Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સારંગપુરમાં પ્રમુખવરણી દિન તથા રથયાત્રાપર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી

વિશ્વકલ્યાણનું કાર્ય કરનાર યુગવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનો ૫૮મો પ્રમુખવરણી દિન તા. ૭-૬-૨૦૦૮ના રોજ સારંગપુર તીર્થધામમાં ભક્તિભાવપૂર્વક ઊજવાયો હતો. પ્રાતઃપૂજામાં સંતોએ પ્રાસંગિક કીર્તનો ગાઈ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજને ભક્તિભરી ભાવાંજલિ અર્પણ કરી હતી. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીને આજથી ૫૮ વર્ષ પહેલાં જ્યાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણસંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યાહતા તે આંબલીવાળી પોળ(શાહપુર-અમદાવાદ)નું દૃશ્ય પાર્શ્વભૂમાં ઊભું કરવામાં આવ્યું હતું. પોળના નાકે શાસ્ત્રીજી મહારાજ અને સ્વામીશ્રી બેઠા હોય એવા કટઆઉટ મૂકવામાં આવ્યા હતા. સૌનાં અંતર પ્રમુખસ્વામી મહારાજનાં દર્શનથી ખૂબ પ્રફુલ્લિત હતા. પ્રમુખવરણી દિને આવા દિવ્ય ગુરુવર્ય પ્રાપ્ત થવા બદલ સૌ કૃતકૃત્ય ભાવે સ્વામીશ્રીને મનોમન વંદી રહ્યા હતા.
તા. ૪-૭-૨૦૦૮ના રોજ રથયાત્રાના પવિત્ર પર્વે સારંગપુર ખાતે પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં સંતો-ભક્તોએ ઉત્સાહપૂર્વક  રથયાત્રા ઉત્સવને માણ્યો હતો.
સવારથી જ મંદિરમાં રથયાત્રાનો માહોલ છવાયો હતો. સ્વામીશ્રીની પ્રાતઃપૂજાના મંચ પર પાર્શ્વભૂમાં વિશાળ રથને ખેંચી રહેલા અશ્વો શોભી રહ્યા હતા. બંને દિશામાં દોડતા અશ્વો બી.એ.પી.એસ.ની ચારે દિશામાં થઈ રહેલી પ્રગતિના સૂચક હતા.  સંતોએ પ્રાતઃપૂજામાં રથયાત્રાનાં કીર્તનો ગાયાં.
પ્રાતઃપૂજાના અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએજણાવ્યું: 'આજે રથયાત્રાનો દિવસ છે. ઉત્સવો ઊજવવા એ આપણા ભારતની સંસ્કૃતિ છે. ભગવાનને રાજી કરવા ઇન્દ્રિયોના ઘોડા ભગવાનના હાથમાં આપવા, એટલે આડા-અવળા જાય નહીં, એનો આ ઉત્સવ છે. જગન્નાથપુરીમાં બહુ ભવ્યતાથી ઊજવાય છે. અમદાવાદમાં આખા શહેરમાં ભગવાન ફરે છે. ભગવાનને તો અનેકને દર્શન આપીને સુખિયા કરવા છે એટલે એમનો રથ હંમેશાં ફરતો જ રહે છે, પણ આપણે બધાએ ઇન્દ્રિયોના ઘોડાની લગામ ભગવાનના હાથમાં આપવાની છે. ભગવાનને સોંપીશું તો બધું સવળું થશે, નહીંતર અવળું જાય.
આંખ-કાન-નાક-જીભ આ બધા ઘોડાઓ છે, પણ એ ભગવાનના હાથમાં સોંપ્યાં હોય તો આડા-અવળા જતા હોય તો સીધા કરી આપે, કારણકે આ દુનિયામાં આપણને કોઈ પણ રીતે સારો રસ્તો બતાવનાર હોય તો એ ભગવાન ને સંત છે. એને આપણે શરણે થઈગયા તો પછી બધું ગાડું સરખું ચાલે.
મનની તાણ, અવળા વિચારો મૂકી દઈને એક સંકલ્પ દૃઢ કરીએ કે શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ અને મહારાજ-સ્વામીને આપણે સમર્પણ થયા છીએ, તો એમાં વિશ્વાસ રાખીને ભજન-ભક્તિ-કથાવાર્તા કરીશું તો અંતરમાં શાંતિ થશે, સુખિયા થવાશે, દેશકાળ પણ બધાના સારા થશે.
પ્રાર્થના કરીએ કે વરસ ખૂબ સારું થાય, વરસાદ વરસે ને લોકોને સુખ-શાંતિ થાય.
શ્રીજીમહારાજ સર્વોપરિ અવતારી ને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર અને શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ જેવા મહાપુરુષ મળ્યા છે. આપણને ખૂબ રમાડ્યા છે, ખૂબ જમાડ્યા છે. ખૂબ વહાલ કર્યું છે કે એને ભુલાય એવું નથી. એ વસ્તુને જેટલું સંભારીશું એટલું આપણું અંતઃકરણ શુદ્ધ થશે, મન શુદ્ધ થશે ને સર્વ પ્રકારે આનંદ આનંદ થઈ જશે.
આજે રથયાત્રાના દિવસે બધાને આશીર્વાદ છે. સર્વપ્રકારે સુખ થાય, દેશકાળ સારા રહે, દેશમાં શાંતિ રહે. '
પ્રાતઃકાળે રથમાં ઠાકોરજી અને સ્વામીશ્રીને સુશોભિત રથમાં વાજતેગાજતે પધરાવીને સૌ ભક્તિભજનમાં ગુલતાન થયા હતા. રથયાત્રાની એ દુર્લભ સ્મૃતિને હૃદયસ્થ કરવા સૌ આજે તત્પર હતા. જાણે કે પ્રત્યેકના મનરૂપી ઘોડાની લગામ સારથિને સોંપવા સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.
જ્ઞાનેશ્વર સ્વામીએ હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરીને સ્વામીશ્રીને પણ અક્ષત-કુમકુમ કર્યાં. ઉત્સવનો માહોલ હતો. ઘોડાવાળો રથ અદ્‌ભુત અને દિવ્ય અનુભવાતો હતો. વાતાવરણમાં મૃદુ ઉજાસ ઉત્સવને દિવ્યતાનો સંસ્પર્શ આપી રહ્યો હતો અને એમાં પણસ્વામીશ્રીનાં રથમાં બેઠેલાં દર્શન વરસો પછી સૌને થઈ રહ્યાં હતાં. વાજતે ગાજતે સ્મૃતિ મંદિરે રથ આવ્યો. અહીં વડીલ સંતોએ રથયાત્રાની આરતી ઉતારી. સ્વામીશ્રીએ છેલ્લે પોતે આરતી માગી અને શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કરતાં કરતાં આરતી ઉતારતા ગયા.
અહીં દર્શન કર્યા બાદ રથયાત્રા પુનઃ મંદિર તરફ પાછી વળી ત્યારે ૫૦-૬૦ સંતો કરતાલ સાથે ભજનમાં તાલ આપી રહ્યા હતા. 'ઘોડલા ખેલાવે ઘનશ્યામ'ની ધૂન સાથે રથયાત્રા આગળવધી. સૌથી આગળ બળદના મહોરા પહેરેલા બાળકો ચાલી રહ્યાં હતાં. પછી ઉત્સવિયા સંતો અને ત્યારપછી સ્વામીશ્રીનો રથ હતો. ઢોલ ઢબૂકી રહ્યા હતા. કરતાલ સાથે ઘણા સંતો નાચી રહ્યા હતા. સ્વામીશ્રી પણ આજે આનંદમાં સૌને અપાર સુખ આપી રહ્યા હતા. મંદિરની બે પ્રદક્ષિણા દરમ્યાન ઉત્સવ જામતો ગયો. મંદિરની પ્રદક્ષિણામાં ઊભા રહીને પૂજારી સંતો અને અન્ય સંતો રથ ઉપર પુષ્પની વૃષ્ટિ કરીને અભિવાદન કરી રહ્યા હતા.
આજે આવેલા સૌ હરિભક્તો કૃતાર્થ હતા.
વળી, આજે રથયાત્રા પૂર્વે યોગાનુયોગ ભાવનગર નીલકંઠ વણીની પ્રતિષ્ઠા રાખવામાં આવી હતી. કાયમી સભામંડપમાં પ્રતિષ્ઠાનો વિધિ ચાલુ થઈ ગયો હતો. સોમપ્રકાશ સ્વામી, ત્યાગરાજ સ્વામી વગેરે સંતો અને ભાવનગરના અગ્રણી ૨૦૦ જેટલા યજમાનો આ લાભ લેવા માટે આવી પહોંચ્યા હતા. સ્વામીશ્રીએ નીલકંઠ વણીનું પૂજન કર્યું. આરતી કરી અને મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી, ત્યારપછી અભિષેક કરીને મૂર્તિ સૌના સંકલ્પ પૂરા કરે એ પ્રાર્થના કરી.
ત્યારપછી હરિભક્તો જે દિશામાં બેઠા હતા એ દિશામાં પધારીને સ્વામીશ્રીએ આશીર્વાદના બે વાક્ય કહેતાં જણાવ્યું કે 'બધાને આશીર્વાદ છે. બધાને ઇચ્છા હતી કે વણી પધારે. આજે સારો દિવસ છે. એટલે વણી ધામધૂમથી વિરાજશે. બધાનાં શરીર અને મન સારાં રહે. તને, મને અને ધને સૌ સુખી બને. વણી સૌના સંકલ્પ પૂરા કરશે. સૌના દેશકાળસારા થશે. ધંધાપાણી પણ સારા થશે. તન અને મન નીરોગી રહે અને સત્સંગ દૃઢ રહે એ આશીર્વાદ છે.''
આજે મંદિરમાં કાષ્ઠના ઘનશ્યામ મહારાજનું નવસંસ્કરણ થઈ ગયું હતું. ભક્તિનંદન સ્વામીએ મૂર્તિનો કાયાકલ્પ કરી દીધો હતો. દર્શન કરીને સ્વામીશ્રી ખૂબ પ્રસન્ન થયા. રથયાત્રાનો આજનો ઉત્સવ એક અવિસ્મરણીય સ્મૃતિ સમો બની રહ્યો હતો.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |