Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સ્વામીશ્રીના સાંનિધ્યમાં ભવ્યતાથી ઊજવાયો શરદપૂર્ણિમા ઉત્સવ

તા. ૧૪-૧૦-૨૦૦૮ના રોજ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો ૨૨૪મો પ્રાગટ્યોત્સવ અક્ષરતીર્થ ગોંડલમાં ધામધૂમથી ઊજવાઈ ગયો. બરાબર એક વર્ષ બાદ સ્વામીશ્રી પધારતાં હોઇ આશરે ૨૫,૦૦૦ જેટલા હરિભક્તો સ્વામીશ્રીનાં દર્શન તેમજ આ સમૈયાનો લાભ લેવા ઊમટ્યા હતા. ઠેઠ રાજસ્થાન બિલાડા સ્ટેટના રાજવી દીવાન માધવસિંહજીથી લઈને સૌરાષ્ટ્રનાં નાનાં નાનાં ગામડાંના ભાવિકો સ્વામીશ્રીનાં દર્શન કરી કૃતકૃત્ય થયા હતા. શરદપૂર્ણિમાની પ્રભાતે સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં સંગીતજ્ઞ સંતોએ ગુણાતીતાનંદ સ્વામીને કીર્તનાંજલિ અર્પી હતી.
સાંજે સાત વાગે યોગીસ્મૃતિ મંદિરની પાછળ આવેલી વિશાળ વાડીમાં અક્ષરબ્રહ્મ જન્મોત્સવ સભાનો આરંભ થઈ ગયો હતો. ઉત્તર મુખે મુખ્ય મંચ શોભતો હતો. ત્રિપરિમાણીય અસર ઉપજાવતી નકશીદાર કમાનોના ગોખની વચ્ચે ભગવાન સ્વામિનારાયણ સાથે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને ગુરુપરંપરાની મૂર્તિઓ વિરાજિત હતી. જન્મોત્સવની સભાનો કેન્દ્રીય વિચાર હતો 'હું તો ચિરંજીવી છુ.' સ્વામીશ્રીના પધારતાં પહેલાં સિદ્ધેશ્વર સ્વામી, વિવેકસાગર સ્વામીનાં પ્રવચનો તેમજ ગોંડલના કિશોરોનું સ્વાગત નૃત્ય અને પ્રથમ આરતી થઈ ચૂક્યાં હતાં. ઈશ્વરચરણ સ્વામીના પ્રવચન બાદ ગોંડલના યુવકોએ 'ગુણાતીતાનંદ સ્વામીએ તૈયાર કરેલો નિષ્ઠાવાન ભક્તસમાજ' એ વિષયક સંવાદ રજૂ કર્યો. વરિષ્ઠ સંતો સાથે લગભગ ૩૦ જેટલા આગેવાન હરિભક્તોએ દ્વિતીય આરતીનો લાભ  લીધો. ડૉક્ટર સ્વામીએ 'ગુણાતીતાનંદ સ્વામીની સાધુતા આજે પણ સ્વામીશ્રીમાં જીવંત છે' એ વિષયક ઉદ્‌બોધન કર્યું. જુદાં જુદાં મંદિરોમાંથી આવેલા વડીલ સંતોએ તૃતીય આરતી ઉતારી.
મહંત સ્વામીના પ્રવચન બાદ ચતુર્થ આરતીમાં વડીલ સંતો સાથે આજના સમૈયાની સેવા કરનારા હરિભક્તો તથા દેશ-પરદેશથી આવેલા અગ્રણી હરિભક્તો જોડાયા. ગુરુકુળના બાળકો અને અન્ય બાળકો દ્વારા ગવાયેલાં ભજનોના 'મૂર્તિ પ્યારી રે' ધ્વનિપ્રકાશન ઓડિયો સીડીનું ઉદ્‌ઘાટન ગુરુકુળમાં અભ્યાસ કરી રહેલા બે બાળકલાકારો તથા નૈષ્ઠિકવ્રત સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું. 
આજના પ્રસંગે વિવિધ મંડળોએ તૈયાર કરેલા કલાત્મક હાર તથા શાલ વગેરે વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળમાં અર્પણ કર્યાં. ગોંડલના મહિલામંડળે ૮૭૫ ગ્રામ કાશ્મીરના કેસરમાંથી ૧૫૧ ફૂટ લાંબો હાર તૈયાર કર્યો હતો, જે તમામ મંદિરના કોઠારી સંતોએ સ્વામીશ્રીને અર્પણ કર્યો. ગોંડલ બી.એ.પી.એસ. મંડળના કિશોરોએ'શરદપૂનમની રાતડી...' નૃત્ય રજૂ કર્યું.
અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએકહ્યું, 'આજે શરદપૂનમનો દિવસ એટલે આનંદનો દિવસ, શાંતિનો દિવસ, ઠંડકનો દિવસ, આપણા અંતરના વિકારો શમાવી દે એવો દિવસ કહેવાય. શરદ પૂનમનો ચંદ્ર બધી રીતે ટાઢક આપે એવા પવિત્ર દિને સ્વામી પ્રગટ થયા. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં વિરાજતા ને મહારાજની આજ્ઞા હતી એટલે ત્યાં સંતો-હરિભક્તો વર્ષોવર્ષ જતા અને સ્વામીનો સમાગમ કરતા. સૌને ટાઢક થઈ જતી. ગુણાતીતાનંદ સ્વામીની વાતો એટલે આરપારની વાતો, ભગવાનમાં દૃઢ શ્રદ્ધા-વિશ્વાસ થાય એવી વાતો, ભક્તિ થાય, ભગવાનનો મહિમા અનન્ય રીતે સમજાય અને જગત, વિષય ખોટા થઈ જાય ને અખંડ આત્માનું સુખઆવે એવી હતી.
અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ એ ત્રણ પ્રકારના તાપ છે. એમાં જીવપ્રાણી માત્ર બળે છે. અધ્યાત્મ એટલે મનનું દુઃખ. મનનું દુઃખ કોઈને મટ્યું નથી ને ગમે તેટલા ઉપાય કરે તોય મટતું નથી. ભગવાન ને સંત મળે તો જ શાંતિ થાય ને તો જ એ દુઃખ ટળે. અધિભૂત એટલે પ્રાણીઓ થકી દુઃખ આવે, એવા માણસોથી ત્રાસ થાય. અત્યારે આપણે ત્રાસવાદની વાતો સાંભળીએ તો દરેકને એના પ્રત્યે ઘૃણા થાય છે, દુઃખ પણ થાય. અધિદૈવ એટલે દેવનો કોપ. વરસાદ ઘણો વરસે તો પણ આપણને દુઃખ થઈ જાય છે. અગ્નિની જ્વાળાઓ થાય, પવન ફૂંકાય, ધરતીકંપો થાય, સુનામી આવે છે - એટલે આ ત્રિવિધ તાપમાં જીવપ્રાણી માત્ર બળે છે. ઘંટીનાં બે પડ વચ્ચે દાણા પીસાય છે એમ પૃથ્વી ને આકાશ બે પડ છે, એમાં જીવપ્રાણી માત્ર પીસાય છે. તેમાં શાંતિનો ઉપાય ભગવાન ને સંત છે. ગુણાતીતાનંદ સ્વામી એવા સંત હતા તો એમની પાસે એવા ઘણા બહારવટિયા, આસુરી બુદ્ધિવાળા આવ્યા, વ્યસની, કુકર્મી એવા બધાને એમણે શાંતિ કરી, આસુરી વૃત્તિ હતી એ દૈવી વૃત્તિ થઈ ગઈ, ભક્ત બની ગયા. અને એવા ભક્ત બન્યા કે એમનાથી હજારોને શાંતિ થઈ.
શ્રીજીમહારાજે પણ એમનો મહિમા કહ્યો છે : 'ગુણાતીતાનંદ સ્વામી જેવા કોઈ સંત નથી ને હું જેવો કોઈભગવાન નથી.'  શ્રીજીમહારાજ પૃથ્વી પર ગુણાતીતાનંદ સ્વામીને લઈને આવ્યા ને આપણને આત્મા-પરમાત્માની, અક્ષરપુરુષોત્તમની વાત સમજાવી છે. જ્યારે આત્મા ને પરમાત્માનું જ્ઞાન થશે ત્યારે બધી વાતનો ઉકેલ આવી જશે. શાસ્ત્રનો સાર પણ એક જ છે કે આપણે આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી છે. ઉપનિષદ્‌, ગીતા, ભાગવત એ બધા ગ્રંથોમાં આ જ વાત છે. આદર્શ ભક્ત થઈ ભગવાનની ભક્તિ કરવી, આ સિદ્ધાંત છે. ભગવાન તો કોઈ થઈ શકે એમ નથી. ભગવાન તો એક શ્રીજીમહારાજ, આપણે તો બધા દાસ-સેવક છીએ. સાચા ભક્ત થઈશું તો ભગવાન રાજી થશે.
ભક્ત થવું એ કઠણ કામ છે. આપણે માળા-પૂજા કરીએ છીએ એટલે ભક્ત તો છીએ, પણ જ્યારે આપણને મુશ્કેલી આવે ત્યારે આપણી ભક્તિ ટળી જાય છે. ભગવાન કોઈનું નખ્ખોદ કે નાશ કરવા આવ્યા નથી. ભગવાન તો દરેકનું ભલું કરવા આવ્યા છે, પણ આપણાં કર્મો, સ્વભાવોને લઈને આવું થાય છે. ગુણાતીત સંત મળે તો તેમાં શાંતિ થાય છે. ગુણાતીતાનંદ સ્વામી આ દિવસે પ્રગટ થયા ને હજારોને શાંતિ ને સુખ આપ્યાં છે. જોગી મહારાજ ને શાસ્ત્રીજી મહારાજ જ્યાં વિરાજતા ત્યાં અખંડ કથાવાર્તા, કીર્તન, ભજન ને સમૈયા થતાં. એટલે ગુણાતીત સંત જ્યાં હોય ત્યાં અખંડ શાંતિ હોય છે. તો પ્રાર્થના કરીએકે એમના જેવી અણીશુદ્ધ સાધુતાનું જીવન જિવાય.'
કુશળકુંવરબાનો અણીશુદ્ધ ચોખાનો પ્રસંગ કહી સ્વામીશ્રી કહેઃ 'મહારાજ કહે મારે પણ તમને બધાને એવા અણીશુદ્ધ કરવા છે. આપણને બધાને ભગવાન અણીશુદ્ધ કરવા આવ્યા છે. આપણા જીવનમાંથી રાગદ્વેષ, મારુંતારું, છળકપટ, પ્રપંચ, દોષ કાઢીને શુદ્ધ બનાવવા છે અને એવા શુદ્ધ કરીને અક્ષરધામમાં લઈજવા છે, માયાનો ભાવ કાઢીને, બ્રહ્મરૂપ કરીને બધાને અક્ષરધામમાં લઈ જવા છે. તો એવા જ સુખિયા મહારાજ આપણને કરે.'
લગભગ ૨૨ મિનિટથી વધારે આશીર્વાદ સ્વામીશ્રીએ આપ્યા. ૧૦:૦૫ વાગે સ્વામીશ્રીએ પાંચમી આરતી કરી. અને સાથે સાથે વિશાળ ભક્તમેદનીમાં સમૂહ આરતીના દીવાઓ પ્રગટી ઊઠ્યા. પરિસરની લાઇટો બંધ કરી દેતાં જાણે કે શરદપૂર્ણિમાનો મહારાસ નીચે ધરતી ઉપર રચાયો હોય એવો સૌને દિવ્ય અનુભવ થયો. ઉપર તારે વીંટ્યો શરદચંદ્ર અને નીચે હજારો દીવડાઓથી પ્રકાશિત તારલાઓની વચ્ચે સ્વામીશ્રી રૂપી ચંદ્ર શોભી રહ્યો હતો. આ દૃશ્ય અદ્‌ભુત અને અવર્ણનીય હતું. આ આરતી પૂર્ણ થતાં જ જયનાદો થયા, અને સભાની પૂર્ણાહૂતિનો રાસ આરંભાયો. એ આનંદના દિવ્ય માહોલમાં જ શરદોત્સવની પૂર્ણાહુતિ થઈ.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |