Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

અમદાવાદમાં સ્વામીશ્રીનો દિવ્ય સત્સંગલાભ...

તા. ૧-૯-૨૦૦૮ થી તા. ૩૦-૯-૨૦૦૮ સુધી અમદાવાદમાં બિરાજીને સ્વામીશ્રીએ સત્સંગની હેલી વરસાવી હતી. બી.એ.પી.એસ. શતાબ્દી ઉત્સવની ઉજવણી બાદ આઠ મહિના પછી અમદાવાદ પધારેલા સ્વામીશ્રીનું હરિભક્તોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સ્વામીશ્રીના આ એક મહિનાના નિવાસ દરમિયાન વહેલી સવારે યોજાતી સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીએ 'યોગીગીતા મર્મ' પર મનનીય પારાયણનો લાભ આપ્યો હતો. પારાયણ બાદ આરંભાતી સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનાં દર્શને રોજ હજારોની સંખ્યામાં હરિભક્તો ઊમટતા હતા. અમદાવાદ તથા આજુબાજુના વિસ્તારોમાંથી પદયાત્રા, દંડવતયાત્રા અને અનેક પ્રકારનાં વ્રત-તપ દ્વારા પ્રાતઃપૂજાનાં દર્શને આવતા હરિભક્તોએ સ્વામીશ્રીની વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. 'પ્રમુખસ્વામી ઓડિટોરિયમ'ના વિશાળ સભાગૃહમાં યોજાતી પ્રાતઃપૂજામાં, સંતોના સુમધુર કંઠે ગવાતાં કીર્તનો સાથે પાર્શ્વભૂમાં અદ્‌ભુત દૃશ્ય સંયોજનને કારણે સ્વામીશ્રીનાં દર્શન સૌને માટે અણમોલ સંભારણું બની જતાં હતાં. બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી જેવા સંતોએ રચેલાં ભક્તિપદોનો મહિમા સમજાવતી કોમેન્ટરીથી વાતાવરણ નિત્ય વિશેષ ભક્તિમય બની જતું હતું. સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં ગણેશચતુર્થી, જળઝીલણી એકાદશી તથા શ્રાદ્ધપક્ષમાં ગુણાતીત ગુરુપરંપરા અને શ્રીજી મહારાજના સ્મૃતિપર્વ જેવા જુદા જુદા ઉત્સવોમાં સહભાગી થવાનું સૌભાગ્ય પણ અમદાવાદવાસીઓને પ્રાપ્ત થયું હતું. યુવાદિનને દિવસે પાંચ હજારથી વધુ યુવાનોએ ઉપસ્થિત રહી વિશિષ્ટ રીતે ગુરુહરિને સત્કાર્યા હતા. વળી, દર રવિવારે યોજાતી સંધ્યા સત્સંગસભામાં હજારો હરિભક્તોને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સ્વામીશ્રીનાં આશીર્વચનનો લાભ પણ પ્રાપ્ત થયો હતો.
આ વખતના રોકાણ દરમિયાન સ્વામીશ્રીએ મધ્ય આફ્રિકાના રુવાંડા અને બરુંડી દેશમાં તેમજ અમદાવાદના જીવરાજપાર્ક અને કૃષ્ણનગરમાં પ્રતિષ્ઠિતથનાર મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી આરતી ઉતારી હતી. મહેસાણાના સ્થાનિક સંસ્કારધામ તથા વીસનગર, જંત્રાલ તેમજ અમદાવાદના નિકોલ, વસ્ત્રાલ અને અમરાઈવાડીનાં સંસ્કારધામોના ખાતમુહૂર્તનો લાભ પણ સભાજનોને પ્રાપ્ત થયો હતો. સ્વામીશ્રીના આ વખતના રોકાણના અંતિમ દિવસે અમદાવાદવાસીઓ નવરાત્રી, દિવાળી અને અન્નકૂટની ઉત્સવત્રિવેણીનો લાભ પ્રાપ્ત કરી ધન્ય થયા હતા. ૩૦ દિવસનું સ્વામીશ્રીનું રોકાણ સપ્તરંગી બની ગયું હતું. સતત એક મહિના સુધી વિવિધ તહેવારો, ઉત્સવો અને પ્રસંગોની દિવ્ય સ્મૃતિઓનું ભાથું બાંધી આપી સ્વામીશ્રીએ તા. ૧-૧૦-૨૦૦૮ના રોજ જામનગર જવા વિદાય લીધી. મંદિરના પ્રાંગણમાં હકડેઠઠ ઊમટેલા હજારો હરિભક્તોએ સ્વામીશ્રીને ભાવભીની વિદાય આપી ત્યારે વાતાવરણ ભાવોર્મિઓથી છલકાઈ ગયું હતું.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |