Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

તીર્થધામ સાંકરીમાં પ્રમુખસ્વામી મહારાજ...

તા. ૧૬-૧૧-૨૦૦૮થી તા. ૨૨-૧૧-૨૦૦૮ દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજે દક્ષિણ ગુજરાતમાં સાંકરી ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં બિરાજીને દિવ્ય સત્સંગ લાભ આપ્યો હતો. સ્વામીશ્રીના અત્રેના રોકાણ દરમ્યાન આસપાસનાં ગામો તેમજ દૂર-સુદૂરથી ઊમટેલા હજારો હરિભક્તો-ભાવિકોએ સ્વામીશ્રીનાં દર્શન અને આશીર્વચનનો લાભ પ્રાપ્ત કર્યો હતો. સ્વામીશ્રીના આગમન નિમિત્તે સાંકરી ક્ષેત્રનાં બાળકો-યુવકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. સ્વામીશ્રીના આ સાત દિવસના રોકાણ દરમ્યાન સેંકડો હરિભક્તોએ વ્રત-ઉપવાસ, પદયાત્રા તેમજ સાઇકલયાત્રાઓ દ્વારા સ્વામીશ્રી પ્રત્યે પોતાની ગુરુભક્તિ અદા કરી હતી. સ્વામીશ્રીએ સિરપુર, સહાદા, ખંજરોલી, મધરકૂઈ, કમલાપોર અને સઠવાવ ગામનાં નૂતન મંદિરોની મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી આરતી ઉતારી હતી. સાંકરીના રોકાણ દરમ્યાન સ્વામીશ્રીની સ્મૃતિઓ અહીં પ્રસ્તુત છે...
બોચાસણથી સ્વામીશ્રી સાંકરી પધાર્યા. તા. ૧૬થી ૨૨ નવેમ્બર સુધીના સાંકરી નિવાસ દરમ્યાન અનેક ભક્તોના મનોરથ પૂર્ણ કર્યા. લગભગ ચાર વર્ષ બાદ સ્વામીશ્રી સાંકરી પધારતા હોઈ બારડોલી-સાંકરી ક્ષેત્રનાં સર્વે સત્સંગ કેન્દ્રોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઊમટ્યા હતા. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના પ્રસાદીભૂત આ સાંકરી ગામમાં સ્વામીશ્રીએ ભવ્ય પંચશિખરીય મંદિર નિર્માણ કર્યું ત્યારથી સત્સંગનો ચઢતો ને ચઢતો રંગ છે. દરપૂનમે હજારો ભક્તો અહીં આવીને ભક્તિ અદા કરે છે.
તા. ૧૬-૧૧-૨૦૦૮ના રોજ પૂર્ણિમાના પવિત્ર દિને સ્વામીશ્રીના આગમન સાથે રવિસભા યોજાઈ. આશરે ૧૮,૦૦૦ હરિભક્તો ઊમટ્યા હતા. સ્વામીશ્રી સભામંડપમાં પધાર્યા ત્યારે બાળકોએ 'સ્વાગતમ્‌' નૃત્ય રજૂ કરીને સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. બારડોલીના હર્ષ વાઘેલાએ અંગ્રેજીમાં પ્રવચન કર્યું. સમગ્ર દક્ષિણ ગુજરાતના હરિભક્તો વતી ઘનશ્યામ સ્વામી (સુરત), આચાર્ય સ્વામી (નવસારી), દેવેન્દ્રપ્રસાદ સ્વામી (કોઠારી, સાંકરી), શુભદર્શન સ્વામી (ઉકાઈ) વગેરે સંતોએ મહિલા મંડળો દ્વારા બનાવેલ વિવિધ હાર અર્પણ કરી સ્વામીશ્રીને સન્માન્યા.
આજના પ્રસંગે નવસારીથી ૫૦ કિશોરો સાઇકલયાત્રા, સુરત અક્ષરવાડી વેડરોડથી ૧૧૬ હરિભક્તો પદયાત્રા કરીને આવ્યા હતા. તેઓને પણ સ્વામીશ્રીના અંતરના આશીર્વાદ પ્રાપ્ત થયા. સ્વામીશ્રીના આગમન નિમિત્તે આ ક્ષેત્રના ઘણા યુવકોએ વિશેષ નિયમો લીધા હતા. જેમાં અમલસાડી ગામના કિશોરમંડળે ધારણાંપારણાંથી માંડીને એકટાણાં, દંડવત્‌, નિર્જળ ઉપવાસ, પ્રદક્ષિણા, માળા અને જનમંગલ નામાવલીના પાઠ કરવાનો નિયમ લીધો હતો. એ જ રીતે ઇટારવા ગામના યુવકોએ પણ વિશેષ નિયમો લીધા હતા. આ ઉપરાંત મોટી આંખરોટ, ભગવાનપુરા, બામણગામ, માંડવી, અનાવલ, અમલસાડી, કમલાપોર, બારડોલી, ગુણસુભેલ, કાછલ, માંડવી વગેરે ગામોના યુવકોએ પણ ચાર દિવસના સજળ ઉપવાસથી માંડીને એક દિવસના નિર્જળ ઉપવાસ અને વિશેષ પ્રદક્ષિણા, માળા, દંડવત્‌, એકટાણા વગેરે કર્યા હતા. સ્વામીશ્રીનો સૌ ઉપર રાજીપો વરસી રહ્યો.
સ્વામીશ્રીએ સૌ ઉપર કૃપા-આશિષ વરસાવતાં જણાવ્યું કે 'આજે આ ક્ષેત્રોના જે હરિભક્તો પધાર્યા છે એ બધાને ખાસ જય સ્વામિનારાયણ. 'ચાર વર્ષે આવ્યા' એવી વાત વારંવાર આવ્યા કરે છે, પણ આપણા હૃદયની ભક્તિ હોય તો ચાર વરસય નથી ને એક મિનિટેય નથી. આપણી સાથે અખંડ છે, કારણ કે ભગવાન ને સંત દયાળુ છે. જ્યારે સંભારો ત્યારે એ સુખ-દર્શન આપે છે અને આપ બધાની એવી જ ભક્તિ છે. સત્સંગની જીવમાં દૃઢતા થઈ છે એટલે આવી આવીને દર્શન ને ભીડો વેઠાય છે. સાંકરી હતી તો લોખંડ જેવી, પણ જ્યારે ભગવાન ને સંત અહીં વિરાજ્યા, અહીંના ભક્તોની ભક્તિ ને ભગવાન બેઠા એટલે સોનાની સાંકરી થઈ. આટલો મોટો સભામંડપ કર્યો તોય સભામંડપ ઊભરાઈ ગયો. ચારેય બાજુ  જુ ઓને! બેઠા છે ને ઊભા છે ને હજુ ય સમાતા નથી. ચારેય બાજુ છલકાઈ ગયા છે, પણ આપણે તો ઊભા કે બેઠા, પણ દર્શન થાય છે, એ સુખ મોટું છે. અક્ષરરૂપ થવું ને પુરુષોત્તમની ભક્તિ કરવી, એટલા માટે જ આપણો દેહ છે. ભલે કામ બધું જ કરવાનું, પણ આપણે નિશાન એક રાખવાનું. માણસ ધારે કે આ કરવું છે તો ભગવાનની ઇચ્છાથી શું ન થાય? બધું થઈ જાય. આપણે બ્રહ્મરૂપ પણ થઈ જવાય ને સંસારનાં કાર્યોમાં પણ સફળતા મળે અને સુખિયા પણ થવાય છે. જેને મનમાં દૃઢતા છે ને મહેનત ને પુરુષાર્થ કરે તો કાર્ય થઈ જાય છે. ક્યારે બ્રહ્મરૂપ થઈ જવાશે ખબર નહીં પડે. ભક્તિ કરતાં કરતાં અવયવો ફરી જાય. સ્વભાવો, વાસનાઓ ટળતી જાય છે. આપણને ખબર પડે નહીં, પણ કાર્ય થાય છે, કારણ કે ભગવાનને અર્થે કરેલું કાંઈ નિષ્ફળ જતું નથી.' સ્વામીશ્રીએ સૌને બ્રહ્મરસથી તરબોળ કરી દીધા. ૨૨ નવેમ્બર સુધી સાંકરી વિરાજીને સ્વામીશ્રીએ સૌના અંતરમાં ભક્તિની વસંત મહોરાવી દીધી. સાંકરીમાં સાત દિવસમાં ચાર વર્ષનું અદ્‌ભુત સુખ સ્વામીશ્રીએ આપ્યું હતું. છેલ્લા દિવસે વિદાય લેતી વખતે મંદિરનું પ્રાંગણ હરિભક્તોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. સ્વામીશ્રીએ સામેથી જ માઇક મંગાવીને સૌને આશીર્વાદ આપતાં કહ્યું: 'આપ સૌને તને મને ધને ભગવાન સુખિયા કરે અને આવી ને આવી ભક્તિ, આવો ને આવો ઉત્સાહ હંમેશાં રહે. ભગવાન ને સંત એ આવતાય નથી ને જતાય નથી, આપણા હૃદયમાં અખંડ રહે છે. આવો તમારો ભક્તિભાવ જોઈને અખંડ રહે છે. નાના મોટા બધાએ સાત દિવસ સુધી ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે, ભીડો પણ વેઠ્યો છે ને આવવા-જવાનો બધો દાખડો પણ થયો હશે, કારણ હવે આપણે તો અનંત જન્મના ફેરા ટાળવા છે. અહીં આવું સુંદર મંદિર થયું છે એ પણ આપના બધાના લાભને માટે છે. ભગવાનના મંદિરે જઈ એમનાં દર્શન કરીએ તો અનંત જન્મનો થાક, વિચારો-સંકલ્પો ટળી જાય.'
સૌની ભાવભીની વિદાય લઈને તીથલ જવા નીકળ્યા ત્યારે સ્વામીશ્રીએ સાંકરી ગામના ગોંદરે હળપતિભાઈઓના ૧૫૦ પાકા આવાસોને દૃષ્ટિ પ્રસાદીભૂત કર્યાં હતા.
રસ્તે બારડોલીમાં આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયમાં પધાર્યા. અહીં વિદ્યાર્થીઓએ જયનાદો સાથે સ્વામીશ્રીને સન્માન્યા. સમગ્ર બારડોલી સત્સંગ મંડળના હરિભક્તો પણ સ્વામીશ્રીનાં દર્શન કરવા માટે ભેગા થઈ ગયા હતા. સૌ વતી છાત્રાલયના સંચાલકો ભરતભાઈ પટેલ તથા ડૉ.જ્યોતિષભાઈએ સ્વામીશ્રીને હાર અર્પણ કરીને વધાવ્યા. છાત્રાલયમાં હરિકૃષ્ણ મહારાજની પધરામણી કરાવી. સ્વામીશ્રીએ ગાડીમાં બેઠાં બેઠાં જ સમગ્ર પરિસરનું નિરીક્ષણ કર્યું, ખૂબ રાજી થયા. શ્રી રમેશભાઈ માળી તરફથી આ જમીન દાનમાં પ્રાપ્ત થઈ છે. તેમને આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ કહ્યું કે 'તમે બહુ જ મોટું કામ કર્યું છે. બહુ સારું છાત્રાલય થઈ ગયું છે. હજારો અહીં ભણશે ને તમને પુણ્ય મળશે.' છેલ્લે સ્વતઃ બોલી ઊઠ્યા, 'અહીં વિદ્યાર્થીઓ ખેંચાઈને આવી પડશે. બિલ્ડિંગ જોઈને છાતી ઠરી જાય એવું છે.' રમેશભાઈ પોતાને ધન્ય માની નતમસ્તક થઈ કૃતજ્ઞ ભાવે સ્વામીશ્રીને વંદી રહ્યા.
વચ્ચે નવસારી હાઈવે પર હરોળબદ્ધ રીતે હરિભક્તો દર્શન માટે ઊભા હતા. સૌને દર્શનદાન દેતાં દેતાં સ્વામીશ્રી આગળ વધ્યા.
ચીખલી પધાર્યા ત્યારે ટૂંકા ગાળામાં પણ હજારો હરિભક્તો અહીં આવી પહોંચ્યા હતા. ચીખલી ગામમાં નૂતન મંદિર માટે લેવાયેલી જમીન ઉપર દૃષ્ટિ કરી. સ્વામીશ્રીએ છેલ્લે જ્યાં હરિભક્તો બેઠા હતા ત્યાં ગાડી નજીક લેવડાવી. દરેક હરિભક્તને પ્રેમથી દર્શનદાન આપ્યાં. સમગ્ર સત્સંગમંડળ વતી આ વિસ્તારમાં ફરી રહેલા નિર્મલચરણ સ્વામી તથા શ્વેતદર્શન સ્વામીએ હાર પહેરાવીને સ્વામીશ્રીને સન્માન્યા. લગભગ દોઢથી બે હજાર હરિભક્તો આ વિરલ દર્શન માટે ઉપસ્થિત હતા. સ્વામીશ્રીએ સામેથી જ માઇક મગાવીને બે શબ્દો કહેતાં જણાવ્યું, 'સ્વામિનારાયણ ભગવાનની જય અને સર્વ ભક્તોની પણ જય. બધાને આશીર્વાદ છે. અહીંની જગ્યા જોઈને આનંદ થયો. સારી જગ્યા છે. અહીં સારું મંદિર થશે. બધાના દેશકાળ સારા થાય ને સુખી બનો એ આશીર્વાદ છે.' આટલા શબ્દોમાં ઉપસ્થિત તમામ હરિભક્તો પ્રત્યેની સ્વામીશ્રીની કરુણાના સૌને દર્શન થયાં.   

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |