Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

તીથલમાં પ્રમુખસ્વામી મહારાજ

તા. ૨૨-૧૧-૨૦૦૮ના રોજ સાંકરીથી વિદાય લઈને વલસાડ પાસે કોસંબા-તીથલના દરિયાકિનારે આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં બિરાજીને સ્વામીશ્રીએ ભક્તિની ભરતી ઉભરાવી હતી. સ્વામીશ્રીના આગમનથી દક્ષિણ ગુજરાતમાં સાગરકાંઠે વસેલા વલસાડ જિલ્લાના આદિવાસી ભક્તોનો ઉમંગ સમાતો નહોતો. સેંકડો બાઈ-ભાઈ હરિભક્તોએ વ્રત-ઉપવાસ તેમજ દંડવત્‌યાત્રા કરીને સ્વામીશ્રીને ભક્તિભાવપૂર્વક વધાવ્યા હતા. અહીં મંદિરમાં રંગમંડપમાં સ્વામીશ્રીનાં કરકમલો દ્વારા નીલકંઠ વણી તથા ગુરુપરંપરાની આરસની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ ઉપરાંત નાની વહીયાળ, લીલાપોર, ફડવેલ, સિરપુર તેમજ મગોદ અને મરલા વગેરે ગામોનાં નૂતન કુટિર મંદિરોની મૂર્તિઓનું સ્વામીશ્રીના હસ્તે વેદોક્તવિધિપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં મુંબઈમાં ૨૬ નવેમ્બરે આતંકવાદી હુમલામાં દિવંગત આત્માઓની શાંતિ માટે વિરાટ પ્રાર્થનાસભા પણ તીથલ ખાતે યોજાઈ હતી. તીથલમાં સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોની ઝાંખી અત્રે પ્રસ્તુત છે...
કોસંબા-તીથલના સમુદ્રતટે ૯ વર્ષ પૂર્વે પ્રતિષ્ઠિત થયેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની દિવ્ય આભા વલસાડ જિલ્લાના ગામોગામ પહોંચી છે. દરિયાખેડુ માછીમારોનાં જીવનમાં સ્વામીશ્રી પ્રવેશ્યા છે ત્યારથી એ સૌનાં જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આજે હજારોની સંખ્યામાં આ સાગરપુત્રો નિર્વ્યસની જીવન જીવે છે, સત્સંગ કરે છે, શિક્ષાપત્રી પાળે છે. આ જ ભક્તો ગામો ગામ જઈ બીજાને સત્સંગનો રંગ લગાડે છે. જ્યાં માછલી-કુકડાનો આહાર સહજ હતો ત્યાં અહિંસાધર્મ પળાય છે. ભૂત-પ્રેતાદિ વહેમમાં વસતી પ્રજા આજે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરી નિર્ભય બની છે. તીથલમાં મંદિર થયું ત્યારથી ને તે પહેલાં પણ આ ક્ષેત્રમાં સંતોનું ખૂબ વિચરણ રહ્યું છે. તેનો પ્રભાવ સ્વામીશ્રીના તીથલ નિવાસ દરમ્યાન પરખાતો હતો. તીથલમાં ૯૯૮ દિવસના દીર્ઘ અંતરાલ પછી પ્રાણપ્યારા ગુરુહરિનાં દર્શન થતાં હતાં. તેથી સ્વામીશ્રીના આગમનને વધાવવા હજારો આબાલવૃદ્ધ હરિભક્તો ઊમટ્યાં હતાં.
સ્વામીશ્રીને પ્રસન્ન કરવા વલસાડ ક્ષેત્રનાં વિવિધ સત્સંગ કેન્દ્રોનાં આબાલવૃદ્ધ બાઈ-ભાઈ હરિભક્તોએ સ્વેચ્છાએ વિવિધ નિયમો ધારણ કર્યા હતા. ચીમલા ક્ષેત્રનાં બાળકોએ ૬ મહિનાથી એકટાણાં અને ભાવતી વસ્તુઓના ત્યાગના નિયમો લીધા હતા. જેમાંના મયંકકુમાર ડી. પટેલે દસ વર્ષની ઉંમરે સાડાચાર મહિનાના એકટાણાં કર્યાં હતા. કોસંબા બાળમંડળ દંડવત્‌યાત્રા કરીને આવ્યું હતું. ધરમપુર તેમજ ડુંગરી ક્ષેત્રનાં બાળકોએ ૬ મહિના સુધી ભાવતી વસ્તુઓના ત્યાગના નિયમ સ્વેચ્છાએ લીધા હતા. આ ઉપરાંત મગોદ ગામના નવીનભાઈ આર. પટેલે ૧૦૮ કલાકના નિર્જળ ઉપવાસ કર્યા હતા. તેમજ કોઈએ ૭૨ કલાક તો કોઈએ ૯૦ કલાક કે ૧૧૨ કલાકના નિર્જળ અને સજળ ઉપવાસ કર્યા હતા. ચાર ટંડેલ યુવકોએ ૮૮ કલાકના પ્રવાહી લઈને ઉપવાસ કર્યા હતા. એ જ રીતે મહિલા મંડળના સભ્યોએ મોટી સંખ્યામાં જનમંગલના પાઠ, માળા, પંચાંગ પ્રણામ, પ્રદક્ષિણા સાથે ૨૪, ૪૮ કે ૧૨૦ કલાક સુધીના નિર્જળ ઉપવાસથી લઈને ૨૪૦ તેમજ ૩૪૦ કલાક સુધીના સજળ ઉપવાસ કર્યાં હતા.
તા. ૨૨-૧૨-૨૦૦૮ના રોજ સ્વામીશ્રી તીથલમાં પધાર્યા ત્યારે સંધ્યા ઢળી ચૂકી હતી. સ્વામીશ્રીના સ્વાગત માટે તપસ્વી બાઈ-ભાઈ હરિભક્તો મર્યાદા પ્રમાણે પંક્તિબદ્ધ બેઠાં હતાં. સમુદ્ર શાંતપણે લહેરાઈ રહ્યો હતો. સ્વામીશ્રીના માર્ગની બંને બાજુ એ ઘીના દીવાઓ ટમટમી રહ્યા હતા. બાળમંડળ નૃત્ય કરવા માટે થનગની રહ્યું હતું. પ્રાકૃતિક વાતાવરણની શોભા હૃદયંગમ હતી. સ્વામીશ્રીએ દર્શન કર્યાં અને તપસ્વી હરિભક્તોને તથા સૌને અંતરના આશીર્વાદ પાઠવ્યા. અહીંના સરલદર્શન સ્વામીએ ૯૬ કલાકના નિર્જળ ઉપવાસ, ૠષિપ્રિય સ્વામીએ ખટરસમાં ધારણાંપારણાં, દિવ્યચિંતન સ્વામી, શ્વેતદર્શન સ્વામી, નિર્મલચરણ સ્વામીએ પાકાં ધારણાંપારણાં કર્યાં હતાં. ભગવત્‌સેવા સ્વામીએ અઢી મહિનાનું અલૂણા વ્રત કર્યું હતું. એ સૌ સંતોને સ્વામીશ્રીએ પ્રસન્નતાના આશીર્વાદ આપ્યા.
ઠાકોરજીનાં દર્શન કરી સ્વામીશ્રી પોડિયમ ઉપર પધાર્યા ત્યારે 'દરિયામાં ચાલી હોડી' એ ગીતના આધારે હોડીનો આકાર રચીને બાળકો નૃત્ય રજૂ કરી રહ્યા હતા. સૌનું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી સભામંડપમાં મંચ ઉપર પધાર્યા. અહીં વિવેકસાગર સ્વામીએ પૂર્વ વિચરણની વાતો કરી. ત્યારબાદ સમગ્ર દક્ષિણ ગુજરાત સત્સંગ સમુદાય વતી ઘનશ્યામચરણ સ્વામીએ સ્વામીશ્રીને હાર પહેરાવ્યો. વિવેકસાગર સ્વામી તથા કોઠારી વિવેકસ્વરૂપ સ્વામીએ પણ હાર પહેરાવી સ્વામીશ્રીનું અભિવાદન કર્યું.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |