Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

યુવાનોના ગુરુ, મિત્ર અને માર્ગદર્શક પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં મુંબઈમાં હજારો યુવાનોએ ઉજવ્યો યુવાદિન

કોઈ પણ દેશ કે સમાજની તાëકાત તેમના યુવાવર્ગની ક્ષમતા પર આધારિત છે. ઉચ્ચ અભ્યાસ, બૌદ્ધિક પરિપક્વતા અને નૈતિક મૂલ્યોની જુગલબંધી ધરાવતા યુવાનો એ સમૃદ્ધ અને તંદુરસ્ત સમાજની ઓળખ બને છે. પરંતુ આંખોમાં કંઈક આશાઓ અને સપનાંઓ લઈને ઊડતા કેટલાય યુવાનોથી એવી કોઈ ભૂલ થઈ જતી હોય છે, જે સ્વયં તેમના માટે આપત્તિરૂપ બને છે, જે અનુક્રમે કુટુંબ-સમાજ-દેશ અને વિશ્વ માટે પણ સમસ્યા બને છે. સાચા માર્ગદર્શનના અભાવે સર્જનકારક યુવાપેઢી વિનાશકારી બને છે. પણ, બી.એ.પી.એસ.   સ્વામિનારાયણ યુવા સત્સંગ કેન્દ્રના લાખો યુવાનો આ સમસ્યામાંથી ઊગરી ગયાની લાગણી અનુભવે છે. સૌ તેનું કારણ એક જ ગણાવે છેઃ પ્રમુખસ્વામી મહારાજનો સ્નેહ અને માર્ગદર્શન. તા. ૧૬-૧૦-'૦૬ના રોજ મુંબઈમાં યુવાનોના ગુરુ, મિત્ર અને માર્ગદર્શક એવા પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય યુવાદિન ઊજવાયો હતો.
'બી.એ.પી.એસ. અસ્મિતા....... આવો આત્મસાત્‌ કરીએ' એ સંકલ્પના સાથે આ યુવાદિનનો કાર્યક્રમ યોજાયો હતો. આદર્શજીવન સ્વામી લિખિત ત્રણ ટૂંકા સંવાદોએ યુવાવયની સમસ્યાઓને યથાર્થ રીતે રજૂ કરી હતી. તેમાંય કાર્યક્રમના ઉપસંહારમાં યુવાપેઢીના પ્રતિનિધિરૂપ એક યુવકે પોતાની આ લાગણીઓને સ્વામીશ્રી સમક્ષ રજૂ કરી ત્યારે સમગ્ર સભાખંડનું વાતાવરણ ભાવવાહી બની ગયું હતું: 'અમે પડીએ આખડીએ છીએ, આપ કરુણા કરીને ત્રુટિઓને દરગુજર કરીને સ્વીકારતા રહ્યા છો. આપે અમને સુધાર્યાછે, કમળની જેમ ખીલવ્યા છે. રગેરગમાં ધર્મ અને ભક્તિનાં બીજ વાવ્યાં છે, જ્ઞાન અને વૈરાગ્યનાં જળ સિંચ્યાં છે, જમાનાના વહેણથી અલગ તારવી લીધા હોય એરીતે આપે અમારું રક્ષણ કર્યું છે. અમારી સઘળી ત્રુટિઓને અમારે બ્રહ્મઅગ્નિમાં હોમવી છે. આપના દિવ્ય સ્વરૂપમાં હોમાઈને વિશુદ્ધ થઈને આપને અને શ્રીજીમહારાજને અમારે રાજી કરવા છે.'
હજારો યુવાહૃદયના આદર્શ એવા સ્વામીશ્રીએ યુવાનોની સાથે વાલીઓને પણ માર્ગદર્શન મળે તેવા આશીર્વાદ વરસાવતાં જણાવ્યું, 'આપણી સંસ્કૃતિનું જ્ઞાન આપણા ઘરની અંદર જ મેળવી શકીએ તો આપણને ઘણો લાભ થાય. ભારતમાં જ થઈ ગયેલા મહાન માણસો અને મહાન ભક્તો ïïવિષે જાણવા-વાંચવાનું છોકરાઓને ગમતું નથી. એટલે માતા-પિતાએ ગળથૂથીના સંસ્કાર પહેલેથી છોકરાઓને આપવા. છોકરો જન્મે તે ઘડીએ જઈને તેના કાનમાં 'જય સ્વામિનારાયણ' કહી દેવા તે જરૂરી છે. આ બધી વાત જાણીએ છીએ, સમજીએ છીએ, પણ દૃઢતા નથી થતી.
બીજી વાત અભ્યાસની. પ્રાચીન સમયમાં જ્યારે ગુરુ તેમના શિષ્યોને ભણાવતા ત્યારે તેમને પોતાના બાળક જાણીને ભણાવતા. શિષ્યો સાથે એ પ્રકારે આત્મીયતા હતી. તે ઘડીએ આશ્રમોમાં સાદડી પર સૂવાનું, નદીએ નાહવાનું, કપડાં જાતે ધોવાનાં, રસોઈ પોતાને જ કરવાની હોય અને ગુરુજીનો આદેશ બરાબર પાળવાનો હોય. એમાંથી ઉચ્ચ સંસ્કાર મળતા, તો બધી સભ્યતા આવતી. ઘરમાં પણ मातृदेवो भव, पितृदेवो भव। ની ભાવના રહેતી. એ બધા ગળથૂથીના સંસ્કારોથી સમાજ સુખી હતો. પણ આજનાં ઘરોમાં ખરાબ પુસ્તકો અને ટી.વી. એ હદે ગોઠવાઈ ગયાં છે કે જાણે મંદિરની જરૂર જ ન પડે! ઘરમંદિર હોય તો સંતાનોમાં સંસ્કાર ઉદય થાય. પણ ટી.વી.ના કાર્યક્રમોમાં એવા મગ્ન થઈ જાય છે કે ભગવાનની પૂજા પણ જલદી પતાવે. આટલું ઓછું હતું તો મોબાઈલ આવ્યો. ભગવાનનું નામ લેવા બેઠા હોય ત્યારેય ટેલિફોન રણકે. તો જેટલો આ બધામાં રસ હોય છે, તેટલા જ રસથી જો ભગવાનનું ધ્યાન કરીએ તો જીવન ધન્ય બની જાય. ટી.વી.માં જેટલી તમન્ના છે, એકાગ્રતા છે એટલી ભગવાનના મંદિરમાં, માળા ફેરવવામાં કરવી.
સાથે, સંગની વાત પણ સમજવાની છે. ભગવાને બુદ્ધિશક્તિ આપી છે તો વિચાર કરવો કે જેનાથી મારો વિનાશ છે, જેનાથી હું ખુવાર થવાનો છું એમાં કેટલાય છોકરા ખુવાર થતા રહે છે, એ જોઈએ છીએ, પણ છતાંય એને મૂકી શકતા નથી, એ આપણી નબળાઈ છે. પણ જો સત્સંગનું બળ મળી જાય, સત્સંગમાં ઓતપ્રોત થઈ જવાય તો કુસંગ થાય જ નહીં. ભલે સ્વાર્થી દુનિયાને નારાજ કરવી પડે, પણ ભગવાન નારાજ થાય તેવું તો આપણે નથી કરતા ને! તે ખ્યાલ રાખવાનો. ભગવાનની ભક્તિ સિવાય વ્યર્થ કાલ જરાય ન જવો જોઈએ. સિનેમા-નાટક, બીજા જલસાઓ એ વેસ્ટ ટાઇમ છે, નકામું જ છે. ભગવાનની ભક્તિ, સત્સંગ, કથાવાર્તા એ અચૂક રાખવાનું.'
યુવાદિનના અદ્‌ભુત કાર્યક્રમની સાથે સ્વામીશ્રીએ પણ આશીર્વચનમાં સૌને અંતઃર્દૃષ્ટિ કરવાની પ્રેરણા આપી. આશીર્વાદની સમાપ્તિ પછી યુવકોએ જ 'એક જ આશા છે આ જીવતરની' એ ગીતના આધારે નૃત્ય રજૂ કરી પોતાની ભાવના દર્શાવી હતી.   

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |