Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં સારંગપુરમાં ઊજવાયો યોગીજી મહારાજનો ૧૧૭મો પ્રાક્ટયોત્સવ

સારંગપુર તીર્થધામમાં તા. ૧-૬-૨૦૦૮ના રોજ સ્વામીશ્રીના સાંનિધ્યમાં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો ૧૧૭મો પ્રાગટ્યોત્સવ દિવ્યતાપૂર્વક ઊજવવામાં આવ્યો હતો. સ્વામીશ્રીની પાવન ઉપસ્થિતિમાં ઊજવાયેલ આ ઉત્સવનો લાભ લેવા માટે ખૂબ મોટી સંખ્યામાં માનવ-મહેરામણ ઊમટ્યો હતો. સવારથી જ સ્વામીશ્રીના મુખ ઉપરની પ્રફુલ્લિતતામાં યોગીજી મહારાજના અખંડ આનંદનાં દર્શન થઈ રહ્યાં હતાં.
ઠાકોરજી સમક્ષ પ્રત્યેક ખંડમાં યોગીજી મહારાજની વિવિધ મુદ્રાઓ મૂકી હતી.
યોગી જયંતી નિમિત્તે સભાગૃહમાં મંચની પાર્શ્વભૂમાં યોગીજી મહારાજના કટઆઉટ સહિત બે વિશાળ ચિત્રો શોભતાં હતાં. મંચ ઉપર સંતો 'યોગી આવો તે રંગ...' કીર્તનના તાલે કરતાલ દ્વારા નૃત્ય કરી રહ્યા હતા. સ્વામીશ્રી મંચ ઉપર પધાર્યા અને નારાયણમુનિ સ્વામીએ કરતાલ ધરી દીધા. સ્વામીશ્રીએ આંગળામાં વ્યવસ્થિત કરતાલ ભરાવ્યા અને યોગીજી મહારાજની સામે મુજરા કરતા હોય એ રીતે બેઠાં બેઠાં જ યોગીજી મહારાજની નજીક હાથ લઈ જઈને લટકા કરતાં કરતાં થોડી વાર સુધી મુજરા કર્યા અને ત્યારપછી ઠેઠ પૂજાની પાટ ગોઠવાઈ ત્યાં સુધી કરતાલના તાલ દઈને સ્વામીશ્રી મુજરા કરતા રહ્યા. આખી સભા હીલોળે ચડી હતી. મુમુક્ષુઓ યોગી જયંતીનો લાભ લેવા માટે આવ્યા હતા. એ સૌને સ્વામીશ્રીના આ એક જ દર્શનમાં યોગી જયંતી સાર્થક થઈ ગઈ હોય એવું અનુભવાતું હતું.
પૂજા દરમ્યાન સંતોએ યોગીજી મહારાજનાં કીર્તનોનું ગાન કર્યું અને છેલ્લે યોગીજી મહારાજના મુખે 'હાંજી ભલા સાધુ' કીર્તન પ્રસારિત થયું. સ્વામીશ્રી પણ યોગીજી મહારાજની સ્મૃતિ કરાવતા હોય એમ લટકા કરીને કડીએ કડીએ સૌને દિવ્ય સ્મૃતિલાભ આપી રહ્યા હતા. એ કીર્તન પૂરું થતાં જ સ્વામીશ્રી આશીર્વાદ આપતાં કહેઃ
'આજે યોગીજી મહારાજનો જન્મદિવસ. 'હાં જી ભલા સાધુ...' એ કીર્તનની કડીઓ પ્રમાણે એમનામાં બધા જ ગુણો હતા. યોગીજી મહારાજ તો ભગવાનનું સાક્ષાત્‌ સ્વરૂપ હતા. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે વ્યાસજી સંતના ગુણ લખવાના ભૂલી ગયા હોય એ ગુણ યોગીજી મહારાજમાં જોવા મળે. 'ભગવાન સર્વનું ભલું કરો' એવું હંમેશાં બોલતા. એવી એમની સાધુતા હતી. તેઓ સદાય ભગવાનની મૂર્તિ, ભગવાનની સેવા અને ભગવાનની ભક્તિમાં તલ્લીન રહેતા હતા.
યોગીજી મહારાજ લંડનમાં પ્રતિષ્ઠા કરીને પાછા મુંબઈ આવ્યા ત્યારે ઉનાના શેઠિયા અને ભગા દોશીના કુટુંબી તેમના દર્શન કરવા આવ્યા. હવે એ તો બધા જૂના મંદિરના પણ એમણે જાણ્યું કે યોગીજી મહારાજે લંડનમાં મંદિર કર્યું અને આપણા સ્વામિનારાયણ ભગવાનનો ત્યાં ડંકો વાગી ગયો તે સ્વામીના ગુણ ગાવા મંડ્યા કે સ્વામી! તમે તો બહુ અદ્‌ભુત કામ કરી નાખ્યું. સ્વામી કહે, 'આ તો અમે નથી કર્યું. જે કર્યું છે એ શાસ્ત્રીજી મહારાજે કર્યું છે અમે તો કાંઈ કરી શકીએ એમ નથી.'
'માણસ જાણે મેં કર્યું,
કરતલ બીજો કોઈ;
આદર્યાં અધૂરાં રહે,
હરિ કરે સો હોઈ.'
યોગીજી મહારાજ પણ કાયમ માટે એ જ કહેતા કે આ મહારાજે કર્યું છે, હરિભક્તોએ કર્યું છે, સાધુએ કર્યું છે. કોઈ દા'ડો પોતાના ઉપર કોઈ બોજો જ નહીં. 'હું કરું છુ' એવો બોજો આવી જાય તો દુઃખ આવવાનું છે, પણ ભગવાન કરે છે, સારું કરે છે, અને નથી સારું થયું, એય ભગવાનની ઇચ્છા.
યોગીજી મહારાજ આપણને બધાને બ્રહ્મરૂપ કરવા આવ્યા છે. બ્રહ્મરૂપ એટલે આપણા જીવમાંથી માયા, કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા, છળકપટ બધા દુર્ગુણ નીકળી જાય ને ભગવાનના ને સંતના ગુણ આપણામાં આવે. જો સંતના વચનમાં રહીએ તો આ લોક ને પરલોક એમ બંનેનું સુખ મળે. માટે, ભગવાન અને સંતને પ્રધાન રાખવા.
પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી દુઃખ છે. અજ્ઞાન ટળી જાય એટલે આપણને સુખ છે. હું આત્મા છુ _, અક્ષર છુ, બ્રહ્મ છુ. એમણે આવીને આપણને અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન આપ્યું છે. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. અક્ષરરૂપ થવું એટલે જે ગુણાતીતાનંદ સ્વામી એ રૂપ આપણે થવાનું છે, તે રૂપે થઈ મહારાજની ભક્તિ કરવાની છે.
શ્રીજીમહારાજે કહ્યું છે, 'પોતાનું ધન-ધામ, કુટુંબ-પરિવાર ભગવાનને અર્પણ કરવું.' જો એ બધું ભગવાનને અર્થે કર્યું હોય તો દુઃખ થાય નહીં, ભગવાન ને સંતને અર્થે થયું એટલું સાચું છે. તો ભગવાન તને, મને, ધને સુખિયા રાખે ને સંતોને પણ ખૂબ સુખિયા રાખે-અંતરમાં કથાવાર્તા, કીર્તન, ભક્તિ ખૂબ થાય અને બીજો કોઈ સંકલ્પ ન થાય. સંપ, સુહૃદભાવ, એકતા એ આપણે ખાસ રાખવાનું છે. દરેકનો મહિમા સમજવાનો, એ જોગી મહારાજના જીવનમાં હતું. તો યોગીજી મહારાજના ગુણો આપણામાં આવે એ મહારાજને પ્રાર્થના.'' આમ, સ્વામીશ્રીએ યોગીજી મહારાજના દિવ્ય વ્યક્તિત્વને અદ્‌ભુત અંજલિ આપી સૌને કૃતાર્થ કરી દીધા.  

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |