Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

રથયાત્રા - બાળદિન

તા. ૧૬-૭-૦૭ના રોજ સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં રથયાત્રા અને બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. રથયાત્રાના આ પવિત્ર પર્વે સ્વામીશ્રીનું દિવ્ય સાંનિધ્ય ટોરન્ટોના હરિભક્તો માટે યાદગાર અવસર હતો. સ્વામિનારાયણ હવેલીના કલાત્મક પ્રવેશકક્ષમાં રથયાત્રાને અનુરૂપ અદ્‌ભુત દૃશ્ય ખડું કરીને મહિલામંડળે પોતાની ભક્તિ અદા કરી હતી.
સવારે હરિમંદિરમાં રથ પર બિરાજમાન ઠાકોરજીનાં દર્શન કરી સ્વામીશ્રી પ્રાતઃપૂજામાં પધાર્યા. પૂજામાં સંતોએ આજના ઉત્સવને અનુરૂપ કીર્તનોનું ગાન કર્યું હતું. આજે સિટી ઇન્સ્પેક્ટર શ્રી એન્ડ્રૂ વૉયલ, ફાયર ઇન્સ્પેક્ટર શ્રી વિન્સટંટ, નોર્ધન્ટન ગ્રૂપ હૉટલના માલિક શ્રી નગીનભાઈ પટેલ તથા મંદિર માટેના એચ.વી.એ.સી. કોન્ટ્રાક્ટર શ્રી સુધીર મદન સ્વામીશ્રીના પ્રાતઃપૂજા દર્શને પધાર્યા હતા. સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી તેઓ કૃતાર્થ થયા. આજે ગુજરાતી સમાજના અગ્રણીઓ શ્રી દીપકભાઈ રૂપારેલ તથા શ્રી સુરેશભાઈ ઠકરાર પણ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેઓએ મંદિર મહોત્સવમાં અનન્ય સેવાઓ કરીને સ્વામીશ્રીની પ્રસન્નતા મેળવી હતી.
ટોરન્ટોના રોકાણ દરમ્યાન વિવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવો સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. આજે ઓન્ટોરિયો રાજ્યના નાણામંત્રી શ્રી ગ્રેગ સોર્બરા તથા  સાંસ્કૃતિક મંત્રી શ્રી માઈકલ કોકે મંદિરના પ્રેરક અને નિર્માતા સ્વામીશ્રીનાં આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
આજે સંધ્યા સત્સંગસભામાં બાળદિનનો માહોલ છવાયો હતો. બાળકોને સદાચારી બનવાની અને અભ્યાસી થઈને પુરુષાર્થ કરવાની પ્રેરણા આપતો 'રમકડાં બોલે છે' સંવાદ રજૂ થયો. શિશુઓએ 'સ્વામિનારાયણ નામની હો....' એ કીર્તનના આધારે નૃત્ય રજૂ કરી સ્વામીશ્રીને પ્રસન્ન કર્યા.
આજની આ સભામાં કોન્સલ જનરલ આૅફ ઇન્ડિયા શ્રી સતીશભાઈ મહેતા, સાંસદ શ્રી રોય કલન અને મેમ્બર આૅફ પ્રોવિન્સ ડૉ. શફીક કાદરી અતિથિવિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડીલ સંતોએ પુષ્પહારથી સૌ મહાનુભાવોને સન્માન્યા. શ્રી સતીશ મહેતાએ પ્રાસંગિક પ્રવચન દ્વારા સ્વામીશ્રીના મંદિર નિર્માણના કાર્યને બિરદાવ્યું હતું.
આજની સભામાં ભારતીય સમાચાર સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત હતા. સમગ્ર બાળમંડળ વતી ટોરન્ટો બાળમંડળના કાર્યકરોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં હાર અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું: 'જો બાળકોમાં સંસ્કાર હશે તો કુટુંબમાં, સમાજમાં, દેશમાં બધે શાંતિ રહેશે. સંસ્કાર વગરનું જીવન નકામું છે.
બાળક જન્મે ત્યારથી જ એમાં સારા સંસ્કાર હોય છે, પણ પછી સારો યોગ નથી રહેતો એટલે ખોટે રસ્તે ચઢી જાય. જેવો સંગ એવો રંગ. એટલે સત્સંગ જેવો કોઈ સંગ નથી. સત્સંગ એટલે એવા સાચા સંતનો સંગ કે જેના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સત્ય, દયા, અહિંસા જેવા ગુણો હોય. એને શરણે જઈએ તો આપણામાં સારા ગુણો આવે. 
બાળકોને સારા બનાવવા છે તો ઘરસભા કરવી. જે ભગવાનને માનતા હો એનું ઘરમાં એક મંદિર રાખવું. એમાં દરરોજ ભજન-પ્રાર્થના થાય. બાળકોને ખબર પડે કે આ રામની મૂર્તિ છે, કૃષ્ણની, શિવજી, હનુમાનજી, ગણપતિની મૂર્તિ છે. સ્વામિનારાયણ ભગવાન, ગુણાતીતાનંદ સ્વામી, જોગી મહારાજની મૂર્તિ છે, એની ખબર પડે. બાકી આજના છોકરા અહીં ભણતા હોય એને રામ, કૃષ્ણ કોણ થઈ ગયા એ ખબરેય ન હોય. બાળકોમાં સંસ્કાર વધારે દૃઢ થાય એના માટે માબાપે ખાસ કાળજી રાખવાની જરૂર છે. બાળસભા મંદિરમાં મોકલવાની, લાવવાની, લઈ જવાની વ્યવસ્થા કરવી. એટલું જો રાખશો તો તમને પણ સત્સંગ થશે. અહીંયાં મંદિર કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણા સંસ્કાર સચવાય. ભગવાનનાં દ્વાર દરેક જીવપ્રાણી માટે ખુલ્લાં જ છે. આપણે સારા ચારિત્ર્યવાન બનીશું તો ભગવાન રાજી થશે.'
આશીર્વાદ બાદ મંદિર માટે તૈયાર કરાયેલા સોવિનિયર મંદિરનું નિત્યવિવેક સ્વામી, ભગીરથભાઈ તથા દિક્ષનભાઈએ સ્વામીશ્રીના હસ્તે વિમોચન કરાવ્યું.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |