Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

નારાયણ સરોવરનું પૂજન

તા. ૨૩-૨-૨૦૦૯ના રોજ સ્વામીશ્રીએ ભગવાન સ્વામિનારાયણનાં ચરણારવિંદ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના પ્રાસાદિક પથ્થરના એક અંશને નારાયણ સરોવરમાં પધરાવી સરોવરને પુનઃ તીર્થત્વ આપ્યું હતું. 
આ પ્રસંગે સ્વામિનારાયણ અક્ષરધામમાં પધારી સ્વામીશ્રીએ  સૌ પ્રથમ નીલકંઠવણીનો અભિષેક કરી સૌના કલ્યાણની કામના કરી. સ્વામીશ્રી નારાયણ સરોવર પાસે પધાર્યા ત્યારે આજના પ્રસંગનો પૂર્વવિધિ ચાલુ હતો. અક્ષરધામ ઉદ્‌ઘાટન વખતે જે જગ્યાએ નારાયણ સરોવરને તીર્થત્વ આપવાની વિધિ થઈ હતી બરાબર એ જ જગ્યાએ છેલ્લા પગથિયે વેદિકા કરી તે પર ભગવાન સ્વામિનારાયણનાં ચરણારવિંદ તથા ગુણાતીતાનંદ સ્વામીના પ્રાસાદિક પથ્થરના અંશને સ્થાપવામાં આવ્યો હતો. સ્વામીશ્રી અહીં બિરાજ્યા. ૧૫૧ પવિત્ર નદીઓનું જળ ભરેલો કળશ લઈ સ્વામીશ્રીએ પવિત્ર મંત્રોના નાદ સાથે નારાયણ સરોવરને પુનઃ તીર્થત્વ આપવાનો પ્રારંભ કર્યો. બંને હાથે કળશ પકડીને સ્વામીશ્રી નારાયણ સરોવરમાં જળ પધરાવી રહ્યા હતા. સંતો અને સેવકો પણ જળ પધરાવી રહ્યા હતા. સામે ગોમુખમાંથી ગંગાધારા પણ નારાયણ સરોવરમાં વહી રહી હતી. જળને તીર્થત્વ આપ્યા પછી સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજ સહિત નારાયણ સરોવરની આરતી ઉતારી સૌને વિશેષ સ્મૃતિ આપી.
પ્રતીક પુષ્પદોલોત્સવ
તા. ૨૮-૨-૨૦૦૯ના રોજ સ્વામીશ્રીના સાંનિધ્યમાં પ્રતીક પુષ્પદોલોત્સવનો લાભ પ્રાપ્ત કરી દિલ્હીવાસીઓ ધન્ય બન્યા હતા. આજના દિવસે સ્વામીશ્રી પ્રાતઃપૂજામાં પધાર્યા ત્યારે પાર્શ્વભૂમાં સુંદર સુવર્ણરસિત કાષ્ઠની કોતરણીયુક્ત સિંહાસનમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ગુરુપરંપરાની મૂર્તિઓ વિરાજિત હતી. પુષ્પદોલોત્સવને અનુરૂપ રંગીન વાઘાથી ઠાકોરજી શોભી રહ્યા હતા. મંચની ધાર પર રંગ ભરેલી થાળીઓ રાખવામાં આવી હતી. પ્રાતઃ પૂજામાં યોગીપ્રેમ સ્વામી તથા અખંડદર્શન સ્વામીએ રંગોત્સવનાં કીર્તનો ગાયાં. પૂજાના અંતે 'વરતાલ ગામ ફૂલવાડીએ...' કીર્તનના તાલે તાલ આપી સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌના અંતરમાં ભક્તિનો રંગ ભરી દીધો હતો.

પ્રાતઃ પૂજા બાદ સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજને સુવર્ણરસિત પિચકારી વડે કેસરજળથી અભિષિક્ત કર્યા. ત્યારબાદ સર્વ સંતોએ હરિકૃષ્ણ મહારાજને કેસર-જળથી અભિષિક્ત કર્યા. હરિકૃષ્ણ મહારાજના પ્રસાદીભૂત જળને અન્ય જળ સાથે મિશ્રિત કરી સૌ પર રંગવર્ષા કરવામાં આવી. આરંગોત્સવ પછી સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા.
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |