Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

નવસારીમાં બાળદિન અને યુવાદિન

તા. ૧૭-૧૨-૨૦૦૮ના રોજ બાળ-દિન નિમિત્તે સ્વામીશ્રીને રાજી કરવા માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી બાળકો પદયાત્રા કરીને આવ્યા હતા. પૂજામાં બાળકોએ સ્વામીશ્રીને રાજી કરવા માટે કીર્તન-મુખપાઠ અને નૃત્યનો સ્તુત્ય પ્રયાસ કર્યો હતો. સ્વામીશ્રીના અનંત ઉપકારની સ્મૃતિ કરી સૌએ 'સ્વીકારી લ્યો.... સ્વીકારી લ્યો....' એ પ્રાર્થનાનું સમૂહગાન કર્યું. પછી શ્લોકોનો મુખપાઠ રજૂ કર્યો. ત્યારબાદ 'હો ઘનશ્યામ લઈએ તારું નામ' એ કીર્તન સમૂહમાં ગાયું. અને 'સ્વામી! મારે આપને ગમતા થવું છે' એ વિષય ઉપર કરણ મકવાણાએ પ્રવચન કર્યું. પ્રશાંત અને વંદને સ્વામીની વાતોનો મુખપાઠ રજૂ કર્યો. અને 'ભુલકણા પટેલ' સંવાદ બાદ હર્ષ રાવલે વાર્તાલાપ કર્યો. પછી સૌએ સારા બાળક અને ભક્ત થવા માટેનો સંકલ્પ ગીત દ્વારા રજૂ કર્યો. શિશુ તથા બાળકોએ 'સ્વામી મંદિરિયામાં મીઠું મીઠું બોલે' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું.
તા. ૧૮-૧૨-૨૦૦૮ના રોજ યુવાદિન નિમિત્તે સ્વામીશ્રી પ્રત્યેની ભક્તિ અર્પણ કરવા માટે જુદાં જુદાં સ્થળેથી યુવકો દંડવત્‌ કરીને આવ્યા હતા. સભામાં આજે વિશિષ્ટ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં યોગીજી મહારાજનું હૃદય કહેવાતો યુવાન કેવો હોવો જોઈએ એ મધ્યવર્તી વિચાર હતો. 'યુથ' (YOUTH) શબ્દના મૂળ અક્ષરોને ધ્યાનમાં રાખીને વિવિધ રજૂઆતો યુવકોએ કરી. Y = Young, O = Optimised, U = Understanding, T = Thresing, H= Honest. આ મધ્યવર્તી વિચાર સાથે પ્રવચન, કીર્તન તથા અન્ય રજૂઆતો કરવામાં આવી.
ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારના ચીંચવાડા ગામના સરપંચ ગણેશભાઈ રાઉતને ભારત સરકાર તરફથી રાષ્ટ્રપતિએ 'નિર્મળ ગ્રામ' પુરસ્કાર અર્પણ કર્યો હતો. બી.એ.પી.એસ.ના ચુસ્ત સત્સંગી ગણેશભાઈએ પોતાના ચીંચવાડા ગામની રોનક સંપૂર્ણ બદલી નાંખી છે.  તેમના જીવનમાં પણ સ્વામીશ્રીના પ્રવેશથી મોટો ચમત્કાર સર્જાયો છે. તેમણે પોતાના પ્રવચનમાં કહ્યું કે 'હું પહેલા અત્યંત ગરીબ હતો. આઠ-આઠ દિવસ સુધી ભાજી ખાઈને પડી રહેતો એવું ગરીબીનું દુઃખ હતું, પરંતુ પ્રમુખસ્વામી મહારાજના સત્સંગમાં આવ્યો અને મારાં વ્યસનો ગયાં. ગામમાં હરિમંદિર થયું. મારી સાથે મારા ગ્રામજનો પણ સુધર્યા અને એને કારણે તેઓની તો પ્રગતિ થઈ, પણ ગામની પણ ઉન્નતિ થઈ. પહેલાં તો અમે ઊઠીને દારૂ પીને ધમાલ-મસ્તી કરતા. આખો દિવસ દારૂમાં પડી રહેતા. રાત્રે ૮:૦૦ વાગે ઘરે આવીએ ત્યારે અમારી પાસે કશું જ રહેતું નહીં. ભૂખે મરવાનું અને બીજે દિવસે ઉધાર લઈને પાછું પીવાનું. ઉધારી આપનારા સવારના પહોરમાં પૈસા લેવા આવી જાય. અમારો આખો વિસ્તાર આવો જ હતો, પણ પ્રમુખસ્વામી મહારાજની કૃપાથી આજે હું ચીંચવાડા અને અન્ય ૬ ગામનો સરપંચ છું. ૮૦૦ જેટલા લોકોએ સદાચારી જીવન જીવવાનો સંકલ્પ કર્યો છે અને એને પરિણામે જ્યારે દિલ્હીની ટીમ ગામ જોવા આવી ત્યારે સૌને આશ્ચર્ય થયું અને આજે 'નિર્મળ ગ્રામ'નો ઍવોર્ડ રાષ્ટ્રપતિ તરફથી મળ્યો છે. આજે જ્યારે આ ઍવોર્ડને પ્રમુખસ્વામી મહારાજ પ્રસાદીનો કરે છે ત્યારે મને અનુભવાય છે કે આ જે સ્વામીબાપાના આશીર્વાદ મળ્યા એ મારા માટે મોટામાં મોટો રાષ્ટ્રપતિ ઍવોર્ડ છે.'

સ્વામીશ્રીએ આ ઍવોર્ડ પ્રસાદીનો કરીને તેમના પર પ્રસન્નતાના આશીર્વાદ વરસાવ્યા. અક્ષરનિવાસી સી.ટી. કાકાને વિવેકસાગર સ્વામીએ શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી ધૂન કરવામાં આવી. આજના દિવસે ગણદેવી મતવિસ્તારના ધારાસભ્ય લક્ષ્મણભાઈએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા. યુવક મંડળે માળાનો હાર તથા વેજલપુર મંડળે બનાવેલ હાર વિવેકસાગર સ્વામી તથા આચાર્ય સ્વામીએ સ્વામીશ્રીને અર્પણ કર્યો.  
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |