Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ગઢડા બી.એ.પી.એસ. દ્વારા આયોજિત નેત્રનિદાન-નેત્રમણિ આરોપણ કેમ્પ...

તા. ૧૨-૧૦-૦૮ રવિવારના રોજ ગઢડામાં સ્વામિનારાયણ દવાખાનાંના ઉપક્રમે નેત્રનિદાન તેમજ નેત્રમણિ આરોપણ કેમ્પનું આયોજન થયું હતું. જેમાં તામિલનાડુની વિખ્યાત 'અરવિંદ આંખની હૉસ્પિટલ' સાથે સંકળાયેલ અમરેલીની સુદર્શન નેત્રાલયના ડૉક્ટરોએ સેવા આપી હતી. જેમાં નેત્રરોગોના અલગ અલગ વિભાગના તાલીમ પામેલ કુલ ૧૮ ડૉક્ટરો અને નર્સોના સ્ટાફે સવારના ૮-૩૦થી બપોરના ૩-૦૦ સુધી કુલ ૪૫૪ નેત્ર- દર્દીઓને તપાસી તેમને યોગ્ય સારવાર આપી હતી. આ નેત્રયજ્ઞમાં આંખનો મોતિયો, ઝામર, વેલ, પરવાળા, ત્રાંસી આંખ તથા આંખની કીકી તથા પડદા તેમજ આંખના અન્ય રોગોના દર્દીઓએ સારવાર પ્રાપ્ત કરી હતી.
આ કેમ્પમાં ૧૯૯ વ્યક્તિઓને આંખના નંબર હોવાનું નિદાન થયું હતું. તેમાંથી ૬૮ વ્યક્તિને રાહતદરે નંબરનાં ચશ્માં બનાવી આપવામાં આવ્યાં હતાં. ઉપરાંત આ દર્દીઓમાં ૬૦ વ્યક્તિઓને મોતિયો હોવાનું નિદાન થયું હતું. તે પૈકીના ૨૨ દર્દીઓને ઓપરેશન માટે અમરેલી સ્થિત સુદર્શન હૉસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા જેમાં આ મોતિયાના ઓપરેશન સાથે સાથે જરૂરી દવાઓ, દર્દીને રહેવા-જમવા તેમજ ગઢડાથી અમરેલી જવા આવવાની સંપૂર્ણ વ્યવસ્થા આ સુદર્શન હૉસ્પિટલના સહયોગથી કરવામાં આવી હતી.
ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આવનાર દર્દીઓની તકલીફ દૂર થાય અને નેત્રયજ્ઞ સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા. આ નેત્રયજ્ઞને સુદર્શન નેત્રાલયના સેવાભાવી ડૉક્ટરોની ટીમ તેમજ શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના સંતો અને સ્વયંસેવકોએ ખૂબ જ જહેમત ઊઠાવી સફળ બનાવ્યો હતો.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |