|   | 
      ચેન્નાઈમાં વિવિધ સંગઠનો દ્વારા સ્વામીશ્રીનું બહુમાન  
         તા.  ૩૧-૮-૦૬ના રોજ ચેન્નાઈસ્થિત વિવિધ ગુજરાતી સંગઠનોએ પ્રમુખસ્વામી મહારાજનું ઉષ્માભર્યું  બહુમાન કરીને કૃતાર્થતા અનુભવી હતી. 
તામિલનાડુમાં  સાંસ્કૃતિક, શૈક્ષણિક અને અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિ કરતાં ૧૭થી વધુ પ્રતિષ્ઠિત ગુજરાતી  સંગઠનો દ્વારા આ સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. 
સમારોહમાં  વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ સુરતમાં સર્જાયેલી જળહોનારતમાં બી.એ.પી.એસ.  સ્વામિ-નારાયણ સંસ્થાનાં રાહતકાર્યોની ઝલક વીડિયો શો દ્વારા દર્શાવવામાં આવી હતી. 
ચેન્નાઈ  ખાતેના બી.એ.પી.એસ. યુવા પ્રવૃત્તિના યુવાનોએ સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યા બાદ, સમારંભના  પ્રમુખ નરેન્દ્રભાઈ જે. પટેલ અને ઉપપ્રમુખ જયંતીભાઈ પટેલ, સુધીરભાઈ કે. પટેલ, મેઘરાજભાઈ  લુણાવટ અને મૂકેશભાઈએ સન્માનપત્ર અર્પણ કરી સ્વામીશ્રીનું સન્માન કર્યું હતું. 
ત્યાર  બાદ સમસ્ત ગુજરાતી સમાજ વતી સ્થાનિક અગ્રણી એન. આર. દવેએ સ્વામીશ્રીને યુગપુરુષ લેખાવતાં  જણાવ્યું હતું કે 'પ્રમુખસ્વામીજીએ દેશ અને દુનિયામાં મૂલ્યનિષ્ઠ વિરાટ સમાજનું નિર્માણ  કર્યું છે. સાથે નવી દિલ્હીમાં ધર્મ, સંસ્કૃતિ અને વિજ્ઞાનનો વિનિયોગ કરીને સુંદર અક્ષરધામનું  નિર્માણ કર્યું છે. ભારતના પ્રજાજનોએ તેઓને ભારતના ધર્મસંસ્થાપક તરીકે બિરદાવ્યા છે.' 
અખિલ  ભારત બ્રહ્મસમાજના પ્રમુખ વરુણભાઈ જપીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે 'પ્રમુખસ્વામી મહારાજનું  ચેન્નાઈમાં આગમન સર્વ માટે આનંદદાયક છે. તેમના માર્ગદર્શન હેઠળ બી.એ.પી.એસ. સંસ્થાએ  વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું ગૌરવ વધાર્યું છે. એ માટે આપણું મસ્તક ગર્વથી  ઉન્નત થાય છે.' 
આ સ્વાગતવચનો  પછી વિવિધ ગુજરાતી સંગઠનોના પ્રતિનિધિઓએ પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વામીશ્રીનું સન્માન  કર્યું અને ભાવોર્મિ વ્યક્ત કરી.  
અંતે,  સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપતાં કહ્યું, 'માણસમાત્રને શાંતિ જોઈએ છે. પરંતુ શાંતિ  મેળવવા આધ્યાત્મિક માર્ગે જવું પડે. આપણને ભગવાન, સંત અનેõ સત્સંગ મળે તો જ જીવનમાં  પરમ શાંતિ થાય છે. દુનિયાની વસ્તુઓ તો શરીરના સુખ માટે છે. પણ આત્માની ખરી શાંતિ તો  ભગવાન અને સંત મળે તો થાય. માટે ભગવાનમાં શ્રદ્ધા રાખી આપણા ગ્રંથોનું વાંચન કરીએ,  નિત્ય દેવદર્શન કરીએ અને આપણું જીવન પવિત્ર બનાવીએ.' 
                  
         | 
        |