Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

પાટોત્સવ

સને ૨૦૦૪માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં કરકમળો દ્વારા ઉદ્‌ઘાટિત થયેલું હ્યુસ્ટનનું ભવ્ય શિખરબદ્ધ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર અહીં આધ્યાત્મિક સ્પંદનો વહાવી રહ્યું છે. આજે બરાબર ત્રણ વર્ષ બાદ તા. ૧-૭-૦૭ના રોજ પ્રેરણામૂર્તિ સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં આ મંદિરનો તૃતીય પાટોત્સવ ધામધૂમપૂર્વક ઊજવાઈ ગયો. સાથે સાથે પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીએ હ્યુસ્ટન મંદિરના નૂતન સભામંડપનોખાતવિધિ કરીને અહીંના હરિભક્તોને એક અણમોલ ભેટ આપી હતી.
ઈશ્વરચરણ સ્વામી તથા ત્યાગવલ્લભ સ્વામીએ પાટોત્સવનો પૂર્વવિધિ પૂર્ણ કર્યા બાદ સ્વામીશ્રીએ મંદિરના ઘુમ્મટમાં મોટા કમળની ઝારીમાં જળની ધારા કરી અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિઓને અભિષિક્ત કરી હતી. આ પ્રસંગે મંદિરમાં ઉપસ્થિત સર્વે હરિભક્તો-ભાવિકોને પણ મૂર્તિઓના અભિષેક વિધિનો લાભ પ્રાપ્ત થયો હતો. આજે રાઈસ યુનિવર્સિટી બોર્ડના મેમ્બર શ્રી રાલ્ફ ઓ કોન્નર તથા જાણીતા ઉદ્યોગપતિ વિજયભાઈ ગોરડિયા સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા. સ્વામીશ્રીના માર્ગદર્શન હેઠળ બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા કરવામાં આવતા સમાજસેવાના કાર્યને તેઓએ બિરદાવ્યું હતું.
સંધ્યા સમયે બી.એ.પી.એસ. શતાબ્દી સભાનો પ્રારંભથયો.  પરંપરાગત પરિવેશમાં સજ્જ બાળકો અને સ્વામીશ્રીના નિવાસસ્થાનથી સભામંડપ સુધીના માર્ગની બન્ને બાજુ  બી.એ.પી.એસ.નો ધ્વજ લહેરાવી રહેલા હરિભક્તોએ સ્વામીશ્રીને વધાવ્યા. ડલાસ બૅન્ડની આગેવાની હેઠળ સ્વામીશ્રી સભામંડપમાં પધાર્યા. બાળકો-યુવકોએ વિશિષ્ટ કાર્યક્રમો રજૂ કરી સંસ્થા શતાબ્દીની સ્મરણ-યાત્રા કરાવી હતી. ત્યારબાદ યુવકોએ 'અક્ષરધામ નૃત્ય' રજૂ કરી, અક્ષરધામના પ્રેરણામૂર્તિ સ્વામીશ્રીને અંજલિ અર્પી. આનંદસ્વરૂપ સ્વામીએ દેશ-વિદેશમાં વિચરીને સત્સંગ અને સમાજના વિકાસ માટે સ્વામીશ્રીએ કરેલા અગાધ પુરુષાર્થની સૌને ઝાંખી કરાવી હતી. પ્રવચન બાદ મહિલામંડળે બનાવેલા વિવિધ કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી. આજની આ વિશિષ્ટ સભામાં રાલ્ફ ઓ. કોન્નર તથા ડૉ. કુલીન પંડ્યા અતિથિવિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ સભામાં ઉપસ્થિત સર્વ હરિભક્તો નિયમિત ઘરસભા-રવિસભા, વચનામૃત અને સ્વામીની વાતોનું પઠન વગેરે વિવિધ નિયમો ગ્રહણ કરી સત્સંગની દૃઢતા માટે કટિબદ્ધ થયા હતા.
સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'ભગવાને આપેલી બુદ્ધિ-શક્તિનો ખ્યાલ રહેતો નથી એટલે માણસને અહં આવે છે. ને અહં આવે એટલે જ જગતમાં એની પડતી થાય છે. કોઈ પણ જાતનો અહં કરવાનો છે જ નહીં. ભગવાને જ બધું કર્યું છે ને ભગવાન જ કરે છે, આપણે કંઈ કરતા નથી. ધર્મસંબંધી, સમાજ-સંબંધી જે કંઈ કાર્ય કરીએ છીએ એ પણ ભગવાનની પ્રેરણાથી થાય છે. સર્વકર્તા પરમાત્મા છે, એવો  નિશ્ચય પહેલો થવો જોઈએ. જેમ જનરેટરથી બધે લાઇટ મળે છે, પ્રકાશ મળે છે, એમ આપણે ગમે એવા બુદ્ધિશાળી હોઈએ, પણ આપણા આત્મામાં પ્રકાશ કરનાર પરમાત્મા ન હોય તો કાંઈ ન થાય. એટલે મૂળ વસ્તુ ભગવાન છે. એનો જેટલો આશરો કરીશું, એની જેટલી મહત્તા સમજીશું એટલી આપણને સારી પ્રેરણા મળશે. ભગવાનની મરજી સિવાય કોઈ કાર્ય થતું નથી. સૂર્યમાં, ચંદ્રમાં તેજ આપનાર ભગવાન છે. વાયુ વાય છે તો તે ભગવાનની જ પ્રેરણા છે. જગતના કર્તા પરમાત્મા છે ને એ જ બધું કાર્ય કરે છે. એટલી દૃઢ નિષ્ઠા જો આપણા જીવમાં થાય તો પછી આપણને કોઈ દુઃખ ન લાગે.
કેટલાકને એવું લાગે કે આટલી ભક્તિ, સત્સંગ, સેવા કરું છુ _ તો મને આટલું દુઃખ કેમઆવે છે ? પણ ભગવાન કોઈને દુઃખી કરવા ïઆવ્યા જ નથી. એ તો બધાનું સારું થાય એ સંકલ્પથી આવ્યા છે, પણ આપણાં કર્મ, આપણો અહં, આપણી અંદર રહેલા દોષોને લઈને આ બધી ગરબડ થાય છે. 'મેં કર્યું, મારાથી થયું, હું કરું છુ _, મારા વગર કોઈ કરી શકે નહીં' એવું અભિમાન કરશો તો દુઃખી થશો. જેને જેને અભિમાન આવ્યું છે એનું પતન થયું છે.'
આશીર્વાદ સમાપ્તિ પછી યુવકોએ 'અક્ષરપુરુષોત્તમના ડંકા....' એ નૃત્ય રજૂ કર્યું. સ્વામીશ્રીએ પણ ધજા લહેરાવીને સૌને વિશેષ સ્મૃતિ આપી હતી.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |