Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ન્યૂયોર્ક-ન્યૂજર્સીમાં પ્રમુખસ્વામી મહારાજ

યુ.એસ.એ.ના સત્સંગનું પ્રથમ નાભિકેન્દ્ર ન્યૂયોર્કમાં ફ્લશિંગનું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર રહ્યું છે. આ જ મંદિરમાંથી વિકસીને આજે ન્યૂયોર્ક અને ન્યૂજર્સી વચ્ચે સેંકડો બાળ-કિશોર-યુવા-મહિલા સત્સંગ મંડળો છે. સંતોનાં મંડળો અહીં સ્થાયી રૂપથી નિરંતર વિચરણ કરે છે. તા. ૧૭થી ૨૩ સુધી ન્યૂયોર્કમાં સ્વામીશ્રી પધાર્યા. તે દરમ્યાન આલ્બનીમાં મૂર્તિપ્રતિષ્ઠા, ફ્લશિંગ મંદિરમાં નીલકંઠવણી પ્રતિષ્ઠા, નેશનલ લીડરશિપ સેમિનાર જેવા અનેક કાર્યક્રમો થયા. સને ૧૯૭૦થી ૨૦૦૭ સુધીના સ્વામીશ્રીના અમેરિકા વિચરણના તમામ હાજર પ્રતિનિધિઓએ અમેરિકાના '૭૭ અને '૮૦, '૮૪, '૮૮ વગેરે વિચરણની અકલ્પનીય સ્મૃતિ-ગોષ્ઠિ કરી સ્વામીશ્રીના પ્રચંડ પુરુષાર્થનો ઇતિહાસ તાદૃશ્ય કરી દીધો હતો. અહીંથી સ્વામીશ્રીએ ન્યૂજર્સી પધારી જળઝીલણીનો અદ્‌ભુત ઉત્સવ ઊજવ્યો હતો. અહીં મુખ્ય કાર્યક્રમની આછી ઝલક પ્રસ્તુત છે.
આલ્બની મંદિર મૂર્તિપ્રતિષ્ઠા
તા. ૧૯મી સપ્ટેમ્બરના રોજ સવારે પ્રાતઃપૂજા પછી સ્વામીશ્રીએ ન્યૂયોર્ક સ્ટેટની રાજધાની આલ્બનીમાં બંધાયેલા મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. આરસના અક્ષરપુરુષોત્તમ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, સીતારામ પરિવાર તથા શિવ પરિવારની મૂર્તિઓ તથા ગુરુપરંપરાની મૂર્તિઓનું સ્વામીશ્રીએ પૂજન, પ્રતિષ્ઠા અને આરતી કર્યાં. પછી આલ્બનીના મુખ્ય હરિભક્તો ડૉ. બિપિનભાઈ પટેલ, કિરીટભાઈ, ગુણવંતભાઈ, રાજુ ભાઈ, સુરેશભાઈ, જશુભાઈ તથા નીલેશભાઈ તલસાણિયાએ હાર પહેરાવીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા.
સાંજની સભામાં ન્યૂયોર્ક સિટીના ફ્લશિંગ વિસ્તારના કાઉન્સિલ મેમ્બર જોન લૂઈ તથા ફ્લશિંગના એસેમ્બલી મેમ્બર શ્રીમતી એલન યંગના પ્રતિનિધિ સ્કોચ સ્ટીબર્ગ સ્વામીશ્રીનાં દર્શન માટે આવ્યા હતા. એસેમ્બલી મેમ્બર શ્રીમતી એલન યંગે સ્વામીશ્રીની વિશ્વવ્યાપી સમાજ ઉદ્ધારની પ્રવૃત્તિઓને બિરદાવતાં પ્રતિનિધિ દ્વારા ૭ ડિસેમ્બરના દિવસને ન્યૂયોર્ક સ્ટેટમાં 'પ્રમુખસ્વામી દિન' તરીકે જાહેર કર્યો અને તેઓના પ્રતિનિધિએ એ પત્ર સ્વામીશ્રીને અર્પણ કર્યો.
નીલકંઠવણી પ્રતિષ્ઠા - શતાબ્દી સભા
તા. ૨૦ સપ્ટેમ્બરના રોજ પ્રાતઃપૂજા પછી ન્યૂયોર્ક મંદિરમાં નીલકંઠવણીની અભિષેકમૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠાવિધિ સ્વામીશ્રીએ કર્યો. પૂર્વ મહાપૂજાવિધિ વડીલસંતોએ સંપન્ન કરી દીધો હતો.
સ્વામીશ્રીએ વણીની મૂર્તિનું પૂજન કર્યું, આરતી ઉતારી અને અભિષેક કરીને પ્રદક્ષિણાની સાથે સાથે સૌના સંકલ્પો પૂરા થાય એ માટે પ્રાર્થના કરી.
આજે ખાસ યોજાયેલી પ્રતિષ્ઠા-શતાબ્દીસભામાં સ્વામીશ્રી પધાર્યા ત્યારે હજારો બાઈ-ભાઈઓએ ધજા ફરકાવીને સ્વામીશ્રીનું અભિવાદન કર્યું. સમગ્ર ન્યૂયોર્ક વિસ્તાર વતી મંદિર કો-ઓર્ડિનેટર નીતિનભાઈ અને ડૉ. મહેન્દ્રભાઈ પટેલે સ્વામીશ્રીનો આભાર માન્યો. સ્વામીશ્રીએ વિશાળ યુ.એસ.એ.માં પ્રચંડ પુરુષાર્થ કરીને પ્રવર્તાવેલા સત્સંગ બદલ સૌ કૃતજ્ઞ હતા. ૮૬ વર્ષની આ ઉંમરે શ્રમભર્યું અમેરિકા વિચરણ કરીને સ્વામીશ્રી વિદાય લેતા હતા ત્યારે સૌ ભાવવિભોર થયા હતા.
સ્વામીશ્રી અહીંથી લંડન પધારી રહ્યા હોઈ સમગ્ર સત્સંગ મંડળ વતી ડૉ. કે. સી. પટેલ, ડૉ. હેમંતભાઈ પટેલ, ડૉ. મહેન્દ્રભાઈ પટેલે તથા અન્ય કાર્યકર્તાઓએ સ્વામીશ્રીને હાર પહેરાવીને વિદાય આપી. અંતે સ્વામીશ્રીએ અમૃતવર્ષાથી સૌને બ્રહ્મભીના કરી દીધા.
આશીર્વચનોની સમાપ્તિ પછી સ્વામીશ્રીએ સૌને સમીપદર્શન આપ્યાં. અને સ્વામીશ્રી ઊભા થયા ત્યાં ફરીથી 'શતાબ્દી આવી બી.એ.પી.એસ.' ગીત ગુંજી ઊઠ્યું અને સ્વામીશ્રીએ ઊભાં ઊભાં સૌને તાલીઓથી તાલ આપીને ફરીથી વિશિષ્ટ સ્મૃતિ આપી. હરિભક્તો છેલ્લાં દર્શનની સ્મૃતિ ભરી લેવા માટે હકડેઠઠ ભરાયા હતા. સૌની વિદાય લઈને સ્વામીશ્રી અહીંથી પોલીસ એસ્કોર્ટને અનુસરતા મેનહટન થઈને ઈસ્ટ બ્રૂન્સવીક પહોંચ્યા.
નેશનલ લીડરશિપ સેમિનાર
ન્યૂજર્સીમાં ઈસ્ટ બ્રૂન્સવીકમાં  'નેશનલ લીડરશિપ સેમિનાર'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો થીમ હતો – 'સંસ્થા, સિદ્ધાંત અને સત્પુરુષ'. તા. ૨૧, ૨૨, ૨૩ સપ્ટેમ્બરે યોજાયેલ આ સેમિનારમાં સંસ્થાના ચુનંદા કાર્યકરો ઉપસ્થિત થયા હતા. સૌનો ઉતારો આ સાથે જ હતો. સત્સંગના વધતા જતા વ્યાપને કારણે સત્સંગનું નેટવર્ક સબળ બને અને સાથે સાથે આગામી વિકાસમાં વધારે ગતિ સાંપડે એ માટે સ્વામીશ્રીએ વિશિષ્ટ માર્ગદર્શન આપ્યું. આ શિબિરમાં દરેક મંદિરના એક્ટિવ કો-ઓર્ડિનેટર જો ભેગા કરવામાં આવે તો હજારોની સંખ્યામાં આંકડો પહોંચે. એટલે આ દરેક મંદિરના વિભાગો ઉપર એડમીન સેક્રેટરી સુધીના કાર્યકરોને જ આમંત્ર્યા હતા. મહિલા વિભાગના કાર્યકરો પણ આમંત્ર્યા હતા. ૫૮૦ ભાઈઓ-બહેનોની અઢી દિવસની આ શિબિરમાં સૌએ સ્વામીશ્રીનું તેમજ વડીલ સંતોનું અદ્‌ભુત માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |