Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સ્વામીશ્રીના સાંનિધ્યમાં ગણેશચતુર્થી ઉત્સવ

તા. ૨૭-૮-૦૬ના રોજ ચેન્નાઈમાં હરિભક્તોએ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં ગણેશચતુર્થીનો ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઊજવ્યો હતો. સાથે સામશ્રાવણીનો દિવસ એટલે કે સામવેદી બ્રાહ્મણોને યજ્ઞોપવીત ધારણકરવાનો આ દિવસ હતો. સ્વામીશ્રીની પ્રાતઃપૂજા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત બ્રાહ્મણોએ અને સંતોએ યજ્ઞોપવીત પરિવર્તન-વિધિમાં ભાગ લીધો હતો. સ્વામીશ્રીએ ગણેશચતુર્થી નિમિત્તે ગણેશજીની મૂર્તિનું પૂજન કર્યું હતું.
આ પ્રસંગે સ્વામીશ્રીએ આશિષવર્ષા કરતાં જણાવેલું, 'આપણે આપણી પરંપરાઓ અને પુરાણા વારસાને ભૂલતા જઈએ છીએ. આપણને આપણી ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન હોવું જ જોઈએ. તેનાથી જ આપણને પ્રેરણા મળશે. આપણા આધ્યાત્મિક સંસ્કાર અને સંસ્કૃતિ એવી ઉત્તમ વસ્તુ છે કે જેમાં સૌને સુખી કરવાનો આશય છે. ધર્મ અને ભક્તિથી માણસ સુખી થાય છે. પણ કળિયુગનો પ્રભાવ એવો છે કે ધર્મ અને ભક્તિ કરવી એ ગમતું નથી.
કળિયુગમાં વ્રત-તપ ન થાય તો ભગવાનના નામનું રટણ કરવાનો એટલે કે કીર્તનભક્તિનો અનેરો મહિમા છે. કીર્તનભક્તિ એટલે ભગવાનના નામનું સ્મરણ. કોઈપણ મુશ્કેલી આવે તો ભગવાનનું ભજન કરવું. ભગવાનના ભજનમાં ૧૪ લોકના બ્રહ્માંડ કરતાં અધિક સુખ છે. એ જીવનમાં દૃઢથાય ને સર્વ સુખિયા થાય એ આશીર્વાદ છે.'

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |