Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ઉત્તરાયણ પર્વના દિને પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં અમદાવાદના ભાવિકજનોએ ભક્તિ અને ઉમંગના સંગે ઊજવ્યો ઝોળીઉત્સવ

તા. ૧૪-૧-૨૦૦૭ના રોજ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં અમદાવાદના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે હજારો હરિભક્તોએ ઉત્તરાયણનો ઉત્સવ ખૂબ ભક્તિભાવપૂર્વર્ક માણ્યો હતો. અમદાવાદ એટલે ભારતના પતંગ-ઉત્સવની રાજધાની. આખું શહેર ઉત્તરાયણની આગલી રાતથી પતંગોત્સવની મિજલસમાં પરોવાયું હતું ત્યારે શાહીબાગ ખાતે મંદિરમાં અહીં સવારથી જ દાન-પર્વનો અનોખો માહોલ રચાયો હતો. શિયાળાની કડકડતી ઠંડીને લઈને વહેતા વાયરા વચ્ચે ૩૦,૦૦૦ જેટલા આબાલવૃદ્ધ સ્ત્રી-પુરુષો ઉત્તરાયણની શુભ પ્રભાતે ભક્તિસમર્પણ માટે ઝોળી મહાપર્વની ઉત્સવ સભામાં આવી પહોંચ્યા હતા.
સવારે આઠ વાગ્યે યોજાયેલા આ ઝોળી મહાપર્વમાં સ્વામીશ્રી પધાર્યા ત્યારે મંદિરના બંને સભાગૃહો છલકાઈ ગયા હતા. ઉત્સવમંચ પણ આજના પર્વને અનુરૂપ શોભી રહ્યો હતો. મંચની પિછવાઈમાં ઝોળી માંગતા શ્રી નીલકંઠવણી અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજનાં વિશાળ તૈલચિત્રો શોભી રહ્યાં હતાં. મંચની એક તરફ નીલકંઠવણી ખભે કાવડ લઈને ભીક્ષા માંગી રહ્યા હતા, તો બીજી તરફ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ ખભે ઝોળી લટકાવી ભિક્ષા માંગી રહ્યા હતા. વચ્ચે શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજનાં ચરણોમાં સ્વામીશ્રીનું આસન શોભતું હતું. મંદિરમાં ઠાકોરજીના ખંડ વિવિધ પતંગોથી શણગારેલા હતા.
સવારે ધૂન-પ્રાર્થનાથી સમારોહનો આરંભ થયો. વિવેકસાગર સ્વામીએ ઉત્તરાયણના મર્મને સમજાવીને આ પુણ્યપર્વની પ્રેરક મહિમાગાથા ગાઈ.
'નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો'ની આહ્‌લેક સાથે સંતોએ અક્ષરજીવન સ્વામી રચિત 'આયો રે, આયો રે, મંગલ અવસર આજ...' સુંદર કીર્તન ગાઈને વાતાવરણને વધુ ભક્તિભાવમય બનાવ્યું. ઈશ્વરચરણ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના સમયથી ચાલી આવતી ઝોળી પરંપરાને પ્રવચન દરમ્યાન વર્ણવી, પ્રેરક સંબોધન કર્યું. સંતોએ 'વિવેકી નરને એમ વિચારી જોવું...' પદ દ્વારા દાન અને સુપાત્રનો મહિમા વર્ણવ્યો. આ દરમ્યાન સ્વામીશ્રીના આગમન સાથે માહોલમાં અનેરા ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. અગ્રેસર સંતો અને હરિભક્તોએ સ્વામીશ્રીને વિવિધ પુષ્પહારથી વધાવ્યા. સાધુવેષમાં આવેલા નાના-નાના ભૂલકાંઓએ સ્વામીશ્રીની નજીક આવીને 'નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો'ની આહ્‌લેક લગાવી ત્યારે સ્વામીશ્રી પણ એ બાળકો પર વાત્સલ્યથી વારી ગયા હતા.
આ અવસર પર ભક્તમેદની પર આશિષ વરસાવતા સ્વામીશ્રીએ કહ્યું, 'આજના ઉત્સવની જય. ભારતમાં આ ઉત્સવ ઉત્સાહ સાથે ઉજવાય છે. આપણા ગુજરાતમાં પતંગ ઉડાડવાનો આ અનેરો ઉત્સવ છે. અમદાવાદ અને સુરતના રસિયાઓ પતંગ ઉડાડવામાં બહુ આગળ પડતા છે, પણ ભગવાનના ભક્તોને પોતાનો પતંગ કહેતા કે પોતાની ભક્તિ ભગવાન સુધી પહોંચાડવાની છે. આપણી સદ્‌ભાવનાઓને ભગવાન સુધી પહોંચાડવાની છે.
આજે પુણ્ય પર્વણી કહેવાય છે. પુણ્ય-દાન કરવાનો આ દિવસ છે. દરેક પોતાની શ્રદ્ધા પ્રમાણે દાન કરતા હોય છે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ આ ઉત્સવના દિવસે ઘણી વખત અહીં અમદાવાદ આવતા ને ઝોળી માંગતા. શ્રીજીમહારાજના ૫૦૦ સંતોએ પણ ઝોળી માંગી છે.
ભક્તોને શ્રદ્ધા હોય છે કે ભગવાન માટે હું કંઈક કરું. પોતાની પાસે દાનમાં આપવાનું કાંઈ હોય કે ન હોય, પણ છેવટે ભગવાનને બે હાથ જોડવા એ પણ મોટી સેવા છે. તન-મન-ધન ત્રણ પ્રકારની સેવા છે. ધનાઢ્ય પોતાની શક્તિ અનુસાર દાન કરે છે. શ્રદ્ધાથી આપે એ અનંતગણું થઈને આવે છે. બ્રાહ્મણ દાન લેવા આવે ત્યારે કહેõ, એક ઘણું દાન ને હજારગણું પુણ્ય, પણ ભગવાન અને સંતને દાન આપો એઅનંતગણું થઈને આવે, ભગવાન તો અક્ષરધામ આપી દે. 
જેમ ફળદ્રુપ ભૂમિમાં વાવો તો ઘણું ફળ મળે. તે પ્રમાણે શાસ્ત્રોમાં કહ્યું, 'સુપાત્રે દાન'. ભગવાન અને સંત એ મોટું સુપાત્ર છે. સંતને કોઈ સ્વાર્થ નથી. લોકોનું કેમ કલ્યાણ થાય એ જ એમની ભાવના છે. સુપાત્ર એટલે ભગવાનના એવા સંત હોય અને સારો ઉપયોગ થતો હોય ત્યાં વાવીએ તો આપણને અનંતગણું ફળ મળે છે. 
અત્યારે અલ્હાબાદમાં કુંભમેળો ચાલે છે. ત્યાં બધા સંતો-મહાત્માઓ અને શ્રદ્ધાળુઓ સ્નાન કરશે. ભારત દેશ બહુ ધાર્મિક-આધ્યાત્મિક છે અને હિંદુ ધર્મ માટે કંઈક પણ કરી છૂટવાવાળા છે. કોઈના માટે કરી છૂટવું એ પણ પુણ્ય છે. એ બધાય કરતાં ભગવાનનાં મંદિર થતાં હોય, યજ્ઞયાગાદિક માટે થાય તો ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આજે અમદાવાદને આંગણે આવો દિવ્ય-ભવ્ય ઉત્સવ થયો છે. વળી, હવે તો બધા દીકરાઓ પણ દાનમાં આપી દે છે. આ સંતો બેઠા છે એ બધા દાનમાં આવેલા છે. જોગી મહારાજનો સંકલ્પ હતો કે ૭૦૦ સાધુ કરવા, પણ ૭૦૦થીય ઉપર આંકડો થઈગયો છે. આ પણ એક મોટું દાન છે, એ હજારો માણસોને ભગવાન ભજવશે, સારા માર્ગે દોરશે, સારી પ્રેરણાઓ આપશે. ધન કરતાં પણ દીકરા આપવા બહુ કઠણ છે, છતાં જેને આવો મહિમા સમજાયો છે એને કઠણ નથી - 'મારું જે કંઈ છે એ ભગવાનનું છે, મારું કાંઈ છે નહીં. આપણું કંઈછે જ નહીં.' ભગવાનનું છે અને ભગવાન માટે આપવાનું છે. સોનું, તાંબું, ચાંદી, હીરા પૃથ્વીમાં આપણે મૂકવા ક્યાં ગયા છીએ? ભગવાને આપણને બુદ્ધિ આપી તો સંશોધન કરીને કર્યું. તો એ ભગવાનનું છે ને પાછુ _ ભગવાનને આપીએછીએ.
આપણે તો ભગવાનને એટલું જ કહેવાનું છે કે તમે અમારી ઉપર પ્રસન્ન થાઓ, એમાં બધું જ આવી જાય. ભગવાન પાસે આ લોકનું માગીએ તો તે ૫ કે ૫૦ વરસ સુધીનું છે, પણ ભગવાનની પ્રસન્નતા માગીએ તો આ લોક અને પરલોક - બેયનું સુખ મળે. માટે ભગવાન પ્રસન્ન થાય એટલું માગવું. પછી એ એમની ઇચ્છાનુસાર આપે. ભગવાનને આપવું હોય વધારે ને આપણે માગીએ થોડું. ભગવાનની પ્રસન્નતા માગવામાં બધું જ મળે છે. આ લોકના સંસાર-વહેવારમાં પણ શાંતિ મળે ને છેવટે અક્ષરધામ શાશ્વત સુખ મળે છે.
આ શરીર, સંપત્તિ, બુદ્ધિથી ભગવાનને રાજી કરે એ ભક્ત. આપણું શરીર, બુદ્ધિ, ઇન્દ્રિયો, પૈસા, સંપત્તિ, બાળકો એ બધી જ સંપત્તિ ભગવાનના કામમાં આવે તો આપણો મનુષ્યદેહ સાર્થક થાય છે. આજે આપ સૌએ એવી શુભ ભાવનાથી દાન કર્યું છે. તો શ્રીજીમહારાજને પ્રાર્થના કરીએકે આપ બધા તન, મન, ધનથી સુખિયા થાવ. ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાવ.'
ઝોળી છલકાવવા ઊમટેલા હજારો સમર્પિત ભક્તો પર અંતરના આશીર્વાદ વર્ષાવ્યા બાદ સ્વામીશ્રીએ ઊભા થઈને બંને ખભે ઝોળી ધારણ કરી. ત્યારબાદ દાનની આહ્‌લેક જગાવતાં પહેલાં પૂર્વભૂમિકા બાંધીઃ 'દુનિયામાં જીવ-પ્રાણીમાત્રનું પોષણ કરનાર ભગવાન છે. આપણને જે કાંઈ પ્રાપ્ત થયું છે તે પરમાત્માનું છે, એવા પરમાત્મા આપણે ત્યાં માંગવા આવે એ કેટલી મોટી વાત! અનંતકોટિ બ્રહ્માંડનું પોષણભગવાન કરે છે. કોઈ જીવ સવારે ભૂખ્યો ઊઠે, પણ સાંજે ભૂખ્યો સૂતો નથી. આ ભગવાનની મોટી કળા છે. કીડીને કણ ને હાથીને મણ, એમ ભગવાન અનંત જીવોને પોષણ, કપડાંલતા, બંગલા બધું આપે છે. એ આપનારને આપણે શું આપી શકીએ? એનું છે ને એને આપવાનું છે. એવા ભગવાન જ્યારે આપણી આગળ હાથ લંબાવે, ત્યારે અહોભાગ્ય માનવા જોઈએ કે આપણી પાસે ભગવાન માગે છે. આપણી શ્રદ્ધા ને પ્રેમ અર્પણ કરવાનાં છે. તો આજનો દિવસ આપણા માટે ઉત્તમ છે કે જે હજારો, લાખોને આપનાર છે એ આપણી પાસે માગે છે, એ આપણાં અહોભાગ્ય છે. એમ માની દાન કરવાનું છે.
શ્રીજીમહારાજના વખતથી સંતો ઝોળી માગતા. બે સંતો ગામમાં જાય. સંતો ફળિયામાં ઊભા રહીને આહ્‌લેક જગાવે. બે-ચાર નાના છોકરા કે યુવકને સાથે રાખ્યા હોય, તે જે સીધું લોકો આપે એ ઝોળીમાં નાખી દે. સંતો ફળિયા કે પોળના નાકે ઊભા રહે, ત્યાં ઊભા રહીને આહ્‌લેક જગાવેઃ 'નારાયણ હરે! સચ્ચિદાનંદ પ્રભો !' અને સાથેનો બીજો હોય એ પણ આહ્‌લેક જગાવે, 'નારાયણ હરે! સચ્ચિદાનંદ પ્રભો!' યુવકોને સાથે રાખ્યા હોય તે ઘરમાં બૈરાં હોય એ અનાજ લઈને બહાર આવે એટલે છોકરા દ્વારા ઝોળીમાં નાખે.' એમ કહીને સ્વામીશ્રીએ પોતે જ આહ્‌લેક જગાવીને સૌને સ્મૃતિ આપી.
આમ સ્વામીશ્રીએ સત્સંગની ઝોળી માગવાની રીતનું ચિત્રાત્મક વિવરણ કરીને આંખો મીંચીને પોતે આહ્‌લેક જગાવતા હોય એમ 'સ્વામિનારાયણ હરે! સચ્ચિદાનંદ પ્રભો !' ની સુદીર્ઘ આહ્‌લેક જગાવી. એ મધુર સ્વર સાંભળતાં જ સભામાં બેઠેલા સૌ રોમાંચિત થઈ ઊઠ્યા હતા. ૮૬ વર્ષની ઉંમરે ઊભાં ઊભાં ઉમળકાભેર આહ્‌લેક લગાવતા સ્વામીશ્રીની કરુણામાં સ્નાન કરીને ધન્ય થયેલા મોટા ભાગના પુરુષ અને મહિલા હરિભક્તોની આંખોમાં હર્ષનાં આસું છલકાઈ ઊઠ્યાં હતાં. સૌ સ્વામીશ્રીના અનંત ૠણની સ્મૃતિ સાથે ભાવવિભોર હતા. સ્વામીશ્રીની સાથે ઈશ્વરચરણ સ્વામીએ અને વિવેકસાગર સ્વામીએ પણ ખભે ઝોળી ભરાવીને આહ્‌લેક ઝીલી હતી. આજથી ૬૫ વર્ષ પહેલાં અમદાવાદમાં આંબલીવાળી પોળમાં રહીને સંસ્કૃત ભણતાં સ્વામીશ્રીએ બે વર્ષ સુધી અમદાવાદની પોળોમાં ભિક્ષા માંગીને નિર્વાહ કર્યો હતો. એ ઇતિહાસ જાણે આજે પુનઃ તાદૃશ્ય થઈ ગયો.
આહ્‌લેક બાદ સ્વામીશ્રીના ખોળામાં ઝોળી ફેલાવવામાં આવી. વિશેષ સેવા કરનારા દાતાઓએ સ્વામીશ્રીની ઝોળીમાં દાનના સંકલ્પપત્રો અર્પણ કર્યા. ત્યારપછી દાનના સંકલ્પપત્રો અર્પણ કરવા માટે ભક્ત મહેરામણ ઊમટી પડ્યો. છેલ્લી વ્યક્તિએ ઝોળીમાં પોતાનું દાન અર્પણ કર્યું ત્યાં સુધી સ્વામીશ્રી આસન ઉપર વિરાજમાન રહ્યા. ઉત્સવ નિમિત્તે સૌ હરિભક્તોએ અહીં જ મહાપ્રસાદ લીધો હતો. ભગવાન સ્વામિનારાયણના વખતથી અમદાવાદના હરિભક્તોનાં પ્રેમ અને સમર્પણની જે પરંપરા ચાલુ હતી તેનાં આજે વિશેષ દર્શન થયાં.         

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |