Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

બી.એ.પી.એસ. બાળમંડળોનાં બાળકો દ્વારા યોજાઈ ઠેર ઠેર શ્રાવણી પારાયણો...

શ્રાવણ મહિનો એટલે ભક્તિ અને સત્સંગનું પર્વ. પ્રતિવર્ષે ચાતુર્માસ અને શ્રાવણ મહિનામાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દેશ-વિદેશનાં હજારો કેન્દ્રોમાં યોજાતી કથા-પારાયણોમાં વિદ્વાન સંતોના મુખેથી કથામૃત વહે છે. આ ઉપરાંત યુવાપારાયણોમાં હજારો યુવાનો કથામૃત વહાવે છે. અને છેલ્લાં કેટલાંય વર્ષોથી સંસ્થાનાં બાળ-બાલિકા મંડળોમાં યોજાતી પારાયણોમાં પણ પ્રતિવર્ષ હજારો બાળમંડળો વિશિષ્ટ ભક્તિ અદા કરે છે. આ વર્ષે પણ બાળપ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલયના આયોજન મુજબ, વિશિષ્ટ કાર્યક્રમો સાથે બાળકોએ શ્રાવણ માસમાં અદ્‌ભુત બાળપારાયણો કરી હતી. બાળકોના મુખેથી વહેતી જ્ઞાનગંગાની સાથે બાળકોને આનંદ આવે અને સહજતાથી બોધ ગ્રહણ કરી શકે તેવા કાર્યક્રમો પણ યોજાયા હતા. જેને નિહાળીને વડીલો તથા મહાનુભાવો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ગુજરાત ઉપરાંત દિલ્હી, મહારાષ્ટ્ર, વેસ્ટ બંગાળ, રાજસ્થાન, કર્ણાટક, હૈદરાબાદ, તામિલનાડુ જેવાં રાજ્યોમાં વિવિધ નગરોમાં ત્રિદિવસીય બાળપારાયણો યોજાઈ. પારાયણના પ્રથમ દિને પોથીયાત્રા નીકળતી જેમાં બાળકો ધૂન, પ્રાર્થના ને સૂત્રોચ્ચાર કરતા. ત્યારબાદ પારાયણનો શુભારંભ થતો. તાલીમ પામેલા મુખ્ય બાળવક્તા 'હરિલીલામૃત' ગ્રંથમાંથી બાળપ્રભુ ઘનશ્યામનાં દિવ્ય ચરિત્રો અને આખ્યાનો કથાકારની શૈલીમાં ગાઈ સંભળાવે તેની સાથે અન્ય બાળકો ટૂંકા સંવાદ, એક-દ્વિપાત્રીય અભિનય, નૃત્ય જેવાં માધ્યમો દ્વારા પ્રસ્તુત પ્રસંગને હૂબહૂ તાદૃશ્ય કરતા હતા.
 પારાયણની સાથે જ, વિશેષ કાર્યક્રમમાં ગમ્મત સાથે જ્ઞાન મળે તેવો અભ્યાસલક્ષી સંવાદ - બાળ હોસ્પિટલ તથા યોગીજી મહારાજની બોધકથા આધારિત સિંહના પંજામાં બકરીનો આશરો, કડવી તુંબડીની વાર્તાઓ અભિનયગીતરૂપે રજૂ કરવામાં આવતી. વળી, બાળકો માટે આવડત, કલાસૂઝ પ્રમાણે વિવિધ વસ્તુઓમાંથી સુંદર હિંડોળા બનાવવાની સ્પર્ધા પણ યોજાતી. અંતિમ દિને બાળકો દ્વારા જ ૫૦થી ૧૦૦ ભાતભાતની વાનગીઓનો ભવ્ય અન્નકૂટ તૈયાર કરી ઠાકોરજીને ધરાવવામાં આવતો.
આમ, દરેક બાળક-બાલિકા તથા કાર્યકરે પોતાની શક્તિ અનુસાર પારાયણમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ભગવાનને પ્રસન્ન કરવા ભક્તિ અદા કરી. અતિ આશ્ચર્ય ઉપજાવે તેવી વાત તો એ કે માત્ર ૪ થી ૮ વર્ષના બાળકોએ પણ ૧ દિવસની અલગ શિશુ પારાયણ કરી હતી! ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય સંદેશ તથા પ્રમુખસ્વામી મહારાજે પ્રવર્તાવેલ બાળ સંસ્કારનો મહિમા હજારો ભાવિકજનો સુધી આ બાળકોએ પહોંચાડ્યો.
સૌને ખૂબ ખૂબ અભિનંદન!

શ્રોતા-મહાનુભાવોના ઉદ્‌ગાર...
બી.એ.પી.એસ. સંસ્થાએ અદ્‌ભુત બાળકો તૈયાર કર્યા છે!!
અકલ્પ્ય બાળ પારાયણ! આજ દિન સુધી આવી પારાયણ કલ્પી ન હતી!
અદ્‌ભુત! અદ્‌ભુત! અદ્‌ભુત! બાળકો શું ન કરી શકે !
નાનાં બાળકોમાં આવાં કળા-કૌશલ્ય મેં મારી જિંદગીમાં પહેલીવાર જોયાં!
કાર્યક્રમોમાં શું વૈવિધ્ય! જરાય કંટાળો ન આવ્યો.
બાળકોની બોલવાની છટા તો જાણે કોઈ પ્રખર, વિદ્વાન કથાકારની ન હોય, એવું લાગ્યું.

આંકડાકીય માહિતી...
૩૬૨૨ બાળ-બાલિકા મંડળોમાં બાળ પારાયણ થઈ.
૭૨૪૪ બાળ-બાલિકા વક્તાઓએ કથામૃતનો લાભ આપ્યો.
૮૮,૭૪૬ બાળકો-બાલિકાઓએ તેનો લાભ લીધો.
૮૫ શિશુ મંડળોમાં પારાયણ થઈ, જેનો લાભ ૩,૨૫૮ શિશુઓએે લીધો.
૨૦,૦૭૭થીય વધુ હરિભક્તોએ સંયુક્ત સભામાં પણ આ બાળ પારાયણના કેટલાક અંશોની ઝલક માણી. 

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |