Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

વલસાડમાં પ્રમુખસ્વામી મહારાજનાં કરકમળો દ્વારા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિરનું ઉદ્ઘાટન

મૂલ્યસભર શિક્ષણના ધ્યેય સાથે સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજે વિદ્યાર્થીઓનાં ઉજ્જ્વળ વર્તમાન અને તેજસ્વી ભવિષ્યનું નિર્માણ કરવા માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અનેકવિધ શૈક્ષણિક આયોજનો હાથ ધર્યાં છે. વિવિધ વિસ્તારોમાં અભિનવ શૈક્ષણિક સંકુલો સ્થાપીને સ્વામીશ્રીએ શિક્ષણ ક્ષેત્રે મહાન પ્રદાન આપ્યું છે.
સંસ્થાની આ શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગ રૂપે તાજેતરમાં વલસાડના પારડી-પરનેશ વિસ્તારમાં પ્રમુખસ્વામી મહારાજે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિરનું લોકાર્પણ કર્યું હતું. પછાત વર્ગોનો સમુદાય ધરાવતા આ વિસ્તારમાં સ્વામીશ્રીએ વિદ્યામંદિર સ્થાપીને તેમની આગામી પેઢી માટે શિક્ષણ અને ઉન્નતિનાં દ્વાર ખોલી આપ્યાં છે. શૈક્ષણિક સંકુલના ઉદ્‌ઘાટન સમારોહની સાથે સાથે, સ્વામીશ્રીએ વલસાડ પાસે કોસંબા-તીથલના દરિયાકિનારે આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં બિરાજીને ભક્તિની ભરતી પ્રસરાવી હતી.
તા. ૩૦-૫-૨૦૦૬ના રોજ વલસાડ-કોસંબા પધારેલા સ્વામીશ્રીનાં દર્શને, ભક્તિનો જુવાળ તમામનાં અંતરમાં જાગ્યો હતો. પ્રાસંગિક સ્વાગત સમારોહમાં બી.એ.પી.એસ. બાળમંડળના બાળકોએ પુષ્પના અર્ઘ્ય દ્વારા સ્વામીશ્રીનાં વધામણાં કર્યાં. નાના નાના શિશુઓ લશ્કરી પરિવેશમાં સજ્જ 'સ્વામીના સૈનિક અમે, આ કૂચ અમારી આવે છે...' સ્વામીશ્રીનું સ્વાગત કરતાં હતા. સત્સંગ મંડળ તરફથી સ્વામીશ્રીનું ઊર્મિસભર સ્વાગત સંતોએ અને ધારાસભ્ય દોલતભાઈદેસાઈએ કર્યું. સૌને અંતરના આશીર્વાદ આપીને સ્વામીશ્રીએ નવનિર્માણ પામેલ સંતનિવાસનું નાડાછડી છોડી ઉદ્‌ઘાટન કર્યું.
તા. ૩૧-૫-૨૦૦૬ના રોજ પ્રમુખવરણી દિનનો મંગલ અવસર હતો. આજથી ૫૫ વર્ષ પહેલાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે યુવાન વયના નારાયણસ્વરૂપદાસ સ્વામીને બી.એ.પી.એસ. સંસ્થાના સૂત્રધારની ચાદર ઓઢાડીને વિશ્વને 'પ્રમુખસ્વામી'ની ભેટ આપી હતી. આજનો એ ઐતિહાસિક દિન હતો. કોસંબા મંદિરમાં સ્વામીશ્રીની પ્રાતઃપૂજા બાદ પ્રમુખવરણી દિન નિમિત્તે સંતોએ અને આગેવાન હરિભક્તોએ ભક્તિઅર્ઘ્ય અર્પણ કરતાં વિવિધ પ્રકારના હાર પહેરાવીને સ્વામીશ્રીને વધાવ્યા હતા.
આ વિશેષ દિને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની શૈક્ષણિક સેવાઓના ક્ષેત્રમાં વધુ એક યશકલગી ઉમેરાઈ હતી. આજે વલસાડ ખાતે નવનિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિરના વિશાળ પરિસરનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.
વલસાડના પારડી-પરનેરા વિસ્તારમાં સ્વામીશ્રી દ્વારા ૩૭ એકર જમીનમાં વિશાળ વિકાસ પામી રહેલા આ વિદ્યાસંકુલના સર્જક સ્વામીશ્રીનાં દર્શન કરતાં સૌ કૃતાર્થતા અનુભવી રહ્યા હતા. આ વિદ્યાસંકુલ અને ગામની વચ્ચેથી પસાર થતી વાંકી નદીને જોડતા એક બ્રીજના ઉદ્‌ઘાટનનો કાર્યક્રમ હરિકૃષ્ણ મહારાજની પાવન ઉપસ્થિતિમાં અને સ્વામીશ્રીના સાંનિધ્યમાં સંપન્ન થયો. આ પુલને ખૂબ જ ટૂંકા સમયમાં તૈયાર કરવામાં ખૂબ જહેમત લેનાર કોન્ટ્રાક્ટર અર્જુનભાઈ દેસાઈએ સ્વામીશ્રીના આશિષ મેળવ્યા હતા.
બી.એ.પી.એસ. વિદ્યામંદિરના સંકુલમાં આ ઉદ્‌ઘાટન પ્રસંગે ૨૦,૦૦૦થી વધુ મેદની એકત્રિત થઈ હતી. સવારે આ જ સંકુલમાં ઘનશ્યામચરણ સ્વામી તથા વિવેકસાગર સ્વામીની ઉપસ્થિતિમાં વાસ્તુવિધિ સંપન્ન થઈ ચૂક્યો હતો. સાંજે અહીં પધારેલા સ્વામીશ્રીએ અને ભૂમિદાતા ડુંગરશીભાઈ ગાલાએ પ્રવેશદ્વાર આગળ નાડાછડી છોડીને સંકુલનું ઉદ્‌ઘાટન કર્યું. તેમની સાથે જાણીતા કેળવણી વ્યવસ્થાપક કે.આર. દેસાઈ, કલેક્ટરશ્રી તથા ડી.એસ.પી. ચુડાસમા અને ધારાસભ્ય દોલતભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ સ્વામીશ્રીએ સંકુલમાં પ્રવેશ કરીને પ્રત્યેક ખંડમાં ઠાકોરજી પધરાવીને પુષ્પો પધરાવ્યાં અને દરેક ખંડની સમજ મેળવી હતી. એક ખંડમાં પ્રથમ સત્રમાં અભ્યાસ માટે આવનારા શિશુઓને સ્વામીશ્રીએ ટૂંકમાં આશીર્વાદ આપ્યા. આ વિદ્યામંદિરનો પ્રથમ તાસ સ્વામીશ્રીએ સ્વયં લીધો અને શિશુઓને ગળથૂથીમાં અધ્યાત્મ, સદાચાર, ચારિત્ર્ય અને શિક્ષણનું સિંચન કર્યું. ત્યારબાદ વિદ્યામંદિરની ઉદ્‌ઘાટન સભામાં પધાર્યા.
વિશાળ સંકુલના પરિસરમાં સભા યોજાઈ હતી. સંધ્યા સમયે રમણીય અને વરસાદી વાતાવરણ વચ્ચે સભા ચાલુ હતી. મંચ પર સાંસદ કિશનભાઈપટેલ, ભૂમિદાતા ડુંગરશીભાઈ ગાલા, કલેક્ટર દિલીપભાઈ રાવળ તથા ડી.એસ.પી. અભય ચુડાસમા, ધારાસભ્ય દોલતભાઈ દેસાઈ, કેળવણીકાર કે. આર. દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ ગણપતભાઈ, પારડીના ધારાસભ્ય લક્ષ્મણભાઈ પટેલ અને રાજકીય આગેવાન નલિનભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા. વિવેકસાગર સ્વામીએ વ્યાખ્યાન દ્વારા પ્રમુખવરણી દિન અને વિદ્યાસંકુલની મનનીય વિભાવના આપી. જ્ઞાનવત્સલ સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર વતી રામસિંહભાઈ દેસાઈએ સમગ્ર સંકુલની વિશેષતાઓ અને શૈક્ષણિક તેમજ સર્વાંગી વિકાસનાં આયોજનો દર્શાવ્યાં. ત્યારબાદ આ સંકુલના નિર્માણમાં સહયોગીઓનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ડુંગરશીભાઈ ગાલાએ પ્રવચન કરતાં જણાવ્યું કે 'દેશ-વિદેશમાં અમે જ્યાં પણ ગયા ત્યાં લોકોનો પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યેનો સ્નેહ અને આદર જોયો. તેમજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પારદર્શક વહીવટનાં વખાણ સાંભળ્યાં અને વહીવટ જોયો પણ છે. આજે આ સંકુલ જોતાં મને લાગે છે કે અદ્‌ભુત સંકુલ અહીં નિર્માણ પામશે.' ત્યારબાદ અનુક્રમે નૂતન કેળવણી ટ્રસ્ટના પ્રમુખ કે. આર. દેસાઈ, ધારાસભ્ય દોલતભાઈ પટેલે પણ સ્વામીશ્રી પ્રત્યેની પોતાની અહોભાવના વ્યક્ત કરી હતી.
યુવકોના યુવાનૃત્ય બાદ સ્વામીશ્રીએ સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં કહ્યું હતું: 'અહીં બાળકો સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે હેતુ છે. ભારતમાં વૈદિકકાળથી પરા અને અપરા વિદ્યા આપવામાં આવે છે. અહીં બેય વિદ્યાનો સમન્વય છે. એ રીતે અહીં બાળકોનું જીવન સુધરશે, ભણીને મા-બાપની સેવા કરશે. કુટુંબ, સમાજ, રાષ્ટ્રની પણ સેવા કરે, એવું બળ એમને મળે, એ જ પ્રાર્થના.' વરસાદની ઝડીઓ વચ્ચે પણ ઉપસ્થિત ૨૦,૦૦૦થી વધુ લોકો માટે આ સમારોહ અવિસ્મરણીય બની રહ્યો હતો.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |