Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ડુમ્મસમાં પ્રમુખસ્વામી મહારાજ

જનજનના કલ્યાણ માટે સતત વિચરતા રહેતા પ્રમુખસ્વામી મહારાજ તીથલ, નવસારી ખાતે સત્સંગનો દિવ્ય લાભ આપીને તા. ૨૦-૧૨-૨૦૦૮ના રોજ ડુમ્મસ પધાર્યા હતા. ડુમ્મસ, ભીમપોર અને સુલતાનાબાદ ત્રણેય નજીક નજીક હોવાથી અહીંના હરિભક્તોને સારો લાભ મળ્યો. અહીં પધારતાં પૂર્વે સ્વામીશ્રીએ ભાટિયા ખાતે પધારીને ભાટિયાના હરિભક્તો-ભાવિકોને સત્સંગનો દિવ્ય લાભ આપ્યો હતો.
તા. ૨૦-૧૨-૨૦૦૮ થી તા. ૨૩-૧૨-૨૦૦૮ દરમ્યાન સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં ડુમ્મસમાં સત્સંગનો માહોલ જામ્યો હતો. ડુમ્મસ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરીને સ્વામીશ્રી શ્રી સી.કે. પીઠાવાલાના ભવનમાં બિરાજીને સત્સંગનો અલભ્ય લાભ સૌને આપ્યો હતો.  સ્વામીશ્રીના સ્વાસ્થ્યને અનુરૂપ બધી જ વ્યવસ્થા તેઓએ અહીં કરેલી છે. અહીંના કોળી તથા માછી હરિભક્તો પણ અત્યંત ભાવિક છે. સ્વામીશ્રીના આગમન પછી આ વિસ્તારની સામાજિક સુધારણા ખૂબ જ થઈ છે. અહીં સ્વામીશ્રીના નિવાસ દરમ્યાન વિવિધ સત્સંગ કાર્યક્રમો યોજાયા. હજારો ભક્તોએ તેનો લાભ લીધો.
ડુમ્મસનો સત્સંગ સમુદાય એ બી.એ.પી.એસ. સત્સંગનું અભિનવસર્જન છે. અહીંના કોળી તથા માછી હરિભક્તો અત્યંત ભાવિક છે. સ્વામીશ્રી તેમજ સંતોના નિયમિત સત્સંગયોગથી આ વિસ્તારની કાયાપલટ થઈ છે. ઘણા નિર્વ્યસની બન્યા છે. પરિણામે તેમનાં પરિવાર ભાંગતાં અટક્યાં છે ને નવાં પાકાં મકાનો થયાં છે. સ્વામીશ્રીની આ શાંત ક્રાંતિનો અનુભવ આ વિસ્તારોમાં ફરતાં અચૂક થઈ આવે છે. જેમ કે, સિદ્ધાર્થ ફકીરભાઈ ખલાસી નામનો એક યુવાન સત્સંગ થયા પૂર્વે સંપૂર્ણ વ્યસની હતો. રોજનો દારૂ ઢીંચી ઢીંચીને ઘરમાં આવીને તોડફોડ સિવાય કશું જ કરતો નહીં. ટી.વી., કાચના કબાટ બધું જ તોડી નાખતો. ગુટખા, સિગારેટ અને માંસની સાથે સાથે બીજાં બધાં જ દૂષણો એનામાં હતાં. અને પરિણામે ઘરમાં કમાણી હતી નહીં. ઉપરથી વળી બૈરાં-છોકરાને ઢોર માર મારતાં પણ અચકાતો નહીં. આખા મહોલ્લામાં એનો ત્રાસ હતો. એની દાદાગીરી એવી હતી કે કોઈ કંઈ જ કહી ન શકે. ત્રણ વર્ષ પહેલાં સ્વામીશ્રી પધાર્યા ત્યારે સ્વામીશ્રીનાં દર્શને આવ્યો હતો. સ્વામીશ્રીના પ્રેમાગ્રહ અને પ્રભાવથી તેનાં બધાં જ વ્યસનો છૂટી ગયાં. પરિણામે ઘરમાં અને મહોલ્લામાં શાંતિ થઈ ગઈ. આજે એ કાર્યકર બનીને બીજાને પણ સુધારે છે.
મૂકેશભાઈ ગોંસાઈ(ખલાસી)નું જીવન પણ એવું જ હતું. ઘરમાં અને બહાર ધાંધલ-ધમાલ અને વ્યસનો સિવાય કશું જ કરતા ન હતા, પરંતુ એક હરિભક્ત એક દિવસ તેને સ્વામીશ્રીનાં દર્શને લઈ ગયા. સ્વામીશ્રીએ માથે હાથ મૂક્યો અને આખા શરીરમાં ધ્રુજારી વ્યાપી ગઈ, ત્યારથી હૃદયનું પરિવર્તન થયું અને નિયમિત સત્સંગ કરવા લાગ્યા. આજે નિવ્યર્સની થઈને પરદેશમાં નોકરી કરે છે અને ત્યાં પણ નિયમધર્મ ચુસ્ત પાળે છે.

તા. ૨૧-૧૨-૨૦૦૮ ના રોજ યોજાયેલી સત્સંગસભામાં આ બંનેએ મંચ ઉપર આવી સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું, 'સંતોના સત્સંગથી અને મહારાજના પ્રતાપે આવા અનેકનું પરિવર્તન થયું છે ને કલ્યાણ થયું છે. પહેલો સત્સંગનો રસ કડવો ને તીખો જ લાગે. પરંતુ પછી મીઠી સાખ જેવો લાગે છે. આપણા આત્માનું કલ્યાણ એ સત્સંગથી જ થાય છે. માટે નિશદિન સત્સંગ કરવો.'     
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |