રહી છે. આ સુવિકસિત સત્સંગની પુષ્ટિ માટે કેટલાંક વધુ ઉપાસના-મંદિરોની સ્થાપના સ્વામીશ્રીના આ વખતના નવસારી-નિવાસ દરમ્યાન થઈ. તા. ૩૦-૫-૦૬ના રોજ સ્વામીશ્રીએ પ્રાતઃપૂજા બાદ નવસારી પ્રાંતના ભિનાર અને મહુડી ગામોમાં નવનિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોની મૂર્તિઓ અને સુવર્ણરસિત કળશનું પૂજન કર્યું. પ્રતિષ્ઠિત થનાર અક્ષરપુરુષોત્તમ મહારાજ, રાધાકૃષ્ણ દેવ તથા હનુમાનજી-ગણપતિજીની આરસની મૂર્તિઓ તેમજ ગુરુપરંપરાની ચિત્રપ્રતિમાઓનું વિધિવત્‌ પૂજન કરીને પ્રતિષ્ઠાપૂર્વ વિધિ કરી. મહુડી ગામમાં મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર ચિત્રપ્રતિમાઓની પણ પ્રતિષ્ઠાવિધિ કરી. આ સાથે ઓણચી, કોથા, મરોલી અને સુથવાડ ગામમાં નિર્માણ થનાર મંદિરોની ખાતવિધિ પણ સ્વામીશ્રીએ કરી હતી.
આમ, દક્ષિણ ગુજરાતની સદૈવ હરિયાળી એવી ધરતી પર સત્સંગનાં પુષ્પો મહોરાવીને સ્વામીશ્રીએ વિદાય લઈને તા. ૩૦-૫-૨૦૦૬ના રોજ વલસાડ તરફ જવા પ્રયાણ કર્યું હતું.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |