Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

બેંગલોરમાં હરિકૃષ્ણ મહારાજનું શોડષોપચાર પૂજન

બેંગલોર શહેરને ગુલમહોરની નગરી કહેવાય છે. પ્રમુખસ્વામી મહારાજના આગમન સાથે બેંગલોરની ધરતી પર ભક્તિના ગુલ મહોરી ઊઠ્યાં હતાં. આ ખુશનુમા વાતાવરણમાં હરિભક્તોને પોતાના ઇષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ પ્રત્યે ભક્તિ અદા કરતાં શોડષોપચાર પૂજનનું અર્ઘ્ય અર્પણ કર્યું હતું. સ્વામીશ્રીના સાંનિધ્યમાં આ શોડષોપચાર પૂજન- ઉત્સવ ઊજવાયો હતો. આ પ્રસંગે યોજાયેલી સભામાં શહેરમાંથી ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો પધાર્યા હતા. ઉત્સવસભામાં વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક પ્રવચન અને યોગીચરણસ્વામીએ 'હરિ અક્ષર હળવાં ફૂલ, અમે સૌ ભારી રે...' એ કીર્તનનું ગાન કર્યું હતું.
સ્વામીશ્રીએઆશીર્વચન આપતાં જણાવ્યું હતું કે 'ભગવાનના ભક્તોને હંમેશાં એવા શુભ સંકલ્પ થતા હોય છે કે ભગવાનને કઈ રીતે રાજી કરવા? કારણ કે આપણું જીવન તો ભગવાન છે અને ભગવાન રાજી થાય એ આપણું કર્તવ્ય છે. શ્રીજીમહારાજ રાજી થાય તો આલોક અને પરલોક બંનેમાં આપણું કલ્યાણ થઈ જાય. વળી, આપણે જે કાંઈ ભક્તિ કરીએ છીએ, જે કંઈ ભગવાનને આપીએ છીએ એ એમનું જ છે. ભગવાને આપણને બુદ્ધિ આપી છે તો એનાથી જે કંઈપ્રાપ્ત કરીએ એ ભગવાન માટે છે. ભગવાન આપણને પાણી, પ્રકાશ, હવા વિનામૂલ્યે આપે છે. ભગવાને આપણા પર એવા અનંત ઉપકાર કર્યા છે. તેમના માટે જેટલું કરીએ એટલું ઓછુ _ છે. કોઈએ આપણા માટે કંઈક કર્યું હોય તો એને માટે આપણે કેટલુંય કરી છૂટીએ છીએ. તો ભગવાન માટે સમય આપવો એ પણઆપણું કર્તવ્ય છે.
દરરોજ ભગવાનનાં દર્શન કરવાં, પૂજા કરવી, શાસ્ત્રો વાંચવાં એમાં સમય આપીશું એ આપણા સારા માટે છે. દેહ અને દેહના સગામાં આત્મબુદ્ધિ છે તો એમના માટે બધું કરી છૂટીએ છીએ, સમય કાઢીએ છીએ, આર્થિક રીતે પણ કરીએ છીએ તેમ ભગવાન માટે આત્મબુદ્ધિ હોય તો જીવનમાં આવા ભક્તિમય ઉત્સવો ઊજવાય. આવી નિષ્કામ ભક્તિથી ભગવાન રાજી થાય છે.'
સ્વામીશ્રીના આશીર્વાદની સમાપ્તિ બાદ સભાખંડના મુખ્ય પ્રવેશદ્વારમાંથી અગ્રણી હરિભક્તો અને છાત્રાલયના યુવકોએ પાલખીમાં હરિકૃષ્ણ મહારાજને પધરાવીને પ્રવેશ કર્યો. સભામાં ઉપસ્થિત પ્રત્યેક હરિભક્તને પુષ્પ આપવામાં આવ્યાં હતાં. જ્યાંથી હરિકૃષ્ણ મહારાજ પસાર થતા એ વિભાગ હરિકૃષ્ણ મહારાજ પર પુષ્પવૃષ્ટિ કરતો. આમ, શ્રી હરિકૃષ્ણ મહારાજને પુષ્પોથી સૌએ વધાવ્યા.
ત્યાર બાદ મંચ પર વેદોક્તવિધિથી હરિકૃષ્ણ મહારાજનું શોડષોપચાર પૂજન કરીને હરિભક્તોએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |