Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ટોરન્ટોમાં પ્રમુખસ્વામી મહારાજ

સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનાં સનાતન મૂલ્યો અને આદર્શોનો પ્રસાર કરનાર યુગવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ તા. ૧૫-૭-૦૭ના રોજ કેનેડાના મહાનગર ટોરન્ટો પધાર્યા હતા. સ્વામીશ્રીના આગમનનો મુખ્ય હેતુ હતો - મંદિર મહોત્સવ. ટોરન્ટોમાં પરંપરાગત ભારતીય શૈલીનું પથ્થરમાંથી નિર્મિત ભવ્ય શિખરબદ્ધ મંદિર રચીને સ્વામીશ્રીએ ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરી છે. તા. ૨૦-૨૧-૨૨, જુલાઈ દરમ્યાન આ અદ્‌ભુત મંદિરનો ભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ સ્વામીશ્રીના સાંનિધ્યમાં યોજાઈ ગયો. આ મહોત્સવના ઉપક્રમે ટોરન્ટો ખાતેના ૧૨ દિવસના રોકાણ દરમ્યાન સ્વામીશ્રીએ ટોરન્ટોમાં આધ્યાત્મિક મોજુ _ પ્રસરાવી દીધું હતું. મંદિરના ભવ્ય સભાગૃહમાં યોજાતી નિત્ય સત્સંગ સભામાં વડીલ સંતોના પ્રેરક પ્રવચન બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વામીશ્રીનાં આશીર્વચનોનો લાભ પ્રાપ્ત થતો હતો. રથયાત્રા ઉત્સવ, બાળદિન, યુવાદિન, પ્રશસ્તિ દિન જેવા વિવિધ ઉત્સવોની ઉજવણી દ્વારા યુવકો-કિશોરોએ ગુરુભક્તિ અદા કરી હતી. આ ઉપરાંત અહીં યોજાયેલી એક વિશિષ્ટ સભામાં કેનેડાના ૬૦૦થી પણ વધુ મહાનુભાવોએ  ઉપસ્થિત રહી સ્વામીશ્રીના કાર્યને બિરદાવ્યું હતું. અત્રે સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોની ઝલક પ્રસ્તુત છે.
સ્વાગત
કેનેડાની આર્થિક રાજધાની ટોરન્ટોમાં નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર રચીને સ્વામીશ્રીએ સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો એક વધુ તેજસ્વી દીપ વિશ્વ સમક્ષ પ્રગટાવ્યો છે. આ મંદિરને પ્રતિષ્ઠિત કરીને તેનાં દ્વાર ખુલ્લાં મૂકવા માટે તા. ૧૫-૭-'૦૭ના રોજ સ્વામીશ્રી ગલ્ફસ્ટ્રીમ - ચાર્ટર્ડ વિમાન દ્વારા ટોરન્ટો પધાર્યા ત્યારે હરિભક્તો, કેનેડાના અનેક મહાનુભાવો તેઓના સ્વાગત માટે ઊમટ્યા હતા. ઍરપૉર્ટના અધિકારીઓએ પણ સ્વામીશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ઍરપૉર્ટ પરથી સ્વામીશ્રી અહીં નિર્માણાધીન નૂતન મંદિરમાં પધાર્યા. મંદિરની મૂર્તિપ્રતિષ્ઠાવિધિના ઉત્સવને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી હોવાથી સંતો અને સ્વયંસેવકો દિવસ-રાત એક કરીને સેવામાં મંડ્યા હતા. આ ઉત્સવને સફળ બનાવવા મંદિરના અનેક વિભાગો છેલ્લા ઘણા દિવસોથી તનતોડ મહેનત કરી રહ્યા હતા. સ્વામીશ્રીના આગમનથી તેમને સેવા કરવાનું વિશેષ બળ પ્રાપ્ત થયું હતું. પ્રાણપ્યારા ગુરુહરિને સત્કારવા માટે આજે મોટી સંખ્યામાં હરિભક્તો-ભાવિકો પણ ઉપસ્થિત હતા. આ સંતો-હરિભક્તોના હૃદયના ભાવોને ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા. નીલકંઠ વણીનાં દર્શન અને અભિષેક કરી સ્વામીશ્રી સભામંડપમાં પધાર્યા.
આજની રવિસભા સ્વામીશ્રીની સ્વાગત સભા બની રહી હતી. સભામંડપમાં સ્વામીશ્રીનો પ્રવેશ થતાં જ દર્શનાર્થીઓએ તાળીઓના ગડગડાટથી સ્વામીશ્રીને વધાવ્યા. ત્યારબાદ ટોરન્ટોના યુવકો-કિશોરોએ સ્વાગત નૃત્ય રજૂ કરી સ્વામીશ્રીને સત્કાર્યા. વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ સંતો તથા અગ્રણી હરિભક્તોએ હાર પહેરાવી સ્વામીશ્રીને સન્માન્યા. સ્વામીશ્રીના આગમન સાથે, પ્રથમ દિવસે જ ટોરન્ટોના નભોમંડળમાં જાણે દિવ્યતા છવાઈ ગઈ હોય તેવો સૌને સહજ અનુભવ થયો.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |