Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ગોંડલ અક્ષરમંદિર ખાતે વસંતોત્સવે શાસ્ત્રીજી મહારાજના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વર્ક ઉજવણી

વસંતપંચમી એટલે શિક્ષાપત્રી, સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામી, સદ્‌ગુરુ બ્રહ્માનંદ સ્વામી, અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્ય દિન. માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય નહીં, સમગ્ર સનાતન ધર્મના ગૌરવસમા આ મહાપુરુષોનો પ્રાગટ્યદિન તા. ૨૩-૧-૨૦૦૭ના રોજ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં અક્ષર મંદિર, ગોંડલ ખાતે દબદબાપૂર્વક ઊજવવામાં આવ્યો હતો. વળી, આજે યોગાનુયોગ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના મૂલસ્થાન સમી અક્ષરદેરીની પ્રતિષ્ઠાને પણ ૧૪૦ વર્ષ પૂર્ણ થતાં હતાં. સવારથી જ દરેકનાં હૈયે અનેરો આનંદ હતો. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની શતાબ્દી પર્વના આ પ્રથમ ઉત્સવનો પણ આજે અહીં ઉદ્‌ઘોષ થવાનો હતો. 
અક્ષરદ્વારથી અક્ષર મંદિરના વિશાળ ખુલ્લા પટાંગણમાં સભા યોજવામાં આવી હતી. મંચની પાર્શ્વભૂમાં અક્ષરદ્વાર શોભી રહ્યો હતો. શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજનાં વિશાળ તૈલચિત્રો સૌ કોઈનું મન હરી લેતાં હતાં. સૌને સુંદર લાભ મળી રહે એ માટે ચાર વિશાળ સી.સી.ટી.વી. સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ૧૨૦૦૦થી વધારે હરિભક્તોથી પ્રાંગણ છલકાઈ ઊઠ્યું હતું.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ધુરંધર ગુરુવર્યો શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ તથા પ્રમુખસ્વામી મહારાજનું પ્રદાન - એ મધ્યવર્તી વિચાર સાથે સભાની શરૂઆત થઈ. આત્મતૃપ્ત સ્વામી, બ્રહ્મદર્શન સ્વામી, આદર્શજીવન સ્વામી, સિદ્ધેશ્વર સ્વામી, વિવેકસાગર સ્વામી તથા બાલમુકુંદ સ્વામીએ પ્રાસંગિક પ્રવચન દ્વારા ગુણાતીત ગુરુપરંપરામાં જોવા મળતી સાધુતા, સેવાભાવના તથા સિદ્ધાંતનિષ્ઠાની અદ્‌ભુત છણાવટ કરી. એકપાત્રીય અભિનય, ભક્તિનૃત્ય તથા સંવાદ દ્વારા  સ્થાનિક બાળકો, કિશોરો તથા યુવકોએ સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી.
સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું : ''આપણે જે સ્થાનમાં બેઠા છીએ એનો મહિમા અપરંપાર છે. આ અક્ષરદેરી કોઈ હિસાબે મળે એમ ન હતી, છતાંય શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજનો અન્યથાકર્તુમ્‌ સંકલ્પ હતો તો મળી ને આવું સુંદર સ્થાન બની ગયું. આ ચમત્કારી સ્થાન છે, હજારોના સંકલ્પ પૂરા કરે છે. આ દેરી થઈ ત્યારથી લોકો માનતા કરતા. ચંદુભાઈ વિદ્યાધિકારી ગોંડલ રાજ્યના શિક્ષણ-અધિકારી હતા. તેઓ કોઈ ધર્મમાં માનતા નહોતા, પણ એક વખત રાજ્યના પ્રસંગે દેરીની માનતા કરી અને રાજ્યના અનેક પ્રશ્નોનું નિવારણ થયું. ત્યારપછી તેમને ખૂબ શ્રદ્ધા બેસી ગઈ.
બીજું, શાસ્ત્રીજી મહારાજે અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન બહુ દૃઢ કર્યું છે. સંપ્રદાયના ગ્રંથો - વચનામૃત, હરિલીલામૃત ને અન્ય ગ્રંથોમાંથી અક્ષરપુરુષોત્તમની વાતનું સંશોધન કરીને તેમણે એ જ્ઞાન સિદ્ધ કરેલ છે. ગીતામાં પણ આઠમો અધ્યાય અક્ષરબ્રહ્મયોગ ને પંદરમો અધ્યાય પુરુષોત્તમયોગ તેમાં અક્ષર-પુરુષોત્તમની વાત કરી છે. શાસ્ત્રીજી મહારાજે તે વખતના સંપ્રદાયના મહાન સંતોને મળીને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ છે, એ પાકું કર્યું. આચાર્ય રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની સ્તુતિમાં લખ્યું કે 'આદિ અક્ષર આપ કહાવે....' આચાર્ય વિહારીલાલજી મહારાજે કીર્તનકૌસ્તુભ-માળામાં લખ્યું,

'મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી,
તેણે આપ્યા વર્તમાન;
પોતે પાળી પછી પળાવ્યું,
જનને દઈ ઘણું જ્ઞાન.'

એટલે અક્ષરની વાત ઉપજાવી કાઢેલી નથી. આચાર્યો, ગ્રંથો, મોટા સદ્‌ગુરુઓએ માન્ય કરેલી આ વાત છે. શાસ્ત્રીજી મહારાજને સ્વપ્નું આવ્યું અને આ ગોઠવી દીધું - એવું નથી. પોતે આત્મસાત્‌ કરેલી વાત છે. ભગતજી મહારાજ અને વિજ્ઞાનાનંદ સ્વામી થકી દૃઢ થયું ને 'આ વાતનું પ્રવર્તન કરવું જોઈએ' એવું શાસ્ત્રીજી મહારાજને થયું.  જે સત્ય વાત છે એને જગપ્રસિદ્ધ કરવી જ છે એવી દૃઢતા હતી. તે વખતે વાતનું પ્રવર્તન કરવું એ હાથમાં મસ્તક લઈને ફરવા જેવું હતું, અનેક વિરોધ હતા. કથામાં મરચાંની ધૂણી થાય, પાણી ઢોળે અને બીજી ઘણી રીતે ઉપાધિ થઈ. ઝેર અપાયું, અગ્નિમાં નાખી દેવાના પ્રયત્નો થયા, પણ શાસ્ત્રીજી મહારાજ ડગ્યા નથી, કારણ કે એમને એક નિષ્ઠા હતી કે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી છે એટલે આપણને કંઈ વાંધો આવવાનો નથી. એવા પ્રસંગોમાં 'ભગવાન જે કરશે એ સારું કરશે' આવી શ્રદ્ધા રહેવી એ બહુ મોટી વાત છે.
એમને એક જ તાન હતું કે શ્રીજીમહારાજ જે સિદ્ધાંત લઈને આવ્યા છે એ ઉપાસના દરેક જીવને થાય. કેટલાક માણસો પોતાનાં પુસ્તકોમાં ઉલટસુલટ લખી પોતાનો સિદ્ધાંત બતાવે છે. શાસ્ત્રીજી મહારાજે વચનામૃતમાં કોઈ બનાવટ કરી નથી. વચનામૃતમાં ગમે તેવા શબ્દો લખીને વાત પુરવાર નથી કરી. શાસ્ત્રીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણની વાણીમાં, ગ્રંથમાં કોઈ ફેરફાર કર્યો નથી. વચનામૃતનો એક પણ શબ્દ ફેરવ્યો નથી, એ મોટામાં મોટી વાત છે. એમાંથી વાત કાઢી બધા પુરાવા ચોક્કસ દૃઢ થયા ત્યારે આ વાતનું પ્રવર્તન કરેલું છે. પોતાનો મહિમા વધે એ માટે નથી કર્યું. આપણી પાસે જે સાચી વાત છે એ જ કરવી, એવો એમનો નિશ્ચય હતો.
અજ્ઞાની લોકો કહેતા કે શાસ્ત્રીજી મહારાજને ભગવાન થવું છે, પણ શાસ્ત્રીજી મહારાજે ક્યારેય શ્રીજીમહારાજને ગૌણ કર્યા નથી કે પોતે ભગવાન છે એવી વાત થવા દીધી નથી. કદાચ કોઈ કહે તો સ્વામી ધખી પણ જતા કે શ્રીજીમહારાજને મૂકીને ક્યાં વાત કરો છો? વડતાલ સંસ્થાથી નીકળ્યા છે તો પણ એનું પણ કોઈ દા'ડો ખરાબ ઇચ્છ્યું નથી. કેટલાય હરિભક્તોને હરિકૃષ્ણ મહારાજની માનતા આપતા, ધર્માદો આપવાનું કહેતા. નીકળ્યા એમાં એમનું હલકું પાડવું, નીચા પાડવા, ખરાબ દેખાડવું, એવું નહીં. ભગવાન સ્વામિનારાયણ જે કાર્ય કરી ગયા, જે દેવો બેસાડ્યા, જે મંદિરો કર્યાં એ બરાબર છે. એનો અનાદર, અભાવ, અરુચિ ન થવી જોઈએ. એ એમના જીવમાં દૃઢ હતું. પોતાના વિકાસ માટે તમે બીજાને હલકા પાડો તો તમે હલકા પડવાના છો. સૂર્ય સામી ધૂળ નાખો તો પોતા ઉપર આવે છે. શાસ્ત્રીજી મહારાજે કોઈના પર ધૂળ નાખી જ નથી. જોગી મહારાજને તો થાથાથાબડા જેવાનો ય અભાવ આવ્યો નથી. જોગી મહારાજને એમાં પણ દિવ્યતા ! 'જ્યાં જુ એ ત્યાં રામજી, દૂસરો ન ભાસે રે' બધાની અંદર ભગવાનની દૃષ્ટિ. બધા જ મુક્તો છે, બધા જ માથાના મુગટ છે. આ દૃષ્ટિ હતી. એટલે, આ સંસ્થાના વિકાસમાં એવી સાધુતા છે, જ્ઞાનની પૂરેપૂરી દૃઢતા છે, એને લઈને આ કાર્ય થયું છે.
એમના માર્ગે આપણે ચાલીને એ સિદ્ધાંત અનુસાર સેવા કરી શકીએ એવું બળ મહારાજ સર્વને આપે એ જ પ્રાર્થના.''
આ પ્રસંગે વડીલ સંતો, તથા અગ્રેસર હરિભક્તોએ હાર પહેરાવી સ્વામીશ્રીને સન્માન્યા હતા. સભાના અંતમાં સમૂહ આરતી ઉતારી સૌએ ધન્યતા અનુભવી હતી. સમૂહ આરતી સમયે આતશબાજીથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. અંતમાં સૌએ મહાપ્રસાદ લઈ વિદાય લીધી હતી.          

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |