Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સેવા માટે સદા સમર્પિત લંડનના સ્વયંસેવકોને સ્વામીશ્રીએ આપ્યા આશીર્વાદ અને ધન્યવાદ

લંડનમાં પ્રમુખસ્વામી મહારાજે સર્જેલું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર અને અહીંનો અન્નકૂટ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્‌સથી લઈને વિશ્વમાં સુપ્રસિદ્ધ છે. તેમાંય તાજેતરમાં દીપાવલી પર્વમાં સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં ઉજવાયેલ તમામ ઉત્સવો શિરમોર રહ્યા હતા. આ ઉત્સવને સફળ કરવા લંડનના સંતો અને સ્વયંસેવકોએ અથાગ પરિશ્રમ કર્યો હતો. તેઓએ કરેલા સમર્પણ અને સેવાને સ્વામીશ્રી આશિષ આપવા ઝંખતા હતા. અને તા. ૩-૧૧-૦૬ના રોજ તેવો અવસર યોજાયો : નેશનલ વોલેન્ટિયર ડે અર્થાત્‌ રાષ્ટ્રીય કાર્યકર દિન.
સંધ્યા સમયે યોજાયેલી આ સભામાં વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યા પછી કાર્યકર દીપેનભાઈએ સ્વયંસેવકોનાં સમર્પણ અને પરિશ્રમનું ગુણગાન કર્યું. જેમાં તેમણે જણાવ્યું કે અન્નકૂટનો ઉત્સવ ઊજવવા માટે છ મહિના પહેલાથી પ્લાનિંગ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. જેમાં પાંચ વર્ષના બાળકોથી માંડીને વડીલો પણ સેવામાં જોડાયા હતા. કારપાર્ક, સિક્યોરિટી અને રસોડાના સ્વયંસેવકો તો દિવાળીના દિવસે સવારના ૬-૦૦ વાગ્યાથી રાતના ૧૨-૦૦ વાગ્યા સુધી અને નવા વરસે સવારના ૫-૦૦ વાગ્યાથી રાત્રે ૧૨-૦૦ વાગ્યા સુધી ખડે પગે રહીને સેવા કરતા હતા. કુલ ૪૨ વિભાગોમાં ૧૧૦૦ જેટલા સ્વયંસેવક અને સેવિકાઓ હતાં. આ સમગ્ર તંત્રનું સંકલન યોગવિવેક સ્વામી અને સંતો કરી રહ્યા હતા.' તેઓના અહેવાલ પછી અન્નકૂટ પર્વની વીડિયો સૌને બતાવવામાં આવી. મહિલા સંયોજક હર્ષદભાઈ(લ્યૂટન)એ પણ મહિલા સ્વયંસેવિકાઓનો આભાર માન્યો.
સ્વયંસેવકોની સેવા અને ભક્તિથી અત્યંત રાજી થયેલા સ્વામીશ્રીએ આશીર્વાદ વરસાવતાં કહ્યું, 'અન્નકૂટ ઉત્સવની અંદર બધાએ તન, મન, ધન ને મહિમાએ સહિત આ સેવા કરી છે માટે શ્રીજીમહારાજ આપના પર ખૂબ રાજી થશે ને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના આપના પર આશીર્વાદ થશે. આ ઉત્સવનું આયોજન ખૂબ આશ્ચર્ય પમાડે તેવું છે. આ બધું કાર્ય ખૂબ ધન્યવાદને પાત્ર છે. તમારી ભક્તિ અદ્‌ભુત છે! શ્રીજીમહારાજ તો અપાર રાજી થશે જ. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ બહુ રાજી થશે. નાનાં, મોટાં બાઈભાઈ દરેકે એક જ વિચાર રાખ્યો કે અન્નકૂટ અદ્‌ભુત કરવો છે ને દરેક માણસ લાભ લે તેવું કરવું છે. એવો વિચાર હતો તો એક મન થયું. સૌમાં સંપ અને એકતા હતી. જેને જે કામ બતાવ્યું તે ઉમંગથી કર્યું. એટલે આ બધી ભક્તિ મહિમાએ સહિત કહેવાય. મહિમા વગર આવી ભક્તિ થઈ શકે નહીં. આપણે મોટા સમૈયા કર્યા છે, ૬૦-૬૦ દિવસ ઉત્સવો ઊજવ્યા છે, એ સ્વયંસેવકોના પ્રતાપે. સંતોએ પણ મહિમાએ સહિત કર્યું છે. માટે ફરીથી ધન્યવાદ છે ને ફરીથી બધાને આશીર્વાદ છે તો ફરી બધાએ સેવા કરવાની છે. મહિમાથી સેવાથી કરે કે 'મારાં ભાગ્ય કે મને આ સેવા મળી' તેને મેવા મળે છે.'

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |