Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ભારતના ઈન્ફોસિટી બેંગલોરમાં આધ્યાત્મિક મૂલ્યોનાં સ્પંદનો પ્રસરાવતા પ્રમુખસ્વામી મહારાજ

વિશ્વભરમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે ભારતનું પ્રતિનિધિત્વ કરતું બેંગલોર મહાનગર અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓનું મોખરાનું મથક બન્યું છે. દેશભરમાંથી આ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને વ્યવસાયીઓએ બેંગલોરને પોતાનું વતન બનાવ્યું છે. આ બધાં કારણોથી બેંગલોર ભારતનું હાઈટેક અને ઈન્ફોસિટી બની રહ્યું છે.
આ ટેકનોક્રેટ શહેરમાં આધ્યાત્મિક ઊર્જાનો સ્રોત વહાવતા પ્રમુખસ્વામી મહારાજે તાજેતરમાં એક સપ્તાહ સુધી સત્સંગલાભ આપ્યો હતો.
બેંગલોર ખાતે સ્વામીશ્રીના માર્ગદર્શન તેમજ સંતોના વિચરણ અને પુરુષાર્થથી બી.એ.પી.એસ. સ્વામિ-નારાયણ સત્સંગ વિકાસ પામ્યો છે. અહીં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર અને સત્સંગ કેન્દ્રમાં નિયમિત બાળ-યુવા પ્રવૃત્તિઓ અને સભા કાર્યરત છે. સાથે અહીં અભ્યાસાર્થે આવતા યુવા વિદ્યાર્થીઓ માટે સંસ્કાર અને સુવિધાઓના સમન્વય સમાન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલય પણ ગતિમાન છે, જ્યાં યુવાનો શિક્ષણ અને સંસ્કારની દીક્ષા પામે છે.
૨૧મી સદીના ભારતના આધુનિક શહેરોમાંના એક અને સતત કાર્યરત આ શહેરમાં પ્રમુðખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં તા. ૧૭-૮-૦૬થી સત્સંગની હેલી વરસી હતી. નિત્ય સ્વામીશ્રીની પ્રાતઃપૂજા તેમજ સત્સંગ કાર્યક્રમોમાં હરિભક્તો અને અનેક મહાનુભાવોએ લાભ લીધો. વિવેકસાગર સ્વામી દ્વારા થયેલી વ્યાખ્યાનશ્રેણીની સાથે સાથે આધ્યાત્મિક માર્ગદર્શન આપતા સ્વામીશ્રીએ ઉચ્ચારેલાં આશીર્વચનો આત્મસાત્‌ કરીએ..

 • નિયમ-ધર્મ એટલે શાસ્ત્રોએ આપેલો હાઈવે...
  'આપણને આપણા ધર્મનિયમો બંધનરૂપ લાગે છે. પરંતુ ધર્મના નિયમો એ બંધન નથી, આપણા વિકાસ માટે છે. નિયમો આપણને સુસંસ્કૃત માણસ બનાવે છે. જેમ ઝાડને એનું મૂળ બંધન નથી, પણ એનો વિકાસ છે. નદીના કિનારા એનું બંધન નથી પણ વિકાસ માટે છે. એમ, આ ધર્મ, કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના નિયમો છે, તો એ બધું સારું ચાલે છે. કુટુંબના નિયમો પાળે તો કુટુંબ ઉજ્જ્વળ બને. ધર્મના નિયમો પાળે તો માણસનું જીવન ઉજ્જ્વળ બને. પણ આજે માણસને નિયમ વિના છૂટથી જ ફરવું છે. લોકો કહે છે 'અમે સ્વતંત્ર થયા, અમે મન ફાવે એવું કરીએ.' પણ સમજવું જોઈએ કે મન તો ખરાબ છે, એના પર નિયંત્રણ જોઈએ.
  ટી.વી. સિરિયલો અને પિક્ચરોમાં મારામારી, ચોરી, વ્યભિચાર, ડ્રગ્સ લેતા હોય એવું જોઈને માણસને મનમાં વિચાર આવે કે આવું કરવા જેવું તો છે જ! અને ધીમે ધીમે એરીતે સમાજ ખેંચાય છે. યુવાનો અને વિશેષ કૉલેજના છોકરાઓ એમાં ખેંચાય પછી કુટુંબની, ધર્મની, સમાજની કોઈ મર્યાદા રહે નહીં. એટલે જ લોકો માની બેઠા છે કે ધર્મનાં બંધન જોઈએ જ નહીં, મંદિરનાં બંધન જોઈએ જ નહીં. પરંતુ જેટલી ધર્મમાં આસ્થા હશે, વેદો-ઉપનિષદો વગેરે શાસ્ત્રોમાં શ્રદ્ધા હશે એટલી શાંતિ રહેશે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી આપી એમાં બધાએ પાળવાના નિયમો આપ્યા છે. દરેક ધર્મશાસ્ત્રમાં પણ આ વાત લખી છે, પણ માણસને એ વાંચવા સમય જ નથી. જેનાથી શાંતિ થાય છે એના માટે માણસને પ્રેમ નથી અને જેમાં કાંઈ જ નથી એમાં પ્રેમ છે. એટલે અશાંતિ થાય છે. નિયમો આપણા મોક્ષ માટે છે. શાસ્ત્રોએ આપણને હાઈવે બતાવ્યો છે. એ માર્ગેચાલવાથી જ સુખ થશે અને શાંતિ થશે.'
 • ચારિત્ર્ય આપણી કિંમત છે : વિદ્યાર્થીઓને સંબોધન...
  'આપણાં ચારિત્ર્ય અને સંસ્કાર એ આપણી કિંમત છે. યુવા અવસ્થા એવી છે કે એમાં સંયમ રાખીશું તો ભવિષ્યમાં બહુ જ મોટો લાભ થશે. ભણવા માટે આવ્યા હોઈએ તો અન્ય ખોટા ખર્ચા નથાય એ ધ્યાન રાખવું. તમે ભણવા આવ્યા છો અને તમારું ચિત્ત બીજે જાય અને નાપાસ થાવ તો માબાપના પૈસા બગડે. માબાપ બીચારાં કેવી રીતે પૈસા ભેગા કરતાં હોય છે, એ તમે જાણો છો? સામાન્ય સ્થિતિમાં નોકરી કે ધંધો કરીને તમને ભણાવતાં હોય છે. તમારા ભણવાનો ખર્ચો પણ ઘણો થતો હોય. હવે, તમે અભ્યાસમાં ધ્યાન ન આપો અને નાપાસ થાવ તો માબાપને કેટલી મુશ્કેલી પડે? ઘણીવાર છોકરાઓ મોબાઈલમાં લાંબી વાતો કર્યા કરે, એની શી જરૂર છે? અગત્યનું કામ હોય તો ઠીક છે, પણ વ્યર્થ વાતો અને ગપ્પાં મારવામાં જ મોબાઇલનો ઉપયોગ થવા લાગે છે. આ બધાં સાધનો એક તો આપણા સંસ્કાર બગાડે, વૃત્તિઓ બગાડે. આપણી ઉંમર નાની છે અને આપણે આગળ વધવું છે, એટલે અત્યારથી સંયમ રાખવાનો છે. ભણવë આવ્યા છો, તો ધ્યાન રાખજો. અહીં જે કંઈ સંયમ-નિયમ આપે છે એ તમારા સંસ્કાર અને વિકાસ માટે છે.'
 • ભૌતિક સુખમાં શાંતિ નથી...
  'ધર્મ, આધ્યાત્મિકતા, મંદિરો, સંતો, શાસ્ત્રોનું વાચન એશાશ્વત સુખનાં કારણ છે. શાસ્ત્રોમાં ભગવાન અને ભક્તોનાં ચરિત્રો છે. આ ચરિત્રો સાંભળવાથી જ આપણને શાંતિ થાય છે. લોકોને ભૌતિક સુખમાં શાંતિ મનાય છે. પણ આપણાં શાસ્ત્રો કહે છે કે મોટા મોટા રાજાઓને અને દેવતાઓને પણ ભૌતિક સુખમાંથી શાંતિ મળી નથી. આજે દુનિયામાં ભૌતિક સુખ ધરાવતા લોકોમાં શાંતિ ક્યાં છે?
  ભૌતિક સુખ એ નાશવંત છે. ઝાંઝવાનું પાણી દેખાય, પણ પાણી હોય જ નહીં. ભૌતિક સુખો દેખાય છે બહુ સારાં, પણ એની પાછળ મુશ્કેલીઓનો પાર નથી. ભગવાનનાં ચરિત્રોથી જીવનમાં પ્રેરણા મળે અને આપણું જીવન પણ સારું બને. એટલે આપણા ગ્રંથોનો આપણે નિયમિત અભ્યાસ કરવો જોઈએ.'

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |