Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ભાવનગરના આંગણે પ્રમુખસ્વામી મહારાજ

જનકલ્યાણ કાજે ૮૬ વર્ષની વયે પણ સ્વામીશ્રીની વિચરણભાગીરથી અવિરત વહેતી રહી છે. તા. ૨૪-૦૨-૦૭ના રોજ સ્વામીશ્રી મુંબઈથી ગોહિલવાડના કેન્દ્રસમા ભાવનગર ખાતે પધાર્યા હતા. ભાવનગરમાં અક્ષરવાડી ખાતે રચાયેલું નૂતન મંદિર ભારતની પ્રાચીન સ્થાપત્યકલાનો અને સનાતન ધર્મની આધ્યાત્મિક ઊંચાઈનો વિશેષ પરિચય કરાવી રહ્યું છે. અહીં તા. ૨૪-૦૨-૦૭થી તા. ૦૨-૦૩-૨૦૦૭ સુધી બિરાજીને સ્વામીશ્રીએ ભાવનગરવાસીઓને સત્સંગનો દિવ્ય લાભ આપ્યો હતો. સ્વામીશ્રીના અત્રેના રોકાણ દરમ્યાન હજારો હરિભક્તો-ભાવિકોએ સ્વામીશ્રીનાં દર્શન અને આશીર્વચનનો લાભ પ્રાપ્ત કર્યો હતો. ૧૦૦ વર્ષ પૂર્વે સ્થપાયેલી બી.એ.પી.એસ. સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવન અને કાર્યને કેન્દ્રમાં રાખીને, નિત્ય સંધ્યા સત્સંગસભામાં યુવકમંડળ દ્વારા, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા અને એ સમયના વિકટ સંજોગોને નજર સમક્ષ તાદૃશ્ય કરાયા હતા.
ભાવનગરમાં સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોની ઝાંખી અત્રે પ્રસ્તુત છે...
સ્વાગતસભા...
તા. ૨૪-૦૨-૨૦૦૭ના રોજ સંધ્યા સત્સંગસભામાં ભાવનગરવાસીઓએ સ્વામીશ્રીને ભક્તિભાવપૂર્વક સત્કાર્યા હતા. હજારો ભક્તોથી ઊભરાતી આજની સ્વાગતસભાનો વિશાળ મંચ  બી.એ.પી.એસ. શતાબ્દીની ધ્વજાઓથી શોભી રહ્યો હતો. ભાવનગર યુવક મંડળે સ્વાગતનૃત્ય દ્વારા સ્વામીશ્રીને વધાવ્યા હતા. આજથી એક સપ્તાહ સુધી ચાલનારી 'અક્ષરપુરુષોત્તમ સંસ્થાની શતાબ્દીગાથા'નો વિવેકસાગર સ્વામીએ પ્રારંભ કર્યો હતો. ભાવનગર મંદિરના કોઠારી સોમપ્રકાશ સ્વામીએ સમગ્ર સત્સંગ મંડળ વતી સ્વામીશ્રીને પુષ્પહારથી સત્કાર્યા હતા. ત્યાર બાદ બાળકો-કિશોરોએ સ્વાગતનૃત્ય રજૂ કરીને સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું. નૃત્ય બાદ શાસ્ત્રીજી મહારાજના વ્યક્તિત્વને વર્ણવતો 'અજાતશત્રુ શાસ્ત્રીજી મહારાજ' સંવાદ રજૂ થયો હતો. આજે સ્વામીશ્રીને સત્કારવા માટે શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભાજપના સાંસદ શ્રી સુનીલભાઈ ઓઝા તથા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. પૂર્વમંત્રી શ્રી શક્તિસિંહ ગોહિલ તથા ભાવનગર શહેરના મેયર શ્રી મેહુલભાઈ વડોદરિયાએ ભાવોર્મિ વ્યક્ત કરી હતી.
અક્ષરદ્વારનું ઉદ્‌ઘાટન...
ભાવનગરના વિશાળ મંદિર પરિસરમાં મંદિરના મધ્યપથ પર ગુલાબી પત્થરનો કલામંડિત સુંદર અક્ષરદ્વાર નિર્માણ પામ્યો છે. મંદિરના આ કલામંડિત પ્રવેશદ્વાર 'અક્ષરદ્વાર'નું તા. ૨૫-૦૨-૦૭ના રોજ સ્વામીશ્રીએ વિધિવત્‌ ઉદ્‌ઘાટન કર્યું હતું. આજે સાંજે રવિ સત્સંગસભામાં મોટી સંખ્યામાં હરિભક્તો-ભાવિકો સ્વામીશ્રીના દર્શન-આશીર્વાદ માટે ઊમટી પડ્યા હતા. વિવેકસાગર સ્વામીની રસાળ શૈલીમાં રજૂ થતી શતાબ્દીગાથાના નિરૂપણ બાદ બાળકોએ 'અમે બી.એ.પી.એસ.ના બાળવીરો...' ગીતના આધારે ભક્તિનૃત્ય રજૂ કરીને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના દિવ્ય વ્યક્તિત્વથી એ સમયના ઘણા મહાનુભાવો પ્રભાવિત થયા હતા. શાસ્ત્રીજી મહારાજના આ પ્રભાવને રજૂ કરતો સંવાદ 'શાસ્ત્રીજી મહારાજ મહાનુભાવોની નજરે' રજૂ થયો હતો. ત્યાર બાદ બાળકોએ 'શતાબ્દી મહોત્સવ આવ્યો...' ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું હતું. જેમાં 'ઝંડા વિશ્વમાં ફરકાવે, પ્રમુખસ્વામી મહારાજ...' એ કડી આવી ત્યારે એક બાળકે સ્વામીશ્રીને ધ્વજ આપ્યો. સ્વામીશ્રીએ આ ધ્વજ લહેરાવીને ઉપસ્થિત ભક્તસમુદાયને અદ્‌ભુત સ્મૃતિ આપી હતી.
ગુરુપૂજન કાર્યક્રમ...
તા. ૨૭-૦૨-૨૦૦૭ના રોજ પ્રાતઃ સમયે ગુરુપૂજન કાર્યક્રમ નિમિત્તે મહાપૂજાવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં હરિભક્તોએ આ મહાપૂજાવિધિનો લાભ લીધો હતો. મહાપૂજાવિધિ બાદ સ્વામીશ્રીની પાવન ઉપસ્થિતિમાં ગુરુમહિમાના શ્લોકોનું ગાન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું. સભાના અંતમાં હરિકૃષ્ણ મહારાજ તથા સ્વામીશ્રીનાં ચરણોમાં મંત્રપુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આજે સંધ્યા સત્સંગસભામાં ભાવનગર જિલ્લાના કલેક્ટર શ્રી પ્રદીપભાઈ શાહ સ્વામીશ્રીનાં દર્શને પધાર્યા હતા. ગુજરાત સરકારના 'નિર્મળ ગુજરાત' કાર્યક્રમ અંતર્ગત ભાવનગરમાં તેમની આગેવાની હેઠળ સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ માટે તેઓએ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સ્વામીશ્રીએ પણ સૌને આ અભિયાનમાં સહકાર આપવા સૌને હાકલ કરી હતી.
દાઉદી વોરા સમાજના આગેવાનો સ્વામીશ્રીની મુલાકાતે...
તા. ૨૮-૦૨-૨૦૦૭ના દાઉદી વોરા સમાજના આગેવાનોએ સ્વામીશ્રીની મુલાકાત લીધી હતી. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સમયથી અહીંના વોરા સમાજના ભક્તો સંસ્થા પ્રત્યે સદ્‌ભાવ ધરાવતા રહ્યા છે. આજે ભાવનગર ખાતે બી.એ.પી.એસ. મંદિરે પધારીને વોરા સમાજના અગ્રણીઓએ  સ્વામીશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી, શાલ ઓઢાડી અભિવાદન કર્યું હતું. સ્વામીશ્રીએ પણ તેમનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું.
સ્વામીશ્રીએ કરેલી સમાજસેવાના કાર્યથી પ્રભાવિત થતા દાઉદી સમાજના અગ્રણી ધર્મગુરુએ સ્વામીશ્રીની સમાજસેવાના કાર્યથી પ્રભાવિત થતાં જણાવ્યું હતું : 'હું માનું છું કે આપે સમાજને જે લેવલ ઉપર પહોંચાડ્યો છે, એ કાબિલે તારીફ છે, બેમિસાલ છે. આપનામાંથી ઘણું શીખવા જેવું છે. આપની એ મોટપ છે કે આપ બધાને આવકારો છો.' સહજ વાતચીતમાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'ભગવાન સ્વામિનારાયણના વખતથી અમારે નાત-જાત જોવાતી નથી. બધામાં ભગવાન જોવા એ જ એમની રીત હતી.'
આજરોજ સ્વામીશ્રીએ ધોરણ ૧૦ અને ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આશીર્વાદ પાઠવ્યા હતા.
આજે સંધ્યા સત્સંગસભામાં સૌરાષ્ટ્ર સમાચાર દૈનિકના માલિક શ્રી પ્રતાપભાઈ શાહ સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ માટે આવ્યા હતા. સ્વામીશ્રીના મંદિર નિર્માણના કાર્યથી પ્રભાવિત થતાં તેમણે જણાવ્યું હતું : 'ભાવનગરમાં જ નહિ, દેશ અને પરદેશમાં પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે સૌને જબરજસ્ત શ્રદ્ધા છે. તેનું કારણ એમની સત્યનિષ્ઠા છે. તેમની આર્ષદૃષ્ટિ કેટલી દીર્ઘ છે ! એક જમાનામાં વસ્તુપાળ તેજપાળે દેલવાડાનાં મંદિરો બાંધ્યાં હતાં. આજે પણ એ મંદિરો સંસ્કૃતિનાં પ્રતીકસમાં ઊભાં છે. સ્વામીજીએ ૨૫-૩૦ વર્ષમાં કેટલાં ભવ્ય મંદિરો બાંધ્યાં! જેનો પ્રભાવ હજારો વર્ષો સુધી રહેશે. આજે દેશ અને પરદેશમાં અનિષ્ટ તત્ત્વોનો વધારો થતો ગયો હોય એમ અનુભવાય છે ત્યારે સ્વામીશ્રીએ હજારોને અનિષ્ટના માર્ગેથી સારાં કામ તરફ વાળ્યા છે. કોઈની સાથે વેરઝ õર નહિ ને ગીતામાં જે કહ્યું છે એ પ્રમુખસ્વામીએ આચરણમાં મૂકીને બધાને પ્રભાવિત કર્યા છે. તેઓમાં સદ્‌ગુણોનો જે પાયો છે, એ દુર્લભ છે.'
સંસ્થાની શતાબ્દીનો ઉદ્‌ઘોષ...
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ઠેર ઠેર વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભાવનગર ખાતે પણ તેઓના સાંનિધ્યમાં પ્રાદેશિક ઉદ્‌ઘોષનો એક વિશેષ કાર્યક્રમ યોજાઈ ગયો હતો.
તા. ૦૧-૦૩-૨૦૦૭ના રોજ આ વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામીશ્રીના સાંનિધ્યમાં બી.એ.પી.એસ. સંસ્થાની શતાબ્દીનો ઉદ્‌ઘોષ કરતી આ પ્રથમ પ્રાદેશિક સભા હતી.
સ્વામીશ્રી જ્યારે પોતાના નિવાસસ્થાનેથી સભાસ્થળે જવા નીકળ્યા ત્યારે મંદિરના શિખરની અગાશીથી માંડીને ચારે તરફ આવેલી પ્રદક્ષિણાની અગાશી ઉપર ઊભેલાં બાળકો બી.એ.પી.એસ.નો વિજયધ્વજ લહેરાવીને સ્વામીશ્રીનું અભિવાદન કરી રહ્યાં હતાં. 
આજની સભામાં વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક ઉદ્‌બોધન બાદ સોમપ્રકાશ સ્વામીએ આભારવિધિ કર્યો હતો. શ્રી જયદીપભાઈ ગોહિલ તથા શ્રી ચિરાગ પટેલે પુનર્મુદ્રિત થયેલા 'યોગીજી મહારાજના જીવનચરિત્ર'નું સ્વામીશ્રી પાસે ઉદ્‌ઘાટન કરાવ્યું હતું. પાંદડે પાંદડે અક્ષરપુરુષોત્તમ મહારાજનું નામ અંકિત કરેલી શાલ વિવેકસાગર સ્વામી તથા સોમપ્રકાશ સ્વામીએ સ્વામીશ્રીને અર્પણ કરી હતી. 
સ્વામીશ્રીએ બી.એ.પી.એસ.ના પ્રતીક સાથેના ફુગ્ગાઓને ગગનગામી કરીને સૌને વિશેષ સ્મૃતિ આપી હતી. સભાના અંતે ઉપસ્થિત જનમેદનીએ સમૂહ આરતી ઉતારી હતી. આમ, સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં બી.એ.પી.એસ. સંસ્થાની શતાબ્દીના ઉદ્‌ઘોષની સભા ભવ્યતાપૂર્વક ઊજવાઈ ગઈ.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |