Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

'રંગ લાવી રે ઘડી, શરદપૂનમની રાત...' સ્વામીશ્રીના સાંનિધ્યમાં મુંબઈવાસીઓએ ઉલ્લાસભેર ઊજવ્યો શરદોત્સવ

શરદપૂર્ણિમા, સંવત ૨૦૬૨, તા. ૭-૧૦-૦૬. આજથી ૨૨૧ વર્ષ પહેલાં શરદપૂર્ણિમાના પવિત્ર દિને આધ્યાત્મિકતાના પૂર્ણ ચંદ્ર સમા મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ગુજરાતના ભાદરા ગામે પ્રગટ્યા અને સમસ્ત પૃથ્વીપટે માનવકલ્યાણનો પ્રકાશ ઝગમગી ઊઠ્યો. ગુણાતીતાનંદ સ્વામીના ૨૨૧મા પ્રાગટ્યોત્સવે મુંબઈમાં ગુણાતીત સંત પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં શરદોત્સવે અનેરો આનંદ વર્તાઈ રહ્યો હતો. સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં 'અક્ષરચરિતમ્‌'ની ગૂંથણી કરીને ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્યથી માંડીને તેઓના ચિરંજીવ કાર્ય અને ચિરંજીવ પ્રાગટ્યને વર્ણવતાં કીર્તનો ગવાયાં.
શરદપૂર્ણિમા નિમિત્તે સંધ્યા સમયે ઉત્સવસભા યોજાઈ હતી. 'ગુણાતીત સ્વામી રે ન પ્રગટત આ સમે રે' આ મધ્યવર્તી વિચાર સાથે શરદોત્સવ ઊજવાયો હતો. પ્રગટ ગુણાતીત સંત પ્રમુખસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં મુંબઈના ઇતિહાસમાં પહેલી જ વાર શરદપૂર્ણિમાનો ઉત્સવ ઊજવાઈ રહ્યો હતો. સભામાં સંતોએ ગુણાતીતાનંદ સ્વામીના મહિમા વિષયક પ્રવચનો કર્યાં હતાં. સત્સંગી યુવકોએ ગુણાતીતાનંદ સ્વામીએ પકવેલા નિયમપાલનમાં અડગ હરિભક્ત અભેસિંહની દૃઢતાનો સંવાદ ભજવ્યો હતો. સંવાદ પછી વિવેકસાગર સ્વામીએ 'ચિરંજીવ ગુણાતીત' વિષયક પ્રવચન કર્યું અને ત્યાર બાદ 'આવી રે ઘડી, રંગ લાવી રે ઘડી, શરદપૂનમની રાત' એ ગીતના આધારે યુવકોએ ભક્તિનૃત્ય રજૂ કર્યું.
અંતે સ્વામીશ્રીએ સૌ ઉપર આશીર્વાદની અમૃતવર્ષા કરતાં કહ્યું, 'આજે ગુણાતીતાનંદ સ્વામીનો જન્મોત્સવ ઊજવવાનો આપણને લાભ મળ્યો. આ એક અલૌકિક દિવ્ય લાભ છે, કારણ કે ગુણાતીતાનંદ સ્વામી દિવ્ય હતા અને તેમણે શ્રીજીમહારાજનો સાચો અને સર્વોપરી મહિમા કહ્યો છે. બીજા સંતો-સદ્‌ગુરુઓ શ્રીજીમહારાજની વાત કરતા, પણ શ્રીજીમહારાજ અક્ષરધામના અધિપતિ, સર્વોપરિ, સર્વ અવતારના અવતારી છે એ વાત ગુણાતીતાનંદ સ્વામીએ બધાને સમજાવી. સાથે પોતાના સ્વરૂપની નિષ્ઠા પણ દૃઢ કરાવી છે, જેથી સૌને ભગવાનનું સુખ પ્રાપ્ત થાય. શ્રીજીમહારાજે સ્વયં પણ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા ગાયો છે. આપણને સર્વને અણીશુદ્ધ કરવા શ્રીજીમહારાજ ગુણાતીતને લાવ્યા હતા. ભગવાન અને સંતનો વિચાર એક જ છે કે આપણામાંથી જગત, માયા, દેહભાવ વગેરે અજ્ઞાન કાઢીને સુખિયા કરવા છે. દેહભાવ કાઢીને ગુણાતીત ભાવ કરવાની વાત છે. ભગવાનના સાચા ભક્ત થઈશું તો ભગવાન આપણું સંભાળશે. એ દયાળુ છે. નાની સેવા હશે તો અંતકાળે પણ એને સંભારીને કલ્યાણ કરશે. તો આશરો, નિષ્ઠા, નિયમધર્મની દૃઢતા રાખી ભજન કરીને આપણે બધા સુખિયા થઈએ અને ગુણાતીતાનંદ સ્વામીની દૃષ્ટિ અખંડ આપણા પર રહે એ માટે શ્રીજીમહારાજને પ્રાર્થના છે.'
સ્વામીશ્રીનાં આશીર્વચનોની સમાપ્તિ બાદ વિવેકપ્રિય સ્વામી લિખિત 'શ્રી ગુણાતીતાનંદ સ્વામી જીવનસાધના' હિન્દી પુસ્તિકાનું ઉદ્‌ઘાટન વણીન્દ્ર સ્વામીએ સ્વામીશ્રીના હસ્તે કરાવ્યું. અને ૨૦૦૭ની સાલના કૅલેન્ડરનું પણ ઉદ્‌ઘાટન થયું. ત્યાર બાદ સ્વામીશ્રી અને વડીલ હરિભક્તોએ જન્મોત્સવની આરતી ઉતારી અને શરદપૂર્ણિમાની સભાનું સમાપન થયું. ઉપસ્થિત ચારેક હજાર હરિભક્તોએ દૂધપૌંઆનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સૌને માટે આજનો શરદોત્સવ એક અવિસ્મરણીય સ્મૃતિ સમો બની રહ્યો હતો.  

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |