Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

લંડનમાં પ્રબોધિની એકાદશીનો ઉત્સવ

વિક્રમ સંવત ૨૦૬૩, કારતક સુદ એકાદશી, પ્રબોધિની એકાદશીનો ઉત્સવ તા. ૨-૧૧-૦૬ના રોજ સ્વામીશ્રીના સાંનિધ્યમાં ભક્તિભાવપૂર્વક ઊજવાયો હતો. આ દિન ઉત્સવોનો સંઘ લઈને આવ્યો હતો. શાકોત્સવ, ધર્મદેવનો જન્મ, શ્રીહરિપટ્ટાભિષેક, તુલસીવિવાહ તેમજ સ્વામીશ્રીનો દીક્ષાદિન અને શ્રીહરિનો પણ દીક્ષા ઉત્સવ! સવારે લંડનના બી.એ.પી.એસ. મંદિરમાં મધ્યખંડમાં શ્રીજીમહારાજને રામાનંદ સ્વામી દીક્ષા આપે છે, તે પ્રસંગનું હૂબહુ દૃશ્ય રચ્યું હતું.
તો સાંજે શાકોત્સવ નિમિત્તે ઠાકોરજી પાસે મંદિરમાં શાકની હાટડીનો ઉત્સવ યોજાયો હતો. વિવિધ પ્રકારના ૧૧૫ જાતના ઈન્ટરનેશનલ શાકનો કૂટ ત્રણે ખંડોમાં રચવામાં આવ્યો હતો. સ્વામીશ્રીએ દર્શન કર્યાં અને દૂધીમાંથી બનાવેલી આરતી ઉતારી. સંધ્યા સભામાં વિવેકસાગર સ્વામીએ નિરૂપણ કર્યા પછી યોગીચરણ સ્વામીએ કીર્તનગાન કર્યું.
સ્વામીશ્રીએ સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં કહ્યું, 'કેટલાક લોકો માસ્ટર કી રાખે છે. એ હોય તો બધાંય તાળાં ઊઘડે. એમ સત્સંગ માસ્ટર કી છે. દેહની જગ્યાએ આત્મા માનીને અખંડ જાણપણારૂપ દરવાજે રહેવું એ બહુ મોટી વસ્તુ છે. બ્રહ્માનંદ સ્વામીને એકવાર શ્રીજીમહારાજે કંતાન ન આપ્યું. બ્રહ્માનંદ સ્વામીમાં તો ભગવાન થઈને પૂજાય એવી શક્તિ હતી. છતાં પણ બ્રહ્માનંદ સ્વામી કહે, 'તમે જે કહેશો તે કરીશું' આ સમજણ. આપણે પણ આ સ્થિતિએ જવું છે એવો આપણો દૃઢાવ કરવો. જે ભક્તોને એવી દૃઢતા છે તેની પરીક્ષા થયેલી છે છતાંય એ ભક્તિમાંથી પડ્યા નથી, પણ ભક્તિ સવાઈ થાય એવાં આખ્યાનો શાસ્ત્રોમાં છે.'

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |