Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

લોસએન્જલસમાં પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં મંદિર મહોત્સવ

પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલ મહાનગર લોસ એન્જલસમાં બી.એ.પી.એસ. સત્સંગ ખૂબ વિકસ્યો છે. આ વિકસતા જતા સત્સંગ સમુદાયની સાથે અહીં સૌને વર્ષોથી મોટા મંદિરની ઝંખના હતી. જાણે ભગવાને પોતાને બિરાજવા માટે જ આરક્ષિત રાખી હોય તેમ ટેકરીઓની વચોવચ આવેલી ચીનો હિલ્સમાં ૨૨ એકર જમીન પ્રાપ્ત થઈ ! આ જમીન માટે હરિભક્તોએ ખૂબ સંઘર્ષ વેઠ્યો છે. ચીનો હિલ્સમાં નૂતન શિખરબદ્ધ મંદિરના પ્રથમ તબક્કામાં સંતનિવાસ અને સ્વામિનારાયણ હવેલીનું નિર્માણ થઈ રહ્યું છે. સંતનિવાસ સિવાયના બધાં જ બાંધકામો ચાલુ હોઈ સ્વામીશ્રીના ઉતારા સિવાય અન્ય ઉતારા માટે નાનામોટા તંબુ તાણ્યા હતા. સ્વામીશ્રીના સવાર-બપોર-સાંજના અલ્પાહાર દરમ્યાન એલ.એ.ના ચીનો હિલ્સ, ઇનલેન્ડ એમ્પાયર વિસ્તાર તેમજ સાઉથ આૅરેન્જ કાઉન્ટીના નાનાં નાનાં સેન્ટરોથી માંડીને ૧૧૫ માઈલ દૂરના વિક્ટરવિલ, બાસ્ટ્રો, સેરિટોસ, આર્ટિઝિયા, ફૂલસ્ટન, સાન ફર્નાન્ડોવેલી, નોર્થ આૅરેન્જ કાઉન્ટી, સાઉથ એનાહેમ વગેરે સત્સંગકેન્દ્રોની વિવિધ પ્રવૃત્તિઓ અને વિકાસનો પરિચય સ્વામીશ્રી સમક્ષ કાર્યકરો રજૂ કરતા. બાળ-કિશોર-યુવા કાર્યક્રમો, આલબની મંદિર પ્રતિષ્ઠા, ચીનો હિલ્સ મંદિર પ્રતિષ્ઠા-ખાતમુહૂર્ત જેવા અનેક કાર્યક્રમ સ્વામીશ્રીના ૮થી ૧૭ સપ્ટેમ્બર સુધીના અહીંના રોકાણ દરમ્યાન થયા. અનેક મહાનુભાવો સ્વામીશ્રીને મળવા આવતા અને સંસ્થાના કાર્યની પ્રશંસા કરતા. અહીં તેની એક આછી ઝલક પ્રસ્તુત છે...
મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ
તા. ૧૫ સપ્ટેમ્બરના રોજ લોસ-એન્જલસના ઉપનગર ચીનો હિલ્સ ખાતે બી.એ.પી.એસ. મંદિરનો મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ દબદબાપૂર્વક ઊજવાયો હતો. બી.એ.પી.એસ. સંસ્થાની આ અભૂતપૂર્વ પ્રતિષ્ઠા હતી. કારણ કે હજુ  અહીં મંદિર નિર્માણાધીન છે. પરંતુ સ્વામીશ્રીએ હરિભક્તોના ભક્તિભાવને વશ થઈ ટેકરી ઉપર આવેલી ૨૨ એકર જમીનમાં મંદિરનિર્માણ પૂર્વે પ્રતિષ્ઠા કરી દીધી! અનિશ્ચિતતાઓ વચ્ચે પણ આ મંદિર વિષે સ્વામીશ્રીએ આત્મવિશ્વાસ પૂર્વક ભવિષ્યવાણી ભાખેલી કે, 'અમે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરીને જ જઈશું.' એ વચન એમણે સિદ્ધ કર્યું.
પ્રિયવ્રત સ્વામી, કૈવલ્યમૂર્તિ સ્વામી, હરિનિવાસ સ્વામી, વિવેકયોગી સ્વામી, પરમચરિત સ્વામી વગેરે સંતો તેમજ સમગ્ર વેસ્ટ રિજિયનના બી.એ.પી.એસ.ના અગ્રેસર હરિભક્તો - કાર્યકરો પ્રકાશભાઈ પટેલ, ભરતસિંહ ઝાલા, જીમિતભાઈ મહેતા, ગોવિંદભાઈ વઘાસિયા, રાકેશભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, જિતુભાઈ મહેતા, રવિભાઈ, બાબુભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ  વગેરે અનેક નાનામોટા તમામ હરિભક્તોના સહયોગથી સાકાર થઈ રહેલા મંદિરની મૂર્તિઓનો આજે પ્રતિષ્ઠાવિધિ હતો.
પ્રતિષ્ઠાનો પૂર્વવિધિ વડીલ સંતોની હાજરીમાં પ્રારંભાયો. હજારો ભક્તોથી મંડપ ભરાઈ ચૂક્યો હતો. નૃત્યમંચ ઉપર મંદિરનિર્માણમાં વિશેષ સહયોગ આપનારાઓને બેસાડવામાં આવ્યા હતા. સ્વામીશ્રી મુખ્ય મંચ ઉપર પધાર્યા. આ તમામ મૂર્તિઓની સેવા કરનારા કંપાલાના હરીશભાઈ ભૂપતાણી જોકે અનુપસ્થિત હતા, પરંતુ સ્વામીશ્રીએ તેઓને યાદ કરી લીધા. મંચ પર આરસના અક્ષરપુરુષોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, શિવ-પાર્વતી-ગણપતિ, રામ-સીતા-હનુમાનજી તથા ગુરુપરંપરાની મૂર્તિઓ વિરાજિત હતી. પુરોહિત ઘનશ્યામ શુક્લ તથા મૂકેશભાઈ વિધિ કરાવી રહ્યા હતા. ત્યાગવલ્લભ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેકસાગર સ્વામી વગેરે વડીલ સંતોની ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠાનો પૂર્વવિધિ સંપન્ન થઈ ચૂક્યો હતો. સ્વામીશ્રી દ્વારા મૂર્તિઓનો પ્રાણ-પ્રતિષ્ઠાવિધિ પ્રારંભાયો.
અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિમાં પ્રાણનું આવાહન કર્યા પછી સ્વામીશ્રીએ નેત્રોન્મિલન કર્યું અને બેઠેલા તમામ હરિભક્તો ઉપર મહારાજ અને સ્વામીની પ્રથમ દૃષ્ટિ કરાવવા દર્પણ ધર્યું અને તાળીઓના નાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું. સ્વામીશ્રીએ એ જ સ્થળ ઉપર ઊભા રહીને પ્રત્યેક મૂર્તિ તરફ દર્પણ ધરી મુખદર્શન કરાવ્યું. દરેક મૂર્તિનું પૂજન કરીને તુલામાં વિરાજિત હરિકૃષ્ણ મહારાજનું પણ પૂજન કર્યું. વળી, મંચની જમણી બાજુ ના ખૂણે શિખરબદ્ધ મંદિરની કણપીઠની શિલા મૂકવામાં આવી હતી, એનું પણ સ્વામીશ્રીએ પૂજન કર્યું.
મૂર્તિઓ સમક્ષ અન્નકૂટ ગોઠવાયો. સ્વામીશ્રીએ આરતી અને પુષ્પાંજલિ અર્પણ કરી. પ્રાણપ્રતિષ્ઠાવિધિ બાદ સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌને પ્રસન્નતા ભર્યા આશીર્વાદ આપ્યા. 'આજે સૌના પુરુષાર્થથી લોસ-એન્જલસમાં ભગવાન બેસી ગયા. સૌને શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો કે કામ થવાનું છે અને ધીરજ, બળ, હિંમત રાખી, એક રાગ, એક રુચિ, એક સંપથી કાર્યનો આરંભ કર્યો તો આ કામ થયું.
ભગવાનની પ્રતિષ્ઠા થવાથી આપણા જીવમાં શાંતિ થાય. સર્વને આવું ને આવું આત્મબળ રહે એ માટે મહારાજને પ્રાર્થના કરીએ છીએ. આ સેવાથી અવગુણ, સ્વભાવ, પ્રકૃતિઓ ટાળીને બ્રહ્મદેહ પમાડીને ચોખ્ખા કરીને ભગવાન ધામમાં લઈ જશે. આવો દૃઢ વિશ્વાસ રાખવો. અહીં સર્વોપરી કાર્ય થઈ જશે.'
સ્વામીશ્રીનાં વાક્યોમાં દૃઢ નિર્ધાર અને ઐશ્વર્ય જોઈ શકાતાં હતાં. અંતે વારાફરતી આવીને સૌ હરિભક્તોએ હરિકૃષ્ણ મહારાજનું ષોડશોપચાર પૂજન કરી સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા. બાળ-કિશોર-યુવકોએ 'મારા અંતરમાં ઉમંગ ન માય રે' નૃત્ય રજૂ કર્યું. અદ્‌ભુત મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ ઊજવાઈ ગયો.
પ્રતિષ્ઠા પછી મૂર્તિઓને ગોલ્ફકાર્ટમાં વિરાજમાન કરીને મંદિર પરિસરમાં શોભાયાત્રા રૂપે વિહાર કરાવ્યો. પાછળ થનગનતાં બાળકો-કિશોરો હતાં, સંતો ધૂન-કીર્તન ગાતા હતા. એક સુશોભિત ગોલ્ફકાર્ટમાં હરિકૃષ્ણ મહારાજ તેમજ બીજા ગોલ્ફકાર્ટમાં નીલકંઠ વણીની મૂર્તિ દર્શન દેતી હતી. દેશવિદેશના હરિભક્તો ઉત્સાહમાં જયનાદ કરતા હતા. અને છેલ્લે કળશધારી મહિલાઓ ગીતો ગાતી ચાલતી હતી. આ શોભાયાત્રા શાંતિથી મંદિરના પરિસરમાં આવેલા રિંગરોડ ઉપરથી પસાર થઈ સંકુલની હવેલીના હંગામી ધોરણે તૈયાર કરેલા હરિમંદિરમાં વિરમી. સાંજે સંગીતજ્ઞ સંતોએ કીર્તન આરાધના રજૂ કરી હતી.
તા. ૧૬ સપ્ટેમ્બરના રોજ ભવ્ય શિખરબદ્ધ મંદિરનો શિલાસ્થાપનવિધિ યોજાયો. પૂર્વ વિધિ વડીલ સંતોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો. નાદુરસ્ત તબિયતને લીધે સ્વામીશ્રી પધારવાના નહોતા, છતાં આજના વિધિમાં પ્રત્યક્ષ હાજરી આપવા માટે સ્વામીશ્રી અચાનક પધાર્યા, એટલે સૌના આનંદનો પાર ન રહ્યો. શિલાસ્થાપન કરીને સ્વામીશ્રીએ મંદિરની પરિપૂર્ણતા અને નિર્વિઘ્નતા માટે ધૂન કરી અને પુષ્પો પધરાવ્યાં. સ્વામીશ્રીની ઇચ્છા હતી કે બંધાયેલી પ્લીન્થ ઉપર પુષ્પો મૂકવાં. તેથી વ્યવસ્થાપકોએ સળિયાને પહોળા કરીને વાળી દીધા અને એમાંથી સ્વામીશ્રી અંદર પ્રવેશ્યા. ત્રણેય ખંડના સ્તંભો પાસે હરિકૃષ્ણ મહારાજની દૃષ્ટિ કરાવીને પુષ્પો વેર્યાં. અહીં ખુરશી ઉપર વિરાજિત થયા. સ્વામીશ્રીની આજુ બાજુ  પ્લીન્થમાં સંતો અને વ્યવસ્થાપકો બેસી ગયા હતા. પંડિતોએ ઉત્સાહથી વૈદિક મંત્રોનું ગાન કર્યું. સ્વામીશ્રી કહે, 'આપણે કાલે ઠાકોરજી પધરાવ્યા અને આજે મંદિરનો શિલા-સ્થાપનવિધિ ધામધૂમથી કર્યો છે. આ શિલા ચોંટી એટલે ચોંટી જ છે. એ તો હવે પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી કાંઈ વાંધો આવશે નહીં અને શિખરવાળું મંદિર પણ ધામધૂમથી થશે. બધાએ ધીરજ ને બળ રાખ્યાં છે ને હજુ  ધીરજ ને બળ રાખજો તો સારી રીતે કામ થશે. ભગવાનની દૃષ્ટિ કાયમ આપણા પર રહેશે. મહારાજ બધાને ખૂબ ખૂબ તને, મને, ધને સુખી રાખે એ પ્રાર્થના.'
સાંજે બાળદિન નિમિત્તે 'એજ્યુકેશન એક્સલન્સ' એ કેન્દ્રવર્તી વિચાર સાથે બાળકોના વિવિધ કાર્યક્રમો રજૂ થયા.

તા. ૧૭ સપ્ટેમ્બરે સ્વામીશ્રી ન્યૂયોર્ક જવા વિદાય થયા. ચાર્ટર્ડ વિમાનના સૌજન્યદાતાઓ જુદાં જુદાં સેન્ટરના કિશોરભાઈ પટેલ, કીર્તન તથા હિતેશભાઈ પટેલ, શાન્તુભાઈ અમૃતભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, સુનીલભાઈ પટેલ, કલ્પેશ કનુભાઈ પટેલ, મિતેષ ભરતસિંહ ઝાલા, તથા ધીરુભાઈ પટેલ સ્વામીશ્રી સાથે યાત્રામાં લાભાન્વિત થયા.        
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |