Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

અમદાવાદમાં માગશર અને પોષ મહિનાની ગુલાબી ઠંડીમાં પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં આધ્યાત્મિક ઉષ્મા

વિશ્વવ્યાપી બી.એ.પી.એસ. સંસ્થાનાં વિરાટ ઉત્કર્ષકાર્યોના કેન્દ્રીય મથક અમદાવાદના શાહીબાગ ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં તા. ૧૪-૧૨-૨૦૦૬થી તા. ૨૨-૧-૨૦૦૭ દરમ્યાન સતત ૩૭ દિવસ સુધી બિરાજીને પ્રમુખસ્વામી મહારાજે શહેરના હજારો હરિભક્તોમાં ભક્તિ અને સત્સંગનું દિવ્ય મોજું પ્રસરાવ્યું હતું. તા. ૧૪-૧૨-૨૦૦૬ના રોજ મહેળાવથી વિદાય લઈને ખેડા જિલ્લાના પીપળાતા ગામ થઈ સ્વામીશ્રી અમદાવાદ પધાર્યા હતા. ગુરુહરિનાં પ્રથમ દર્શને અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી હજારો હરિભક્તો ઊમટ્યા હતા. મંદિરના ખૂણેખૂણે બાળકો, યુવાનો અને વડીલોનાં હૈયાંમાં ભક્તિ અને ઉમંગ દૃશ્યમાન થઈ રહ્યાં હતાં. ઠાકોરજીનાં દર્શન બાદ ડૉક્ટર સ્વામીએ સ્વામીશ્રીને હાર પહેરાવીને પરંપરાગત સ્વાગત કર્યું હતું.
યોગાનુયોગ આજથી જ પવિત્ર ધનુર્માસનો આરંભ થતો હતો. નિત્ય નવા શણગારમાં શોભતા ઠાકોરજીનાં દર્શને અને સ્વામીશ્રીની નિત્ય પ્રાતઃપૂજામાં દિવ્ય શાંતિ પ્રાપ્ત કરવા મહાનુભાવો અને હરિભક્તો હજારોની સંખ્યામાં વહેલી સવારે મંદિરે ઊમટતા હતા. માગશર-પોષ મહિનાની ગુલાબી ઠંડીમાં બી.એ.પી.એસ. શતાબ્દી ઉપક્રમે શહેરના વિવિધ વિસ્તારોમાંથી સત્સંગ મંડળો સ્વામિનારાયણ મહામંત્રનું ગાન કરતાં પદયાત્રા દ્વારા મંદિરે આવતાં હતાં. સવારે સ્વામીશ્રીની પ્રાતઃપૂજા પૂર્વે વિવેકસાગર સ્વામી પારાયણ કથામૃતનો અદ્‌ભુત આસ્વાદ કરાવતા હતા. સાથે અમદાવાદના સત્સંગી લાખાણી પરિવાર તરફથી આયોજિત ભાગવત સપ્તાહમાં શ્રુતિપ્રકાશ સ્વામીએ વિદ્વત્તાપૂર્ણ લાભ આપ્યો હતો. દર રવિવારે યોજાતી સંધ્યાસભા તો જાણે ઉત્સવસભા સમાન બની રહી હતી. સંતોનાં પ્રવચન અને કીર્તન બાદ સ્વામીશ્રીનાં આશીર્વચન પ્રાપ્ત કરી સૌ ધન્ય થતા હતા. અમદાવાદમાં રવિસત્સંગસભાઓમાં સ્વામીશ્રીએ વહાવેલાં ઉપદેશવચનો અહીં આત્મસાત્‌ કરીએ. 
સત્ય અને સનાતન :
અક્ષરપુરુષોત્તમ જ્ઞાન
'અક્ષર-પુરુષોત્તમનું જ્ઞાન સામાન્ય જીવને પચી શકે નહીં. શ્રીજીમહારાજ આ જ્ઞાન અક્ષરધામમાંથી લઈને આવ્યા અને દરેકને આ જ્ઞાન નવું લાગ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય નવો છે, એટલે કેટલાકને તે વખતથી જ સમજાતું નહોતું. ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર કહેવા એ વાત તો સમજાય જ કેવી રીતે! કારણ કે એ વખતે શ્રીજીમહારાજના ૫૦૦ સંતોમાં કેટલાય સમર્થ સંતો હતા. એક એક ભગવાન થઈને પૂજાય એવા હતા. મડદાં બેઠાં કરે એવા વ્યાપકાનંદ સ્વામી, રાજા-મહારાજાઓને રીઝવી દે એવા બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ગ્રહોને પણ ફેરવી નાખે ïએવા યોગી હતા. એવા સમર્થ સંતોમાં ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજવો એ ઘણું કઠણ હતું.
પણ અંતે સાચી વાતનું પ્રસારણ થાય છે. એ કામ શૂરવીર કરે છે. એમાં ભગતજી મહારાજ એવા શૂરવીર થયા કે જેમણે આ વાત પોતે દૃઢ સમજીને બીજાને સમજાવી. ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજીમહારાજનો સર્વોપરિ મહિમા કહ્યો. તે વખતે બધા શ્રીજીમહારાજનું જેવું સ્વરૂપ છે એવું કહી ન શક્યા. પણ ગુણાતીતાનંદ સ્વામી તો શ્રીજીમહારાજ સાથે જ આવ્યા હતા એ જેવો શ્રીજીમહારાજનો મહિમા સમજે એ બીજા કોણ સમજી શકે? એ સ્વરૂપની વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી. બીજા લોકો સમજે ખરા પણ સર્વોપરી વાત કરવામાં જરા સંકોચ થાય, શાસ્ત્ર વચમાં આવે એટલે સૌ સૌની સમજણ પ્રમાણે કહેતા. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં રહી શકે એમ ગુણાતીત જ્ઞાન, સ્વામીની વાતોનું જ્ઞાન એવા યથાર્થ પાત્ર બને એને સમજાય. પણ આપણે સ્વામીનો સિદ્ધાંત કહેવામાં કસર ન રાખવી. જે વાત મળી છે, જે વાત સમજ્યા છીએ એ કહેવામાં કસર ન રાખવી. સાંભળનારને સમજાશે? સારું લાગશે? ખોટું લાગશે? અવગુણ-અભાવ આવશે? એવું ન સમજવું. કહીશું તો જ ધીરે ધીરે સમજાશે, પણ કહેવામાં આપણે સંકોચ રાખીએ તો હજુ  આપણને જ પાકું થયું નથી. ભગતજી મહારાજે એ વાત છડે ચોક કહી ને હજારોને એ વાત સમજાઈ, કારણ કે વાત સાચી હતી. આપણે પણ આ જ્ઞાન આપીશું તો બધાને ગમશે.
શાસ્ત્રીજી મહારાજે આ જ્ઞાન આપણને આપ્યું અને સંતપરંપરા થકી સાંભળીને દૃઢ થયું. પણ કેટલીક વખત રિન્યૂ પણ કરવું પડે, કારણ કે ભૂલી ગયા હોય, મોળા પડી ગયા હોય તો શૂરવીરનાં વાજાં વગાડવાં પડે. એટલે આ વાત સાચી છે -એ બરાબર સમજીને ગમે ત્યાં જઈએ પણ આપણા કુટુંબમાં, ઘરમાં, મિત્રો-પરિવાર, ભાઈબંધ, અને જોગમાં આવે એ બધાને વાત કરવી. એક માણસ હોય તોય શાસ્ત્રીજી મહારાજ અક્ષરપુરુષોત્તમની વાત માટે આખી રાત જાગે. એક વખત નહીં, પણ કેટલીય વખત સ્વામી વાત કરતા. તો બી.એ.પી.એસ. શતાબ્દીનો અવસર આવ્યો છે, તે નિમિત્તે આપણા મિત્રો-સગાને પણ વાત કરીએ. બે-ત્રણ વખત કહેવું પડે. સામો માણસ થાકે, પણ આપણે થાકવાનું નહીં. થશે જ, એક વખત થશે. શતાબ્દી નિમિત્તે આ સારું કાર્ય આગળ વધારી શકીએ એવું બળ શ્રીજીમહારાજ સર્વને આપે એ પ્રાર્થના.'
ભગવાન ભજવા એ શૂરવીરનું કામ છે
 'ભગવાન ભજવા એ કઠણ કામ છે, એ કાયરથી થાય નહીં. શૂરવીર થાય એ પોતાનું ધાર્યું નિશાન પાડે છે. જેમ જે ભણતા હોય એની પરીક્ષા થાય, તેમ પરીક્ષા ભક્તોની જ થાય. કેટલાય કહે કે ભગવાન આપણી પરીક્ષા કેમ લે છે? આપણે ભજન, ભક્તિ, સેવા કરીએ તોય પરીક્ષા શા માટે? પણ તમે ભક્ત થાવ એટલે પરીક્ષા થવાની જ છે.
ઉત્તમ ભક્ત દાદાખાચરની પરીક્ષા ભગવાન સ્વામિનારાયણે લીધી, પણ તેમણે ભગવાનને મૂક્યા નહીં. મીરાંબાઈ ઝેર પી ગયાં, પણ તેમણે ભગવાન મૂક્યા નહીં. મુશ્કેલી વખતે દૃઢતા હોવી જોઈએ કે સર્વકર્તા પરમાત્મા છે. જે કરશે એ સારા માટે, દુઃખ આપે તે સારા માટે, સુખ આપે તે પણ સારા માટે, જીવનમાં પ્રશ્નો બને છે એ પણ સારા માટે. આ પરીક્ષામાં પાસ થયા છે એનાં નામ શાસ્ત્રોમાં લખાયાં છે. શ્રીજીમહારાજના વખતમાં ભક્તોને ભક્તિ કરતાં કરતાં ઘણાં દુઃખ, મુશ્કેલી આવ્યાં છે. ભગવાનને આપણને શુદ્ધ કરવા છે, બ્રહ્મરૂપ કરવા છે, દેહભાવ ટાળવો છે, ભગવાન સિવાય બીજો સંકલ્પ મનમાં ન રહે એવા કરવા છે. એટલા માટે આવી પરીક્ષા લેતા હોય છે.'
આત્મકલ્યાણ
'પરીક્ષિતે શુકદેવજીના મુખેથી ભાગવત સાંભળ્યું. તો તેમને આત્મકલ્યાણની વાત સમજાઈ ગઈ. એમને મનાઈ ગયું કે મરવાનું તો નક્કી જ છે, તો જેટલો મળે એટલો સત્સંગનો લાભ લઈ લઈએ. એવા વિચાર ઓછા લોકોને આવે છે. જનક રાજાને પણ આવો વિચાર હંમેશાં રહેતો. જનક રાજાને અષ્ટાવક્ર ૠષિએ જ્ઞાન આપ્યું કે સંસાર સ્વપ્નવત્‌ છે. આપણે ભાગ્યશાળી છીએ કે શ્રીજીમહારાજ પૃથ્વી પર ગુણાતીત પુરુષને આપણા માટે લઈને આવ્યા. શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું- પોતાને અક્ષરરૂપ માનવું, ત્રણ દેહથી વિલક્ષણ માનવું. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ એ ત્રણ શરીરથી આપણે જુદા છીએ એમ માનવાનું છે, એ ત્રણ શરીરથી પર આત્મા છે એ મારું સ્વરૂપ છે એમ માનીને ભગવાન પુરુષોõત્તમની ઉપાસના કરીએ તો કોઈ માન ન રહે.
અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવી એ આપણો સિદ્ધાંત છે. અક્ષરરૂપ થવાનું છે એના માટે આ સત્સંગ અને કથાવાર્તા ચાલે છે. અષ્ટાવક્ર ૠષિએ રાજસભામાં કહ્યું કે મારું શરીર ભલે વાંકુંચૂકું છે, પણ મારા આત્માનો વિચાર કરો તો વાંકું નહીં દેખાય. આત્મા એ સત્ય સનાતન છે. શરીર ગમે તેટલું રૂપાળું હોય તોય નાશ પામવાનું છે. અત્યારે સુંદર દેખાવાની હરીફાઈ ચાલેછે! એના કરતાં ભગવાન ભજવાની હરીફાઈ કરવાની, સારા કામની હરીફાઈ કરોને! સત્સંગની હરીફાઈ કરવાની હોય. બાકી આપણું જીવન તો વાંકુંચૂકું છે, પણ સાચા સંત મળે ત્યારે વહેવાર-સંસાર બધું સીધું થઈ જાય. જ્ઞાન એવું થઈ જાય કે વહેવારમાં આસક્તિ રહે નહીં. દેહે કરીને કરીએ પણ અખંડ શ્રીજીમહારાજની સ્મૃતિ રહે.
આપણે તો ભાગ્યશાળી છીએ કે શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ જેવા સંત મળ્યા છે, એમણે આ જ્ઞાન આપણને આપ્યું છે. માટે વહેવાર કરો, પણ કલાક-બે કલાક સત્સંગ માટે જવું જ. નાનામોટા બધાએ એ કરવાનું છે. ભગવાનની એ આજ્ઞા છે.'

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |