Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ડલાસ અને લ્યુબકમાં મૂર્તિપ્રતિષ્ઠા

ડલાસમાં સત્સંગની વૃદ્ધિ ખૂબ થઈ રહી છે. હાલનું હરિમંદિર નાનું પડતું હોઇ નૂતન મંદિરનાં પગરણ મંડાઈ ચૂક્યાં છે. તા. ૨ સપ્ટેમ્બરના રોજ મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓ — આરસના શ્રીઅક્ષરપુરુષોત્તમ મહારાજ, શ્રીરાધાકૃષ્ણદેવ, શ્રીરામ-સીતા-હનુમાનજી, શ્રીશિવ-પાર્વતી-ગણપતિજી અને નીલકંઠ વણીનું તેમજ લ્યુબક (Lubbock) મંદિરની મૂર્તિઓનું પૂજન સ્વામીશ્રીએ કર્યું. તે પૂર્વે વડીલ સંતોએ મહાપૂજાવિધિ કરી લીધો હતો.
આજે ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત હતા તેથી અન્ય હરિભક્તો સી.સી.ટી.વી. વ્યવસ્થા દ્વારા વિધિને માણી રહ્યા હતા.  સંતોના પ્રાસંગિક પ્રવચન બાદ સ્વામીશ્રીએ પ્રથમ ડલાસમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓ સાથે લ્યુબક મંદિરની મૂર્તિઓનું પૂજન તથા આરતી કર્યાં. મંદિરનિર્માણમાં મોટી સેવા કરનાર હરિભક્તો ઉપર પુષ્પઅક્ષતની વર્ષા કરીને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા.
પ્રતિષ્ઠાવિધિ પછી સ્વામીશ્રી આસન ઉપર વિરાજમાન થયા. ત્યારબાદ આજના મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું. ટેક્સાસ રાજ્યના ગવર્નરશ્રી રિક પેરીનો શુભેચ્છાપત્ર વંચાયો જેમાં સ્વામીશ્રીને 'ટેકસાસ રાજ્યના માનવંતા મહેમાન' જાહેર કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ કૉંગ્રેસમૅન કેન્ની મર્ચન્ટે પણ બી.એ.પી.એસ.નાં આધ્યાત્મિક અને સામાજિક કાર્યોને બિરદાવતું વિધિવત્‌ સન્માનપત્ર સ્વામીશ્રીને અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
ટેક્સાસના કૉંગ્રેસમૅન પીટ સેશન્સ અને અરવિંગ શહેરના મેયર હર્બટ ગિયર્સએ પણ સન્માનપત્ર અર્પણ કરી સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
૯ ગ્રહોના પ્રતીકરૂપ રત્નનો તેમજ કઠોળનો હાર વડીલ સંતોએ સ્વામીશ્રીને અર્પણ કર્યો. કિશોરો અને યુવકોના નૃત્ય બાદ સ્વામીશ્રીએ અમૃતવર્ષા કરી.
અરવિંગ વિસ્તારમાં ઍરોડ્રામને અડીને આવેલી નિર્માણાધીન ડલાસ મંદિરની નવી ભૂમિ ઉપર પધારી સ્વામીશ્રીએ ઠાકોરજીનાં પ્રાસાદિક પુષ્પો છાંટ્યાં. સંકલ્પવિધિ બાદ પુષ્પ-ચોખા પધરાવ્યાં. પ્રસાદીનું જળ પણ છાંટ્યું અને મંદિર જલદી પૂર્ણ થાય એવો સંકલ્પ કરી ધૂન કરાવી. પાછા વળતાં વેબ ચેપલ રોડ ઉપર આવેલા જૂના બી.એ.પી.એસ. મંદિરે પધાર્યા. યુવકોએ ભક્તિનૃત્ય દ્વારા વધાવ્યાં. વડીલ હરિભક્તોએ અને પૂજારીઓએ સ્વામીશ્રીને હાર પહેરાવ્યો. ઠાકોરજી સમક્ષ અન્નકૂટ ધરાવાયો હતો. મૂર્તિઓનાં દર્શન કર્યાં. આજે સ્વામીશ્રીએ અહીં નીલકંઠ વણીની અભિષેક મૂર્તિનો પ્રતિષ્ઠાવિધિ કર્યો. અંતે સૌને આશીર્વાદથી કૃતાર્થ કર્યા.
તા. ૩ સપ્ટેમ્બરના રોજ સ્વામીશ્રી સાનહોઝે પધારી રહ્યા હતા. ડલાસમાં ચાર દિવસના ટૂંકા રોકાણમાં પણ સ્વામીશ્રીએ અનેક દિવસોનું સુખ આપી દીધું. હરિભક્તોના મનોરથ પૂર્ણ કર્યા. સંતો અને હરિભક્તોએ સ્વામીશ્રીના સ્વાગત-સરભરા માટે ખૂબ મહિમાપૂર્વક સેવા કરી હતી. અહીંનાં તમામ સત્સંગ મંડળોએ ખૂબ ભીડો વેઠીને પણ સ્વામીશ્રીના આગમનને સાર્થક કર્યું. સ્વામીશ્રી પણ અનેકને મળ્યા અને સૌના પ્રશ્નો સાંભળીને સૌને આશીર્વાદ આપ્યા. સાથે સાથે મંદિરના કુશળ વહીવટનું માર્ગદર્શન પણ આપ્યું.
પૂજાના અંતે સમગ્ર સાઉથ-વેસ્ટ રિજિયન અને ડલાસ સત્સંગ મંડળ વતી મહિલા અને બાલિકામંડળે બનાવેલા હાર સંતોએ સ્વામીશ્રીને અર્પણ કર્યા. સૌની ભાવભીની વિદાય લઈ સ્વામીશ્રી ચાર્ટર્ડ પ્લેન દ્વારા અહીંથી પોણા ચાર કલાકના અંતરે આવેલા સાનહોઝે જવા ઍરપૉર્ટ ઉપર પધાર્યા. આ યાત્રાના સૌજન્યદાતા ક્લિફટનના અજયભાઈ શાહ પણ સ્વામીશ્રી સાથે યાત્રામાં જોડાયા હતા.                  

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |

www.swaminarayan.org
Copyright © 1999-2011, Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha, Swaminarayan Aksharpith.
All Rights Reserved.                              Privacy Policy   |  Terms & Conditions