Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

નવસારીમાં કીર્તનભક્તિ અને પારાયણ

તા. ૧૪-૧૨-૨૦૦૮ના રોજ રવિવાર હોવાથી આજે કીર્તનભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામીશ્રીના પધારતાં પહેલાં છેલ્લા ચારેક દિવસ વિદેશથી આવતા ગુણભાવીઓ માટેની એક ખાસ પારાયણનું આયોજન અહીં થયું હતું. જેમાં સત્યપ્રકાશ સ્વામીએ લાભ આપ્યો હતો.
કીર્તનભક્તિ બાદ વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યા પછી આજની સભાના અતિથિઓ વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઈ પટેલ, માજીમંત્રી ખુમાનસિંહ વાંસિયા, નગરપાલિકાના પ્રમુખ પ્રેમચંદ લાલવાણી, ઉપપ્રમુખ નીતિનભાઈ કંસારા, શહેર ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન રમેશભાઈ હીરાણી વગેરેએ પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વામીશ્રીનું સન્માન કર્યું. અક્ષરેશ સ્વામીના કીર્તનગાન બાદ સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું, 'મનુષ્યદેહ કોઈનો રહ્યો નથી ને રહેવાનો નથી. પણ મનુષ્યદેહ શા માટે મળ્યો છે એનો વિચાર આપણે કરવાનો છે. સંસારમાં આવ્યા એટલે નોકરી-ધંધો બધું કરવું પડે, પણ આપણને વિચાર નથી રહેતો કે આપણે આ બધું જ મૂકીને જવાના છીએ. આ દેહ નાશવંત છે, કાંઈ સાથે લાવ્યા ન'તા ને કંઈ લઈ જવાનું નથી. એટલો વિચાર જ આપણે કરવાનો છે. બધું મૂકી નથી દેવાનું, પણ એની અંદરની આસક્તિઓ ટળે તો જીવને શાંતિ ને સુખ થાય ને ભગવાન રાજી થાય.
ભગવાન શ્રીજીમહારાજે કહ્યું કે આપણાથી સૂકું પાંદડું પણ હાલી શકે એમ નથી. સૂકા પાંદડાને હલાવવું હોય તો આપણે હલાવી શકતા નથી. એ પણ ભગવાનની ઇચ્છાથી હલે છે. આપણે પણ કોઈ પણ કાર્ય કરવું હોય તો એ આપણે નથી કરી શકતા, અંદર રહેલા આત્માની પ્રેરણાથી થઈ શકે છે, ભગવાનની પ્રેરણાથી થઈ શકે છે.
જનક રાજાની જેમ જ્ઞાન હોય તો દુનિયાનો કોઈ જાતનો ભાવ નહીં, દેહનો ભાવ નહીં, બધું ભગવાનનું જ છે, ભગવાન જ બધું કરે છે. એ હતું તો પોતાને ભક્તિ હતી ને કથાવાર્તામાં હંમેશાં બેસતા. એટલે આપણાં શાસ્ત્રો કહે છે કે ભગવાનના સંત મળે ત્યારે આવું જ્ઞાન થાય છે, આપણો દેહભાવ ટળી જાય છે. આત્મા-પરમાત્માનું જ્ઞાન હશે તો સુખિયા રહેવાશે કે હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું અને એ જો દૃષ્ટિ થશે તો કોઈ બોલી જાય, અપમાન, તિરસ્કાર કરે તોય આપણને દુઃખ ન થાય. મૂરખ કહે, પશુ કહે અને એને આપણે માની બેસીએ તો તકરાર થાય, પણ એ ભલેને બોલે. જ્ઞાન ન હોય તો થાય કે મને કેમ આમ કહ્યું?
નરસિંહ મહેતાનો નાગરી નાતે તિરસ્કાર કર્યો. ભજન-ભક્તિ કરતા હતા ખોટું કાંઈ કરતા ન'તા, પણ લોકોએ તિરસ્કાર કર્યો. મીરાં ભક્ત થયાં તો એના પતિએ એને ઝેર આપ્યું તો ભગવાનને સંભારીને પી ગયાં. એને કશું થયું નહીં. આપણે ભક્ત થઈએ એટલે લોકો બોલશે, પણ કંઈ નહીં. આત્મા સામે દૃષ્ટિ રાખીને, ભગવાનમાં દૃષ્ટિ હોય તો કોઈના વિષે કાંઈ દોષ દેખાય નહીં.
ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય તો આ જગતનાં કોઈ મોહ-મમતા રહે નહીં. ભગવાન ને ભગવાનના સંત થકી જ આપણી શાંતિ ને મોક્ષ છે. એનો જેટલો સમાગમ કરીશું એટલું આપણું કામ થશે.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |