Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

લંડનમાં સ્વામીશ્રીએ કરેલી જ્ઞાનવર્ષા

લંડનમાં સતત એક મહિના દરમ્યાન સત્સંગવર્ષા કરતાં સ્વામીશ્રીએ કહેલાં અમૃતવચનોના અંશો...
સર્વકર્તા પરમાત્મા
'ભગવાન સિવાય કોઈ કર્તા નથી એ સમજવું. ભગવાન સ્વામિનારાયણના સંત મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ થયો. ક્ષય રોગ એટલે અત્યારનું ભયંકર કેન્સર. પણ મુક્તાનંદ સ્વામીને મહારાજનો મહિમા કહેવામાં જરાય મન મોળું પડ્યું ન'તું. એવી એમની નિષ્ઠા. એમણે શ્રીજીમહારાજનો ગુણ લીધો કે મારામાં રોગ મૂક્યો છે એ મારા કલ્યાણ માટે છે. ભગવાન રાજી થતા હોય તો સહન કરી લીધું. એમની નિષ્ઠા એક જ હતી કે સર્વકર્તા પરમાત્મા છે. એવું આપણા જીવમાં દૃઢ થાય તો ગમે એટલા પ્રશ્નો આવે તોય આનંદ રહે.
જીવનમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું_ અને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. આ ભગવાનનું કર્તાપણું. ભક્તોના પ્રસંગોમાં સાંભળીએ છીએ કે તન, મન, ધનથી સર્વે રીતે સમર્પિત હતા, તો તેમને પણ દુઃખ આવ્યાં છે. દાદા ખાચરને તો ઘણું દુઃખ આવ્યું, પણ શ્રીજીમહારાજ સિવાય કોઈને કર્તા માન્યા નહિ. જિવાડનાર અને મારનાર એક જ છે- શ્રીજીમહારાજ. આ વિચાર હોય તો ગમે તે પ્રસંગે, ગમે તે ઠેકાણે આપણને ઉત્સાહ-ઉમંગ રહે, સત્સંગ ઘસાય નહિ, સત્સંગમાં મોળપ આવે નહિ, પાછુ _ પડાય નહિ.'
ભગવાન અને સંત પવિત્રમાં પવિત્ર
'ભગવાન શ્રીજીમહારાજ દયાએ કરી જીવોના કલ્યાણ કરવા પધાર્યા, સાથે ગુણાતીત સંત લાવ્યા. એ બે થકી જ આ લોક-પરલોકનું સુખ, શાંતિ અને કલ્યાણ મળે છે. આપણને ખબર નથી કે વેદ કેટલા છે? કયાં પુરાણ છે? કારણ કે આપણે બીજું ઘણું વાંચવામાં પડ્યા છીએ. પછી જે વાચવાં જેવું છે એનો સમય નથી મળતો અને ન વાંચવાનો પુષ્કળ સમય મળે છે. શાસ્ત્રો અને સત્પુરુષ થકી જે મુદ્દા સમજવાના છે એ સમજી શકતા નથી અને પછી બીજે રસ્તે ચાલીએ છીએ. ભગવાન અને સંત બધાં શાસ્ત્રોનો સાર છે - એટલું જો સમજાય તો સદ્‌વાચન થાય. ભગવાન અને સંત પવિત્રમાં પવિત્ર છે, એમના સંબંધે નિર્ગુણ થવાય.'
ચાર વચન
''જેણે રચ્યું આ જગત જોને જુજવી એ જાતનું રે' ભગવાને આ જગત કેટલું સુંદર રચ્યું છે ! એ આપણા માટે છે. વન, પર્વત, ગુફાઓ, પશુપંખી કેટલું સુંદર કર્યું છે ! માણસમાંથી માણસ, પશુમાંથી પશુ ને પંખીમાંથી પંખી. માણસે રોબોટ બનાવ્યો છે, પણ જે કામ બતાવે એ જ કરે, બધું ન કરે. કારણ કે એમાં આત્મા નથી. ભગવાને માણસમાં આત્મા મૂક્યો એ ભગવાનની મોટી કળા છે. એ ભગવાન પૃથ્વી પર પધાર્યા ને આપણને દર્શન થયાં એ આપણું મોટું ભાગ્ય.    

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |