Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં સારંગપુર મંદિરના પાટોત્સવની ઉજવણી...

તા. ૧૦-૫-૨૦૦૮ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં સારંગપુર મંદિરનો ૯૨મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઊજવાઈ ગયો.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણની પ્રાસાદિક ભૂમિ પર તેમના સંકલ્પ અનુસારનું ભવ્ય શિખરબદ્ધ મંદિર રચીને વિશ્વને એક અણમોલ તીર્થધામની ભેટ ધરી છે. આ તીર્થધામમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની દિવ્ય સ્મૃતિઓ સાથે આજે વહેલી સવારથી જ પાટોત્સવની ઉજવણીનો આરંભ થયો હતો. મંગળા આરતી  બાદ સંતોએ વિધિપૂર્વક મૂર્તિઓને પંચામૃત વડે સ્નાન કરાવી ભાવ-અર્ઘ્ય અર્પણ કર્યું હતું. પ્રાતઃપૂજા બાદ કપાળમાં ચંદનની અર્ચા અને તિલકચાંદલા સાથે શોભી રહેલા સ્વામીશ્રીએ પાટોત્સવની આરતી ઉતારી ઉપસ્થિત સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. આ પ્રસંગે મંદિરના ત્રણેય ખંડોમાં ભવ્ય અન્નકૂટનાં દર્શન કરી સ્વામીશ્રી સ્મૃતિ મંદિર પધાર્યા ત્યારે પ્રદક્ષિણામાં ૯૨ વર્ષ પૂર્વેના કેટલાંક પ્રસંગોની પ્રેરક પ્રસ્તુતિ કરવામાંઆવી. સ્વામીશ્રીએ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને અર્ઘ્ય અર્પણ કર્યું. સ્મૃતિ મંદિરે દર્શન કરી સ્વામીશ્રી સભામંડપમાં પધાર્યા. સંતોએ શાસ્ત્રીજી મહારાજના પદોનું ગાન કરી પોતાની ભક્તિ અદા કરી હતી.
અંતમાં સ્વામીશ્રીએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું : 'આજે અહીં સારંગપુરની અંદર મૂર્તિપ્રતિષ્ઠા થઈ એનો પાટોત્સવ ઊજવાયોõ. આરતી-પૂજા-ભજન-કીર્તન બધું થયું. દર વર્ષે આ રીતે વિધિપૂર્વકનો પાટોત્સવ થાય છે. કેટલાકને એમ થાય કે ભગવાનનું દૈવત ખૂટી ગયું એટલે પાટોત્સવ કરવો પડે છે. પણ ભગવાનમાં દૈવત ખૂટતું નથી. ભગવાન તો ઐશ્વર્યવાન છે, એમાં તો ઐશ્વર્ય રહેલું જ છે, ઓછુ _ થતું નથી. પણ આપણી ભક્તિ વધે, પ્રેમ વધે, દેશકાળ સારા થાય, આપણો સત્સંગ વધે એટલા માટે દર વર્ષે પાટોત્સવ કરીએ છીએ. અક્ષરપુરુષોત્તમની નિષ્ઠા-સમજણ પ્રવર્તાવવા માટે શાસ્ત્રીજી મહારાજ આ પૃથ્વી પર આવ્યા હતા. એમના સંકલ્પથી અહીં મહારાજ-સ્વામી વિરાજ્યા છે. સારંગપુર તો ખોબલા જેટલું નાનું કહેવાય છતાં શ્રીજીમહારાજે અહીં વિરાજીને ઉત્સવ-સમૈયા કર્યા હતા. એટલે જ કહ્યું છે, 'सदैव सारङ्गपुरस्य रम्ये, सुमन्दिरे ह्यक्षरघाम तुल्ये।’ સારંગપુર કેવું છે? અક્ષરધામ તુલ્ય. તે ઘડીએ માણા-નાણાં-પાણા ન મળે એવા સંજોગોમાં મંદિર કર્યું છે. શાસ્ત્રીજી મહારાજમાં ભગવાન વિરાજતા હતા તો આવું મોટું મંદિર કર્યું.
નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું : 'શોભાવંત સારંગપુર ગામ.' સારંગપુર શોભાવંત શાથી છે? મહારાજ વિરાજ્યા, મુક્તો વિરાજ્યા. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અહીં રહ્યા એટલે અક્ષરધામ તુલ્ય થઈ ગયું. આપણી શોભા શેને લઈને છે? શરીરની શોભા એ સાચી શોભા નથી, બંગલા-મોટર-ગાડી રાખીએ એ પણ સાચી શોભા નથી. શોભા તો ભગવાન અંદર છે એ છે. ભગવાન જ્યાં રહ્યા એ શોભા છે. ભગવાન જ્યાં બેઠા એ તીર્થ. એમ અહીં પણ સાક્ષાત્‌ શ્રીજીમહારાજ પોતાના મુક્તો સાથે બેઠા એટલે મહાતીર્થ થઈ ગયું.
મહારાજ સારંગપુરના સાતમા વચનામૃતમાં સમજાવે છે કે મનોમય ચક્રની ધારા જ્યાં કુંઠિત થાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. ઇન્દ્રિયોની ધારા, જગતના વિચારો, વાસનાઓ જ્યાં કુંઠિત થઈ જાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. એવું સંત સમાગમ રૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં દૃઢ મન કરીને રહેવું. જ્યાં સુધી આ ધારા કુંઠિત ન થાય ત્યાં સુધી વિચારો ચાલ્યા જ કરે. ૮૦ વરસનો થાય કે ૧૦૦ વરસનો થાય તોપણ વિચારો ચાલ્યા જ કરે. માટે વેપાર-ધંધો-ખેતીવાડી બધું કરોõ, પણ ભગવાનમાં મન રાખોõ. ભગવાનનું અનુસંધાન રાખજો. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજનું અનુસંધાન રાખો. સત્પુરુષ એ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. એમની અંદર આપણી વૃત્તિ અખંડ રહે અને એમની આજ્ઞા પ્રમાણેનું જીવન થાય તો મનોમય ચક્રની ધારા કુંઠિત થાય. અહીં સારંગપુરમાં કાયમ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. આટલા બધા સંતો, ૠષિઓ બેઠા છે. દરરોજ કથા-વાર્તા-કીર્તન બધું જ ચાલ્યા જ કરે છે. શાસ્ત્રીજી મહારાજે સ્થાન કરી આપ્યું છે તેથી અહીં કાયમ સત્સંગ થયા જ કરે છે.
નૈમિષારણ્ય ક્ષેત્રમાં કરવું શું? જપ-તપ. ઘરેથી અહીં આવવું એ પણ તપ છે. બધા ચાલી ચાલીને આવે છે, ઉપવાસો કરે છે. અહીં આવીને કલાક બેઠા એ પણ તપ જ થઈ ગયું. અહીં આપણે જે સેવા કરીએ છીએ, પૂજા કરીએ છીએ, રસોઈ આપીએ છીએ તે વૃદ્ધિને પામે છે. બજારમાં વૃદ્ધિ ન પામે. ઇન્દ્રિયોની વૃત્તિ પાછી વળે અને જગતમાંથી ખેંચાઈને ભગવાનમાં જોડાય એ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. એવા સત્પુરુષ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ મળ્યા છે. એમાં આપણી ઇન્દ્રિયોની વૃત્તિ ચોંટી છે તો ત્યાં અતિ દૃઢ મન કરીને રહેવું.'

સ્વામીશ્રીએ શ્રીહરિ કથિત ગુણાતીત સંત એ જ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. તે વાત સરસ રીતે સમજાવી હતી. અંતે સંતોએ 'ગુણાતીત કા ડંકા આલમમેં....' એ કીર્તનનું ગાન કર્યું ત્યારે સ્વામીશ્રીએ આ જોમભર્યા કીર્તનના તાલે તાલ દઈને ઉપસ્થિત સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. 
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |