Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

'પોતાની જાતને સુધારીશું તો આખી દુનિયા સુધરી જશે...' ગોંડલ અક્ષર મંદિરમાં પ્રજાસત્તાક દિને સ્વામીશ્રીની શીખ

તા. ૨૬-૧-૨૦૦૭ના રોજ અક્ષર મંદિર, ગોંડલ ખાતે સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં ૫૭મો પ્રજાસત્તાક દિન ઊજવાઈ ગયો. મંદિરના ચૉકમાં ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠેર ઠેર ભારતનો ત્રિરંગો લહેરાઈ રહ્યો હતો. કેસરી, શ્વેત અને લીલા પટ્ટા ધારણ કરીને બેઠેલા ગુરુકુળના વિદ્યાર્થીઓથી ત્રિરંગાની વિશાળતા છતી થતી હતી.
વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ ત્રિરંગો ધ્વજ લહેરાવી સ્વામીશ્રી તથા ઉપસ્થિત સર્વે હરિભક્તોએ ધ્વજવંદન કર્યું. અક્ષરદેરીની બરાબર સામે આવેલા કીર્તિસ્તંભની આગળ ભારતનો ધ્વજ લહેરાઈ રહ્યો હતો. બાદ સ્વામીશ્રીએ ભારતનો વિકાસ થાય અને વિશ્વમાં શાંતિ સ્થપાય એ માટે અક્ષરદેરીમાં પ્રાર્થના કરી હતી.
પ્રજાસત્તાક દિને મંદિરના પ્રાંગણમાં યોજાયેલી સંધ્યા સત્સંગસભામાં ગુરુકુળના વિદ્યાર્થીઓએ એક વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. 'હૈયાના હેતથી વધાવીએ' ભક્તિનૃત્ય રજૂ થયા બાદ 'મંદિરોની જરૂર છે કે નહીં?' એ વિષયક સુંદર ડિબેટ રજૂ થઈ હતી. અંતે આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું: ''આજે 'દુનિયામાં મંદિરોની જરૂર નથી' એવો વાયરો છે. મકાન, ફેક્ટરી, વેપાર બધામાં કરોડો રૂપિયા ખર્ચાય છે તો એમ નથી થતું કે આની શી જરૂર છે? સરકાર પણ મોટા પ્રોજેક્ટ કરે છે, એની પાછળ ખર્ચા કરે છે. એમાં એમ જ લાગે છે કે આની જરૂર છે. મોટાં મોટાં અધિવેશન થાય, સમાજના માણસો ભેગા થાય ને ખર્ચા થાય છે. લગ્નમાં પણ કરોડોના ખર્ચા થાય છે. આ બધું નજરમાં નથી આવતું. તંત્ર ચલાવવા આવાં અધિવેશનોની જરૂર છે. દેશના સારા વિકાસ માટે આયોજનો થાય છે, પણ દેશને મંદિરની જરૂર છે એ મનાતું જ નથી. અધિવેશનોમાં લોકોને જમાડવા પડે, મોટી મોટી ફાઈવ સ્ટાર હૉટલો રોકવી પડે છે. એ ખર્ચાને તમે નકામા કહેવાના છો? માણસને બીજાની ભૂલ જોવાની ટેવ પડી કે આ કરે છે એ ખોટું છે ને હું કરું છું એ સાચું છે. આ મંદિરની જરૂર નથી, એમ બોલનારાએ કદાચ મંદિર માટે એક પૈસાનોય ખર્ચ કર્યો હોતો નથી, ગરીબોને જમાડ્યા નથી, નિશાળો બાંધી નથી કે બીજું કામ કર્યું નથી! મંદિરો માટે પોતાની જાત કમાણીના રૂપિયા આપનારો કોઈ બોલતો નથી કે મંદિરો ન થવા જોઈએ. લંડનમાં અમને એક માણસ મળ્યો હતો કે મંદિરમાં તમે નકામા પૈસા ખર્ચો છો. સ્કૂલ, કૉલેજ, દવાખાનાં કરો, સમાજ માટે કરો. મેં કહ્યું 'બહુ સારી વાત છે, પણ તમે કેટલે ઠેકાણે પૈસા આપ્યા? એ મને બતાવો. તમે સ્કૂલોમાં પૈસા આપ્યા છે? દવાખાનું બંધાવ્યું છે? સમાજ માટે કોઈ કાર્ય કર્યું છે?' કશું જ નહીં. એણે કશું કર્યું હોય તો આપણને થાય કે એણે કરોડો રૂપિયાનું, સમાજનું કાર્ય કર્યું છે! પણ નથી જ કર્યું ને બીજાને કહેવા આવે કે તમે બરાબર નથી કરતા!
ધર્મ તો આપણું જીવન છે. કોઈપણ ધર્મમાં તમે માનતા હો, કોઈ રામને, ક્òષ્ણને, માતાજીને કે મહાદેવને માનતા હો, પણ દરેકમાંથી ગુણ ગ્રહણ કરો. માણસમાં ૯૯ અવગુણ હશે, પણ એક ગુણ તો હોય કે નહીં? એમ માનો તો બધું સારું દેખાશે. બીજાના અવગુણ જોશો એટલા તમારામાં ભરાશે. માતા, મહાદેવ, શિવ-શક્તિને માને પણ એ દરેકનો ગુણ લો. આપણને વેદ, ઉપનિષદ્‌, ગીતા, ભાગવતનો અભ્યાસ નથી, તેથી એવી વાતને કોઈ સમજતા નથી. ૠષિમુનિઓએ સાધનાઓ કરી સાબિત કર્યું કે ભગવાન છે. અત્યારે વિજ્ઞાન પણ માને છે. ઉપનિષદ્‌ કહે છેઃ 'अणोरणीयान्‌' ભગવાન બધે જ છે. અણુમાં જો ભગવાન દેખાય તો માણસમાં ભગવાન નથી? તો પછી બીજાને દુઃખ શું કરવા દઈએ છીએ? બીજાને શું કરવા મારવા જઈએ છીએ? બીજાના પૈસા શું કરવા લૂંટવા જઈએ છીએ? બીજાને શું કરવા હેરાન કરીએ છીએ? તો તમારા ઘરમાં ક્લેશ શા માટે થાય છે? સમાજમાં શા માટે ક્લેશ થાય છે? કારણ કે દરેકમાં ભગવાન જોવાની દૃષ્ટિ કેળવી નથી. દરેકમાં ભગવાન જુ એ તો બધું દિવ્ય જ દેખાય. ભગવાન અણુ અણુમાં છે એમ લોકો કહે છે એટલું જ, પણ માનતા નથી. અણુમાં હોય તો માણસમાં કેમ ન હોય? મૂર્તિમાં કેમ ન હોય? પથ્થરમાં કેમ ન હોય? વૃક્ષમાં કેમ ન હોય? વેદો-ઉપનિષદોએ કહ્યું છે કે દરેકમાં ભગવાન છે.
ચંદ્ર પર માણસ ગયો એ સાંભળ્યું છે, વાંચ્યું છે, પણ જોયું છે? આ બધા બેઠા એમાં કોઈએ જોયું નથી, સાંભળ્યું જ છે. છતાં બધાને નક્કી છે કે માણસ ચંદ્ર પર ગયો, કારણ કે સાયન્ટીસ્ટમાં વિશ્વાસ છે. એટલે વાત માની લીધી. સાયન્ટીસ્ટની વાત સાચી માનીએ છીએ તો શાસ્ત્રમાં લખેલી વાત એટલી જ સત્ય સનાતન છે. એમાં લખ્યું છે કે ભગવાન અણુ અણુમાં રહ્યા છે. એ અણુ અણુમાં રહ્યા છે એટલે જ આ સંચાલન થાય છે. હું ને તમે બોલીએ છીએ, પણ અહીંથી એક તત્ત્વ ચાલી ગયું તો? રામ બોલો ભાઈ! રામ. એ તત્ત્વ અંદર સંચાલન કરે છે એટલે જ આપણે બધા સુખી છીએ. ઝાડ, પાન, પર્વત, ગુફા સારું દેખાય છે, કારણ કે એ અંદર તત્ત્વ બેઠું છે. જેને ભગવાન કહો, ચૈતન્ય કહો, જે કહો એ, પણ એ છે તો બધું સારું લાગે છે. સાટા-જલેબી ફાઈવ સ્ટારમાં જમીએ છીએ એ સારું લાગે છે, ક્યાં સુધી? ભગવાન છે ત્યાં સુધી.
એ ભગવાન છે, જે અનંત કોટિ બ્રહ્માંડનું ભગવાન સંચાલન કરે છે. ભગવાન એક સારા છે, ભગવાન એક સુંદર છે, ભગવાન સર્વ સુખના ધામ છે, એમનો દિવ્ય આનંદ છે. દરેકની અંદર એ ભગવાન બેઠા છે એનો આનંદ આપણને આવે છે, સુખ આવે છે. પરંતુ એ દૃષ્ટિ થઈ નથી, શાસ્ત્રો વાંચ્યાં નથી એટલે મૂળ વસ્તુ જાણતા નથી.
દરેકનું પોષણ કરનાર એ છે. આપણે ઘરનું, સમાજનું, દેશનું પોષણ નથી કરી શકતા ને તડાકો મારીએ કે ભગવાન નથી, પણ ભગવાન વગર કશું ચાલે એમ નથી. એટલે એ દૃષ્ટિ હોવી જોઈએ. આપણા ગ્રંથો વેદ, ઉપનિષદ, ભાગવત, ગીતા, વચનામૃત, સ્વામીની વાતોમાં જે કંઈ આપ્યું છે એ સત્ય સનાતન છે. એમાં વિશ્વાસ જોઈએ. ગ્રંથો સાચા છે, એના બોલનારા, કહેનારા સાચા છે. વિજ્ઞાન કહે તે માની લઈએ છીએ. વિજ્ઞાની માણસ હતા, એમ ૠષિમુનિઓ પણ માણસો હતા, પણ તેમણે સાધનાઓ કરી છે. સાધનાઓ કરીને આપણને કહ્યું છે કે આ વસ્તુ સનાતન છે, પણ સાયન્ટીસ્ટમાં વિશ્વાસ છે એવો ભગવાનમાં, શાસ્ત્રોમાં, બ્રહ્મનિષ્ઠ સંતપુરુષોમાં વિશ્વાસ નથી. આ વસ્તુ બરાબર નથી સમજતા એટલે વિચારો આવે છે કે આ ખોટું છે, પણ કશું ખોટું નથી, આપણે ખોટા છીએ. પહેલાં પોતે સુધરો. પોતાની જાતને સુધારીશું તો આખી દુનિયા સુધરશે.'
સ્વામીશ્રીએ ત્યારબાદ આધુનિક દૂષણોની વાત છેડતાં જણાવ્યું હતું કે મંદિરોને બદલે ટી.વી. જેવા આધુનિક દૂષણો આપણને વધારે બિનજરૂરી લાગવા જોઈએ. તેમણે વિશેષમાં કહ્યું હતું કે, 'ટી.વી., સિનેમાથી મનોરંજન થાય છે, પણ એમાંથી ભ્રષ્ટાચાર પણ થાય છે. ટી.વી.માં અશ્લીલ કેટલું આવે છે! પછી કેટલા ગોટાળા થાય છે? કેટલા પ્રશ્નો થાય છે? એ મનોરંજન થયું કે ધમાધમ થઈ? ઘરમાં, સમાજમાં ને દેશમાં ઝઘડો થયો, એમાં આપણી ખુવારી જ છે. પશ્ચિમની દુનિયામાંથી આપણે એ બધું લઈ લીધું. આપણા દેશની આટલી સુંદર વાતો છે, આપણો ધર્મ આટલો સારો છે, આપણા સંસ્કારો આટલા સારા છે, એ છોડ્યાં અને પશ્ચિમના સંસ્કારો લીધા! માબાપને માનવા નહીં, માબાપની સેવા કરવી નહીં, એ આપણી સંસ્કૃતિમાં હતું જ નહીં આપણો ધર્મ અને આપણી વસ્તુ ગૌણ કરીને બીજાની પાછળ દોડીએ છીએ એટલે જ આ દુઃખ ઊભું થાય છે. લોકો માંસાહાર કરે છે, પણ બીજાને મારીને ખાવું? એ કેવો ન્યાય? ભગવાને કેટલું સુંદર વેજિટેરિયન ખાવાનું આપ્યું છે. એનાથી જીવી શકીએ છીએ, છતાં પશુનું માંસ ખાઈએ, ઈંડાં ખાઈએ, મરઘાં ખાઈએ - એવા રવાડે ચડી ગયા છીએ. એ બધું સુધારવાનું છે, એના પર લક્ષ નથી. એટલા માટે મંદિરોની, ધર્મની જરૂર છે. તંત્ર ચલાવવું છે તો પોલીસ, મિલીટ્રી, સ્કૂલ, દવાખાનાં બધાંની જરૂર છે. એમ ધર્મ, મંદિરો અને સંતો એટલાં જ જરૂરી છે, જે સમાજમાં સાફસૂફી રાખે છે, દૂષણોથી રક્ષણ કરે છે.
લોકો ધર્મોના કેટલાક ખોટા માણસોની ચર્ચા કરીને ધર્મની જરૂર નથી તેમ કહે છે. પરંતુ ઘરમાં એક જણ ખોટે રસ્તે ચઢ્યો એટલે આખું ઘર ખોટું થઈ ગયું? ગામમાં બે માણસો ખરાબ નીકળે તો આખું ગામ ખરાબ થઈ ગયું? સ્કૂલમાં બે માસ્તરો ખરાબ નીકળે તો આખી સ્કૂલ ખરાબ થઈ ગઈ? ડૉક્ટર એવા નીકળે તો દવાખાનાં જ ન જોઈએ? પોલીસખાતું ખરાબ થયું તો બધાને કાઢી નાખો? સમાજમાં બે-પાંચ એવા હોય તો 'આખો સમાજ ખરાબ છે' એવું કહેવાય નહીં. એમ ધર્મના કામમાં તમને એવું લાગ્યું હોય, સાંભળ્યું હોય એટલે સમગ્ર ધર્મ ખોટો છે એવું નથી. જેમ ભ્રષ્ટ પોલીસને, શિક્ષકને, ન્યાયાધીશને સુધારો, પણ તેની 'જરૂર નથી' એવું નથી. માણસ ખોટો છે, તંત્ર ખોટું નથી, ધર્મ ખોટો નથી. તેમ ભગવાન થકી આ તંત્ર ચાલે છે, એવા સાચા સંતો થકી તે ચાલે છે એ વાત સાચી માનીને એના તરફ આદર રાખો. ભલે તમે એના શિષ્ય ન બનો, પણ સારું છે એટલું માનીને ચાલશો તો તમને શાંતિ-સુખ થશે. પોતાનું જીવન સારું બનાવો તો આખી દુનિયા સારી લાગશે.''
સ્વામીશ્રીએ આધુનિક બૌદ્ધિકવાદના નામે ફેલાતી ભ્રામક વિચારધારાઓના અદ્‌ભુત પ્રત્યુત્તરો આપીને સૌને નિઃશંક કર્યા હતા. અંતે અહીંના બી.એ.પી.એસ. વિદ્યામંદિરના ધોરણ ૮ થી ૧૨માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓનું સ્વામીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત રમતગમતમાં ઊંચી કૂદમાં સમગ્ર રોજકોટ જિલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાતમાં ચોથા ક્રમે વિજેતા થયેલા મુકેશ પરમાર તથા  ડિબેટમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. સ્વામીશ્રીના સાંનિધ્યમાં પ્રજાસત્તાક દિન સાચા અર્થમાં સાર્થક બની રહ્યો હતો.
તા. ૨૭-૧-૨૦૦૬ના રોજ સંધ્યા સત્સંગસભામાં સભામાં વિવેકસાગર સ્વામીએ 'બી.એ.પી.એસ.ના ઘડવૈયાઓએ સંસ્થાવિકાસમાં કરેલા પુરુષાર્થ' વિષયક પ્રવચનશ્રેણીની પૂર્ણાહૂતિ કરી હતી. સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, 'કોઈ પણ કાર્યમાં મુશ્કેલીઓ તો હોય જ, પણ એમાં પોતાને દૃઢતા હોય તો ગમે તેવું કઠણ કાર્ય હોય તો પણ ભગવાનની કૃપાથી એ થઈ જાય છે. પણ ભગવાનની નિષ્ઠા, આત્મવિશ્વાસ, ભગવાન ને સંતનું બળ હોવું જોઈએ તો કામ થાય. આ દુનિયામાં કોઈની સત્તા ચાલી નથી, ચાલવાની નથી. ભગવાનની સત્તા ચાલે છે. અનંત કોટિ બ્રહ્માંડની અંદર ભગવાનની સત્તા ચાલે છે. એ સત્તા કોઈ દિવસ નષ્ટ થઈ નથી ને થવાની પણ નથી. માણસ કરી કરીને શું કરી શકે? કાંઈ ન કરી શકે. ભગવાન જેવું કોઈ કાર્ય કરી શકે નહીં ને એની સત્તા કોઈ લઈ શકે એમ નથી. શ્રીજીમહારાજે કહ્યું, 'મારી મરજી સિવાય એક સૂકું પાદડું પણ હાલે એમ નથી.'
જેને ભગવાનનું બળ છે એને બીજું કોઈ કાંઈ કરી શકે નહીં. શરીરનું, પૈસાનું, લશ્કરનું બળ છે, પણ ઇષ્ટબળ સર્વથી શ્રેષ્ઠ બળ છે. જેના પક્ષમાં ભગવાન છે એનો વિજય થયો છે. અત્યારે અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન ચારે ય તરફ પ્રસર્યું છે, કારણ કે શાસ્ત્રીજી મહારાજે એ બળ રાખીને ભીડો વેઠ્યો છે, દુઃખ વેઠ્યાં છે તો આપણે સારી રીતે ભજન-ભક્તિ કરીએ છીએ. આપણે પણ એ ઇષ્ટબળ રાખીને ગમે તે પરિસ્થિતિમાં ભગવાનનો આશરો મૂકવો નહીં ને ભગવાનનું ભજન કરી સુખિયા થવું.'

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |