Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ભાવનગરમાં પ્રમુખસ્વામી મહારાજે વહાવેલી જ્ઞાન સરવાણી...

પ્રમુખસ્વામી મહારાજની વાણી એટલે ભગવત્‌સાક્ષાત્કારની વાણી. સાદી અને સરળ ભાષામાં રજૂ થતાં એમના ઉપદેશ વચનોની જનમાનસ પર ગહન અસર થાય છે. સ્વામીશ્રીની વાણીમાં તેમની અહંશૂન્ય છબિ ઊપસી આવે છે. યુનોના મંચ પરથી બોલતા હોય કે ભારતના કોઈ આદિવાસી ગામડામાં સભાને સંબોધતા હોય સ્વામીશ્રીનાં પ્રેરણા વચનોથી અનેકનાં જીવન પરિવર્તન થયાં છે. પ્રમુખસ્વામી મહારાજ દ્વારા બોલાયેલો પ્રત્યેક શબ્દ સભામાં બેઠેલી દરેક વ્યક્તિના આંતરમનને સ્પર્શે છે. દરેકને પોતાની સમસ્યાનું સમાધાન તેમાંથી પ્રાપ્ત થાય છે.
તાજેતરમાં ભાવનગરમાં તા. ૨૪-૨-૨૦૦૭થી તા. ૨-૩-૨૦૦૭ સુધી સંધ્યા સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીએ બી.એ.પી.એસ. સંસ્થાની શતાબ્દી ગાથા રજૂ કરી હતી. સાથે સ્થાનિક બાળ-યુવા મંડળો દ્વારા વિવિધ ભક્તિકાર્યક્રમો પણ પ્રસ્તુત થયા હતા. સ્વામીશ્રીના સાંનિધ્યમાં સંધ્યા સત્સંગસભાનો લાભ લેવા માટે ખૂબ મોટી સંખ્યામાં મુમુક્ષુઓ ઊમટતા હતા. ભાવનગરના રોકાણ દરમ્યાન સ્વામીશ્રીએ જે અમૃત સરિતા વહાવી હતી તેના કેટલાક અંશો અત્રે પ્રસ્તુત છે...

અક્ષરપુરુષોત્તમનો સિદ્ધાંત
સનાતન સત્ય છે...

'અક્ષરપુરુષોત્તમનો સિદ્ધાંત સત્ય સનાતન છે. ભગવાન સ્વામિનારાયણનું જ્ઞાન સાચું છે' એ વાત શાસ્ત્રીજી મહારાજે જાહેર કરી, એમાં ઘણાં દુઃખ, અપમાન, તિરસ્કાર સહન કરવાં પડ્યાં.
તે ઘડીએ લોકો કહેતા કે તમે બહાર નીકળ્યા છો ને તમારી પાસે માણસ નથી, પૈસાની સગવડ નથી એટલે નહીં થઈ શકે.
શાસ્ત્રીજી મહારાજ કહે, 'ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે ને કામ થશે. માટે એ કામ કરવું છે ને હું કરીશ.' 'આ સિદ્ધાંત ખોટો છે' એવું કહેનારાએ પણ આ સિદ્ધાંત માન્ય કર્યો. બ્રહ્મ-પરબ્રહ્મ એ અનાદિ વૈદિક તત્ત્વોની આપણી ઉપાસના છે. આત્મા-પરમાત્મા, અક્ષરપુરુષોત્તમ એટલે એ વાત સાચી હતી. એ વાતમાં શાસ્ત્રીજી મહારાજ દૃઢ હતા. ગમે એટલી વાતોમાં પણ પાછા પડ્યા નથી ને અપમાન કરવાવાળા સાથે રાગદ્વેષ નહીં. એના તરફ તિરસ્કારની ભાવના નહીં.
શાસ્ત્રીજી મહારાજે કાર્ય કર્યું છે એ માન, મોટપ, કીર્તિ માટે નહીં, પણ કેવળ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત માટે, ભગવાનનું કાર્ય દરેકને સમજાય એ એક જ હેતુ હતો, તો એમનું કાર્ય વધતું ગયું.
એ કાર્યની શતાબ્દી ઊજવવાના કાર્યક્રમો દેશ ને પરદેશમાં ચાલે છે. બધાની ભાવના છે કે આ ઉત્સવ સારામાં સારો ઊજવાય. દરેકને આ કાર્ય કરવાનું બળ ભગવાન આપે એ જ પ્રાર્થના.
વિજ્ઞાને ગતિ આપી, દિશા નહીં...
વિજ્ઞાને કરેલી શોધથી આપણને ઘણો લાભ થયો છે. રોડ-રસ્તા, લાઇટો થઈ ગયાં. એક ઇલેક્ટ્રિકથી કેટલું બધું કામ થાય છે! એ જરાક ન હોય તો કામ થાય જ નહીં. પૃથ્વીમાંથી ખનીજ પદાર્થો કાઢ્યા. હીરા, લોખંડ, કોલસો, સોનું, ચાંદી કાઢીને ઘણું પ્રાપ્ત કર્યું છે. વિજ્ઞાનથી આપણને જ્ઞાન થયું છે કે આપણે આમ કરીએ તો સુખી થઈએ. એની મહત્તા સમજીને એ કાર્ય પણ કરીએ છીએ. સંસાર માટે આ બધાની જરૂર છે જ, પણ એની પછવાડેની દોટથી આપણી મુક્તિ નથી. વિજ્ઞાને આપણને ગતિ આપી, પણ દિશા આપી નથી. ભગવાન અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન વિજ્ઞાને બતાવ્યું નથી.
આ શરીરથી આપણે શું કરવા આવ્યા છીએ? એનો આપણે વિચાર કરવાનો છે. સારી વસ્તુનો સારો ઉપયોગ કરીએ તો લાભ થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આપણે અક્ષરરૂપ થવું ને પુરુષોત્તમની ભક્તિ કરવી. અક્ષરરૂપ થવા જ પૃથ્વી પર આવ્યા છીએ. તમે આખી દુનિયાનું કામ કરો, એની કોઈ ના નથી, પણ જન્મમરણનું દુઃખ ટળે ક્યારે? એનો પહેલો વિચાર કરવો. હું ને મારું છૂટી જશે તો મમતા જશે, પણ હું છુ  જ નહીં. આ શરીરને નામ આપ્યું છે, પણ આપણું નથી. આપણે જન્મ્યા પહેલાં કંઈ હતું નહીં અને દેહ મૂક્યા પછીય કાંઈ નથી, પણ મમતા થઈ ગઈ છે. આત્મા અજર, અમર, સુખરૂપ, સત્તારૂપ છે. એને નાત-જાત કશું જ છે નહીં. આત્મા અંદરથી ચાલ્યો જાય પછી આ શરીરને અગ્નિસંસ્કાર થાય. શરીરમાં જે મુખ્ય તત્ત્વ, જેને લઈને આપણે કામ કરીએ છીએ, બોલીએ ચાલીએ છીએ, એ તત્ત્વ ભગવાન છે. એને ઓળખવાના છે.
સત્પુરુષને વિષે આત્મબુદ્ધિ માનવી તો ભગવાન ઓળખાય. એવા સત્પુરુષ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ છે. તેમણે આ જ્ઞાન સિદ્ધ કરેલું છે. તેમના સંગે આત્મા-પરમાત્માના જ્ઞાનની દૃઢતા થશે તો હરખ-શોક ચાલ્યો જશે ને શાંતિ શાંતિ થશે. આ જ્ઞાન આપણી મુક્તિ કરનારછે.
ક્ષમા, ધીરજ રાખવાથી વેર ઘટે...
ભગવાન સર્વશક્તિમાન છે. ભગવાન પ્રેમી ભક્તોના સંકલ્પો પૂરા કરવા આ પૃથ્વી ઉપર આવે છે. ભગવાન આપણા માટે આવીને જ્ઞાન, સમજણ અને શાસ્ત્રોનો મત સમજાવીને નિષ્ઠા-દૃઢતા કરાવે છે અને દરેક સાથે એના જેવા થઈ જાય છે.
શ્રીજીમહારાજનો સિદ્ધાંત લઈને આ યજ્ઞ શાસ્ત્રીજી મહારાજે આરંભ્યો છે. એ યજ્ઞમાં આપણે આહુતિ આપવાની છે. આ આહુતિ શું છે? એમની આજ્ઞા, ઉપદેશ, ઉપાસના, એમનું સ્વરૂપ ઓળખવાનું અને એમાં કદાચ આપણને સુખદુઃખ આવે તોપણ એને સહન કરીને ભગવાનને સમર્પણ થઈ જવાનું. કોઈપણ વાત કરવી હોય તો ધમાલ કરીને ન થાય. વેરથી વેર સમે નહિ, વધે, પણ એમાં ક્ષમા, ધીરજ રાખવાથી વેર ઘટી જાય.
ભગવાન અને મોટા સંતો વેર કરવા આવતા નથી. ભલે કોઈ ગમે તે બોલે, પણ એનું સારું કરવા આવ્યા છે. શાસ્ત્રીજી મહારાજે ઘણી જાતની ઉપાધિઓ સહન કરી છે. જોગી મહારાજ કહેતાઃ 'ભગવાન સર્વનું ભલું કરો.' કોઈ માણસ દુઃખી થાય એવું જોગી મહારાજના સંકલ્પમાં ય નહિ. એ દરેકમાં ભગવાન જુ એ. મનના વિકારને લઈને આપણે એવું જ જોઈએ છીએ. આપણી દૃષ્ટિ જ્યારે આત્મદૃષ્ટિ થશે, બ્રાહ્મી દૃષ્ટિ થશે ત્યારે બધું સારું દેખાશે.
અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન શાસ્ત્રીજી મહારાજે દૃઢ કરીને આપણને આદેશ આપ્યો છે. સુખદુઃખ આવે પણ જ્ઞાનની દૃઢતા થાય તો આત્માને શાંતિ મળે. આ યજ્ઞમાં તન, મન, ધનથી જેટલી સેવા થાય તેટલી કરવી.
ઘરમાં અને બહાર બધે જસ્વચ્છતા રાખવી આપણી ફરજ છે...
પવિત્રતા જીવનમાં અગત્યની વસ્તુ છે. એ ન હોય તો રોગ થાય. દરેકે પોતાના ઘરની આગળ ગંદકી હોય તો સ્વચ્છતા કરવી. ગામમાં, શહેરમાં સ્વચ્છતા કરો તો દરેકને ઘણી રાહત થઈ જાય છે. શાસ્ત્રોમાં પણ આ વાત લખી છે. શ્રીજીમહારાજે પણ વાત કરી છે. વ્યસન-દૂષણ કરો એટલે આરોગ્ય બગડવાનું છે.
એમ ઘરમાં, બહાર કચરો હોય તો રોગ થાય. એટલે આપણી ફરજ છે કે બરાબર સ્વચ્છતા રાખવી. દરેક પોતાની રીતે સ્વચ્છતા રાખે તો એ પણ એક સમાજસેવા છે. ગુજરાતમાં હમણા 'નિર્મળ ગુજરાત'ની યોજના ચાલે છે. તેમાં નાના-મોટા બધા સહકાર આપે તો જ કામ થાય. પૈસા આપવાના નથી, પરંતુ એક કલાક મહેનત કરવાની છે. દરરોજનો નિયમ હોય તો સફાઈ થાય. શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ધર્મનાં સ્થાન, જાહેર સ્થળોએ ઝાડા-પેશાબ કરવા નહિ. આપણા લાભની વાત છે. લાખો-કરોડોને લાભ થશે તો મોટી સેવા થશે.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |