Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

યોગીજી મહારાજ પ્રાકટ્ય ઉત્સવ

તા. ૧૪-૫-૨૦૦૭ વૈશાખ વદ ૧૨નો ઐતિહાસિક દિન એટલે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો ૧૧૫મો પ્રાકટ્યદિન. યોગીજી મહારાજના સર્વસ્વ સમા પ્રમુખસ્વામી મહારાજની સંનિધિમાં આફ્રિકાના ભક્તોએ ભક્તિભાવપૂર્વક યોગીજી મહારાજ પ્રાકટ્યોત્સવ ઊજવ્યો. આજે નૈરોબી મંડળની વિનંતી સ્વીકારી સ્વામીશ્રીએ નૈરોબીમાં ઊછરેલા બે પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી. સવારે મંગળા આરતી પછી ઈશ્વરચરણ સ્વામીની ઉપસ્થિતિમાં દીક્ષાવિધિ માટેનો પૂર્વ મહાપૂજાવિધિ ચાલુ કરી દીધો હતો. સ્વામીશ્રીએ પ્રાતઃપૂજા બાદ દીક્ષાવિધિ કર્યો. રોમહર્ષ ભગતનું નામ સાધુ જ્ઞાનયોગીદાસ પાડવામાં આવ્યું ને રંતિદેવ ભગતનું નામ સાધુ સિદ્ધયોગીદાસ પાડવામાં આવ્યું. સાથે સાથે કેટલાક બટુકોને યજ્ઞોપવીત પણ આપ્યાં.
આજના યોગી જયંતીના પુણ્ય પ્રસંગે કેન્યા ટ્રસ્ટી મંડળ, એલ્ડોરેટ, ભારત, દક્ષિણ આફ્રિકા, ટાંઝાનિયા, ઝાંબિયા, ઇન્ડોનેશિયા, દારેસલામ, અમેરિકા, આૅસ્ટ્રેલિયા તથા ઇંગ્લૅન્ડના ઘણા હરિભક્તો લાભ લેવા ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણી હરિભક્તોએ સ્વામીશ્રીને હાર પહેરાવીને સન્માન્યા. આ રીતે આજનો સમગ્ર ઉત્સવ આંતરરાષ્ટ્રીય બની ગયો.
આજના આ શુભ અવસરે સંજય છોટ <ભાઈ અજમેરાના મુખ્ય યજમાનપદે હરિભક્તોએ ૭૩૮ વાનગીઓનો અદ્‌ભુત અન્નકૂટ રચ્યો હતો. બધી મૂર્તિઓએ ફૂલના વાઘા ધારણ કર્યા હતા. સ્વામીશ્રીએ અન્નકૂટની આરતી ઉતારી.
સાંજે યોગી જયંતીની વિશિષ્ટ સભામાં બ્રહ્મપ્રકાશ સ્વામી દ્વારા રચિત 'યોગી ચરિતમ્‌' સંવાદ પ્રસ્તુત થયો હતો. યોગીજી મહારાજના જીવન અને સાધુતાના ગુણો ઉપર પ્રકાશ પાડતા આ સંવાદની સુંદર રજૂઆત થઈ. અંતમાં સ્વામીશ્રીએ અમૃતવાણી વહાવી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની દિવ્યતાને તાદૃશ કરી દીધી હતી.
ગુરુભક્તિદિન
બી.એ.પી.એસ. શતાબ્દીના ઉપક્રમે સંસ્થાના પર્યાય અને પ્રાણ સમા ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજને વધાવવા આફ્રિકા સત્સંગ મંડળ થનગનતું રહ્યું. આથી આજે ગુરુભક્તિ દિન ભક્તિભાવપૂર્વક ઊજવાયો હતો.
તા. ૧૫મી મે નો દિવસ નૈરોબી ખાતેનો અંતિમ દિવસ હોઈ સૌ હરિભક્તો સ્વામીશ્રીનાં ચરણોમાં ગુરુઅર્ઘ્ય ધરવા ઉપસ્થિત રહ્યા હતા. પ્રાતઃપૂજામાં સંતો, હરિભક્તોએ ગુરુગુણનાં કીર્તનો દ્વારા સ્વામીશ્રીને ભાવવંદના કરી. શિશુ બાળકોએ ગુરુભક્તિ નૃત્ય રજૂ કર્યું. પૂજા પછી સ્વામીશ્રી ઊભા થયા એટલે આસન ખસેડી લેવામાં આવ્યું. પાછળ બોચાસણ મંદિરની પાર્શ્વભૂ શોભતી હતી. બોચાસણના ભવ્ય દ્વાર વચ્ચે સ્વામીશ્રી ઊભા રહ્યા અને બી.એ.પી.એસ.નો ઝંડો ફરકાવ્યો ત્યારે શતાબ્દીના જયનાદોથી સભાગૃહ ગૂંજી ઊઠ્યો હતો.
સાયંસભામાં વિવેકસાગર સ્વામીએ પારાયણ સપ્તાહની પૂર્ણાહૂતિ કરી. સવારની સભામાં રોજ આત્મતૃપ્ત સ્વામીએ 'બ્રહ્મોપનિષદ' ઉપર નિરૂપણ કર્યું હતું. સતત નવ દિવસ સુધી સૌને પોતાના દિવ્ય સાન્નિધ્યમાં કથામૃત અને ભક્તિરસમાં તરબોળ કરી સ્વામીશ્રી આજે વિદાય લઈ રહ્યા હતા. નૈરોબી મંદિરના કોઠારી ભક્તવત્સલ સ્વામીએ આભાર પ્રવચન કર્યા પછી અહીંના બાળ, કિશોર, યુવકોએ 'અમે આફ્રિકાના રહેવાસી બાના ગુર્જર ગુજરાતી' એ ગીતના આધારે આફ્રિકન તેમજ ગુજરાતી શૈલીમાં મિશ્રિત નૃત્ય કર્યું. અરવિંદભાઈ સાહેબે તથા મહેન્દ્રભાઈ બૅરિસ્ટરે, સ્વામીશ્રીનો અને સૌનો આભાર માન્યો. ચાર્ટર્ડ પ્લેનના પ્રાયોજક યજ્ઞેશભાઈ દેવાણી તથા સુભાષભાઈ પટેલનો પણ આભાર માન્યો. ડેપ્યુટી હાઈકમિશનર શુક્લ સાહેબને સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત થયા.
સ્વામીશ્રીએ અહીં પધારીને અનેક સંસ્કારીજનોના સંસ્કાર જાગ્રત કરી આપ્યા. સ્વામીશ્રીના પગલાં થતાંની સાથે જ સમગ્ર નૈરોબી શહેરનું વાતાવરણ બદલાઈ ગયું હતું. સ્વામીશ્રીના રોકાણ દરમ્યાન ૫૧,૦૦૦ જેટલા હરિભક્તો અને ગુણભાવીઓએ પ્રસાદ લીધો. આમ નૈરોબીમાં અદ્‌ભુત, અવર્ણનીય ઉત્સવો ઊજવાઈ ગયા. સૌની ભાવભીની વિદાય લઈ સ્વામીશ્રી યુગાન્ડા પધાર્યા.        

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |