Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

રાજકોટમાં પ્રમુખસ્વામી મહારાજે વહાવેલાં અમૃતવચનો

સાદી અને સરળ વાણીમાં ગહન આધ્યાત્મિક રહસ્યો સમજાવતી પ્રમુખસ્વામી મહારાજની અમૃતવાણી એટલે અનુભવનું અમૃત. શબ્દોના વાઘા વિના સહજતાથી ગંગાપ્રવાહની જેમ વહેતી એમની ધીરગંભીર વાણી કંઈક તપ્ત હૈયાંઓમાં શીતળતા પ્રસરાવી દે છે.
તાજેતરમાં રાજકોટમાં તા. ૧-૨-૨૦૦૭ થી તા. ૭-૨-૨૦૦૭ના એક સપ્તાહ દરમ્યાન નિત્ય સંધ્યા સત્સંગ સભામાં વિવેકસાગર સ્વામીએ રસાળ શૈલીમાં શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા વ્યાખ્યાનમાળા પ્રસ્તુત કરી હતી. આ વ્યાખ્યાનમાળા તેમજ અન્ય કાર્યક્રમોને અંતે પ્રમુખસ્વામી મહારાજ અનુભવનું અમૃત વર્ષાવતા હતા. માનવસ્વભાવ, સમાજની વર્તમાન તાસીર અને જીવનના ઉન્નત આધ્યાત્મિક સુખને વણી લઈને સ્વામીશ્રીએ સતત એક સપ્તાહ સુધી સૌને અમૂલ્ય આધ્યાત્મિક પ્રેરણાઓ આપી હતી. તેઓના આ નિત્ય આશીર્વચનોમાંથી ચૂંટેલાં અમૃતબિંદુઓ...
ભગવાનને કોઈ પ્રોટોકોલ નથી...
'ભગવાન આગળ કોઈ નાના-મોટા નથી. ભગવાન સ્વામિનારાયણ ગોંડલમાં કુંભારને ત્યાં જઈને બેઠા હતા. સગરામ વાઘરીના કૂબામાં પણ પેઠા'તા. મોટા માણસને નાના પાસે જતાં શરમ આવે- પ્રોટોકોલ બગડી જાય! ભગવાન તો સર્વથી શ્રેષ્ઠ, મોટા છે, છતાં એમને પ્રોટોકોલ છે નહીં. એમને દરેકનું કલ્યાણકરવું છે. દરેકને સુખી કરવા એ એમનું કાર્ય છે એટલે એમને પ્રોટોકોલ નડતા જ નથી. 'જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ; આજ ધર્મવંશીને દ્વાર, જેને જોઈએ તે...'
અહીં તો બધું ફ્રી આૅફ ચાર્જ જ છે. નાત, જાત, દેશ-વેશ કશું જ નહીં. બધા જ ભગવાન ભજી શકે, ભગવાનનું સુખ લઈ શકે. એ માર્ગમાં આપણે આવી પડ્યા એ આપણાં બહુ મોટાં ભાગ્ય છે.
એક મન, એક રુચિ જોઈએ...
ભગવાન શ્રીજીમહારાજ સર્વોપરિ સર્વ અવતારના અવતારી છે. આ નિશ્ચય સાથે એમની આજ્ઞા પ્રમાણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો છે. આ સિદ્ધ કરવા સંપ, સુહૃદભાવ, એકતા જોઈએ. એક મન, એક રુચિ, સંપ તથા એકતા ન હોય તો એકાંતિક ધર્મનું કાર્યન થાય. આ સૂત્ર બોલીએ તો છીએ, પણ શતાબ્દી નિમિત્તે દૃઢ કરવાનું છે. એવો ભાવ આપણા જીવમાં હોય તો અખંડ આનંદ, ઉત્સાહ આપણા જીવમાં રહ્યા કરે છે.
કથામાં ચોર થઈને આવવું...
કથાનું શ્રવણ એકાગ્રચિત્તે કરવાનું છે. કથામાં ચોર થઈને આવવું. અહીં શેની ચોરી કરવાની છે? જ્ઞાનની. અહીંથી જ્ઞાનની દૃઢતા કરીને જવું. લેવા આવ્યા છીએ જ્ઞાન-ભક્તિ, ને મૂકવા આવ્યા છીએ સ્વભાવ, દોષ, અજ્ઞાન, આસક્તિ. દરરોજ કથામાં ટાઇમસર આવી જવું. ભાઈબંધ, મિત્રો, દોસ્તારને પણ આ લાભ અપાવવો. આપણી પાસે સારી વસ્તુ આવી છે એ બીજાને આપીએ તો રાજી થાય.
'આ દેહ તે હું નહિ...'
આપણે યુદ્ધ કરવાનું છે. કોની સાથે? ઇન્દ્રિયો, અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, માયા, સંસાર ને 'હું-મારું' થઈ ગયું છે એ બધાની સાથે. એને માટેનું જ્ઞાન ભગવદગીતા આપશે. દેહ ને દેહના સંબંધીમાં જેવી પ્રીતિ છે એવી ભગવાન અને સંતમાં કરીએ તો આપણું અજ્ઞાન ચાલ્યું જાય. દેહભાવ છે ત્યાં સુધી 'મારા-તારા'ના વિચારો આવે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, 'આ દેહ તે હું નહીં.' એમ માનવું. દેહને લઈને મારું-તારું મનાય છે. એટલે મન, ઇન્દ્રિયો સાથે લડાઈકરવાની છે. મન સાથે લડાઈ લઈ જીતવાનો એ જ ઉપાય છે- ભગવાન ને ભગવાનના ભક્તોની કથા. માટે એનો પૂર્ણ રીતે લાભ લેવો.'
જ્ઞાની કોણ છે? ભક્ત કોણ છે?
આપણે કર્મ તો કરીએ જ છીએ, પણ એ કાર્યમાં આપણને હુંપણું આવી ગયું છે કે આ બધું મારાથી કાર્યથાય છે. તેથી એ કાર્ય બંધનકારી બને છે. પણ આ કાર્ય ભગવાન જ કરે છે એમ દૃઢ થાય તો કોઈ બંધન જ નથી. ભગવાનના ભક્ત કોણ છે ? જ્ઞાની કોણ છે ? સંત કોણ છે? જેને આ વાત દૃઢ છે. જે જે કાર્ય કરે એમાં ભગવાનને આગળ રાખે તો બંધન થાય જ નહીં. જે જે કરવું એ ભગવાન રાજી થાય એટલા માટે. પોતાનાં વખાણ માટે, મહત્તા માટે નહીં. આપણાથી સૂકું પાંદડું હાલી શકતું નથી. ભગવાનને કર્તા માનીને ભગવાન રાજી થાય માટે કરવું. એમાં બધું જ આવી જાય છે.
શ્રદ્ધાથી પરમ જ્ઞાન પમાય...
ધર્મ, શાસ્ત્રો, ભગવાન, સત્પુરુષ, એ બધો શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા હોય તો બધું કામ સફળ થાય છે. વ્યાવહારિક કામમાં પણ શ્રદ્ધા જોઈએ. ફેક્ટરીમાં પાંચ કરોડ નાખીશ તો બે-ત્રણ વરસે ડબલ થશે, એમ શ્રદ્ધા જોઈએ. વિદ્યાર્થીને શ્રદ્ધા છે તો મહેનત કરે છે. ખેડૂતને દાણા વાવીશ તો એ ઊગશે જ એવી શ્રદ્ધા છે. 'શ્રદ્ધાવાન્‌ લભતે જ્ઞાનમ્‌' શ્રદ્ધાવાળો પરમ જ્ઞાનને પામે છે. પરમજ્ઞાન એટલે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન. લૌકિક જ્ઞાન લૌકિક રીતે આપણને સુખી કરે, ગમે એટલાં સુખ-સંપત્તિ મળે, પણ અંતરમાં અશાંતિ રહે છે એટલે એ જ્ઞાન પૂર્ણ નથી. પૂર્ણ પરમાત્મા છે એમાં શ્રદ્ધા કરવાથી શાંતિ-સુખ થાય છે, કારણકે ભગવાન સર્વકર્તા છે, સર્વ નિયંતા છે, સુખના દાતા છે, આનંદના દાતા છે. જે કંઈસુખ આપણને મળે છે એ ભગવાનનું સુખ છે. આ દુનિયાની સારી વસ્તુમાંથી આનંદ થાય છે. મનોરંજન ક્ષણિક છે. ભગવાનમાંથી જે આનંદ આવે છે એ કાયમી અને અલૌકિક છે.
તો દરેક ક્રિયામાં શાંતિ રહે છે...
ભગવાન છે એવો વિશ્વાસ હોવો જોઈએ. એવી શ્રદ્ધાથી ભગવાનનું અખંડ ભજન, કીર્તન, પ્રાર્થના થવી જોઈએ. નરસિંહ મહેતાને વિશ્વાસ હતો તો એનું મામેરું ભગવાને પૂર્યું. મીરાંને વિશ્વાસ હતો તો ઝેરના પ્યાલા આપ્યા તોય જીવતાં રહ્યાં. દાદા ખાચરનો ગરાસ જપ્ત થયો, ખાવાપીવાનાં સાંસાં થયાં તોય ભગવાન સ્વામિનારાયણને વિષે અનન્ય શ્રદ્ધા હતી. એવા અનેક ભક્તોએ આવી બધી મુશ્કેલીઓમાં ભગવાન મૂક્યા નથી. ભગવાને જે કર્યું છે એ સારું કર્યું છે, એવી ભગવાનમાં કર્તાપણાની શ્રદ્ધા હોય તો કામ થાય છે. પોતાપણાનો ભાવ ટાળીને, હુંપણાનો ભાવ ટાળીને, જો બધે ભગવાન છે જ એવો ભાવ થાય તો દરેક કાર્યમાં સફળતા મળે છે, દરેક ક્રિયામાં શાંતિ રહે છે.
અંદરના અસુરોથી બહાર અશાંતિ...
શ્રીજીમહારાજના ગઢડા અંત્યના સાતમા વચનામૃતમાં હરિભક્તના પક્ષની વાત કહી છે. પોતાના સ્વાર્થ માટે, ગરાસ માટે નહીં, પણ ભગવાન અને ભગવાનના સાચા સંત, ભક્ત માટે બલિદાન આપવું એ એક મોટી સેવા છે.
આજે વિકાસ ઘણો થયો છે. આટલી બધી લાઇટ છે, પણ રવિ વિના રાત ન જાય. તેમ હું, મારું, કામ, ક્રોધ, લોભ, મમતા, છળ, કપટ, પ્રપંચરૂપી અંધારું અંતરમાં બેઠું છે એટલે ઘરમાં, સમાજમાં ક્લેશ જ દેખાય છે. બહાર લાઇટો છે છતાં અંદરના અસુરો છે ત્યાં સુધી ગમે એટલી સમૃદ્ધિ હોય છતાં અશાંતિ રહેવાની જ. એ અંધારું કાઢવા માટે એવા સાચા પુરુષ મળવા જોઈએ, જે આપણને જ્ઞાન આપે.
બીજાનું જેવું ઇચ્છો તેવું પોતાનું થાય..
દરેક વ્યક્તિને એવું છે કે જે કંઈસારું થાય એ મારું થાય, બીજાનું ન થાય. એટલે તકરાર થવાની છે. પણ બધાને સારું સુખ મળે તો? બધાને સારી વ્યવસ્થા મળે તો? ક્યાં દુઃખ છે? પણ બીજાનું સારું ન થાય - એ અંદર પડેલું છે. તેને લઈને મારામારી થાય છે. વિજ્ઞાન વધ્યું પણ એની સાથે લોકોને મારી નાખવાના પણ પ્રયોગ થયા એ અંધારું છે. કોઈ જીવની હિંસા ન કરવી. ભગવાન સર્વને સુખી કરે એમ ઇચ્છીશું આપણે સુખી, આપણે બીજાનું સારું ઇચ્છીશું તો બીજા આપણું સારું ઇચ્છશે.
તો નાત-જાતનું કોઈ બંધન ન નડે...
શ્રીજીમહારાજ પોતાનું ધામ ગુણાતીત લઈને આવ્યા છે કે મારે બધાને આવા કરવા છે. કોઈનીઅંદર ગુણનો ભાવ ન રહે. હું આત્મા અક્ષર છુ - આ એક જ ભાવ રાખે તો નાત, જાત, ગામ, કુટુંબ, પરિવાર, મિલકત, મોટાઈ કશું જ બંધન નથી. કોઈ વઢે, ધખે તો માનવું કે આત્મા છું, પણ તે ઘડીએ ક્યાંથી રહે ? જો એની દૃઢતા થઈ હોય, તો એવું નિરંતર અનુસંધાન રહે. મિલકત આપણી મનાણી છે એટલે એમાં જરા કંઈક થાય તો આપણું મન ઊકળી જાય, પણ પોતાને આત્મા મનાય તો ન થાય. આવ્યા ત્યારે કંઈ લાવ્યા ન'તા ને જઈશું ત્યારે કંઈ લઈ જવાનું નથી - આ જ્ઞાન સમજાય ત્યારે દુઃખ ન થાય, અનર્થ ન થાય, કોઈની સાથે તકરાર ન થાય. વેપાર, ધંધો, નોકરી બધું કરો, પણ એક અનુસંધાન આપણે રાખવાનું છે કે આપણે આત્મા છીએ. એની દૃઢતા બરાબર થશે પછી કંઈ દુઃખ નહીં થાય. જેણે સહન કર્યું એની ગાથાઓ ગવાય છે, પણ જેણે મમત્વ કરીને ધમાલ કરી એની ગાથાઓ નથી. માટે જ્ઞાન એ અધિક વસ્તુ છે. પ્રગટની સર્વોપરિ ભક્તિ રાખી આજ્ઞા, આદેશો પ્રમાણે રહીશું તો સર્વ પ્રકારે સુખિયા થવાશે.
...તો આ શરીરનો શો ઉપયોગ?
કેટલાકને સત્સંગમાં આવવાનું કહો તો કહે, 'ટાઇમ નથી.' પણ નાહવામાં ટાઇમ કેટલો કાઢે છે? મોટા માણસ આવ્યા હોય તો પણ ટાઇમ કાઢવો પડે છે. તો જેણે આપણને આ શરીર આપ્યુ, બુદ્ધિ આપી, ભણ્યા-ગણ્યા ને ડિગ્રીઓ મેળવી ને એન્જિનિયર, સાયન્ટિસ્ટ, ઉદ્યોગપતિ થયા એ બધું ભગવાનને લઈને છે. ભગવાને બુદ્ધિ, શક્તિ ન આપી હોત તો શુંકરત? હાથપગ ન આપ્યા હોત તો શુંકરત? વાણી ન આપી હોત તો બોલી શકત? કાન ન આપ્યા હોત તો શું સાંભળી શકત? ભગવાને આપ્યું છે એટલે આ દુનિયાના વૈભવો પામી શક્યા છીએ. એવા જે ભગવાન એમને ભૂલી જઈએ તો આ શરીરનો શો ઉપયોગ?     

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |